શ્રીમુખે કહેલું ચરિતામૃત – શ્રીરામકૃષ્ણ કોણ? – મુક્તકંઠ – આહુસ્ત્વામ્ ઋષયઃ સર્વે દેવર્ષિર્નારદસ્તથા અસિતો દેવલો વ્યાસઃ સ્વયં ચૈવ બ્રવીષિ મે
શ્રીરામકૃષ્ણ (મણિને) – ઈશ્વર ભક્તોને માટે દેહ ધારણ કરીને જ્યારે આ પૃથ્વી પર આવે, ત્યારે તેની સાથે સાથે ભક્તોય આવે; કોઈ અંતરંગ, કોઈ બહિરંગ, કોઈ ભંડારી.
‘દસ અગિયાર વરસની ઉંમરે દેશમાં વિશાલાક્ષીનાં દર્શને જતાં ખેતરમાં એ અવસ્થા થઈ. ત્યાં કંઈક જોયું ને એકદમ સંજ્ઞાહીન થઈ ગયો!

વિશાલાક્ષી મંદિર, આનુર
‘જ્યારે (મારી) બાવીસ ત્રેવીસ વરસની ઉંમર (ઈ.સ. ૧૮૫૮-૫૯) હતી ત્યારે કાલી-મંદિરમાં (મા) બોલ્યાં, ‘તું શું અક્ષર થવા ઇચ્છે છે?’ હું ‘અક્ષર’ (શબ્દ)નો અર્થ જાણું નહિ! મેં હલધારીને પૂછ્યું. એટલે હલધારી કહે કે ‘ક્ષર એટલે જીવ, અને અક્ષર એટલે પરમાત્મા.’
‘જ્યારે આરતી થતી, ત્યારે બાબુના બંગલા ઉપરથી બૂમો પાડતો, ‘અરે ઓ ભક્તો! તમે બધા ક્યાં છો, આવો ને! આ બધા વહેવારી માણસોની સાથે રહીને મારો જીવ જાય છે!’ મારી અવસ્થા વિશે ઈંગ્લિશ-મેનને (અંગ્રેજી ભણેલા લોકોને) કહ્યું. તેઓ કહે કે ‘એ બધા તમારા મનના ખ્યાલ!’ એ વખતે ‘એમ જ હશે’ માનીને શાંત થયો! પરંતુ હવે તો એ બધુંય મળતું આવે છે! બધા ભક્તો આવીને મળ્યા છે!’
‘તેમ વળી (માએ) દેખાડ્યા’તા પાંચ માણસો દાનવીર, મારો ખર્ચ ઉપાડનારા. પહેલા સેજો બાબુ (મથુરબાબુ). ત્યાર પછી શંભુ મલ્લિક, એને પહેલાં ક્યારેય જોયા ન હતા. ભાવ અવસ્થામાં જોયું કે ગૌરવર્ણ પુરુષ, માથા પર તાજ. જ્યારે ઘણાય દિવસ પછી શંભુને જોયા, ત્યારે યાદ આવ્યું કે આને જ પહેલાં ભાવ-અવસ્થામાં જોયેલા. બીજા ત્રણ જણ દાતાઓ હજી સુધી નક્કી થતા નથી. પરંતુ બધા ગૌરવર્ણ. સુરેન્દ્ર ઘણું કરીને દાતા હોય એમ લાગે છે.
‘આ (ઈશ્વર-દર્શનની) અવસ્થા જ્યારે થઈ, ત્યારે બરાબર મારા જેવો જ એક (પુરુષ) આવીને, ઈડા, પિંગળા ને સુષુમ્ણા નાડીઓને વાળી-ઝૂળીને શુદ્ધ કરી ગયો. ષટ્ચક્રના એક એક પદ્મમાં જીભ વડે રમણ કરે, અને અધોમુખ પડેલું પદ્મ ઊર્ધ્વમુખ થઈ જાય! છેવટે સહસ્રાર પદ્મ પ્રસ્ફુટિત થઈ ગયું!
‘જ્યારે જે પ્રકારનો ભક્ત આવવાનો હોય, તે અગાઉથી મા દેખાડી દેતાં. આ ખુલ્લી આંખોએ, ભાવ-અવસ્થામાં નહિ, મેં જોયું કે ચૈતન્યદેવની સંકીર્તનમંડળી વડતળાથી બકુલતળા તરફ જઈ રહી છે. તેની અંદર બલરામને જોયા, અને જાણે કે તમને જોયા. ચૂનીલાલને અને તમને આવજા કરવાથી જાગૃતિ આવી છે. શશી અને શરદને જોયા હતા, કે હૃષીકૃષ્ણની (ઈશુ ખ્રિસ્તની) મંડળીના હતા!
‘વડતળાની નીચે એક બાળકને જોયો હતો. હૃદુ કહે કે ‘ત્યારે તમને એક પુત્ર થશે.’ મેં કહ્યું કે ‘મારે તો માતૃયોનિ (બધી સ્ત્રીઓ માતૃવત્)! મારે પુત્ર કેમ કરીને થવાનો?’ એ પુત્ર તે આ રાખાલ.
‘માને મેં કહ્યું કે મા આવી અવસ્થામાં જો મને રાખ્યો છે, તો પછી એક મોટો માણસ મેળવી આપો. એટલે સેજો બાબુ (મથુરબાબુ) એ ચૌદ વરસ સુધી (૧૮૫૮ થી ૧૮૭૧, મથુરનું મૃત્યુ ૧૪ જુલાઈ, ૧૮૭૧) સેવા કરી. અને એ કેટલા પ્રકારે? એક આખો કોઠાર જુદો કરી દીધેલો સાધુ સેવાને માટે. ગાડી, પાલખી, જેને જે આપવાનું કહેતો, તેને તે અપાતું. ભૈરવી બ્રાહ્મણી હિસાબ રાખતી – પ્રતાપરુદ્ર. (ભૈરવી બ્રાહ્મણી મથુરને પ્રતાપરુદ્ર કહેતી. આ બધાં દાનધર્મ ઇત્યાદિ કાર્યાેની ખોજખબર લેતી.)
‘વિજય (ગોસ્વામીએ) આ રૂપે (અર્થાત્ શ્રીરામકૃષ્ણરૂપે) મારાં પ્રત્યક્ષ દર્શન કર્યાં છે. એ શું કહો જોઈએ? એ કહે કે ‘તમને જેમ અડું છું તેમ (મેં ઢાકામાં) તમને અડકી જોયા છે.’
‘નોટો (લાટુ)એ ગણતરી કરી તો એકત્રીશ ભક્તો થયા. એ કંઈ એટલા બધા ક્યાં છે? પણ હવે કેદાર અને વિજય કેટલાક કરે છે!
‘ભાવ-અવસ્થામાં (માએ) બતાવ્યું, કે છેવટે (છેલ્લી અવસ્થાએ) ખીર ખાઈને રહેવું પડશે!
‘આ માંદગીમાં પત્ની (ભક્તોનાં શ્રીશ્રી મા શારદામણિદેવી) ખીર ખવરાવતી હતી ત્યારે હું રડી પડ્યો, એમ કહીને કે ‘આનું નામ શું ખીર ખાવી! આટલી વેદનાપૂર્વક!’




