(સને, ૧૮૮૨ની ૧૧મી માર્ચ, શનિવાર.)

રાતના આઠ નવ વાગ્યા હશે. દોલયાત્રા. (આ દોલયાત્રાના સાત દિવસ પછીનો દિવસ હોઈ શકે. કારણ કે ગુપ્ત પ્રેસ પંજિકા અનુસાર આ વર્ષે દોલયાત્રા ૪થી માર્ચે હતી. શ્રી માસ્ટર મહાશયે પણ આ અધ્યાયમાં ઉલ્લેખ કર્યો છે, ૧૧ માર્ચ, ૧૮૮૨ શ્રીરામકૃષ્ણ બલરામના ઘેર આવ્યા છે.) રામ, મનોમોહન, રાખાલ, નિત્યગોપાલ વગેરે ભક્તો શ્રીરામકૃષ્ણને ઘેરીને ઊભા છે. સૌ કોઈ હરિનામસંકીર્તનમાં તલ્લીન બન્યા છે. કેટલાક ભક્તોને ભાવ-અવસ્થા થઈ છે. ભાવ-અવસ્થામાં નિત્યગોપાલની છાતી લાલ થઈ છે. સૌ બેઠા એટલે માસ્ટરે ઠાકુરને પ્રણામ કર્યા. તેમણે જોયું કે રાખાલ જમીન ઉપર ઢળી પડ્યા છે, ભાવમગ્ન અને બાહ્યભાનરહિત. ઠાકુર તેની છાતીએ હાથ મૂકીને ‘શાંત થાઓ’, ‘શાંત થાઓ’ એમ બોલે છે. રાખાલની આ પ્રથમ ભાવ-અવસ્થા. (અમારા મતે આ બીજી ભાવ-અવસ્થા છે. માસ્ટર મહાશય પોતે જ ૧૯ સપ્ટેમ્બર, ૧૮૮૪ના દિવસના ઉલ્લેખમાં કહે છે, ‘રાખાલની પ્રથમ ભાવ-અવસ્થા ૧૮૮૧’) એ કોલકાતામાં હોય ત્યારે પોતાના પિતાને ઘેર રહે, વચ્ચે વચ્ચે ઠાકુરનાં દર્શન કરવા જાય. એ અરસામાં તેઓ શ્યામપુકુરમાં આવેલી વિદ્યાસાગર મહાશયની સ્કૂલમાં કેટલાક દિવસ ભણ્યા હતા.

કોલકાતાના બાગબજારમાં આવેલ બલરામ બસુનું ઘર

ઠાકુરે માસ્ટરને દક્ષિણેશ્વરમાં કહ્યું હતું કે હું કોલકાતામાં બલરામને ઘેર જવાનો છું, તમે આવજો; એટલે એ એમનાં દર્શન કરવા આવ્યા છે. ૨૮ ફાગણ, ૧૨૮૮, કૃષ્ણા ષષ્ઠી, સને ૧૮૮૨ની ૧૧મી માર્ચ, શનિવાર. શ્રીયુત્ બલરામ ઠાકુરને આમંત્રણ આપીને તેડી લાવ્યા છે.

ભક્તો ઓસરીમાં બેસીને પ્રસાદ લઈ રહ્યા છે. બલરામ સેવકની માફક ઊભા છે. તેમને જોતાં એમ ન લાગે કે એ આ ઘરના માલિક હશે.

માસ્ટર આજે અહીં નવાસવા આવ્યા છે. હજી સુધી ભક્તોની સાથે પરિચય થયો નથી. માત્ર દક્ષિણેશ્વરમાં નરેન્દ્રની સાથે વાતચીત થયેલી.

સર્વધર્મસમન્વય

કેટલાક દિવસ પછી ઠાકુર શ્રીરામકૃષ્ણ દક્ષિણેશ્વર શિવમંદિરનાં પગથિયાંની ઉપર ભાવમગ્ન થઈને બેઠેલા છે. ચાર પાંચ વાગ્યાનો સમય હશે. માસ્ટર પાસે બેઠેલા છે.

દક્ષિણેશ્વર શિવમંદિરનાં પગથિયાં

થોડીક વાર પહેલાં ઠાકુર પોતાના ઓરડામાં જમીન ઉપર બિછાનું પાથરેલું હતું તેમાં આરામ કરતા હતા. હજી સુધી ઠાકુરની સેવાને માટે તેમની પાસે ભક્તોમાંથી કોઈ રહેતું નથી.

હૃદયના ચાલ્યા ગયા પછી ઠાકુરની સેવામાં મુશ્કેલી પડે છે. કોલકાતાથી માસ્ટર આવ્યા એટલે ઠાકુર તેમની સાથે વાતો કરતાં કરતાં, શ્રીરાધાકાન્તના મંદિરની સામેના શિવમંદિરનાં પગથિયાં પર આવીને બેઠા હતા. પરંતુ મંદિર જોતાં અચાનક ભાવમગ્ન થયા છે.

ઠાકુર જગન્માતાની સાથે વાતો કરી રહ્યા છે. બોલી રહ્યા છે કે ‘મા, સૌ કહે છે કે મારી ઘડિયાળ બરાબર ચાલે છે. ખ્રિસ્તી, બ્રાહ્મસમાજી, હિંદુ, મુસલમાન, બધા કહે છે કે અમારો ધર્મ સાચો. પણ મા, કોઈની ઘડિયાળ બરાબર ચાલતી નથી. તમને બરાબર સંપૂર્ણ રીતે કોણ સમજી શકે! પણ આતુર બનીને તમારું સ્મરણ કર્યે, તમારી કૃપાથી બધે રસ્તે થઈને તમારી પાસે પહોંચી શકાય. મા, ખ્રિસ્તીઓ દેવળમાં કેવી રીતે તમારી ઉપાસના કરે, તે એક વાર દેખાડો. પરંતુ મા, અંદર જાઉં તો માણસો શું કહેશે? જો કંઈ બૂમરાણ થાય તો? પાછા કાલીમંદિરમાં પેસવા ન દે તો?… એટલે પછી દેવળનાં બારણાં પાસેથી જ દેખાડજો.

ભક્તસંગે ભજનાનંદે – ગોવાળપ્રેમ – ‘પ્રેમસુરા’

બીજે એક દિવસે ઠાકુર પોતાના ઓરડામાં નાની પાટ પર બેઠા છે. આનંદમય મૂર્તિ- સહાસ્યવદન. શ્રીયુત્ કાલીકૃષ્ણ (કાલીકૃષ્ણ ભટ્ટાચાર્ય પછીથી વિદ્યાસાગર કોલેજમાં સંસ્કૃત ભાષા અને સાહિત્યના મુખ્ય શિક્ષક બન્યા હતા.) ની સાથે માસ્ટર આવી પહોંચ્યા.

કાલીકૃષ્ણને ખબર નહોતી કે તેનો મિત્ર તેને ક્યાં લઈ જાય છે. મિત્રે કહેલું કે કલાલની દુકાને જવું હોય તો મારી સાથે ચાલો; ત્યાં એક પીપ ભરીને દારૂ છે. માસ્ટરે આવીને ઠાકુરને પ્રણામ કરી લીધા પછી પોતાના મિત્રને જે કહ્યું હતું તે બધું કહી બતાવ્યું. ઠાકુર પણ હસવા લાગ્યા.

ઠાકુર બોલ્યા: ‘ભજનાનંદ, બ્રહ્માનંદ, એ આનંદ જ દારૂ, પ્રેમની સુરા. માનવજીવનનો ઉદ્દેશ ઈશ્વર પર પ્રેમ થવો, ઈશ્વરને ચાહવો. ઈશ્વર પર ભક્તિ જ સાર વસ્તુ. જ્ઞાન વિચાર કરીને ઈશ્વરને જાણવો બહુ જ કઠણ. એમ કહીને ઠાકુર ગીત ગાવા લાગ્યાઃ

‘કોણ જાણે કાલી કેવી, ષડ્દર્શન નવ પામે દર્શન,
આત્મારામનો આત્મા કાલી, પ્રણવ જેવું મોટું પ્રમાણ.
ઘટઘટમાં બિરાજે દેવી, ઇચ્છામયીની ઇચ્છા એવી,
માના ઉદરમાં બ્રહ્માંડ-ભાંડ, પ્રકાંડ જાણો રીતે કેવી?
જાણે મહાકાલ કાલીનો મર્મ જેવો, બીજો કોણ જાણે તેવો;
મૂલાધારે સહસ્રારે, સદા યોગી કરે મનન.
કાલી પદ્મવનમાં હંસ સંગે, હંસીરૂપે કરે રમણ.
પ્રસાદ કહે લોકો હસે, કરવું મારે સિંધુ-તરણ,
મારું મન સમજે, પ્રાણ સમજે નહિ; ધરું શશી થઈ વામન.

ઠાકુર શ્રીરામકૃષ્ણ વળી કહે છે કે ઈશ્વરને ચાહવો, એ જીવનનું ધ્યેય, જેમ કે વૃંદાવનમાં ગોપગોપીઓ, ગોવાળિયાઓ શ્રીકૃષ્ણને ચાહતા. જ્યારે શ્રીકૃષ્ણ મથુરા ગયા ત્યારે ગોવાળિયાઓ તેમના વિરહમાં રોતાં રોતાં ફરતા. એમ કહીને ઠાકુર ઊર્ધ્વષ્ટિ કરીને ગીત ગાય છે –

‘જોઈ આવ્યો એક નવીન ગોવાળ,
નવીન તરુની ડાળ ધરીને,
નવીન વત્સ ખોળે લઈને, બોલે ક્યાંહાં રે ભાઈ કનાઈ…
વળી ‘ક’ વિના અક્ષર ના’વે,
બોલે ક્યાં છો રે ભાઈ,
અને નયન- જળમાં તર્યે જાય…’

ઠાકુરનું પ્રેમભર્યું ગીત સાંભળીને માસ્ટરનાં નેત્રોમાં જળ ભરાઈ આવ્યાં.

Total Views: 734
ખંડ 1: અધ્યાય 10: અંતરંગ ભક્તોની સાથેઃ ‘હું કોણ?’
ખંડ 2: અધ્યાય 2: શ્રીરામકૃષ્ણ શ્યામપુકુરના પ્રાણકૃષ્ણના ઘરે