શ્રીરામકૃષ્ણની એક ચિંતા અને એક વાત ‘ઈશ્વર’ – તે જ ‘ચાતુરી ચાતુરી’ છે

શ્રીરામકૃષ્ણ કાલી-મંદિરના પેલા પૂર્વ-પરિચિત ઓરડામાં નાની પાટ પર બેઠા છે. હસતો ચહેરો. ભક્તો સાથે વાતો કરી રહ્યા છે. તેમનું ભોજન થઈ ગયું છે. બપોરના એક બે વાગ્યાનો સમય હશે.

આજ રવિવાર, ૯મી સપ્ટેમ્બર, ઈ.સ. ૧૮૮૩. ભાદરવા સુદ સાતમ. ઓરડામાં જમીન પર રાખાલ, માસ્ટર, રતન વગેરે બેઠા છે. રામલાલ, રામ ચેટરજી, હાજરા વગેરે આવજા કરે છે અને બેસે છે. રતન યદુ મલ્લિકના બગીચાની દેખરેખ રાખે છે. ઠાકુર પર એ ભક્તિ રાખે છે અને અવારનવાર આવીને તેમનાં દર્શન કરે. ઠાકુર તેમની સાથે વાતો કરે છે. રતન કહે છે કે ‘યદુ મલ્લિકને કોલકાતાને ઘેર નીલકંઠની સંગીત-લીલા થવાની છે.

રતન: આપે આવવાનું છે. તેમણે કહેરાવ્યું છે કે અમુક દિવસે લીલા થવાની છે.

શ્રીરામકૃષ્ણ: બહુ સારું. મારી પણ જવાની ઇચ્છા છે. આહ! નીલકંઠનાં શાં ભક્તિ-ભર્યાં ગીત!

એક ભક્ત: જી હા.

શ્રીરામકૃષ્ણ: ગીત ગાતાં ગાતાં એ આંસુથી ભીંજાઈ જાય. (રતનને) મનમાં એમ થાય છે કે રાત્રે ત્યાં રહી જાઉં?

રામ ચેટરજી વિ.એ પાદુકાની ચોરીની વાત પૂછે છે.

રતન: યદુબાબુના ઘરના ઠાકોરજીની સોનાની પાદુકાઓ ચોરાઈ ગઈ છે. તેને માટે ઘરમાં મોટી ધમાલ મચી ગઈ છે. થાળી ચલાવવામાં આવશે. બધાં બેઠાં રહેશે, જેણે લીધી હશે તેના તરફ થાળી ચાલી જશે.

શ્રીરામકૃષ્ણ (હસતાં હસતાં): થાળી શી રીતે ચાલે? એની મેળે ચાલે?

રતન: ના, એના ઉપર હાથ મૂકી રાખે.

ભક્ત: એ એક જાતની ચાલાકી છે, થાળી ચલાવવાની ચતુરાઈ છે.

શ્રીરામકૃષ્ણ: જે ચતુરાઈથી ભગવાનને પામી શકાય, એ ચતુરાઈ જ ખરી ચતુરાઈ. સા ચાતુરી ચાતુરી!

Total Views: 411
ખંડ 15: અધ્યાય 19 : ગુરુશિષ્ય સંવાદ - ગૂઢકથા
ખંડ 15: અધ્યાય 21 : તાંત્રિક સાધન અને ઠાકુર શ્રીરામકૃષ્ણનો સંતાનભાવ