ઠાકુર શ્રીરામકૃષ્ણ અધરને ઘેર આવ્યા છે. રામલાલ, માસ્ટર, અધર અને બીજા ભક્તો અધરના દીવાનખાનામાં તેમની પાસે બેઠા છે. પાડોશના બે ચાર માણસો ઠાકુરનાં દર્શન કરવા આવ્યા છે. રાખાલના પિતા કોલકાતામાં છે. એટલે રાખાલ ત્યાં છે.

શ્રીરામકૃષ્ણ (અધરને): કેમ, રાખાલને ખબર આપ્યા નથી?

અધર: જી હા. તેમને ખબર આપ્યા છે.

રાખાલને માટે ઠાકુરને આતુર જોઈને અધરે વધુ કાંઈ ન બોલતાં રાખાલને તેડી લાવવા માટે એક માણસની સાથે પોતાની ગાડી મોકલી દીધી.

અધર આવીને ઠાકુરની પાસે બેઠા. આજ ઠાકુરનાં દર્શન સારુ અધર બહુ જ આકુળવ્યાકુળ થયા હતા. ઠાકુરનું આજે અહીંયાં આવવાનું પહેલેથી કશું નક્કી કરેલું નહોતું. ઈશ્વર-ઇચ્છાથી તેઓ આવી ગયા છે.

અધર: આપ ઘણાય દિવસ થયાં આવ્યા ન હતા. આજે મેં આપને ખૂબ યાદ કર્યા હતા, એટલે સુધી કે આંખમાંથી આંસુ પડ્યાં હતાં.

શ્રીરામકૃષ્ણ (પ્રસન્ન થઈને હસીને): શું કહો છો?

સંધ્યા થઈ છે. દીવાનખાનામાં દીવો કરવામાં આવ્યો. ઠાકુરે હાથ જોડીને જગન્માતાને પ્રણામ કર્યા અને મૂંગા મૂંગા મૂલમંત્રનો જપ કરી લીધો એમ જણાયું. ત્યાર પછી મધુર સ્વરે ભગવાનનું નામ લે છે. બોલે છેઃ ‘ગોવિંદ, ગોવિંદ, સચ્ચિદાનંદ, હરિબોલ, હરિબોલ!’ ભગવાનનાં નામ લે છે તે જાણે મધુ ઝરે છે! ભક્તો આશ્ચર્યચક્તિ થઈને એ નામ-સુધાનું પાન કરી રહ્યા છે. ત્યાર બાદ શ્રીયુત્ રામલાલ ગીત ગાય છેઃ

ભુવન ભુલાવિયું મા, હર-મોહિની,

મૂલાધાર-મહોત્પલે, વીણા-વાદ્ય-વિનોદિની…

શરીર શારીરયંત્રે સુષુમ્ણાદિત્રય તંત્રે;

ગુણભેદ મહામંત્રે, ગુણત્રણ વિભાગિની

આધારે ભૈરવાકાર, ષડ્દલે શ્રી-રાગ બહાર,

મણિપુરમાં મલ્હાર, વસંત હૃત્‌પ્રકાશિની…

વિશુદ્ધ હિંડોલ-સૂરે, કર્ણાટક આજ્ઞા-પુરે,

તાન-લય-માન-સૂરે, ત્રય ગ્રામ સંચારિણી –

મહામાયા મોહપાશે, બદ્ધ કરો અનાયાસે,

તત્ત્વ લઈ તત્ત્વાકાશે, સ્થિર છો ઓ સૌદામિની…

શ્રીનંદકુમાર કહે, તત્ત્વ ન નિશ્ચય થાય,

તવ તત્ત્વ ગુણ ત્રય, કાકીમુખ આચ્છાદિની..

રામલાલે વળી ગાયુંઃ

ભવદારા ભયહરા નામ સુણ્યું છે તારું,

તેથી તો આ વેળા મૂક્યો છે ભાર, તારા, તારો કે ન તારો મા

તમે મા બ્રહ્માંડધારી, બ્રહ્માંડ-વ્યાપક, કોણ જાણે તમોને, તમે કાલી કે રાધિકા-

ઘટઘટમાં તમે, હર ઘટમાં છો જનની; મૂલાધાર ચક્રમાંહી રહો કુલકુંડલિની-

તેથી ઊંચે આવેલું છે, ચક્ર નામે સ્વાધિષ્ઠાન, ચતુર્દલ – પદ્મે ત્યાં રહ્યાં થઈ અધિષ્ઠાન-

ચતુર્દલે રહો તમે, કુલકુંડલિની, ષટ્દલ વજ્રાસને બેસો મા પાપમોચની –

તેથી ઊંચે નાભિસ્થાન, મા, મણિપુર કહે, નીલવર્ણ, દશદલ પદ્મ તે સ્થાને રહે;

સુષુમ્ણા-માર્ગે થઈ આવો હે જનની, કમલે કમલે રહો, કમલે કામિની –

તેથીય ઊંચે છે માતા, સુધા-સરોવર, રક્તવર્ણ દ્વાદશદલ પદ્મ મનોહર –

પાદ-પદ્મ દઈ જો મા, આ પદ્મ પ્રકાશો, હૃદયમાં છે વિભાવરી, તિમિર વિનાશો-

તેથીય ઊંચે છે માતા, નામ કંઠ-સ્થળ, ધૂમ્રવર્ણનું પદ્મ છે, થઈ ષોડશ-દળ –

એ પદ્મની અંદર છે કમલ-આકાશ, એ આકાશ રુદ્ધ થાય, સર્વ કંઈ આકાશ-

તેથીય ઊંચે લલાટ સ્થાન, મા, ત્યાં છે દ્વિદલ પદ્મ, સદાયે રહેલું છે મન થઈ બદ્ધ –

મન તો માને નહિ મારું, મન સારું નહિ, દ્વિદલે બેસીને રંગ દેખે સદાય –

તેથીય ઊંચે મસ્તકે, સ્થાન મા અતિ મનોહર, સહસ્રદલ પદ્મ રહ્યું છે તેની અંદર –

ત્યાં રહ્યા છે, પરમ શિવ પોતે, એ શિવની પાસે બિરાજો મા શિવે! તમે –

તમે આદ્યશક્તિ મા, જિતેન્દ્રિય નારી, યોગીન્દ્ર મુનીન્દ્ર ચિંતે નગેન્દ્ર-કુમારી-

હરો શક્તિ હર- શક્તિ સંહારવાની આ વાર, જાણે આવવું ન પડે, મા ભવમાં પારાવાર –

તમે આદ્યશક્તિ માતા, તમે પંચતત્ત્વ, કોણ શકે જાણી તમને, તમે છો તત્ત્વાતીત;

ઓ મા ભક્ત સારુ ચરાચરે, તમે છો સાકાર, પાંચે પાંચમાં લય પામ્યે, તમે નિરાકાર –

નિરાકાર સચ્ચિદાનંદ – દર્શન – ષડ્ચક્રભેદ – નાદભેદ અને સમાધિ

શ્રીયુત્ રામલાલ જ્યારે ગાય છે કે-

‘તેથીય ઊંચે છે માતા, નામ કંઠ-સ્થળ, ઘૂમ્રવર્ણનું પદ્મ છે, થઈ ષોડશ-દળ –

એ પદ્મની અંદર છે કમલ-આકાશ, એ આકાશ રુદ્ધ થાય, સર્વ કંઈ આકાશ.’

ત્યારે શ્રીરામકૃષ્ણ માસ્ટરને કહે છેઃ ‘એય્ આ સાંભળો, આનું નામ નિરાકાર સચ્ચિદાનંદનું દર્શન, વિશુદ્ધ-ચક્ર ભેદ થયે ‘સર્વ કંઈ આકાશ.’

માસ્ટર: જી હા.

શ્રીરામકૃષ્ણ: આ માયા, જીવ, જગત પાર થઈને જવાય ત્યારે જ નિત્યમાં પહોંચાય, નાદ-ભેદ થયે સમાધિ થાય. ૐકારની સાધના કરતાં કરતાં નાદ-ભેદ થાય અને સમાધિ થાય.

Total Views: 393
ખંડ 15: અધ્યાય 3 : ઠાકુર શ્રીરામકૃષ્ણ ભક્તો સાથે કોલકાતાના રાજપથે
ખંડ 15: અધ્યાય 5 : યદુ મલ્લિકના ઘરે - સિંહવાહિની સન્મુખે - સમાધિભાવમાં