શ્રુતિવિપ્રતિપન્ના તે યદા સ્થાસ્યતિ નિશ્ચલા।
સમાધાવચલા બુદ્ધિસ્તદા યોગમવાપ્સ્યસિ॥ (ગીતા, ૨.૫૩)

મંડળી વિખેરાઈ. ભક્તો આમતેમ આંટા મારે છે. માસ્ટર પણ પંચવટી વગેરે સ્થળે ફરી રહ્યા છે. સમય આશરે પાંચનો. થોડીવાર પછી તેમણે શ્રીરામકૃષ્ણના ઓરડા તરફ આવીને જોયું તો ઓરડાની ઉત્તર બાજુની નાની ઓસરીમાં એક અદ્ભુત ઘટના બની રહી છે. શ્રીરામકૃષ્ણ સ્થિર થઈને ઊભેલા છે. નરેન્દ્ર ગીત ગાય છે, બે ચાર ભક્તો ઊભા છે. માસ્ટર આવીને ગીત સાંભળે છે અને સાંભળીને મુગ્ધ બન્યા છે. શ્રીરામકૃષ્ણના ગીત સિવાય આવું મધુરું ગીત તેમણે ક્યારેય ક્યાંય સાંભળેલું નહિ. અચાનક શ્રીરામકૃષ્ણના તરફ નજર કરી તો માસ્ટર આશ્ચર્યચક્તિ થઈ ગયા. ઠાકુર ઊભા છે, સાવ સ્થિર. આંખો પલકારા મારતી નથી; શ્વાસોચ્છ્વાસ ચાલે છે કે નથી ચાલતો! એક ભક્તને પૂછતાં તેણે કહ્યું, ‘આનું નામ સમાધિ!’ માસ્ટરે આ પ્રમાણે કોઈ વાર જોયું નહોતું તેમ સાંભળ્યું પણ નહોતું. નવાઈ પામીને તે મનમાં વિચારવા લાગ્યા કે ભગવાનનું ચિંતવન કરીને માણસ શું આટલી હદે બહારના જ્ઞાનરહિત થઈ જાય! કોણ જાણે કેટલીયે શ્રદ્ધાભક્તિ હોય ત્યારે આમ થતું હશે! નરેન્દ્ર ગાય છેઃ

‘ચિન્તય મમ માનસ હરિ ચિદ્ઘન નિરંજન,
કેવી અનુપમ જ્યોતિ, મોહન મૂરતિ, ભક્ત હૃદય રંજન.
નવ રાગે રંજિત, કોટિ શશી – વિનિંદિત;
(વળી) વીજળી ચમકે, એ રૂપ નીરખ્યે, રોમાંચે કંપે જીવન…

ગીતનું આ ચરણ ગવાતી વખતે ઠાકુર કંપવા લાગ્યા. દેહ રોમાંચિત! ચક્ષુમાંથી આનંદાશ્રુ ઝરી રહ્યાં છે. વચ્ચે વચ્ચે જાણે કે કાંઈક જોઈને હસી રહ્યા છે. કોણ જાણે કેવા કોટિ શશી – વિનિંદિત અનુપમ રૂપનું દર્શન કરી રહ્યા છે! આનું નામ શું ભગવાનનું ચિન્મયરૂપ દર્શન? કેટલી સાધના કરવાથી, કેટલી તપશ્ચર્યાને પરિણામે, કેટલી ભક્તિ શ્રદ્ધાના જોરે આવું ઈશ્વર દર્શન થાય? ગીત આગળ ચાલે છે –

હૃદયકમલ-આસને, સ્મરો પ્રભુજીનાં ચરણ,
દેખો શાંત મને, પ્રેમનયને, અપરૂપ પ્રિયદર્શન!

વળી પાછું ઠાકુરના ચહેરા પર પેલું ભુવનમોહન હાસ્ય. શરીર પહેલાંના જેવું સ્થિર! મિંચાયેલાં લોચન. પણ જાણે કે કેવું એક અપૂર્વ રૂપદર્શન કરી રહ્યા છે. અને એ અપૂર્વ રૂપદર્શન કરીને જાણે મહાઆનંદ સાગરમાં તરી રહ્યા છે! હવે ગીતનું છેવટ આવ્યું, નરેન્દ્રે ગાયું.

ચિદાનંદરસે, ભક્તિયોગ-આવેશે,
થાઓ રે ચિર-મગન, (ચિદાનંદ રસે રે) (પ્રેમાનંદરસે.)

સમાધિની અને પ્રેમાનંદની આ અદ્ભુત છબી હૃદયમાં ધારણ કરીને માસ્ટર ઘેર પાછા જવા લાગ્યા. વચ્ચે વચ્ચે હૃદયની અંદર મનને પાગલ બનાવનાર એ મધુર સંગીતનો સૂર ગુંજવા લાગ્યોઃ

‘પ્રેમાનંદ રસે થાઓ રે ચિર મગન…’ (હરિ પ્રેમમાં ઉન્મત્ત થઈને)

Total Views: 538
ખંડ 1: અધ્યાય 7: ઉપાયઃ શ્રદ્ધા
ખંડ 1: અધ્યાય 9: ચતુર્થ દર્શન