શ્રીરામકૃષ્ણ (મણિને, સહાસ્ય): વારુ, નરેન્દ્ર કેવો?
મણિ: જી, બહુ જ સારો.
શ્રીરામકૃષ્ણ: જુઓ તેનામાં જેવી વિદ્યા તેવી જ બુદ્ધિ! વળી ગાવા બજાવવામાં પણ ઉસ્તાદ! આ બાજુ જિતેન્દ્રિય, કહે છે કે લગ્ન નહિ કરે!
મણિ: આપે કહ્યું છે કે જે મનમાં ‘પાપ’ ‘પાપ’ એમ કર્યા કરે તે પાપી થઈ જાય, અને એમાંથી નીકળી શકે નહિ. હું ઈશ્વરનું સંતાન- એવી શ્રદ્ધા હોય તો જલદી જલદી ઉન્નતિ થાય.
પૂર્વકથા – કૃષ્ણકિશોરની શ્રદ્ધા – હલધારીના પિતાની શ્રદ્ધા
શ્રીરામકૃષ્ણ: હા, શ્રદ્ધા.
કૃષ્ણકિશોરની કેવી શ્રદ્ધા! એ કહેતો કે એક વાર ભગવાનનું નામ લીધું છે, પછી વળી મને પાપ શેનું? હલધારીએ કહ્યું હતું કે અજામિલ વળી પાછો નારાયણ સારુ તપસ્યા કરવા ગયો હતો; તપસ્યા કર્યા વિના જ શું ભગવાનની કૃપા થાય? માત્ર એક વાર નારાયણ બોલ્યે શું વળે? એ વાત સાંભળીને કૃષ્ણકિશોરને એવો ગુસ્સો ચડ્યો કે તે આ બગીચામાં ફૂલ વીણવા આવ્યો હતો ત્યારે હલધારીના મોઢા સામે જોયું પણ નહિ! હલધારીનો બાપ મોટો ભક્ત હતો. સ્નાન કરતી વખતે કમર-બૂડ પાણીમાં ઊભો રહીને જ્યારે મંત્રનો ઉચ્ચાર કરતો, ‘રક્તવર્ણં ચતુર્મુખં,’ એ બધું ધ્યાન જ્યારે કરતો ત્યારે તેની આંખોમાંથી પ્રેમાશ્રુ પડતાં.
એક દિવસ આરિયાદહને ઘાટે એક સાધુ આવ્યો હતો. અમે એનાં દર્શને જવાનું નક્કી કર્યું. એ વખતે હલધારી કહેઃ ‘એક પંચભૂતના ખોડચાને જોવાથી શું વળવાનું હતું?’ પછી એ વાત સાંભળીને કૃષ્ણકિશોર બોલ્યો કે શું? સાધુનાં દર્શન કર્યે શું વળશે એમ કહ્યું? જે કૃષ્ણનું કે રામનું નામ લે, તેનો દેહ ચિન્મય થઈ જાય! અને તે બધું ચિન્મય દેખે; ચિન્મય શ્યામ, ચિન્મય ધામ! એ કહેતો કે એક વાર કૃષ્ણ-નામ કે એક વાર રામ-નામ લેવાથી સો વાર સંધ્યા કર્યાનું ફળ મળે. તેનો એક છોકરો જ્યારે મરી ગયો, ત્યારે પ્રાણ નીકળતી વખતે તેણે રામનું નામ લીધું હતું. એટલે કૃષ્ણકિશોર કહે કે મરતી વખતે તે ‘રામ’ બોલ્યો છે, એને માટે ચિંતા શી? તો પણ વચ્ચે વચ્ચે ક્યારેક ક્યારેક રડતો; પુત્ર-શોક ખરો ને! વૃંદાવનમાં એક વખતે તેને તરસ લાગી! ચમારને કહે કે તું બોલ ‘શિવ.’ પેલા ચમારે શિવનું નામ લઈને કૂવામાંથી પાણી કાઢી દીધું. કૃષ્ણકિશોર એવો આચાર-નિષ્ઠ બ્રાહ્મણ, પણ તેણે એ પાણી પીધું! કેવી શ્રદ્ધા! અંદર શ્રદ્ધા નહિ ને ઉપરથી પૂજા, જપ, સંધ્યા વગેરે કર્માે કરો, એથી કાંઈ વળે નહિ! શું કહો છો?
મણિ: જી હા.
શ્રીરામકૃષ્ણ (હસતાં હસતાં): હું જોઉં કે બૈરાં ગંગા-ઘાટે નાહવા આવે, ત્યાં દુનિયા આખીની વાતો! વિધવા ફઈ કહેશે કે ‘બાઈ, ઘરમાં નોરતાં, હું ન હોઉં તો ન થાય, માતાજીનો કળશ-ઘટ પધરાવવાનું સુધ્ધાં મારા વિના ન થાય! ઘરમાં વિવાહ-વાજન હોય ત્યારે બધુંય મારે કરવું પડે, ત્યારે થાય. બધી જણસ-પત્રથી માંડીને તે વરઘોડિયાંની પથારીની ગોઠવણ વગેરે સુધ્ધાં.
મણિ: જી, એમનોય શો વાંક? બિચારાં દિવસ આખો શું કરે?
શ્રીરામકૃષ્ણ (હસીને): અગાસીને ખૂણે પૂજાની ઓરડી હોય, ત્યાં નારાયણની પૂજા થતી હોય. આ બાજુ પૂજાનું નૈવેદ્ય તૈયાર કરવાનું, ચંદન ઘસવાનું વગેરે બધું ચાલી રહ્યું હોય, પરંતુ મોઢે ઈશ્વરની વાત એકેય નહિ! માત્ર આજ શી રસોઈ કરીશું? આજ બજારમાં કાંઈ સારું શાક મળ્યું નહિ, એકલાં રીંગણાં હતાં. કાલે ભીંડાનું શાક બહુ જ સારું થયું હતું! એ મારા કાકાનો દીકરો થાય; અને હેં તમારા … એ ને એ નોકરી છે? તમારી તબિયત કેમ છે? અમારો હરિ અહીં નથી.’ એવી બધી વાતો! જુઓ ને, પૂજાની ઓરડીમાં પૂજાને વખતે જ આ બધી આખી દુનિયાની વાતો!
મણિ- જી, મોટે ભાગે એ પ્રમાણે જ. આપ જેમ કહો છો તેમ ઈશ્વરમાં જેને અનુરાગ હોય તેને વધુ દિવસ શું પૂજા-સંધ્યા કરવી પડે?






