સંધ્યા થઈ છે. નરેન્દ્રનાથ નીચેના ઓરડામાં બેઠા બેઠા હુક્કો પીએ છે અને એકાન્તમાં મણિની પાસે, પોતાના પ્રાણ ઈશ્વર-દર્શન સારુ કેવા વ્યાકુળ થયા છે, એ વાત કરે છે.
નરેન્દ્ર (મણિને) – ગયે શનિવારે અહીં ધ્યાન કરતો હતો. અચાનક છાતીમાં કંઈક થઈ આવ્યું!
મણિ – કુંડલિની-જાગરણ.
નરેન્દ્ર – એ જ હશે. સ્પષ્ટ અનુભૂતિ થઈ – ઈડા અને પિંગળા નાડીને ચોખ્ખી ઓળખી શક્યો. હાજરાને કહ્યું કે મારી છાતીએ હાથ મૂકી જો તો!
ગઈ કાલે રવિવારે ઉપર જઈને ઠાકુરને મળ્યો અને એમને બધું કહ્યું.
મેં કહ્યું કે બધાને (આધ્યાત્મિક) અનુભવ થયા, મને કંઈક આપો. સૌને થયો ને મને નહિ?
મણિ – તેમણે તમને શું કહ્યું?
નરેન્દ્ર – તેઓ બોલ્યા કે તું તારા ઘરની એક વ્યવસ્થા કરી આવ ને, પછી બધું થઈ રહેશે. તારે શું જોઈએ? –
(Sri Ramakrishna and the Vedanta – નિત્ય અને લીલા બંનેનો સ્વીકાર)
– મેં કહ્યું – મારી ઇચ્છા એવી છે કે એકી સાથે ત્રણ ચાર દિવસ સુધી સમાધિમાં રહેવું! વચ્ચે ક્યારેક એકાદ વાર ખાવા સારુ જાગવું.’ ઠાકુર કહે છે કે ‘તું તો ભારે હીન બુદ્ધિવાળો! એ અવસ્થાથીએ વધુ ઊંચી અવસ્થા છે. તું જ ગાય છે ને કે ‘જો કુછ હૈ સો તું હિ હૈ?’
મણિ – હા, ઠાકુર હંમેશાં કહે છે ખરા, કે સમાધિમાંથી ઊતરી આવીને સાધક જુએ કે ઈશ્વર જ જીવજગત વગેરે આ સર્વ કાંઈ થયેલ છે. એ અવસ્થા ઈશ્વર – કોટિને થઈ શકે. ઠાકુર કહે છે કે ‘જીવ – કોટિનો સાધક કદાચ સમાધિ – અવસ્થા પ્રાપ્ત કરે તોય તેમાંથી પાછો ઊતરી આવી શકે નહિ.’
નરેન્દ્ર – એમણે કહ્યું કે તું તારા ઘરની કંઈક વ્યવસ્થા કરી આવ, પછી તને સમાધિથીયે ઊંચી અવસ્થા મળી શકશે.
આજે સવારે ઘેર ગયો. ત્યાં બધાં મને ઠપકો આપવા લાગ્યાં અને કહેવા લાગ્યાં કે ‘શું હો હો કરતો બહાર ભટક્યા કરે છે? કાયદાની પરીક્ષા (એલએલબી) સાવ નજીક; તોય વાંચવા કરવાનું મૂકીને બહાર રખડ્યા કરે છે?
મણિ – તમારી બા કંઈ બોલ્યાં?

નરેન્દ્ર (સ્વામી વિવેકાનંદ)નાં માતા ભુવનેશ્વરીદેવી
નરેન્દ્ર – ના, એ તો જમાડવા સારુ જ ઉતાવળાં.. પછી જમ્યો. પણ જમવાની ઇચ્છા હતી નહિ.
મણિ – પછી.
નરેન્દ્ર – મારી નાનીમાને ઘેર પેલી વાંચવાની ઓરડીમાં વાંચવા ગયો. પણ વાંચવા બેસતાં ભણતરનું વાંચવામાં એક પ્રકારનો ભયંકર ડર લાગ્યો; જાણે કે ભણવું એ એક બહુ ભયાનક વસ્તુ! પ્રાણ આકુળવ્યાકુળ થવા લાગ્યા! એટલા જોરથી રડવું આવ્યું કે એવો હું ક્યારેય રડ્યો નથી!
ત્યાર પછી ચોપડાં બોપડાં ફેંકીને મૂકી દોટ! રસ્તા પર થઈને માંડ્યો દોડવા. જોડા બોડા કોણ જાણે ક્યાંય રસ્તામાં એક બાજુએ ઊડી પડ્યા! ઘાસની ગંજીની પાસે થઈને દોડ્યો જતો હતો; તે આખે શરીરે બધું ઘાસ ઘાસ! હું તો દોડ્યો જ જાઉં છું, કાશીપુરના રસ્તા પર.
નરેન્દ્ર જરા બોલતા બંધ થયા. વળી વાતો કરે છે.
નરેન્દ્ર – વિવેક-ચૂડામણિ વાંચીને ઊલટી વધારે મૂંઝવણ થઈ છે. શંકરાચાર્ય કહે છે કે ‘મનુષ્યત્વં, મુમુક્ષુત્વં, મહાપુરુષસંશ્રય’ આ ત્રણ વસ્તુ ઘણી તપશ્ચર્યાથી, મહદ્-ભાગ્યે મળે, મનુષ્યત્વ, મુમુક્ષુત્વ અને મહાપુરુષનો આશ્રય.
મને થયું કે આ ત્રણેય મને તો મળ્યાં છે! અનેક તપસ્યાના ફળે મનુષ્ય જન્મ મળ્યો છે, અનેક તપસ્યાના પ્રભાવે મુક્તિની ઇચ્છા થઈ છે, અને અનેક તપશ્ચર્યાના ફળરૂપે ઠાકુર જેવા મહાપુરુષનો આશ્રય મળ્યો છે.
મણિ – અહા!
નરેન્દ્ર – સંસાર હવે ગમતો નથી. સંસારમાં જેઓ છે તેઓ પણ ગમતા નથી, એક બે ભક્તો સિવાય.
નરેન્દ્ર વળી પોતાની મેળે બોલતા અટકી ગયા. નરેન્દ્રની અંદર તીવ્ર વૈરાગ્ય! અત્યારે તેના પ્રાણ આકુળવ્યાકુળ થઈ રહ્યા છે. નરેન્દ્ર ફરી પાછા વાતો કરે છે.
નરેન્દ્ર (મણિને) – આપને બધાને શાંતિ મળી છે. મારા તો પ્રાણ વ્યાકુળ થઈ રહ્યા છે! આપ સૌ ધન્ય!
મણિએ કશો જવાબ આપ્યો નહિ; મૂંગા બની ગયા છે. મનમાં વિચાર કરે છે કે ઠાકુરે કહ્યું છે કે ઈશ્વર સારુ આકુળવ્યાકુળ થવું જોઈએ. તો ઈશ્વર દર્શન થાય.
સંધ્યા પછી તરત જ મણિ ઉપરના ઓરડામાં ગયા. જોયું તો ઠાકુર ઊંધી ગયા છે.
સમય રાત્રિના લગભગ નવ. ઠાકુરની પાસે નિરંજન અને શશી છે. ઠાકુર જાગી ગયા છે. રહી રહીને નરેન્દ્રની જ વાત કરે છે.
શ્રીરામકૃષ્ણ – નરેન્દ્રની અવસ્થા કેવી નવાઈ ભરી! જુઓ, આ નરેન્દ્ર અગાઉ સાકારને માનતો નહિ! જોયું, એના પ્રાણ હવે ઈશ્વર-દર્શનને માટે કેવા વ્યાકુળ થયા છે? વાતમાં છે ને કે એક જણાએ પૂછ્યું હતું કે ઈશ્વરને કેમ કરીને મેળવી શકાય. તેના ગુરુએ કહ્યું કે ચાલ મારી સાથે; તને દેખાડી દઉં કે કેમ કરીને ઈશ્વર-દર્શન થાય! એમ કહીને તેને એક તળાવે લઈ જઈને જળમાં દબાવી રાખ્યો. થોડીક વાર પછી તેને મૂકી દીધો. પછી ગુરુએ પૂછ્યું કે ‘તને કેવું લાગતું હતું?’ પેલાએ કહ્યું કે ‘અરે, એવું થતું હતું કે જાણે જીવ નીકળી જશે!’
‘જ્યારે ઈશ્વર સારુ પ્રાણ એવો વ્યાકુળ થાય ત્યારે જાણજે કે દર્શન થવામાં હવે બહુ વાર નથી. અરુણ ઉદય થાય, પૂર્વ દિશા લાલ થાય, ત્યારે સમજી શકાય કે હવે સૂર્ય ઊગશે.’
આજે ઠાકુરનું દરદ વધ્યું છે. શરીરમાં આટલી વેદના! તોય નરેન્દ્ર સંબંધી આ બધી વાતો ઇશારાથી કરી રહ્યા છે.
નરેન્દ્ર એ રાત્રે જ દક્ષિણેશ્વર ચાલ્યા ગયા છે. ગાઢ અંધકાર, અમાસની રાત. નરેન્દ્રની સાથે એક બે ભક્તો. મણિ રાત્રે કાશીપુરના બગીચાવાળા મકાનમાં જ રહ્યા છે. સ્વપ્નમાં જુએ છે કે પોતે સંન્યાસી-મંડળની વચ્ચે બેઠેલા છે!




