તવ કથામૃતં તપ્તજીવનં કવિભિરીડિતં કલ્મષાપહમ્ |
શ્રવણમંગલં શ્રીમદાતતં ભુવિ ગૃણન્તિ તે ભૂરિદા જનાઃ||
(શ્રીમદ્ ભાગવત, ૧૦.૩૧.૯; ગોપીગીત; રાસપંચાધ્યાય)

ગંગાતીરે દક્ષિણેશ્વરમાં મા કાલીનું મંદિર. વસંતનો સમય, ઈ.સ. ૧૮૮૨નો માર્ચ માસ. ઠાકુર શ્રીરામકૃષ્ણના જન્મોત્સવના કેટલાક દિવસો પછી, શ્રીકેશવ સેન અને શ્રીયુત્ જોસેફ કુકની સાથે ૨૩ ફેબ્રુઆરી, ગુરુવાર (૧૨ ફાગણ, ૧૨૮૮ શુક્લા ષષ્ઠી)ના રોજ ઠાકુર સ્ટીમરમાં ફરવા ગયા, તેના જ થોડા દિવસો પછીની ઘટના. સંધ્યા થવાની તૈયારી છે. એ વખતે શ્રીરામકૃષ્ણના ઓરડામાં માસ્ટર આવી પહોંચ્યા. આ તેમનું શ્રીરામકૃષ્ણનું પ્રથમ દર્શન. (પ્રથમ દર્શનની તારીખ સંબંધે મતભેદ છે.)

માસ્ટરે જોયું તો ઓરડો માણસોથી ચિકાર ભરેલો છે. સૌ એકચિત્તે તેમના કથામૃતનું શ્રવણ કરી રહ્યા છે. શ્રીરામકૃષ્ણ પાટ ઉપર બેસી પૂર્વાભિમુખ થઈને સહાસ્યવદને કથા કહી રહ્યા છે. ભક્તો જમીન પર બેઠેલા છે.

કર્મત્યાગ ક્યારે થાય?

માસ્ટર ઘડીભર ઊભા રહીને શાંતપણે જોયા કરે છે. તેમને મનમાં થાય છે કે જાણે સાક્ષાત્ શુકદેવજી ભાગવતની કથા કરી રહ્યા છે, અને સર્વ તીર્થાેનો ત્યાં સમાગમ થયો છે. અથવા જાણે કે શ્રી ચૈતન્ય મહાપ્રભુ જગન્નાથ – પુરીમાં રામાનંદ, સ્વરૂપ ગોસ્વામી વગેરે ભક્તોની સાથે વાર્તાલાપ કરી રહ્યા છે, અને ભગવાનનાં નામોનું કીર્તન કરી રહ્યા છે. ઠાકુર શ્રીરામકૃષ્ણ બોલે છેઃ ‘જ્યારે એક વાર હરિનામ, અથવા એક વાર રામ નામનું ઉચ્ચારણ કરતાં શરીરે રોમાંચ થાય, આંખમાંથી આંસુ ઝરે, તો ચોક્કસ જાણવું કે સંધ્યા વગેરે કર્માે કરવાની જરૂર રહી નથી. ત્યારે કર્મ ત્યાગનો સમય થયો છે- કર્મનો આપોઆપ ત્યાગ થતો જાય છે. ત્યાર પછી કેવળ રામનામ, હરિનામ કે માત્ર ૐકારનો જપ કરે એટલે બસ.’ વળી બોલ્યાઃ ‘સંધ્યાનો ગાયત્રીમાં લય થાય, ગાયત્રીનો ૐકારમાં લય થાય.’

માસ્ટર, સિધુ (શ્રીયુત્ સિદ્ધેશ્વર મજુમદાર, ઉત્તર વરાહનગરમાં ઘર)ની સાથે વરાહનગરમાં એક બગીચામાંથી બીજામાં, એમ ફરતાં ફરતાં અહીં આવી ચડ્યા છે.

આજે રવિવાર, થોડો સમય મળ્યો છે, એટલે બંને ફરવા નીકળ્યા છે; થોડીવાર પહેલાં શ્રીયુત્ પ્રસન્ન બેનર્જીના બગીચામાં ફરતા હતા, ત્યારે સિધુ બોલ્યા હતા કે ‘ગંગા કિનારે એક સુંદર બગીચો છે. એ જોવા જવું છે? ત્યાં પરમહંસ રહે છે.’

બગીચામાં મુખ્ય દરવાજામાંથી પ્રવેશ કરીને માસ્ટર અને સિધુ સીધા શ્રીરામકૃષ્ણના ઓરડામાં આવ્યા. માસ્ટર આશ્ચર્યચક્તિ થઈને જોયા કરે છે અને વિચાર કરે છે કે ‘અહા! કેવું સુંદર સ્થાન! કેવો સુંદર પુરુષ! કેવી સુંદર કથા! અહીંથી ખસવાનીય ઇચ્છા થતી નથી!’ થોડીક વાર પછી મનમાં કહેવા લાગ્યા કે ‘એકવાર જોઉં તો ખરો કે ક્યાં આવ્યો છું! ત્યાર પછી અહીં આવીને બેસું.’

સિધુની સાથે ઓરડાની બહાર આવતાં જ સંધ્યા આરતીનો મધુર અવાજ થવા લાગ્યો. એકી સાથે થાળી, ઘંટા, ખોલ (મૃદંગ જેવું બંગાળમાં કીર્તનમાં વપરાતું એક જાતનું વાદ્ય), કાંશિયાં વાગી ઊઠ્યાં. બગીચાને દક્ષિણ છેડેથી નોબતખાનામાંથી નોબતનો મધુર શબ્દ આવવા લાગ્યો. એ શબ્દ ભાગીરથીના પટ પર જાણે કે ફરતો ફરતો અતિ દૂર જઈને અનંતમાં ક્યાંય મળી જવા લાગ્યો. ફૂલોની સુગંધથી સુવાસિત વસંતનો વાયુ મંદ મંદ વાઈ રહ્યો છે! તરતમાં જ ચંદ્રમા ઊગ્યો છે. જાણે કે ચારે બાજુ દેવતાઓની આરતીની તૈયારી થઈ રહી છે. માસ્ટર બાર શિવમંદિરે, શ્રીરાધાકાન્તના મંદિરે અને શ્રી ભવતારિણીના મંદિરે આરતીનાં દર્શન કરીને બહુ જ પ્રસન્ન થયા. સિધુ બોલ્યા, ‘આ રાસમણિનું દેવાલય, અહીં નિત્યપૂજા છે. કેટલાય અતિથિઓ, ભિક્ષુકો અહીં આવે.’

વાત કરતાં કરતાં બંને જણા શ્રી ભવતારિણીના મંદિરથી મોટા પાકા ચોગાન પર ચાલતાં ચાલતાં પાછા શ્રીરામકૃષ્ણના ઓરડાની સામે આવી પહોંચ્યા. આ વખતે જોયું તો ઓરડાનાં બારણાં બંધ.

ધૂપ હજી હમણાં જ કર્યો છે. માસ્ટર અંગ્રેજી ભણ્યા છે, એટલે ઓરડામાં એકદમ પ્રવેશ કરી શક્યા નહિ. બારણામાં વૃંદા કામવાળી ઊભી હતી; તેને પૂછ્યું; ‘બાઈ! શું સાધુ અત્યારે અંદર હશે?’

વૃંદાએ જવાબ આપ્યો, ‘હા! તેઓ તો ઓરડામાં જ છે.’

માસ્ટર: એ અહીં કેટલાક દિવસ થયા છે?

વૃંદા: એ તો ઘણાય દિવસ થયા છે.

માસ્ટર: ઠીક, એ શું ખૂબ પુસ્તકો વાંચે છે?

વૃંદા: અરે બાપલા, પુસ્તક અને બુસ્તક! એમને તો બધું મોઢે!

માસ્ટર તરતમાં જ ભણી ગણીને આવેલા છે. ઠાકુર શ્રીરામકૃષ્ણ પુસ્તક વાંચતા નથી એ સાંભળીને બહુ નવાઈ પામ્યા.

માસ્ટર: વારુ, મને લાગે છે કે એ અત્યારે સંધ્યા કરતા હશે. અમે આ ઓરડામાં જઈ શકીએ? તું એક વાર અંદર જઈને ખબર આપીશ?

વૃંદા: તમે તમારે જાઓને બાપુ. ઓરડામાં જઈને બેસો.

મહેન્દ્રનાથ ગુપ્ત (શ્રી ‘મ’)

એટલે તેમણે ઓરડામાં જઈને જોયું તો અંદર બીજું કોઈ નહિ. ઓરડામાં શ્રીરામકૃષ્ણ એકલા એક પાટ ઉપર બેઠેલા છે. ઓરડામાં ધૂપ કરવામાં આવ્યો છે. અને બારણાં બધાં બંધ છે. માસ્ટરે પ્રવેશ કરી હાથ જોડીને પ્રણામ કર્યા. ઠાકુર શ્રીરામકૃષ્ણે બેસવાનું કહ્યું. એટલે માસ્ટર અને સિધુ જમીન પર બેઠા. શ્રીરામકૃષ્ણે પૂછ્યું, ‘ક્યાં રહો છો, શું કરો છો? વરાહનગરમાં શા માટે આવ્યા છો?’ વગેરે. માસ્ટરે પરિચય આપ્યો. પણ તેમણે જોયું કે ઠાકુર વચ્ચે વચ્ચે જાણે બેધ્યાન થઈ જાય છે. પાછળથી તેમણે સાંભળ્યું કે એ અવસ્થાનું નામ ભાવ; જેમ કોઈ માણસ માછલી પકડવાની સોટી હાથમાં રાખીને એકચિત્ત થઈને માછલી પકડવા બેઠો હોય તેમ. માછલી આવીને ગલમાં ભરાવેલો ટુકડો ખાવા માંડે એટલે ઉપર તરતો બરુનો ટુકડો હાલે, એ વખતે એ માણસ જેમ એકદમ આતુર થઈને સોટીને પકડીને બરુના ટુકડા તરફ એક નજરે ધ્યાન દઈને જોઈ રહે, કોઈની સાથે વાત કરે નહિ; બરાબર એવી જાતનો એ ભાવ. પાછળથી તેમણે સાંભળ્યું અને નજરે જોયું કે સંધ્યા પછી શ્રીઠાકુરને એવી રીતે ભાવ થાય છે; અને ક્યારેક તો તેઓ એકદમ બાહ્યસંજ્ઞારહિત થઈ જાય છે!

માસ્ટર: આપ અત્યારે સંધ્યા કરવાના હશો. તો હવે અમે રજા લઈએ.

શ્રીરામકૃષ્ણ (ભાવમાં): ના, સંધ્યા કે એવું કાંઈ નથી.

બીજી થોડીક વાતચીત બાદ માસ્ટરે પ્રણામ કરીને રજા માગી. શ્રીરામકૃષ્ણ બોલ્યા, ‘પાછા આવજો!’

દક્ષિણેશ્વરમાં શ્રીરામકૃષ્ણના ઓરડાનું અંદરનું દૃશ્ય

માસ્ટર પાછા ફરતી વખતે વિચાર કરવા લાગ્યા, કે આ સૌમ્યમૂર્તિ કોણ, કે જેમની પાસે પાછા જવાની ઇચ્છા થાય છે? પુસ્તક વાંચ્યા વિના શું માણસ મહાન થઈ શકે? શી નવાઈ! વળી પાછા અહીં આવવાની ઇચ્છા થાય છે. એમણે પણ કહ્યું છે, ‘પાછા આવજો!’ ‘કાલે કે પરમ દિવસે સવારે આવીશ.’

Total Views: 873
ખંડ 1: અધ્યાય 1: કાલીમંદિર અને ઉદ્યાન
ખંડ 1: અધ્યાય 3: બીજું દર્શન