બાળકની શ્રદ્ધા – અસ્પૃશ્ય જાતિ (The Untouchables) અને શંકરાચાર્ય – સાધુનું હૃદય
ઠાકુર શ્રીરામકૃષ્ણ કોલકાતામાં અધરને ઘેર પધાર્યા છે અને તેના દીવાનખાનામાં બેઠા છે. બપોર પછીનો સમય. રાખાલ, અધર, માસ્ટર, ઈશાન વગેરે અને પાડોશના ઘણા લોકો હાજર છે.
(ઈશાનના પુત્રોને બધા જાણે છે. સૌથી મોટા ગોપાલ જિલ્લા મેજિસ્ટ્રેટ હતા, વચેટ શ્રીશચંદ્ર જિલ્લા ન્યાયધીશ હતા, શ્રીસતીશ નરેન્દ્રના સહપાઠી હતા અને પખવાજ સુંદર રીતે વગાડતા, ને ગાજીપુરમાં સરકારી કાર્ય કરતા, તેના ઘરે પ્રવ્રાજક રૂપે નરેન્દ્ર કેટલાક દિવસ રહ્યા હતા અને ત્યાં રહીને પવહારીબાબાનાં દર્શન કર્યાં હતાં! ભાઈઓમાં અન્યતમ શ્રી ગિરીશે કોલકાતા વિશ્વ-વિદ્યાલયમાં આ. રજિસ્ટ્રાર રૂપે અનેક દિવસ કામ કર્યું હતું. ઈશાન એટલું બધું દાન કરતા કે છેલ્લે તેમણે દેણદાર થઈને ઘણું કષ્ટ વેઠવું પડ્યું હતું. તેમના મૃત્યુ અગાઉ ઘણાં વર્ષ પહેલાં તેમનાં પત્ની અવસાન પામ્યાં હતાં. ઈશાન ભાટપાડામાં જઈને પ્રાયઃ વચ્ચે વચ્ચે નિર્જનમાં જઈને સાધન-ભજન કરતા.)

શ્રીયુત્ અધરના ઘરનું હાલનું દૃશ્ય
શ્રીયુત્ ઈશાનચંદ્ર મુખોપાધ્યાયને ઠાકુર શ્રીરામકૃષ્ણ ચાહતા. એ એકાઉન્ટન્ટ જનરલની ઓફિસમાં એક સુપરિન્ટેન્ડન્ટ હતા. પેન્શન લીધા પછી એ દાન, ધ્યાન, ધર્મ-કર્મ, કર્યા કરતા અને વચ્ચે વચ્ચે ઠાકુરનાં દર્શન કરવા જતા. મછવા બજાર સ્ટ્રીટમાં તેમને ઘેર ઠાકુર એક દિવસે આવેલા અને નરેન્દ્ર વગેરે ભક્તો સાથે ભોજન લીધેલું અને લગભગ આખો દિવસ ત્યાં રહ્યા હતા. એ પ્રસંગે ઈશાને ઘણા લોકોને આમંત્રણ આપ્યુંું હતું.
શ્રીયુત્ નરેન્દ્રના આવવાની વાત હતી, પરંતુ એ આવી શકેલા નહિ. ઈશાન પેન્શન લીધા પછી ઠાકુર પાસે દક્ષિણેશ્વર ઘણી વાર આવજા કરે અને અવારનવાર ભાટપાડામાં ગંગાને કિનારે એકાંત સ્થળે ઈશ્વર-ચિંતન કરતા. હાલમાં ભાટપાડામાં ગાયત્રી-પુરશ્ચરણ કરવાની તેની ઇચ્છા હતી.
આજ શનિવાર, ૨૨મી સપ્ટેમ્બર, ઈ.સ. ૧૮૮૩, (૬ આસો, બંગાબ્દ).
શ્રીરામકૃષ્ણ (ઈશાનને): તમારી પેલી વાત કરો તો; એક છોકરાએ કાગળ લખેલો તે.
ઈશાન (સહાસ્ય): એક છોકરાએ સાંભળ્યું કે ઈશ્વરે આપણને ઉત્પન્ન કર્યા છે. એટલે તેણે પોતાની પ્રાર્થના જણાવવા માટે ઈશ્વરને એક કાગળ લખીને ટપાલ પેટીમાં નાખેલો. ઠેકાણું કરેલું સ્વર્ગ. (સૌનું હાસ્ય).
શ્રીરામકૃષ્ણ (સહાસ્ય): જોયું ને? આવી બાળકના જેવી શ્રદ્ધા (The kingdom of heaven is revealed unto babes but is hidden from the wise and the prudent – Bible.) હોય તો (ઈશ્વર-દર્શન) થાય. (ઈશાનને): પેલી કર્મત્યાગની વાત?
ઈશાન: ઈશ્વર -દર્શન થયે સંધ્યા વગેરે કર્માેનો ત્યાગ થઈ જાય. ગંગાતીરે બધાય સંધ્યા કરે છે, પણ એક જણ કરતો નથી. એને એનું કારણ પૂછતાં તેણે કહ્યું કે મને સૂતક લાગ્યું છે, એટલે સંધ્યા (મૃતા મોહમયી માતા જાતો બોધમયઃ સુતઃ સૂતકદ્વય સંપ્રાપ્તૌ કથમ્ સંધ્યામુપાસ્મહે, હૃદાકાશે ચિદાદિત્યઃ સદા ભાસતિ ભાસતિ, નાસ્તમેતિ નચોદેતિ કથમ્ સંધ્યામુપાસ્મહે।- મૈત્રેયી ઉપનિષદ, ૨.૧૪) કરાય નહિ. મરણનું સૂતક, અને જનમનું સૂતક, એ બન્ને લાગ્યાં છે. મારી અવિદ્યા માનું મૃત્યુ થયું છે અને આત્મારામ પુત્રનો જન્મ થયો છે!
શ્રીરામકૃષ્ણ: અને આત્મ-જ્ઞાન થયે જાતિભેદ રહે નહિ, એ વાત?
ઈશાન: શંકરાચાર્ય કાશીમાં ગંગાસ્નાન કરીને પગથિયાં ચડતા હતા. એટલામાં કૂતરાઓ સાથે એક ચંડાલને સામેથી આવતાં પોતાની તદ્દન પાસે થઈને જતો જોઈને તેઓ બોલી ઊઠ્યા, ‘અરે એય, તું મને અડી ગયો!’ ચંડાલે કહ્યું કે ‘મહારાજ, તમેય મને અડ્યા નથી ને હુંય તમને અડ્યો નથી. સૌ કોઈની અંદર રહેલો આત્મા અંતર્યામી અને અલિપ્ત છે.’ દારૂના પ્યાલામાં અને ગંગાજળના પ્યાલામાં પડેલાં સૂર્યનાં પ્રતિબિંબોમાં શું કંઈ તફાવત છે? (સર્વભૂતસ્થમાત્માનં સર્વભૂતાનિ ચાત્મનિ । ઈક્ષતે યોગયુક્તાત્મા સર્વત્ર સમદર્શનઃ । – ગીતા – ૬.૨૯)
શ્રીરામકૃષ્ણ (સહાસ્ય): અને પેલી સમન્વયની વાત? બધા પંથો દ્વારા ઈશ્વરને પમાય એ? (યે યથા મામ્.. ભજામ્યહમ્) (ગીતા – ૪.૧૧)
ઈશાન (સહાસ્ય): હરિ અને હરમાં ધાતુ એક; માત્ર પ્રત્યયનો તફાવત. જે હરિ તે જ હર. શ્રદ્ધા હોય એટલે થયું. (પ્રત્યય એટલે વિશ્વાસ, શ્રદ્ધા.)
શ્રીરામકૃષ્ણ (સહાસ્ય): અને પેલી વાત, – સાધુનું હૃદય સૌના કરતાં મોટું એ?
ઈશાન (સહાસ્ય): સૌથી મોટી પૃથ્વી, તેના કરતાં મોટો સાગર, તેના કરતાં મોટું આકાશ. પરંતુ ભગવાન વિષ્ણુએ એક પગલામાં સ્વર્ગ, મૃત્યુ, પાતાળ, એ ત્રણેને માપી લીધાં હતાં. એ વિષ્ણુ-ચરણ સાધુના હૃદયની અંદર. એટલે સાધુનું હૃદય સૌના કરતાં મોટું!
આ બધી વાતો સાંભળીને ભક્તો રાજી થાય છે.






