ઈશ્વર-પ્રાપ્તિ માટે શ્રીયુત્ નરેન્દ્રની આતુરતા
ઠાકુર શ્રીરામકૃષ્ણ કાશીપુરના બગીચામાં ઉપરના પેલા પૂર્વપરિચિત ઓરડામાં બેઠેલા છે. દક્ષિણેશ્વર કાલીમંદિરેથી શ્રીયુત્ રામ ચેટર્જી તેમના ખબર અંતર પૂછવા આવ્યા હતા. ઠાકુર એ બધી વાતો મણિની સાથે કરી રહ્યા છે. કહે છે કે ‘ત્યાં (દક્ષિણેશ્વરમાં) અત્યારે શું બહુ જ ઠંડી હશે?’
આજ સોમવાર, માગશર વદ ચૌદશ. તા. ૪થી જાન્યુઆરી, ઈ.સ. ૧૮૮૬. બપોર પછી ચાર વાગી ગયા છે.

શ્રીઠાકુરનો ઓરડો, કાશીપુર
નરેન્દ્રનાથ આવીને બેઠા. ઠાકુર વચ્ચે વચ્ચે તેને જુએ છે અને તેની સામે જોઈને મોં મલકાવે છે. જાણે કે તેમનો સ્નેહ ઊછળી પડે છે. મણિને ઇશારતમાં કહે છે કે ‘રડ્યો હતો!’
ઠાકુર જરા ચૂપ રહ્યા. વળી મણિને સંકેત કરીને કહે છે કે ‘રોતો રોતો ઘેરથી આવ્યો’તો?’ બધા ચૂપ રહ્યા છે. હવે નરેન્દ્ર વાત કરે છે.
નરેન્દ્ર – આજે ત્યાં જવાનો મેં વિચાર કર્યાે છે.
શ્રીરામકૃષ્ણ – ક્યાં?
નરેન્દ્ર – દક્ષિણેશ્વર; બીલીના ઝાડ નીચે. ત્યાં રાત્રે ધૂણી સળગાવીશ.
શ્રીરામકૃષ્ણ – ના. પેલા લોકો (દારૂખાનાના કારખાનાના માલિકો) સળગાવવા દેશે નહિ. એના કરતાં પંચવટી સારી જગા; ત્યાં અનેક સાધુઓએ ધ્યાન જપ કર્યાં છે. પણ ત્યાં ટાઢ બહુ અને અંધારું!
બધા ચૂપ રહ્યા છે. ઠાકુર વળી વાત કરે છે.
શ્રીરામકૃષ્ણ (નરેન્દ્રને, હસીને) – ભણવું નથી?
નરેન્દ્ર (ઠાકુર અને મણિ તરફ જોઈને) – એવી એક દવા મળે તો સારું, કે જેથી જે બધું ભણ્યો છું તે ભૂલી જાઉં!

કાલીપદ ઘોષ
શ્રીયુત્ (વૃદ્ધ) ગોપાલ પણ બેઠા છે. એ કહે છે હું પણ એની સાથે જઈશ. શ્રીયુત્ કાલીપદ (ઘોષ) ઠાકુર માટે દ્રાક્ષ લાવ્યા હતા. દ્રાક્ષની પેટી ઠાકુરની નજીક હતી. ઠાકુર ભક્તોને દ્રાક્ષ વહેંચે છે. પ્રથમ જ નરેન્દ્રને આપી. ત્યાર પછી ચારે બાજુ હરિ લૂંટની જેમ ઉડાડી દીધી. ભક્તોએ જેને જેમ મળી તેમ વીણી લીધી.




