જ્ઞાનયોગ અને નિર્વાણમત

આજે રવિવાર. અષાઢ વદ ત્રીજ, અંગ્રેજી ૨૨મી જુલાઈ, ૧૮૮૩. ભક્તો વળી શ્રીરામકૃષ્ણ પરમહંસદેવનાં દર્શન કરવા આવ્યા છે. બીજે બધે વારે તેઓ ઘણે ભાગે આવી શકતા નથી. રવિવારે તેમને સમય મળે. અધર, રાખાલ, માસ્ટર કોલકાતાથી ગાડી કરીને એક-બે વાગ્યાને સુમારે કાલી-મંદિરે પહોંચ્યા. ઠાકુર શ્રીરામકૃષ્ણ જમીને આરામ લઈને ઊઠ્યા છે. ઓરડામાં મણિ મલ્લિક વગેરે બીજા કેટલાક ભક્તો બેઠા છે.

રાસમણિના કાલી-મંદિરના વિશાળ આંગણાના પૂર્વભાગમાં શ્રીરાધાકાંતનું અને શ્રીભવતારિણીનું મંદિર. પશ્ચિમ ભાગમાં બાર શિવ-મંદિર, હારબંધ શિવમંદિરોની બરાબર ઉત્તરે શ્રીપરમહંસદેવનો ઓરડો. ઓરડાની પશ્ચિમે અર્ધમંડલાકાર ઓસરી. ત્યાં ઊભા ઊભા પશ્ચિમાભિમુખ થઈને પરમહંસદેવ ગંગા-દર્શન કરે.

ગંગા પરના પુસ્તા અને ઓસરીની વચમાંથી જમીનના વિભાગમાં દેવાલયની ફૂલવાડી ઘણે લાંબે સુધી પથરાયેલી. દક્ષિણમાં બગીચાની સીમા સુધી, ઉત્તરમાં પંચવટી સુધી, કે જ્યાં ઠાકુર શ્રીરામકૃષ્ણે તપસ્યા કરી હતી; અને પૂર્વમાં બગીચાના બેઉ દરવાજા સુધી. પરમહંસદેવના ઓરડાની સામે બે ગુલમોરનાં ઝાડ. નજીકમાં જ ગંધરાજ, કોકીલાક્ષ, શ્વેત અને લાલ કરેણ. ઓરડાની અંદર દીવાલે દેવ-દેવીઓની છબીઓ. તેમાં પીટર જળમાં ડૂબી રહ્યો છે અને ઈશુ તેનો હાથ પકડીને બહાર કાઢી રહ્યો છે એ છબી પણ છે. એ ઉપરાંત એક બુદ્ધદેવની આરસની મૂર્તિ પણ છે.

પરમહંસદેવ પાટ ઉપર ઉત્તરાભિમુખ થઈને બેઠા છે. ભક્તો જમીન ઉપર કોઈ સાદડી પર તો કોઈ આસનો પર બેઠા છે. સૌ એ મહાપુરુષની આનંદમૂર્તિ એક નજરે જોઈ રહ્યા છે. ઓરડાની જરાક દૂર પુસ્તાની પશ્ચિમ બાજુએ પવિત્ર ગંગા દક્ષિણવાહિની થઈને વહી રહી છે. વર્ષાકાળનો વેગબંધ વહેતો પ્રવાહ જાણે કે સાગર સંગમે પહોંચવા સારુ કેટલો અધીરો! માર્ગમાં માત્ર એક વાર મહાપુરુષના ધ્યાન-મંદિરનાં દર્શન-સ્પર્શન કરીને ચાલ્યો જાય છે.

શ્રીયુત્ મણિ મલ્લિક જૂના બ્રાહ્મભક્ત. ઉંમર સાઠ પાંસઠ. થોડા દિવસ પહેલાં કાશીધામની યાત્રાએ ગયા હતા. આજ ઠાકુરનાં દર્શન કરવા આવ્યા અને તેમની કાશીધામની યાત્રાનું વર્ણન કરી રહ્યા છે.

મણિ મલ્લિક: બીજા એક સાધુને જોયો. તે કહે કે ઇન્દ્રિય-સંયમ થયા વિના કાંઈ વળે નહિ. એકલું ઈશ્વર-ઈશ્વર કર્યે શું વળે?

શ્રીરામકૃષ્ણ: એ લોકોનો મત શો, તે જાણો છો? પ્રથમ સાધના જોઈએ; શમ, દમ, તિતિક્ષા, જોઈએ. તેઓ નિર્વાણનો પ્રયાસ કરે, તેઓ વેદાન્તવાદી, કેવળ વિચાર કરે, કે બ્રહ્મ સત્ય જગત મિથ્યા. એ બહુ કઠણ માર્ગ. જગત્‌ મિથ્યા હોય તો તમેય મિથ્યા, જે બોલે છે તેય મિથ્યા. તેની વાત પણ સ્વપ્નવત્. એ તો બહુ દૂરની વાત. એ શેના જેવું ખબર છે? જેમ કે કપૂર સળગાવીએ તો કાંઈ બાકી રહે નહિ તેમ. લાકડું બળે તો રાખેય બાકી રહે. છેવટના વિચારને અંતે સમાધિ થાય. ત્યારે ‘હું’, ‘તું’, જગત એ કશાનું ભાન રહે નહિ.

પંડિત પદ્મલોચન અને વિદ્યાસાગર સાથે મિલન

પદ્મલોચન મોટો જ્ઞાની હતો, છતાં હું ‘મા’ ‘મા’ કરતો તોય મારા પ્રત્યે ખૂબ માન રાખતો. તે હતો બર્દવાનના રાજાનો સભાપંડિત. કોલકાતામાં આવ્યો હતો. આવીને કામારહાટિની પાસે એક બગીચામાં ઊતર્યો હતો.

મને એ પંડિતને મળવાની ઇચ્છા થઈ. તેને અભિમાન છે કે નહિ તે જાણવા હૃદયને મોકલ્યો. સાંભળ્યું કે તેનામાં પંડિતાઈનું અભિમાન નથી. પછી મારી સાથે તેની મુલાકાત થઈ.

એવો જ્ઞાની અને પંડિત, તોય મારે મોઢે રામપ્રસાદનું ગીત સાંભળીને રડી પડ્યો! વાતચીત કરીને એવું સુખ ક્યાંય મળ્યું નથી. મને કહે, ‘ભક્તનો સંગ કરું’ એ કામનાનો ત્યાગ કરો, નહિતર તરેહતરેહના માણસો આવીને તમને પતિત કરશે. વૈષ્ણવચરણના ગુરુ ઉત્સવાનંદ સાથે લેખિત વાદ થયો હતો. વળી મને કહે છે કે તમે જરા સાંભળો. એક સભામાં વાદ થયો હતોઃ શિવ મોટા કે બ્રહ્મા.

આખરે બ્રાહ્મણ પંડિતોએ પદ્મલોચનનો અભિપ્રાય પૂછ્યો. પદ્મલોચન સાવ સરલ. તેણે કહ્યું કે મારા બાપ-દાદાની સાત પેઢીમાંથી કોઈએ શિવનેય જોયા નથી કે બ્રહ્માનેય જોયા નથી! મારા કામ-કાંચન-ત્યાગ વિષે સાંભળીને મને એક દિવસ કહે કે એ બધું ત્યાગ કરો છો શા માટે? આ રૂપિયા, આ માટી એવી ભેદ-ભાવના તો અજ્ઞાનથી થાય. હું એને શો જવાબ દઉં? મેં કહ્યું કે કોણ જાણે બાપુ, પણ મને પૈસા-ટકા અને એ બધું ગમતું નથી.

વિદ્યાસાગરમાં દયા, પણ અંતરે સોનું છુપાયેલ છે

એક પંડિતને બહુ અભિમાન હતું. ઈશ્વરનું સાકાર રૂપ માનતો નહિ. પરંતુ ઈશ્વરનું કાર્ય કોણ સમજે? તેમણે આદ્યશક્તિ રૂપે દર્શન દીધાં. પંડિત કેટલીક વાર સુધી બેહોશ થઈ રહ્યો. જરાક હોશ આવ્યા પછી ‘કા…! કા…! કા…! (અર્થાત્ કાલી) એટલું જ બોલવા લાગ્યો.

ભક્ત: મહાશય, આપ વિદ્યાસાગરને મળ્યા છો, તે આપને કેવા લાગ્યા?

શ્રીરામકૃષ્ણ: વિદ્યાસાગરમાં પાંડિત્ય છે, દયા છે, પરંતુ અંર્તષ્ટિ નથી. અંદર સોનું છુપાયેલું છે. જો એ સોનાનો પત્તો મળત તો તે આટલું બહારનું કામ જે કરી રહ્યા છે, એ બધું ઓછું થઈ જાત. છેવટે એકદમ ત્યાગ થઈ જાત. અંતરમાં હૃદયની અંદર ઈશ્વર છે એ વાત જાણી શકત તો તેના જ ધ્યાન-ચિંતનમાં મન જાત. કોઈ કોઈને નિષ્કામ કર્મ ઘણા દિવસ સુધી કરતાં કરતાં છેવટે વૈરાગ્ય આવે અને એ તરફ મન જાય નહીં, ઈશ્વરમાં મન લીન થાય.

ઈશ્વર વિદ્યાસાગર જે કામ કરે છે તે બહુ સારું. દયા બહુ સારી. દયા અને માયામાં ઘણો ફેર. દયા સારી, માયા સારી નહિ. માયા એ સગાંવહાલાં ઉપરનો પ્રેમ, માત્ર સ્ત્રી-પુત્ર, ભાઈ, બહેન, ભત્રીજો, બાપ, મા, એ બધાં ઉપરનો પ્રેમ. દયા એટલે પ્રાણીમાત્ર ઉપર સમાન પ્રેમ.

Total Views: 390
ખંડ 15: અધ્યાય 6 : ખેલાત ઘોષના ઘરે શુભાગમન - વૈષ્ણવોને ઉપદેશ
ખંડ 15: અધ્યાય 8 : ‘ગુણત્રય વ્યતિરિક્તં સચ્ચિદાનંદ સ્વરૂપઃ’ ‘બ્રહ્મ ત્રિગુણાતીત - મોઢેથી બોલી શકાય નહિ’