શ્રીરામકૃષ્ણ દક્ષિણેશ્વર કાલીમંદિરની વાડીમાં એક ઓરડામાં બિરાજે છે. એ ઓરડાને બે ઓસરી છે. સ્થળ જાણે કે આનંદનિકેતન.

આજ રવિવાર. ભક્તોને રજા છે એટલે તેઓ ઘણી મોટી સંખ્યામાં શ્રીરામકૃષ્ણનાં દર્શન કરવા દક્ષિણેશ્વરમાં કાલીમંદિરે આવે છે. સૌને માટે દરવાજા ખુલ્લા. જે કોઈ આવે તેની સાથે શ્રીરામકૃષ્ણ વાતચીત કરે. સાધુ, સંન્યાસી, હિન્દુ, ખ્રિસ્તી, બ્રાહ્મસમાજી, શાક્ત, વૈષ્ણવ, પુરુષો, સ્ત્રીઓ, બધાંય આવે. ધન્ય રાણી રાસમણિ! તમારાં જ પુણ્યનાં બળે આ સુંદર દેવાલય સ્થાપિત થયું છે, તેમજ લોકો આવીને આ પરમેશ્વરની હરતી ફરતી પ્રતિમા સમા મહાપુરુષનાં દર્શન અને પૂજન કરી શકે છે!

ચાંદની (મંડપ) અને દ્વાદશ શિવમંદિર

કાલીમંદિર કોલકાતાથી પાંચ માઈલ ઉત્તરે આવેલું છે. બરાબર ગંગાને કાંઠે જ. હોડીમાંથી ઊતરીને દૂર દૂર પથરાયેલાં પગથિયાંની હાર પર થઈને પૂર્વાભિમુખે ચડીને કાલીમંદિરમાં જવાય. આ જ ઘાટે પરમહંસદેવ સ્નાન કરતા. પગથિયાંની ઉપર જ મંડપ આવેલો છે. ત્યાં દેવમંદિરના ચોકીદારો રહે. તેમના ખાટલા, આંબાનાં લાકડાંની તેમની પેટીઓ, એકબે લોટા, એ બધાં મંડપમાં આમતેમ વચમાં પડેલાં છે. પડોશના બાબુઓ જ્યારે ગંગાસ્નાન કરવા આવે ત્યારે કોઈ કોઈ એ મંડપમાં બેસીને વાતોના ગપાટા મારતા મારતા શરીરે તેલ ચોળે. જે બધા સાધુ, ફકીર, વૈષ્ણવ, વૈષ્ણવી, વગેરે અતિથિ-શાળામાં પ્રસાદ લેવા માટે આવે, તેઓમાંથી પણ કોઈ કોઈ ભોગ ધરવાનો ઘંટ વાગે ત્યાં સુધી આ જ ઘાટમંડપમાં રાહ જુએ. ક્યારેક ક્યારેક દેખાય કે ભગવાં વસ્ત્ર પહેરેલી કોઈ ભૈરવી હાથમાં ત્રિશૂલ લઈને એ જગાએ બેઠેલી છે. એ પણ સમય થતાં અતિથિ શાળામાં જમવા જવાની. મંડપ બાર શિવમંદિરની બરાબર વચમાં. તેમાંથી છ મંદિર તેની ઉત્તરે, બીજાં છ દક્ષિણે, હોડીઓમાં બેઠેલા યાત્રાળુઓ આ બાર શિવમંદિર દૂરથી દેખતાં જ બોલી ઊઠે, ‘આ રાસમણિનું દેવાલય!’

દક્ષિણેશ્વરમાં બંને બાજુએ આવેલ દ્વાદશ શિવમંદિરોની વચ્ચે ચાંદની મંડપ

પાકું પ્રાંગણ અને વિષ્ણુઘર-શ્રીરાધાકાંતનું મંદિર

મંડપ અને બાર મંદિરની પૂર્વ બાજુએ ઈંટો પાથરેલું પાકું ચોગાન. ચોગાનની વચમાં એક હારમાં બે મંદિર. ઉત્તર બાજુએ શ્રીરાધાકાન્તનું અને તેની દક્ષિણે મા કાલીનું મંદિર. શ્રીરાધાકાન્ત મંદિરમાં શ્રીરાધાકૃષ્ણની મૂર્તિ, તે પશ્ચિમાભિમુખ. પગથિયાં ચડીને મંદિરમાં જવાય. મંદિરની અંદરની જમીન આરસથી જડેલ. મંદિર સામેની ઓસરીમાં કાચનું ઝુમ્મર ટિંગાયેલું છે. હાલમાં તેનો ઉપયોગ નથી, એટલે લાલ વસ્ત્રના ઢાંકણથી ઢંકાયેલું છે. એક પહેરેગીર ત્યાં પહેરો ભરે છે. બપોર પછીના સમયમાં પશ્ચિમનો તડકો દેવતાને દુઃખ ન થાય તે માટે કેન્વાસના પડદાનો બંદોબસ્ત છે. ઓસરીના હારબંધ થાંભલાઓની વચ્ચેના ગાળા એ પડદાઓથી ઢંકાઈ જાય. ઓસરીના અગ્નિખૂણામાં ગંગાજળની એક કોઠી છે. મંદિરના બારણાની પાસે એક પાત્રમાં ચરણામૃત રાખેલું છે. ભક્તો આવીને ભગવાનને પ્રણામ કરીને ચરણામૃત લે. મંદિરમાં સિંહાસનારૂઢ શ્રીરાધાકૃષ્ણની મૂર્તિ. શ્રીરામકૃષ્ણ પ્રથમ ઈ.સ. ૧૮૫૭-૫૮માં આ મંદિરમાં પૂજારીના કામમાં જોડાયા હતા.

શ્રીરાધાકાન્તની મૂર્તિ

શ્રી શ્રીભવતારિણી મા કાલી

દક્ષિણ બાજુના મંદિરમાં કાલીમાતાની કાળા આરસની સુંદર પ્રતિમા છે. માનું નામ ભવતારિણી. સફેદ અને કાળા આરસ પથ્થરથી જડેલું ભોંયતળિયું અને પગથિયાંવાળી ઊંચી વેદી છે. વેદીની ઉપર રૂપાનું સહસ્રદલ પદ્મ. તેના ઉપર શિવ શબરૂપે પડ્યા છે. દક્ષિણ બાજુએ મસ્તક અને ઉત્તર બાજુએ પગ રાખેલા છે. શિવની મૂર્તિ શ્વેત આરસની બનાવેલી છે. તેના હૃદય પર બનારસી સાડી પહેરેલી, વિવિધ અલંકારોથી શણગારાયેલી સુંદર ત્રિનયની શ્યામા કાલીની પથ્થરની મૂર્તિ છે.

દેવીનાં ચરણકમળમાં ઝાંઝર, ગુજરી, પગપાન, જોટવાં અને જાસૂદીનાં ફૂલ તથા બીલીપત્ર, પગપાનાં કે જે પશ્ચિમ (ભારત)ની સ્ત્રીઓ પહેરે છે તે માતાજીને પહેરાવવાની પરમહંસદેવની ખૂબ ઇચ્છા હતી. એટલે મથુરબાબુએ એ કરાવ્યાં છે. માના હાથમાં સોનાની બંગડીઓ, તાવિજ વગેરે; કાંડામાં બલોયાં, વળિયાં, પહોંચી, બંગડીઓ; બાવડે કડાં, તાવિજ, નાગફણિ; તાવિજની ઘૂઘરીઓ ઝૂલે. ગળામાં કોટિયું, મોતીની સાતસેરની માળા, તારાહાર, ચંદ્રહાર તથા સોનાનો બત્રીસ સેરનો હાર, અને સોનાની બનાવેલી મુંડમાળા; માથા પર મુગટ, કાને એરિંગ, વાળી, કાન-પાસિયાં, ફૂલઝૂમખું અને મકર-કુંડલ, નાકમાં નથ, તે લોલકવાળી. ત્રિનયનીના ડાબા બે હાથમાં નરમુંડ અને તલવાર, જમણા બે હાથે વર અને અભય. કેડ પર નરહસ્તની માળા, કંદોરો અને કમરબંધ. મંદિરની અંદર ઈશાન ખૂણામાં માને આરામ લેવા માટે સુશોભિત શય્યા છે. દીવાલની એક બાજુએ ચામર લટકે છે. ભગવાન શ્રીરામકૃષ્ણે આ ચામર લઈને કેટલીયે વાર માને પવન ઢોળ્યો છે! વેદીની ઉપરના પદ્માસન પર રૂપાના પ્યાલામાં જળ રહે. નીચે ઘણા પ્યાલા સજાવેલા છે. તેમાં શ્યામા માનું પીવાનું પાણી રહે. પદ્માસનની ઉપર પશ્ચિમે અષ્ટધાતુનો બનાવેલ સિંહ, પૂર્વમાં ઘો અને ત્રિશૂલ. વેદના અગ્નિ ખૂણે શિયાળ, દક્ષિણે કાળા પથ્થરનો વૃષભ અને ઈશાન ખૂણામાં હંસ. વેદી પર ચડવાનાં પગથિયાં પર રૂપાના નાના સિંહાસનની ઉપર નારાયણ શિલા; એક બાજુ પરમહંસદેવને સંન્યાસી પાસેથી મળેલી અષ્ટધાતુની બનેલી રામલાલા નામની શ્રીરામચંદ્રની મૂર્તિ અને બાણેશ્વર શિવ. બીજા દેવોની મૂર્તિઓ પણ છે. દેવી પ્રતિમા દક્ષિણાભિમુખી. ભવતારિણીની બરાબર સામે એટલે વેદીની બરાબર દક્ષિણે કુંભની સ્થાપના કરેલી છે. સિંદૂર-રંજિત, વિવિધ પુષ્પો તથા પુષ્પમાળાઓથી સુશોભિત મંગલ-કુંભ છે. દીવાલની એક બાજુએ પાણી ભરેલી તાંબાની ઝારી માને મુખ ધોવા માટે છે. ઉપર સુશોભિત ચંદરવો છે. મૂર્તિની પાછળ સુંદર બનારસી વસ્ત્ર ટિંગાડેલું છે. વેદીને ચારે ખૂણે રૂપાના સ્તંભ. તેની ઉપર કિંમતી ચંદરવો. તેને લીધે પ્રતિમાની શોભા વધી છે. મંદિર બેવડું છે. ઓસરીના કેટલાક ખાલી ગાળા મજબૂત લાકડાનાં બારણાંથી સુરક્ષિત છે. એક બારણાની પાસે ચોકીદાર બેઠો છે. મંદિરનાં બારણાંમાં પંચપાત્રમાં શ્રીચરણામૃત છે. મંદિરનું શિખર નવરત્નમંડિત છે. નીચેની શ્રેણી પણ ચાર શિખર, વચલી શ્રેણી પર ચાર અને સૌથી ઉપર એક. (એક શિખર અત્યારે ભાંગી ગયું છે.) આ મંદિરમાં અને શ્રીરાધાકાન્તના મંદિરમાં પરમહંસદેવે પૂજા કરી હતી.

શ્રી ભવતારિણી મા કાલી

નાટમંદિર

કાલીમંદિરની સન્મુખે અર્થાત્ દક્ષિણ બાજુએ સુંદર વિશાળ સભામંડપ. સભામંડપની ઉપર મહાદેવ, નંદી અને ભૃંગીની મૂર્તિઓ. માના મંદિરમાં પ્રવેશ કરતાં પહેલાં ઠાકુર શ્રીરામકૃષ્ણ એ મહાદેવને હાથ જોડીને પ્રણામ કરતા, જાણે કે તેમની આજ્ઞા લઈને મંદિરમાં પ્રવેશ કરતા ન હોય! સભામંડપની ઉત્તર-દક્ષિણે ઊભા કરેલા બે હારમાં ખૂબ ઊંચા સ્તંભો. ઉપર અગાસી. સ્તંભોની હારની પૂર્વ અને પશ્ચિમ બાજુએ સભામંડપની બે પાંખ. વિશેષ પૂજા મહોત્સવને સમયે ખાસ કરીને કાલીપૂજાને દિવસે, સભામંડપમાં ભગવત્ ચરિત્ર તથા ભગવત્ લીલા ભજવાય. આ સભામંડપમાં રાસમણિના જમાઈ મથુરબાબુએ શ્રીરામકૃષ્ણના સૂચનથી ધાન્યકૂટ કર્યો હતો. આ સભામંડપમાં જ સૌની સમક્ષ ઠાકુર શ્રીરામકૃષ્ણે ભૈરવી-પૂજા કરી હતી.

દક્ષિણેશ્વરના કાલીમંદિરનું નાટમંદિર

કોઠાર, ભોગઘર, અતિથિગૃહ, બલિસ્થાન

પાકા ફરસબંધ ચોગાનની પશ્ચિમ બાજુએ બાર શિવમંદિર, અને ત્રણ બાજુએ ઓરડીઓ. પૂર્વ બાજુના ઓરડામાં કોઠાર, પૂરીઓ ભરી રાખવાનો ઓરડો, વિષ્ણુ માટેનું નૈવેદ્ય તૈયાર કરવાનો ઓરડો, દેવોનું રસોડું અને અતિથિશાળા. કોઈ અતિથિ સાધુ, જો અતિથિશાળામાં જમવા ન ઇચ્છે, તો તેણે દફતરમાં ખજાનચીની પાસે જવું પડે. ખજાનચી ભંડારીને હુકમ આપે એટલે સાધુને કોઠારમાંથી સીધું મળે. સભામંડપની દક્ષિણ બાજુમાં બલિ આપવાનું સ્થાન છે. (અત્યારે બલિ અપાતો નથી.)

વિષ્ણુના મંદિરની રસોઈ નિરામિષ. કાલીમંદિરના ભોગ માટેનું રસોડું જુદું. રસોઈઘરની સામે દાસીઓ મોટી મોટી છરીઓ લઈને માછલી કાપે છે. અમાસને દિવસે બલિ અપાય. ભોગ બે પ્રહરમાં અપાઈ જાય. દેવતાઓને ભોગ પહેલાં ધરાવાઈ જાય, એટલામાં અતિથિ શાળામાં એક એક પાતળ લઈને વૈષ્ણવો, સાધુઓ, અતિથિઓ અને ભિક્ષુકો હારબંધ બેસી જાય. બ્રાહ્મણોને અલગ જગા કરી આપવામાં આવે. કર્મચારી બ્રાહ્મણોનાં આસન જુદાં પડે. ખજાનચીનો પ્રસાદ તેના ઓરડામાં પહોંચાડવામાં આવે. જાન-બજારથી મંદિરના માલિકો આવે ત્યારે બંગલામાં રહે. તેમને પ્રસાદ ત્યાં જ મોકલવામાં આવે.

કાર્યાલય

ચોગાનની દક્ષિણે હારબંધ આવેલા ઓરડાઓમાં દફતરખાનું અને નોકર વર્ગને રહેવાની જગા. આ ઠેકાણે ખજાનચી, મુનીમ વગેરે હંમેશાં રહે, અને ભંડારી, નોકરો-ચાકરો, પૂજારી, રસોઈયા, બ્રાહ્મણો વગેરે તથા પહેરેગીરોની નિરંતર આવજા હોય. કોઈ કોઈ ઓરડા તાળાંચાવીથી બંધ. તેમાં મંદિરનો સરસામાન, શેતરંજીઓ, શમિયાણા વગેરે ભરેલાં છે. આમાંના કેટલાક ઓરડા પરમહંસદેવના જન્મોત્સવ પ્રસંગે કોઠાર તરીકે વપરાતા. તેની દક્ષિણ બાજુની જમીનમાં મહામહોત્સવની રસોઈ થતી.

ચોગાનની ઉત્તરે એક મજલાવાળા ઓરડાની હાર. તેમની બરાબર વચ્ચે ડેલી. ચાંદની ઘાટમંડપની પેઠે ત્યાં પણ પહેરેગીરો ચોકી કરે. પ્રવેશ કરતાં પહેલાં બન્ને જગાએ જોડા બહાર કાઢીને જવું પડે.

ઠાકુર શ્રીરામકૃષ્ણનો ઓરડો

ચોગાનની બરાબર ઉત્તર પશ્ચિમે (વાયવ્ય ખૂણે), એટલે કે બાર શિવમંદિરની બરાબર ઉત્તરમાં શ્રીપરમહંસદેવનો ઓરડો, ઓરડાની બરાબર પશ્ચિમ બાજુએ એક અર્ધગોળાકાર ઓસરી, એ ઓસરીમાંથી શ્રીરામકૃષ્ણ પશ્ચિમાભિમુખ થઈને ગંગાદર્શન કરતા. ઓસરીની પછી રસ્તો. તેની પશ્ચિમે ફૂલવાડી, તે પછી પુસ્તો. તેની પછી પવિત્ર સલિલા, સર્વતીર્થમય, કલકલ-નિનાદિની ગંગા.

નોબતખાનું, બકુલતલા અને પંચવટી

પરમહંસદેવના ઓરડાની બરાબર ઉત્તરે એક ચોરસ ઓસરી, તેની ઉત્તરે બગીચાનો રસ્તો. તેની ઉત્તરમાં વળી ફૂલવાડી, તેની પછી જ નોબતખાનું. નોબતખાનાની નીચેની ઓરડીમાં પરમહંસદેવનાં પરમ પૂજનીય સ્વર્ગીયા વૃદ્ધ માતુશ્રી, અને પછીથી શ્રીમા સારદાદેવી રહેતાં. નોબતાખાનાની આગળ જતાં જ બકુલતલા અને બકુલતલાનો ઘાટ. અહીં એ તરફના લત્તાનાં બૈરાં સ્નાન કરે. આ ઘાટે પરમહંસદેવનાં વૃદ્ધ માતુશ્રીએ ઈ.સ. ૧૮૭૭માં દેહ છોડેલો.

બકુલતલા અને નોબત ખાનું

બકુલતલાની સહેજ ઉત્તરે પંચવટી. આ પંચવટીમાં પરમહંસદેવે ઘણી સાધના કરી હતી. અને તે પછી ભક્તોની સાથે અહીં અવારનવાર ફરતા. ક્યારેક ક્યારેક મોડી રાતે ઊઠીને ત્યાં જતા. પંચવટીમાં વૃક્ષો-વડ, પીપળો, લીમડો (કોઈ કોઈના મતે અશોક), આમળી અને બીલી-પરમહંસદેવે પોતાની દેખરેખ નીચે વવરાવેલાં હતાં. વૃન્દાવનથી પાછા આવ્યા ત્યારે ત્યાં વૃન્દાવનની રજ પથરાવેલી. એ પંચવટીના બરાબર પૂર્વભાગમાં એક કુટિર બનાવડાવીને ભગવાન શ્રીરામકૃષ્ણે ત્યાં ઘણું ઈશ્વરચિંતન અને તપશ્ચર્યા કરી હતી. એ કુટિર હવે પાકી કરી લેવામાં આવી છે.

દક્ષિણેશ્વરની પંચવટીનું જૂનું દૃશ્ય. જમણી બાજુએ માટીનું મકાન હતું જ્યાં શ્રીરામકૃષ્ણે અદ્વૈતસાધના કરી હતી.

પંચવટીની અંદર એક જૂનું વડનું ઝાડ છે. તેની સાથે જ એક પીપળાનું ઝાડ છે. બેય મળીને જાણે કે એક થઈ ગયાં છે. જૂનું ઝાડ ઘણાં વર્ષાેનું હોવાથી તેમાં કેટલીય બખોલો પડી છે. તેમાં જાત-જાતનાં પક્ષીઓ અને બીજાં કેટલાંય જીવજંતુઓ રહે છે. વૃક્ષને ઈંટોની બનાવેલી પગથિયાંવાળી, ગોળાકાર વેદીથી સુશોભિત બનાવ્યું છે. આ વેદીના ઉત્તર-પશ્ચિમ (વાયવ્ય) ખૂણે બેસીને શ્રીરામકૃષ્ણે ઘણી સાધનાઓ કરી હતી; અને વાછરડાને માટે જેમ ગાય વ્યાકુળ બને તેમ આતુરતાથી ભગવાનનું સ્મરણ કરતા હતા.

પંચવટીના આ વટવૃક્ષ નીચે શ્રીરામકૃષ્ણે કઠોર સાધનાઓ કરી હતી અને તેમને ઘણી દિવ્યાનુભૂતિઓ થઈ હતી.

આજે એ પવિત્ર આસનની ઉપર વડના ઝાડ સાથેના પીપળાની એક ડાળી ભાંગીને પડી ગઈ છે. ડાળ તદ્દન જુદી પડી ગઈ નથી, મૂળ ઝાડની સાથે અર્ધી જોડાયેલી છે, જાણે કે આસને બેસવા યોગ્ય કોઈ મહાપુરુષ હજી સુધી જન્મ્યો નથી!

ઝાઉતલા, બેલતલા, કોઠી

પંચવટીથી જરા વધારે ઉત્તરે લોખંડના તારની વાડ છે. એ વાડની પેલી પાર ઝાઉતલા છે. હારબંધ ચાર ઝાઉનાં ઝાડ. ઝાઉતલાથી પૂર્વ બાજુએ જરાક જઈએ એટલે બેલતલા આવેલ છે. અહીં પણ પરમહંસદેવે કેટલીયે કઠણ સાધનાઓ કરી હતી. ઝાઉતલા અને બેલતલાની પછી ઊંચી દીવાલ, તેની ઉત્તરે સરકારી દારૂખાનું.

બેલતલા અને ઝાઉતલા

ચોગાનની ડેલીમાંથી ઉત્તરમુખે બહાર નીકળીને જોઈએ, તો સામે જ બે મજલાવાળો બંગલો દેખાય. મંદિરે આવતાં ત્યારે રાણી રાસમણિ, તેમના જમાઈ મથુરબાબુ વગેરે આ બંગલામાં રહેતાં. તેમની હયાતીમાં પરમહંસદેવ આ બંગલાના મકાનમાં નીચેના પશ્ચિમ બાજુના ઓરડામાં રહેતા. આ ઓરડામાંથી બકુલતલાને ઘાટે જઈ શકાય અને સારી રીતે ગંગાદર્શન થાય.

આ કોઠીના એક ઓરડામાં શ્રીરામકૃષ્ણદેવ ૧૬ વર્ષ રહ્યા હતા

વાસણ માંજવાનો ઘાટ, ગાજીતલા અને બે ફાટક

ચોગાનની ડેલી અને બંગલાની વચમાં જે રસ્તો છે તે રસ્તે થઈને પૂર્વ તરફ જતાં જમણી બાજુએ એક બાંધેલા ઘાટવાળી સુંદર તળાવડી છે. મા કાલીના મંદિરની બરાબર પૂર્વ બાજુએ આ તળાવડીનો એક વાસણ માંજવાનો ઘાટ છે અને ઉપર કહેલા રસ્તાથી જરાક છેટે બીજો એક ઘાટ છે.

રસ્તાની બાજુએ આવેલા આ ઘાટની નજીક એક ઝાડ છે. તે સ્થાનને ગાજીતલા કહે છે. આ રસ્તે થઈને જરા પૂર્વ તરફ જઈએ એટલે વળી એક ડેલી અને બગીચામાંથી બહાર આવવાનો મુખ્ય દરવાજો છે.

આ દરવાજેથી આલમબજારના અને કોલકાતાના લોકો આવજા કરે. દક્ષિણેશ્વરના માણસો પાછળની નાની બારીમાંથી કાલીમંદિરમાં પ્રવેશ કરે. ત્યાં પણ દરવાન ચોકી કરે છે. પરમહંસદેવ કોલકાતાથી જ્યારે મોડી રાત્રે કાલીમંદિરે પાછા ફરતા, ત્યારે આ ડેલીનો દરવાન તાળું ઉઘાડી દેતો. પરમહંસદેવ દરવાનને બોલાવીને પોતાને ઓરડે લઈ જતા; પૂરી, મીઠાઈ વગેરે પ્રસાદ તેને આપતા.

ગાજીતલા અને દક્ષિણેશ્વર સંકુલનો મુખ્ય દરવાજો

હંસપુકુર, તબેલો, ગૌશાળા, પુષ્પોદ્યાન

પંચવટીની પૂર્વ બાજુએ એક તળાવ છે, તેનું નામ હંસપુકુર. આ તળાવને ઉત્તર-પશ્ચિમે (ઈશાનખૂણે) તબેલો અને ગૌશાળા છે. ગૌશાળાની પૂર્વ બાજુએ ખિડકી (નાની ડેલી). આ ખિડકીથી દક્ષિણેશ્વર ગામમાં જવાય. જે પૂજારીઓ અથવા બીજા નોકરોએ પોતાનાં કુટુંબ-બાલબચ્ચાં લાવીને દક્ષિણેશ્વરમાં રાખ્યાં હોય, તેઓ અથવા તેમનાં બાળકો આ રસ્તેથી આવજા કરે.

બગીચાની દક્ષિણ સીમાથી ઉત્તરમાં બકુલતલા અને પંચવટી સુધી ગંગાને કિનારે કિનારે રસ્તો છે. રસ્તાની બંને બાજુએ પુષ્પવૃક્ષો છે. વળી બંગલાની દક્ષિણ બાજુએ થઈને પૂર્વ-પશ્ચિમે જે રસ્તો જાય છે, તેની પણ બંને બાજુએ ફૂલઝાડ છે. ગાજીતલાથી ગૌશાળા સુધી, બંગલા અને હંસપુકુરની પૂર્વ બાજુએ જમીનનો જે ટુકડો છે, તેની અંદર જાતજાતનાં ફૂલ અને ફળનાં ઝાડ અને એક તળાવ છે.

વહેલી સવારમાં પૂર્વ દિશામાં અરુણોદય થતો હોય તેવામાં જ મંગળા આરતીનો સુમધુર શબ્દ થવા લાગે અને શરણાઈનાં પ્રભાતી રાગરાગિણી શરૂ થાય, ત્યારથી જ મા કાલીના બગીચામાં ફૂલ ઉતારવાનું શરૂ થાય.

ગંગા તીરે પંચવટીની સામે બીલીનું ઝાડ અને સુગંધી ચંપો છે. મલ્લિકા, માધવી અને ચંપાનાં ફૂલ શ્રીરામકૃષ્ણને બહુ ગમતાં. માધવી લતા શ્રીવૃંદાવનથી આવીને તેમણે પોતે જ રોપી હતી.

હંસપુકુર અને બંગલાની પૂર્વ બાજુએ જમીનનો જે ટુકડો છે તેમાં તળાવને કાંઠે ચંપાનાં ઝાડ છેઃ થોડેક દૂર ઝૂમખાં-જાસૂદ, ગુલાબ અને કાંચન ફૂલનાં ઝાડ, વાડની ઉપર અપરાજિતા, નજીકમાં જૂઈની વેલ અને ક્યાંક ક્યાંક પારિજાત. દ્વાદશ શિવમંદિરની પશ્ચિમે, શ્વેત અને લાલ કરેણ, ગુલાબ, જૂઈ, મોગરો. ક્યાંક ક્યાંક મહાદેવની પૂજા માટે ધતુરાનાં ફૂલ. વચ્ચે વચ્ચે ઈંટના ઊંચા મંચ પર તુલસી.

નોબતની દક્ષિણબાજુ બેલ, જૂઈ, ગંધરાજ, ગુલાબ વગેરે છે. બાંધેલા ઘાટથી જરાક દૂર કમલકરેણ અને કોકિલાક્ષના ફૂલના છોડ છે. પરમહંસદેવના ઓરડાની બાજુએ એક બે ગુલમોરનાં વૃક્ષ છે અને આજુબાજુ મોગરો, જૂઈ, ગંધરાજ, ગુલાબ, માલતી, જાસૂદ, ધોળી કરેણ, લાલ કરેણ, તે ઉપરાંત પંચમુખી જાસૂદ, ચીનાઈ જાસૂદ પણ છે.

શ્રીરામકૃષ્ણ પણ કોઈ કોઈ વખત ફૂલ ચૂંટતા. એક દિવસ પંચવટીની સામે બીલીના ઝાડ પરથી બીલીપત્ર ચૂંટતા હતા ત્યારે ઝાડની થોડીક છાલ ઊખડી ગઈ. આથી તેમને લાગ્યું કે સર્વભૂતમાં વ્યાપી રહેલા પરમાત્માને કોણ જાણે કેટલુંય કષ્ટ થયું હશે! એ દિવસથી શ્રીરામકૃષ્ણ કદી બીલીપત્ર તોડી શક્યા નહિ.

બીજે એક દિવસે શ્રીરામકૃષ્ણ ફૂલ ચૂંટવા માટે ફરતા હતા, એટલામાં કોઈએ જાણે કે એકાએક દેખાડી દીધું કે ખીલી રહેલાં ફૂલ સહિતનું એક એક વૃક્ષ જાણે કે ફૂલનો એક એક ગજરો છે. અને આ જગતરૂપી વિરાટ શિવમૂર્તિની ઉપર તે શોભી રહ્યા છે, જાણે કે અહર્નિશ તેમની જ પૂજા થઈ રહી છે. તે દિવસથી પછી શ્રીરામકૃષ્ણથી ફૂલ ચૂંટવાનું બન્યું નહિ.

દક્ષિણેશ્વર કાલીમંદિર સંકુલમાં આવેલ પુષ્પોદ્યાન

ઠાકુર શ્રીરામકૃષ્ણના ઓરડાની ઓસરી

શ્રીરામકૃષ્ણના ઓરડાની પૂર્વ બાજુએ એક લાંબી ઓસરી છે. ઓસરીનો એક ભાગ ચોગાનની બાજુએ એટલે કે દક્ષિણાભિમુખ છે. આ ઓસરીમાં પરમહંસદેવ મોટે ભાગે ભક્તો સાથે બેસતા અને ઈશ્વર સંબંધી વાતો અથવા સંકીર્તન કરતા. આ પૂર્વ બાજુની ઓસરીનો બીજો અર્ધાે ભાગ ઉત્તરાભિમુખ છે. આ ઓસરીમાં ભક્તો તેમનો જન્મોત્સવ ઊજવતા, તેમની સાથે બેસીને સંકીર્તન કરતા, અને એકસાથે બેસીને પ્રસાદ લેતા. એ જ ઓસરીમાં શ્રીયુત્ કેશવચંદ્ર સેને શિષ્યો સહિત આવીને તેમની સાથે કેટલોય વાર્તાલાપ કર્યો હતો, અને આનંદ કરતાં કરતાં મમરા, ટોપરું, પૂરી, મીઠાઈ વગેરે એક સાથે બેસીને જમ્યા હતા. એ જ ઓસરીમાં નરેન્દ્રને જોઈને શ્રીરામકૃષ્ણ સમાધિમાં આવી ગયા હતા.

શ્રીરામકૃષ્ણના ઓરડાની ઉત્તરાભિમુખ ઓસરી

આનંદ-નિકેતન

કાલીમંદિર આનંદ-નિકેતન થયું છે. શ્રીરાધાકાન્ત, શ્રીભવતારિણી અને મહાદેવની નિત્યપૂજા, ભોગ ધરાવવો અને અતિથિસેવા થાય. એક બાજુ દૂર સુધીનું ભાગીરથી-દર્શન. વળી જાત જાતનાં સુંદર, સુવાસિત, ફૂલોવાળો મનોહર બગીચો. તેમાં એક ચેતન પુરુષ અહર્નિશ ઈશ્વર પ્રેમમાં મસ્ત રહે! ત્યાં આનંદમયીનો નિત્ય ઉત્સવ! નોબતખાનામાંથી રાગરાગિણી હંમેશાં વાગ્યા કરે! એક વાર પ્રભાતમાં મંગળા-આરતીને વખતે, ત્યાર પછી નવ વાગ્યે પૂજાનો આરંભ થાય ત્યારે, ત્યાર પછી બપોરે ભોગ આરતી, પછી દેવી દેવતાઓ આરામ કરવા જાય ત્યારે. વળી પાછી ચાર વાગે નોબત વાગે; ત્યારે દેવતાઓ આરામ લઈને ઊઠે અને મુખ ધુએ, વળી ફરીથી સંધ્યા આરતીને સમયે, અને છેવટે રાત્રે નવ વાગ્યે, જ્યારે દેવતાઓને રાત્રીનો ભોગ ધરાવ્યા પછી શયન અપાય તે વેળા છેલ્લી નોબત વાગે.

દક્ષિણેશ્વર કાલીમંદિર સંકુલ

Total Views: 1,438
ખંડ 1: અધ્યાય 2: પ્રથમ દર્શન