ઠાકુર શ્રીરામકૃષ્ણ દક્ષિણેશ્વરમાં કાલી-મંદિરની સન્મુખે ઓટલા ઉપર બેઠેલા છે. કાલી-પ્રતિમાની અંદર જગન્માતાનાં દર્શન કરે છે. પાસે માસ્ટર વગેરે ભક્તો બેઠા છે.

આજ બુધવાર, ૨૬મી સપ્ટેમ્બર ઈ.સ. ૧૮૮૩. ભાદરવા વદ દશમ. બપોર પછીનો સમય.

થોડી વાર પહેલાં ઠાકુર બોલ્યા છે કે ‘ઈશ્વરને વિષે કશી ગણતરી કરી ન શકાય. એનું અનંત ઐશ્વર્ય. માણસ મોઢેથી શું કહી શકે? એક કીડી સાકરના પહાડની પાસે જઈને એક દાણો ખાવા લાગી. એથી એનું પેટ ભરાઈ ગયું. એટલે એ વિચાર કરવા લાગી કે ફરી વાર જ્યારે આવું ત્યારે આખો પહાડ જ મારા દરની અંદર લઈ જાઉં. તેને (ઈશ્વરને) શું સમજી શકાય? એટલે મારો બિલાડીનાં બચ્ચાં જેવો ભાવ, કે મા જ્યાં રાખે ત્યાં રહેવું, હું કાંઈ ન જાણું. નાનું બાળક માનું કેટલું ઐશ્વર્ય હોય એ ન જાણે.

શ્રીરામકૃષ્ણ કાલી-મંદિરના ઓટલા પર બેસીને સ્તુતિ કરે છે, ‘હે મા! હે મા! ૐકારરૂપિણી મા! આ લોકો કેટલુંય બોલે મા! પણ હું કશુંય સમજી શકતો નથી, કશુંય જાણતો નથી. હું શરણાગત! શરણાગત! માત્ર એટલું કરો કે જેથી તમારાં શ્રીચરણકમલમાં શુદ્ધ ભક્તિ આવે, મા! અને તમારી ભુવન-મોહિની માયામાં મુગ્ધ કરો નહિ મા! હું શરણાગત! શરણાગત!’

દેવ-મંદિરોમાં આરતી થઈ ગઈ. શ્રીરામકૃષ્ણ તેમના ઓરડામાં નાની પાટ ઉપર બેઠા છે. મહેન્દ્ર જમીન ઉપર બેઠા છે.

મહેન્દ્ર પહેલાં પહેલાં શ્રીયુત્ કેશવ સેનના બ્રાહ્મ-સમાજમાં હમેશાં જતા. ઠાકુરનાં દર્શન કર્યા પછી હવે ત્યાં જતા નથી. શ્રીરામકૃષ્ણ હમેશાં જગન્માતાની સાથે વાતો કરે એ જોઈને એ આશ્ચર્યચક્તિ થઈ ગયા છે. અને તેમની સર્વધર્મસમન્વય-કથા સાંભળીને અને ઈશ્વરને માટેની તેમની આતુરતા જોઈને એ મુગ્ધ બન્યા છે.

મહેન્દ્ર ઠાકુરની પાસે લગભગ બે વરસ થયાં આવજા કરે છે, અને તેમને તેમનાં દર્શન અને કૃપાનો લાભ મળ્યો છે. ઠાકુર તેમને અને બીજા ભક્તોને હમેશાં કહે છે કે ઈશ્વર નિરાકાર તેમજ સાકાર; ભક્તને માટે રૂપ ધારણ કરે. જેઓ નિરાકારવાદી, તેમને એ કહે કે તમારી જેવી શ્રદ્ધા હોય તેવી રાખજો, પરંતુ એટલું જાણજો કે ઈશ્વરને માટે બધુંય સંભવિત, સાકાર, નિરાકાર બંને. અને એ સિવાય પણ એ કેટલુંય થઈ શકે.

શ્રીરામકૃષ્ણ અને મહેન્દ્ર – સાકાર – નિરાકાર – (Duty) કર્તવ્ય બોધ – ભક્તોના પક્ષે અવિદ્યાનો સંસાર એટલે મૃત્યુયંત્રણા

શ્રીરામકૃષ્ણ (મહેન્દ્રને): તમે એક તો પકડ્યું છે ને,નિરાકાર?

મહેન્દ્ર: જી હાં, પણ આપ જેમ કહો છો તેમ, સર્વ કાંઈ સંભવે. સાકાર પણ સંભવે.

શ્રીરામકૃષ્ણ: તે મજાનું. અને જાણજો કે પરમાત્મા જ ચૈતન્યરૂપે ચરાચર વિશ્વમાં વ્યાપ્ત થઈ રહ્યા છે.

મહેન્દ્ર: હું એમ માનું કે એ (પરમાત્મા) ચેતનનોય ચેતન દેનાર.

શ્રીરામકૃષ્ણ: હમણાં એ ભાવે જ રહો. તાણીતૂશીને ભાવ બદલવાની જરૂર નથી. ધીમે ધીમે આગળ ઉપર સમજશો કે આ ચૈતન્ય એ એ પરમાત્માનું જ ચૈતન્ય. એ પોતે જ ચૈતન્યસ્વરૂપ.

‘વારુ, પૈસા ટકા, ઐશ્વર્ય વગેરે ઉપર તમને આકર્ષણ છે કે?

મહેન્દ્ર: ના, પણ નિશ્ચિંત થવા પૂરતું છે, નિશ્ચિંત થઈને ઈશ્વર-ચિંતન કરવા માટે.

શ્રીરામકૃષ્ણ: એ તો હોય જ, એમાં શું?

મહેન્દ્ર: લોભ નથી.

શ્રીરામકૃષ્ણ: હાં, એ બરાબર, નહિતર પછી તમારાં છોકરાંને કોણ સંભાળે? તમને જો ‘હું જવાબદાર નહિ’ એવું જ્ઞાન થાય તો તમારાં છોકરાંની વ્યવસ્થા શી થાય?

મહેન્દ્ર: સાંભળ્યું છે કે કર્તવ્ય-ભાન હોય ત્યાં સુધી જ્ઞાન થાય નહિ. કર્તવ્ય જ માર્તંડ.

શ્રીરામકૃષ્ણ: હમણાં એ ભાવમાં રહો; ત્યાર પછી એ કર્તવ્ય-ભાન એની મેળે નીકળી જાય ત્યારે જુદી વાત.

બધાય થોડો વખત ચૂપ બેઠા છે.

મહેન્દ્ર: થોડુંક જ્ઞાન થયા પછી સંસાર? એ તો સભાન મોત, વિષૂચિકા!

શ્રીરામકૃષ્ણ: રામ! રામ!

મૃત્યુ વખતે ભાન હોય તો ખૂબ જ વેદના થાય; જેમ કોલેરામાં થાય તેમ, – એ વાત જાણે કે મહેન્દ્ર બોલે છે. અવિદ્યાનો સંસાર દાવાનળ જેવો એટલે જાણે કે ઠાકુર ‘રામ! રામ!’ બોલી ઊઠ્યા.

મહેન્દ્ર: બીજાઓ તો તોય વિકારના રોગી, બેભાન થઈ જાય; મૃત્યુની વેદનાનું ભાન થાય નહિ!

શ્રીરામકૃષ્ણ: જુઓને પૈસા હોય તોય શું વળે? જયગોપાલ સેન, આટલો પૈસો છે, તોય રોદણાં રડે કે છોકરા કહેવું માનતા નથી.

મહેન્દ્ર: સંસારમાં શું એકલું ગરીબાઈનું જ દુઃખ? આ બીજા છ રિપુ, ત્યાર પછી રોગ, શોક!

શ્રીરામકૃષ્ણ: પાછાં માન, અપમાન, નામ કાઢવાની ઇચ્છા!

‘વારુ, મારો કેવો ભાવ?’

મહેન્દ્ર: ઊંઘ ઊડી જતાં માણસને જે થાય તે. ઈશ્વરની સાથે સદા યોગ.

શ્રીરામકૃષ્ણ: તમે મને સ્વપ્નમાં દેખો ખરા?

મહેન્દ્ર: હા, ઘણીયે વાર.

શ્રીરામકૃષ્ણ: કેવી રીતે? કાંઈ ઉપદેશ દેતાં દેખો?

મહેન્દ્ર ચૂપ રહ્યા છે.

શ્રીરામકૃષ્ણ: જો મને ઉપદેશ દેતાં દેખો, તો જાણજો કે એ સચ્ચિદાનંદ.

ત્યાર પછી મહેન્દ્રે સ્વપ્નમાં જે જે જોયું હતું એ બધાનું વર્ણન કર્યું. શ્રીરામકૃષ્ણે મન દઈને એ બધું સાંભળ્યું.

શ્રીરામકૃષ્ણ (મહેન્દ્રને): આ ઘણું સારું. તમે હવે વિચાર રાખો મા. તમે શાકત.

Total Views: 421
ખંડ 15: અધ્યાય 28 : દક્ષિણેશ્વરમાં ગુરુ શ્રીરામકૃષ્ણ - પરમહંસ અવસ્થાનું દર્શન
ખંડ 15: અધ્યાય 30 : દુર્ગાપૂજા મહોત્સવમાં શ્રીરામકૃષ્ણ અધરના ઘરે