યં લબ્ધ્વા ચાપરં લાભં મન્યતે નાધિકં તતઃ।
યસ્મિન્ સ્થિતો ન દુઃખેન ગુરુણાપિ વિચાલ્યતે॥ (ગીતા, ૬.૨૨)

નરેન્દ્ર, ભવનાથ અને અન્ય સાથે આનંદ

બીજે દિવસે પણ રજા હતી. બપોરના ત્રણ વાગે માસ્ટર આવી પહોંચ્યા. શ્રીરામકૃષ્ણ પેલા પરિચિત ઓરડામાં બેઠેલા છે, જમીન ઉપર સાદડી પાથરેલી છે. તેના ઉપર નરેન્દ્ર, ભવનાથ અને બીજા એક બે ભક્તો બેઠા છે. બધાય નવજુવાન. ઓગણીસ – વીસ વરસની ઉંમરના. ઠાકુર હસમુખે ચહેરે, નાની પાટ ઉપર બેઠા છે; અને નવજુવાનો સાથે આનંદથી વાતચીત કરી રહ્યા છે. માસ્ટર ઓરડામાં પ્રવેશ કરે છે, એ સાથે જ ઠાકુર જોરથી હસીને એક જણ તરફ જોઈને બોલી ઊઠ્યા કે ‘અરે, ફરીવાર આવ્યો છે!’ એમ બોલતાંની સાથે જ હાસ્ય. બધા હસવા લાગ્યા. માસ્ટર આવીને જમીન પર માથું નમાવી પ્રણામ કરીને બેઠા. આ પહેલાં હાથ જોડીને ઊભા ઊભા પ્રણામ કરતા – અંગ્રેજી ભણેલાઓ જેમ કરે છે તેમ; પણ આજે એ જમીન પર નમીને પ્રણામ કરતાં શીખ્યા છે. તે બેઠા એટલે ઠાકુર, પોતે શા માટે હસતા હતા તે નરેન્દ્ર વગેરે ભક્તોને સમજાવે છે. ‘જો, એક મોરને એક દિવસ ચાર વાગ્યે જરાક અફીણ પાઈ દીધું હતું. બીજે દિવસે બરાબર ચાર વાગે મોર આવીને ઊભો રહ્યો. અફીણનો સ્વાદ લાગી ગયો હતો. આ પણ બરાબર એ જ સમયે અફીણ લેવા આવેલ છે.’ (સૌનું હાસ્ય)

માસ્ટર મનમાં વિચાર કરે છે કે ‘વાત તો બરાબર છે. ઘેર જાઉં, પણ મન રાત દિન તેઓશ્રીની પાસે પડ્યું રહે છે, એમ થયા કરે કે ક્યારે મળું, ક્યારે મળું. જાણે કે કોઈક અહીંયાં ખેંચી લાવે છે! ઇચ્છા કરું તો યે બીજી જગ્યાએ જઈ શકાય નહિ. અહીં આવવું જ પડે! માસ્ટર એ પ્રમાણે વિચાર કરી રહ્યા છે. આ બાજુ ઠાકુર જુવાનિયાઓ સાથે વિનોદ કરી રહ્યા છે, જાણે કે બધાય પોતાની જ ઉંમરના ન હોય. હાસ્યની લહરીઓ ઊડવા લાગી. જાણે કે આનંદનું બજાર ભરાયું છે!

માસ્ટર આશ્ચર્યચકિત થઈને આ નવાઈભર્યું ચરિત્ર જોયા કરે છે. તે વિચાર કરી રહ્યા છે કે આગલે દિવસે શું આમની જ સમાધિ અને અદ્ભુત પ્રેમાનંદ જોયો હતો? શું એ જ સમાધિસ્થ પુરુષ અત્યારે સાવ સાધારણ માણસની પેઠે વર્તી રહ્યા છે? એમણે જ શું પેલે દિવસે લોકોને ઉપદેશ દેવાની વાત મેં કરતાં મને ઠપકો આપ્યો હતો? શું એમણે જ મને કહેલું કે ‘તમે શું જ્ઞાની?’ – ‘સાકાર – નિરાકાર બંને સાચું!’ – વળી કહેલું કે ઈશ્વર જ સત્ય અને સંસારનું બીજું બધું અનિત્ય? શું તેમણે જ મને સંસારમાં દાસીની પેઠે રહેવાનું કહ્યું હતું?

ઠાકુર શ્રીરામકૃષ્ણ આનંદ કરી રહ્યા છે અને વચ્ચે વચ્ચે માસ્ટરને જુએ છે. તેમણે જોયું કે માસ્ટર આશ્ચર્યમાં ગરકાવ થઈને બેસી રહ્યા છે. એટલે રામલાલને સંબોધન કરીને બોલ્યાઃ ‘જો, એની ઉંમર થોડી વધુ ખરીને, એટલે જરા ભારેખમ! આ બધા આટલા હસે છે, મજા કરે છે, પણ એ મૂંગા બેઠેલ છે.’ માસ્ટરની ઉંમર એ વખતે સત્તાવીસ વરસની હશે.

વાત કહેતાં કહેતાં પરમ ભક્ત હનુમાનની વાત નીકળી. હનુમાનજીનું એક ચિત્ર શ્રીરામકૃષ્ણના ઓરડાની દીવાલ પર હતું. ઠાકુર બોલ્યા, ‘જુઓ, હનુમાનનો કેવો ભાવ! ધન, માન, દેહસુખ, કોઈ ચીજ માગે નહિ, કેવળ ભગવાનને ચાહે. લંકામાં રાવણના મહેલમાંથી સ્ફટિક પરથી જ્યારે બ્રહ્માસ્ત્ર લઈને ભાગવા લાગ્યા, ત્યારે મંદોદરી ઘણી જાતનાં ફળ લાવીને લલચાવવા લાગી. તેણે ધાર્યું કે ફળના લોભથી ઊતરી આવીને વાંદરો કદાચ અસ્ત્ર ફેંકી દેશે. પણ હનુમાન ભૂલે એવા ન હતા.

ગીત – ‘શ્રીરામકલ્પતરુ’

તેમણે કહ્યુંઃ
‘મારે શું ફળનો અભાવ?
પામ્યો છું ફળ, તેથી જન્મ સફળ,
મોક્ષ – ફળનું વૃક્ષ રામ, હૃદયે
શ્રીરામ – કલ્પતરુ મૂળે બેસી રહ્યે,
જ્યારે જે ફળ વાંચ્છું તે ફળ પ્રાપ્ત થાયે;
ફળની વાત શી બાઈ રે, એ ફળગ્રાહક હું નહિ રે,
જાઉં તમને પ્રતિફલ દઈ…

સમાધિસ્થિતિમાં

ઠાકુરને ગીત ગાતાં ગાતાં જ વળી પાછી સમાધિ! વળી, હલનચલન વિના, મીંચેલી આંખે, સ્થિર થઈને, ફોટામાં દેખાય તેમ બેઠા છે. ભક્તો હજી તો હમણાં જ આટલાં હાસ્ય-મજા કરી રહ્યા હતા. અત્યારે બધા એક નજરે ઠાકુરની એક અદ્ભુત અવસ્થા નીરખી રહ્યા છે. સમાધિ અવસ્થાનાં માસ્ટરે આ બીજી વાર દર્શન કર્યાં. કેટલીય વાર પછી એ અવસ્થામાં પરિવર્તન થવા લાગે છે! દેહ શિથિલ થયો. ચહેરો હાસ્યપૂર્ણ થયો. ઇન્દ્રિયો પાછી પોતપોતાનાં કામ કરવા લાગી. આંખના ખૂણેથી આનંદાશ્રુ લૂછતાં લૂછતાં ઠાકુર ‘રામ’, ‘રામ’, એ નામનું ઉચ્ચારણ કરે છે.

માસ્ટર વિચાર કરવા લાગ્યા કે શું આ મહાપુરુષ જ છોકરાઓ સાથે હાસ્યવિનોદ કરતા હતા? એ વખતે તો જાણે પાંચ વરસના બાળક!

શ્રીરામકૃષ્ણ અગાઉની માફક સ્વસ્થ થઈને સાધારણ માણસની પેઠે વ્યવહાર કરવા લાગ્યા. માસ્ટરને અને નરેન્દ્રને ઉદ્દેશીને બોલ્યાઃ ‘તમે બેય જણા અંગ્રેજીમાં વાતો કરો અને ચર્ચા કરો તો; મારે સાંભળવું છે.’

માસ્ટર અને નરેન્દ્ર બંને એ સાંભળીને હસવા લાગ્યા. બંને કાંઈક કાંઈક વાતો કરવા લાગ્યા, પણ બંગાળીમાં. ઠાકુરની સામે ચર્ચા કરવી માસ્ટરથી હવે બને નહિ. તેનું વાદવિવાદનું ખાનું ઠાકુરની કૃપાથી લગભગ બંધ. અને હવે વાદવિવાદ કરે શી રીતે? ઠાકુરે વળી એકવાર આગ્રહ કર્યો પણ અંગ્રેજીમાં ચર્ચા કરવાનું બન્યું નહિ.

Total Views: 577
ખંડ 1: અધ્યાય 8: સમાધિ - સ્થિતિમાં
ખંડ 1: અધ્યાય 10: અંતરંગ ભક્તોની સાથેઃ ‘હું કોણ?’