ઠાકુર મણિની સાથે એકાંતમાં વાતો કરી રહ્યા છે.
મણિ: જી, જો ઈશ્વર જ બધું થઈ રહેલ છે, તો પછી આ પ્રમાણે જુદા જુદા ભાવ શા માટે?
શ્રીરામકૃષ્ણ: વિભુરૂપે ઈશ્વર સર્વ ભૂતોમાં છે. પરંતુ શક્તિમાં ફરક છે. ક્યાંક વિદ્યા-શક્તિ, ક્યાંક અવિદ્યા-શક્તિ, ક્યાંક વધુ શક્તિ, ક્યાંક ઓછી શક્તિ. જુઓને, માણસોમાંય ઠગ, ચોર, લૂંટારા છે, વળી વાઘ જેવા ક્રૂર અને ભયાનક માણસો પણ છે. હું તેમને કહું ઠગ-નારાયણ, વાઘ-નારાયણ!
મણિ (હસીને): જી, હા તેમને દૂરથી નમસ્કાર કરવા જોઈએ. વાઘનારાયણની પાસે જઈને આલિંગન કરવા જઈએ તો ખાઈ જાય.
શ્રીરામકૃષ્ણ: ઈશ્વર અને તેની શક્તિ, બ્રહ્મ અને શક્તિ એ બે સિવાય બીજું કાંઈ નથી. નારદ રામચંદ્રની સ્તુતિ કરતાં બોલ્યા, ‘હે રામ, તમે શિવ, સીતા ભગવતી; તમે બ્રહ્મા, સીતા બ્રહ્માણી; તમે ઇન્દ્ર, સીતા ઇન્દ્રાણી; તમે નારાયણ, સીતા લક્ષ્મી; પુરુષ-વાચક જે કાંઈ છે એ બધું તમે, સ્ત્રી-વાચક બધું સીતા.
મણિ: અને ચિન્મયરૂપ?
શ્રીરામકૃષ્ણ જરા વિચાર કરે છે. પછી આસ્તે આસ્તે બોલે છે, ‘એ શેના જેવું ખબર છે? જેમ કે જળનું …! એ બધું સાધના કરવાથી જાણી શકાય.’
‘તમે ઈશ્વરી રૂપમાં શ્રદ્ધા રાખો. બ્રહ્મ-જ્ઞાન થાય પછી જ અભેદ. બ્રહ્મ અને શક્તિનો અભેદ. જેમ કે અગ્નિ અને તેની દાહક-શક્તિ, અગ્નિનો વિચાર કરતાંની સાથે જ દાહક-શક્તિનો વિચાર આવે, અને દાહક-શક્તિનો વિચાર આવતાંની સાથે જ અગ્નિનો વિચાર આવે. દૂધ અને દૂધની ધોળાશ; પાણી અને તેની ઠંડક.
પરંતુ બ્રહ્મ-જ્ઞાનથી પણ પર અવસ્થા છે. જ્ઞાન પછી વિજ્ઞાન. જેને જ્ઞાન છે એમ ભાન થયું છે તેનામાં અજ્ઞાન પણ છે. વસિષ્ઠ સો પુત્રોના મૃત્યુથી શોકાતુર થયા. એટલે લક્ષ્મણે એનું કારણ પૂછતાં રામે કહ્યું કે ‘ભાઈ, જેનામાં જ્ઞાન છે તેનામાં અજ્ઞાન પણ છે. માટે ભાઈ, જ્ઞાન-અજ્ઞાનથી પર થાઓ.’ પગમાં કાંટો વાગે તો બીજો એક કાંટો લઈને એ કાંટો કાઢી નાખવો જોઈએ. ત્યાર પછી બીજો કાંટોય ફેંકી દેવો.
મણિ: શું અજ્ઞાન અને જ્ઞાન બંને ફેંકી દેવાં જોઈએ?
શ્રીરામકૃષ્ણ: હા, એટલા માટે વિજ્ઞાનનું પ્રયોજન.
જુઓ ને, જેને પ્રકાશનું જ્ઞાન છે, તેને અંધકારનું જ્ઞાન પણ છે. જેને સુખનું જ્ઞાન છે, તેને દુઃખનું જ્ઞાન પણ છે. જેને પુણ્યનું જ્ઞાન છે, તેને પાપનું જ્ઞાન પણ છે. જેને સારાનું જ્ઞાન છે, તેને નરસાનું જ્ઞાન પણ છે. જેને પવિત્ર એવું જ્ઞાન છે, તેને અપવિત્રનું જ્ઞાન પણ છે. જેને ‘હું’ એવું જ્ઞાન છે, તેને ‘તમે’ એવું જ્ઞાન પણ છે.
‘વિજ્ઞાન એટલે કે વિશેષરૂપે ઈશ્વરને જાણવો. કાષ્ટમાં અગ્નિ છે એ બોધ, એ શ્રદ્ધા એનું નામ જ્ઞાન. એ અગ્નિથી ભાત રાંધી ખાઈને હૃષ્ટપુષ્ટ થવું એનું નામ વિજ્ઞાન. ઈશ્વર છે એવો અંતરમાં બોધ એનું નામ જ્ઞાન; ઈશ્વરની સાથે વાતચીત, તેમને લઈને આનંદ કરવો – વાત્સલ્ય-ભાવે, સખ્ય-ભાવે, દાસ-ભાવે, મધુર-ભાવે- એનું જ નામ વિજ્ઞાન. જીવ, જગત એ બધું ઈશ્વર જ થઈ રહેલ છે. એ દર્શન કરવાનું નામ વિજ્ઞાન.
એક મત એવો છે કે ઈશ્વરનું દર્શન થાય નહિ. જ્ઞાન થાય પછી કોણ કોનું દર્શન કરે? પોતે જ પોતાને જુએ. કાળા પાણીએ ગયાં વહાણ પાછાં આવે નહિ, આવીને ખબર આપે નહિ.
મણિ: જેમ આપ કહો છો કે મોન્યુમેન્ટની (સ્મારકની) ટોચ ઉપર ચડો એટલે નીચેની ચીજોની વિગતોની ખબર પડે નહિ, – ગાડી, ઘોડા, મેમ, સાહેબ, ઘરબાર, મકાન, દુકાન, ઓફિસ વગરેની, – તે પ્રમાણે.
શ્રીરામકૃષ્ણ: વારુ, આજકાલ હું કાલી-મંદિરમાં જતો નથી તેથી શું કાંઈ અપરાધ થશે? નરેન્દ્ર કહેતો હતો કે ‘એ (હું) હજીયે મંદિરમાં જાય છે!’
મણિ: જી, આપની નવી નવી અવસ્થા. આપનો વળી અપરાધ શો?
શ્રીરામકૃષ્ણ: વારુ, હૃદુને માટે આ લોકોએ સેનને કહ્યું હતું, હૃદુને બહુ મંદવાડ છે તો આપ તેના માટે બે ધોતિયાં, બે પહેરણ લઈ આવજો; અમે તેને દેશમાં સિઓડે મોકલી આપીશું. તે સેન લઈ આવેલો બે રૂપૈડી! આ શું ભલા, કહો તો? તેની પાસે તો ઘણાય બધા રૂપિયા છે! પરંતુ માત્ર આટલું જ દેવાય, કહો તો?
મણિ: જી, જેઓ ઈશ્વરને જાણવા માટે ઇન્તેજાર, તેઓ એ પ્રમાણે કરી શકે નહિ. જેમનો ઉદ્દેશ જ્ઞાનપ્રાપ્તિ.
શ્રીરામકૃષ્ણ: ઈશ્વર જ વસ્તુ, બીજું બધું અવસ્તુ.






