મણિમોહનને ઉપદેશ – બ્રહ્મદર્શનનાં લક્ષણ – ધ્યાનયોગ

ઠાકુર શ્રીરામકૃષ્ણ નાની પાટ ઉપર મચ્છરદાનીની અંદર બેસીને ધ્યાન કરે છે. રાતના સાત-આઠનો સમય. માસ્ટર જમીન ઉપર બેઠા છે અને તેમના એક મિત્ર હરિ બાબુ પણ. આજે સોમવાર ૨૦મી ઓગસ્ટ, ઈ.સ. ૧૮૮૩, શ્રાવણ વદ બીજ.

આજકાલ હાજરા અહીં બધો વખત રહે છે. રાખાલ મોટેભાગે રહે છે. ક્યારેક અધરને ઘેર જઈને રહે. નરેન્દ્ર, ભવનાથ, અધર, બલરામ, રામ, મનોમોહન, માસ્ટર વગેરે લગભગ દર અઠવાડિયે આવીને રહે.

હૃદયે ઠાકુરની ઘણી જ સેવા કરી હતી. દેશમાં તેની માંદગીના સમાચાર સાંભળીને ઠાકુર ભારે ચિંતામાં પડી ગયા છે. એટલે એક ભક્તે શ્રીયુત્ રામ ચેટરજીના હાથમાં આજે દસ રૂપિયા આપ્યા છે, હૃદયને મોકલી આપવા સારુ. આપતી વખતે ઠાકુર ત્યાં હાજર ન હતા. એ ભક્ત એક સાંકડા મોઢાવાળો લોટો લાવ્યા છે. ઠાકુરે કહ્યું હતું કે અહીંયાં ભક્તોને પાણી પીવા માટે એવો એક લોટો લેતા આવજો.

માસ્ટરના મિત્ર હરિ બાબુને લગભગ અગિયાર વરસ થયાં પત્ની-વિયોગ થયો છે. એ પછી તેમણે ફરી વિવાહ કર્યો નથી. મા, બાપ, ભાઈ, બહેન બધાંય છે. તેમના ઉપર સ્નેહ-મમતા ખૂબ રાખે અને તેમની સેવા કરે. ઉંમર હશે ૨૮-૨૯. ભક્તો આવીને બેઠા એટલે ઠાકુર મચ્છરદાનીમાંથી બહાર આવ્યા. માસ્ટર વગેરે બધાએ જમીન પર નમીને પ્રણામ કર્યા. ઠાકુરની મચ્છરદાની ઉપર ચડાવી દેવામાં આવી. તેઓશ્રી નાની પાટ ઉપર બેઠા બેઠા વાતો કરે છે.

શ્રીરામકૃષ્ણ (માસ્ટરને): મચ્છરદાનીની અંદર ધ્યાન કરતો હતો. ત્યાં વિચાર આવ્યો કે એ પણ કેવળ એક રૂપ-કલ્પના વિના તો બીજું કાંઈ નથી ને? એટલે ગમ્યું નહિ. ઈશ્વર એકદમ દેખાડી દે તો કામ આવે. વળી મનમાં આવ્યું કે કોણ ધ્યાન કરે, ને કોનું ધ્યાન કરે?

માસ્ટર: જી હાં. આપે કહ્યું છે કે ઈશ્વર જ જીવ, જગત, આ બધુંય થઈ રહેલ છે; જે ધ્યાન કરે તે પણ તે જ.

શ્રીરામકૃષ્ણ: અને ઈશ્વર ન કરાવે તો થાય નહિ. ઈશ્વર ધ્યાન કરાવે તો ધ્યાન થાય. તમે શું કહો છો?

માસ્ટર: જી. આપની અંદર ‘અહં’ નથી એટલે એમ થાય છે. જ્યાં ‘હું’ એવી ભાવના નથી ત્યાં એવી સ્થિતિ.

શ્રીરામકૃષ્ણ: પરંતુ ‘હું દાસ, હું સેવક’ એટલું રહે એ સારું. જ્યાં ‘હું બધું કામ કરું છું’ એવું ભાન છે, ત્યાં ‘હું દાસ, તમે પ્રભુ’ એવો ભાવ બહુ સારો. બધું કરાય છે ત્યાં સુધી સેવ્ય-સેવક ભાવે રહેવું એ જ સારું.

મણિમોહન પરબ્રહ્મ શું એ જ હંમેશાં વિચાર કર્યા કરે છે. ઠાકુર તેમને ઉદ્દેશીને વળી બોલે છે.

શ્રીરામકૃષ્ણ: બ્રહ્મ આકાશવત્. બ્રહ્મની અંદર વિકાર નથી, જેમ અગ્નિનો કોઈ રંગ નથી તેમ. પણ શક્તિને લીધે એ અનેકરૂપે થયેલ ભાસે છે. સત્ત્વ, રજસ, તમસ એ ત્રણે ગુણો શક્તિના જ ગુણો. અગ્નિમાં જો ધોળો રંગ નાખો તો અગ્નિ સફેદ દેખાશે, જો લાલ રંગ નાખો તો લાલ દેખાશે. જો કાળો રંગ નાખો તો અગ્નિ કાળો દેખાશે. બ્રહ્મ સત્ત્વ, રજસ ને તમસ એ ત્રણે ગુણોથી અતીત. એ શું છે એ મોઢેથી બોલી શકાય નહિ. એ વાણીથી અતીત. ‘નેતિ નેતિ’ કરતાં કરતાં જે બાકી રહે અને જ્યાં આનંદ, એ જ બ્રહ્મ.

એક છોકરીનો વર આવ્યો છે. તે બીજા સમાન વયના છોકરાઓની સાથે બહારના ઓરડામાં બેઠો છે. આ બાજુએ છોકરી અને તેની સમાન વયની સખીઓ અંદરની બારીમાંથી જુએ છે. એ સખીઓ વરને ઓળખતી નથી. એટલે આ છોકરીને પૂછે છે, ‘પેલો તારો વર?’ પેલી જરાક મોઢું મરકાવીને કહે છે કે ‘ના.’ બીજા એક છોકરાને દેખાડીને પૂછે છે, ‘એ તારો વર?’ એ છોકરી વળી કહે છે કે ‘ના.’ વળી એક છોકરાને દેખાડીને સખીઓ પૂછે છે કે ‘આવડો આ તારો વર?’ પેલી વળી કહે છે કે ‘ના.’ છેવટે તેના વરને દેખાડીને સખીઓ પૂછે કે ‘આ તારો વર?’ ત્યારે એ છોકરી હા પણ બોલી નહિ ને ના પણ બોલી નહિ. માત્ર સહેજ ફિક કરીને હસીને ચૂપ કરી રહી. એટલે સખીઓ સમજી ગઈ કે એ જ એનો વર. જ્યાં યથાર્થ બ્રહ્મજ્ઞાન, ત્યાં મૌન.’

સત્સંગ – ગૃહસ્થોનું કર્તવ્ય

શ્રીરામકૃષ્ણ (મણિને): ઠીક. હું આ બોલ બોલ કરું છું શું કામ?

મણિ: આપ જેમ કહો છો કે પાકા ઘીમાં જો કાચી પૂરી પડે તો વળી છર્‌ર્‌ર્‌ છર્‌ર્‌ર્‌ થાય, તેમ ભક્તોને ચૈતન્ય-જાગૃતિ થાય એ માટે આપ વાત કરો છો.

ઠાકુર માસ્ટરની સાથે હાજરા મહાશયની વાત કરે છે.

શ્રીરામકૃષ્ણ: સજ્જનનો કેવો સ્વભાવ હોય ખબર છે? એ કોઈને પણ તકલીફ આપે નહિ, હાંફળાફાંફળા ફરે નહિ. કોઈ કોઈનો એવો સ્વભાવ હોય કે જમવા ગયા હોય તો કાં તો કહેશે કે હું જુદો બેસીશ! ઈશ્વરમાં સાચી ભક્તિ હોય તો બેતાલ પગ પડે નહિ, કોઈને અમથી તકલીફ આપે નહિ.

વળી અસત્‌ માણસની સોબત સારી નહિ. તેમનાથી છેટા રહેવું જોઈએ. પોતાને સંભાળીને ચાલવું જોઈએ. (મણિને) તમે શું કહો છો?

મણિઃ જી, અસત્‌ માણસની સોબતમાં મન બહુ નીચું ઊતરી જાય. તો પણ આપ કહો છો તેમ વીર પુરુષની અલગ વાત.

શ્રીરામકૃષ્ણ: કેવી રીતે?

મણિ: ઓછા અગ્નિમાં લાકડાં જરાક સંકોરો તોય ઓલવાઈ જાય, પણ જ્યારે ભડભડાટ અગ્નિ બળતો હોય ત્યારે ત્યાં કેળ નાખી દો તોય અગ્નિને કાંઈ થાય નહિ. કેળનું થડ પણ બળીને ભસ્મ થઈ જાય.

ઠાકુર માસ્ટરના મિત્ર હરિ બાબુની વાત પૂછે છે.

માસ્ટર: એ આપનાં દર્શન કરવા આવ્યા છે. તેમને ઘણા દિવસ થયાં પત્ની-વિયોગ થયો છે.

શ્રીરામકૃષ્ણ: તમે શું કરો છો, ભાઈ?

માસ્ટર: એક રીતે જોતાં તો એ કાંઈ કરતા નથી, પણ ઘરમાં ભાઈ, બહેન, બાપ, મા એ બધાંની ખૂબ સેવા કરે છે.

શ્રીરામકૃષ્ણ (હસીને): એ શું? તમે તો કોળું કાપનાર દાદા જેવા! તમે તો નહિ સંસારી કે નહિ હરિ-ભક્ત. એ ઠીક નહિ. ઘરમાં કોઈ કોઈ એવા માણસો હોય કે જેઓ આખો દિવસ નાનાં છોકરાંને રમાડવામાં કાઢે. બહારની ઓસરીમાં બેઠાં બેઠાં ગડડડડ ગડડડડ કરીને હોકો તાણ્યા કરે, અને કાંઈ કામ કર્યા વિનાના બેઠા રહે. માત્ર ઘરમાં કોઈક વાર જઈને કોળું કાપી દે, કારણ કે બૈરાંથી આખું કોળું કપાય નહિ. એટલે બૈરાં ઘરમાંથી છોકરાંની સાથે કહેવરાવે કે જરા દાદાને બોલાવી લાવો, એ આવીને આ કોળાના બે કટકા કરી આપશે. એટલે પછી એ દાદા અંદર જઈને કોળાના બે ભાગ કરી આપે. આટલો જ એનો પુરુષ તરીકેનો વ્યવહાર. એટલે નામ પડ્યું છે કે ‘કોળાં કાપનાર દાદા!’

‘તમે આ પણ કરો ને તે પણ કરો. ઈશ્વરનાં ચરણ-કમળમાં મન રાખીને સંસારનું કામકાજ કરો. અને જ્યારે એકલા હો ત્યારે ભક્તિ-શાસ્ત્ર, શ્રીમદ્ ભાગવત યા ચૈતન્ય-ચરિતામૃત, એ બધાં વાંચજો.’

રાતના દસ વાગ્યાનો સમય. હજી સુધી કાલી-મંદિર બંધ થયું નથી. માસ્ટરે મોટા ચોગાનની વચ્ચે થઈને રામ ચેટરજી મહાશયની સાથે વાત કરતાં કરતાં જઈને પ્રથમ શ્રીરાધાકાંતના મંદિરમાં, પછી મા કાલીના મંદિરમાં જઈને પ્રણામ કર્યા. ચંદ્રનો ઉદય થયો છે. શ્રાવણ વદ બીજ, ચોગાન, મંદિર-શિખર વગેરે અતિશય સુંદર દેખાય છે.

ઠાકુરના ઓરડામાં પાછા આવીને માસ્ટરે જોયું તો ઠાકુર જમવા બેસે છે. દક્ષિણ તરફ મોં કરીને બેઠા. જમવામાં થોડીક રવાની ખીર અને બેચાર પૂરી. થોડી વાર પછી માસ્ટર અને તેમના મિત્રે ઠાકુરને પ્રણામ કર્યા અને રજા લીધી. આજે જ તેમને કોલકાતા પાછા ફરવાનું છે.

Total Views: 401
ખંડ 15: અધ્યાય 17 : સંધ્યા સમાગમે હરિધ્વનિ - નરેન્દ્રના કેટલા ગુણ!
ખંડ 15: અધ્યાય 19 : ગુરુશિષ્ય સંવાદ - ગૂઢકથા