સમાધિ ઊતરી. એ પહેલાં નરેન્દ્ર શ્રીરામકૃષ્ણની સમાધિ જોઈને ઓરડો છોડીને પૂર્વ તરફની ઓસરીમાં ચાલ્યો ગયો છે. ત્યાં હાજરા મહાશય ધાબળીના આસન ઉપર હરિનામની માળા હાથમાં રાખીને બેઠા છે. તેમની સાથે નરેન્દ્ર વાતો કરી રહ્યો છે. આ બાજુ ઓરડો ભક્તોથી ભરાઈ ગયો છે. સમાધિ ઊતર્યા પછી શ્રીરામકૃષ્ણે ભક્તો તરફ નજર કરીને જોયું તો ત્યાં નરેન્દ્ર નથી. તંબૂરો એકલો જ પડ્યો છે. અને ભક્તો બધા ઠાકુર તરફ ઉત્સુકતાથી જોઈ રહ્યા છે.
શ્રીરામકૃષ્ણ: સળગાવી ગયો છે! હવે એ ઓરડામાં રહ્યો તોય શું ને ગયો તોય શું? (કેપ્ટન વગેરેને) ચિદાનંદનો આરોપ કરો તો તમને પણ આનંદ આવશે. ચિદાનંદ તો છે જ; કેવળ આવરણ અને વિક્ષેપ. વિષયાસક્તિ જેટલી ઓછી થાય તેટલું ઈશ્વર તરફ મન જાય.
કેપ્ટન: કોલકાતાના ઘર તરફ જેટલા આગળ વધો તેટલા કાશીથી દૂર જાઓ. જેટલા કાશી તરફ જાઓ તેટલા ઘરથી દૂર જાઓ.
શ્રીરામકૃષ્ણ: શ્રીમતી જેમ જેમ કૃષ્ણ તરફ આગળ વધતાં, તેમ તેમ કૃષ્ણના શરીરની સુગંધ અનુભવતાં. ઈશ્વરની જેમ જેમ નિકટ જવાય, તેમ તેમ તેમના પ્રત્યેનાં ભાવ-ભક્તિ વધે. નદી જેમ જેમ સાગરની નજીક જાય તેમ તેમ તેમાં ભરતી-ઓટ જોઈ શકાય.
જ્ઞાનીની અંદર એકધારી ગંગા વહ્યા કરે. તેને મન બધું સ્વપ્નવત્. તે હમેશાં સ્વ-સ્વરૂપમાં રહે. ભક્તનો ભાવ એકધારો નહિ. તેમાં ભરતી-ઓટ થાય, હસે, રડે, નાચે, ગાય. ભક્ત ભગવાનની સાથે વિલાસ કરવાનું પસંદ કરે. ક્યારેક તરે, ક્યારેક ડૂબે, ક્યારેક ઉપર આવે, જેમ પાણીની અંદર બરફ ડબૂક-ડબૂક, ડબૂક-ડબૂક કરે તેમ. (હાસ્ય).
સચ્ચિદાનંદ અને સચ્ચિદાનંદમયી – બ્રહ્મ અને આદ્યશક્તિ અભેદ
‘જ્ઞાની બ્રહ્મને જાણવા ઇચ્છે. ભક્તને માટે ભગવાન – ષડૈશ્વર્યપૂર્ણ, સર્વશક્તિમાન. પરંતુ વાસ્તવિક રીતે બ્રહ્મ અને શક્તિ અભેદ. જે સચ્ચિદાનંદ, તે જ સચ્ચિદાનંદમયી. જેમ કે મણિ અને તેની જ્યોતિ.
મણિની જ્યોતિ કહેતાં જ મણિ સમજાય, મણિ કહેતાં જ મણિની જ્યોતિ સમજાય. મણિના ખ્યાલ વિના મણિની જ્યોતિનો ખ્યાલ આવી શકે નહિ. મણિની જ્યોતિનો ખ્યાલ આવ્યા વિના મણિનો ખ્યાલ આવી શકે નહિ.
સચ્ચિદાનંદ એક જ, શક્તિ-ભેદથી તેનો ઉપાધિ-ભેદ. એ કારણથી વિવિધરૂપે- ‘તે તો તું જ મા તારા!’ જ્યાં કાર્ય (સૃષ્ટિ, સ્થિતિ, પ્રલય), ત્યાં શક્તિ. પરંતુ જળ સ્થિર રહે તોય જળ અને તેમાં તરંગ-પરપોટા થાય તોય જળ. એ સચ્ચિદાનંદ જ આદ્યશક્તિ, કે જે સૃષ્ટિ, સ્થિતિ, પ્રલય કરે છે. જેમ કે કેપ્ટન જ્યારે કોઈ કામ કરે નહિ ત્યારેય તે, અને પૂજા કરે ત્યારેય તે, અને કેપ્ટન લાટ-સાહેબ (ગર્વનર)ની પાસે જાય ત્યારેય તે, માત્ર ઉપાધિમાં ફરક.
કેપ્ટન: હા, મહાશય.
શ્રીરામકૃષ્ણ: મેં એ વાત કેશવ સેનને કહી હતી.
કેપ્ટન: કેશવ સેન ભ્રષ્ટાચારી, સ્વેચ્છાચારી; તે બાબુ, સાધુ નહિ!
શ્રીરામકૃષ્ણ (ભક્તોને): કેપ્ટન મને કેશવ સેનને ઘેર જવાની ના જ પાડ્યા કરે.
કેપ્ટન: મહાશય, આપ જાઓ ત્યાં હું શું કરું?
શ્રીરામકૃષ્ણ (નારાજ થઈને): તમે રૂપિયાની ખાતર લાટ સાહેબની પાસે જઈ શકો, અને હું કેશવ સેનની પાસે જઈ શકું નહિ? તે ઈશ્વરચિંતન કરે, હરિનામ લે. શું તમે જ એમ નથી કહેતા કે ઈશ્વર જ માયા, જીવ, જગત? ઈશ્વર પોતે જ આ જીવ, જગત બધું થઈ રહેલ છે?






