ઠાકુર શ્રીરામકૃષ્ણ આજ કોલકાતામાં પધાર્યા છે. શ્યામપુકુરના શ્રીયુત્ પ્રાણકૃષ્ણ મુખોપાધ્યાયના મકાનના બીજા મજલા પર દીવાનખાનામાં ભક્તો સાથે બેઠા છે. હજી હમણાં જ ભક્તો સાથે બેસીને ઠાકુરે પ્રસાદ લીધો છે. આજે બીજી એપ્રિલ રવિવાર, ઈ.સ. ૧૮૮૨; ૨૧ ચૈત્ર શુક્લ ચૌદશ (બંગાબ્દ). સમય બપોરના એક કે બે વાગ્યાનો હશે. કેપ્ટન આ લત્તામાં જ રહે છે. ઠાકુરની ઇચ્છા છે કે ત્યાં આરામ લીધા પછી કેપ્ટનને ઘેર જઈને તેમને મળી, કમલકુટિર નામને બંગલે શ્રીયુત્ કેશવ સેનને મળવા જવું. ઠાકુર પ્રાણકૃષ્ણના દીવાનખાનામાં બેઠા છે; રામ, મનોમોહન, કેદાર, સુરેન્દ્ર, ગિરીન્દ્ર (સુરેન્દ્રનો ભાઈ), રાખાલ, બલરામ, માસ્ટર વગેરે ભક્તો હાજર છે.

પડોશના ગૃહસ્થો અને બીજી આમંત્રિત વ્યક્તિઓ પણ છે. ઠાકુર શું બોલે છે એ સાંભળવા સારુ સૌ કોઈ ઉત્સુક થઈ રહ્યા છે.

ઠાકુર કહે છે: ‘ઈશ્વર અને તેનું ઐશ્વર્ય! આ જગત ઈશ્વરનું ઐશ્વર્ય.

પરંતુ ઐશ્વર્ય જોઈને જ બધા ભૂલ ખાઈ જાય; જેનું આ ઐશ્વર્ય છે તેને શોધે નહિ. કામિનીકાંચન ભોગવવા સૌ કોઈ દોડે; પરંતુ તેમાં દુઃખ, અશાંતિ જ વધુ. સંસાર જાણે વિશાલાક્ષીનો વમળ, નાવ એક વાર એ વમળમાં સપડાય તો પછી બચે નહિ. બોરડીના કાંટાની પેઠે એક કાઢો તો બીજો ભરાય. ભુલભુલામણીમાં એકવાર પેઠા એટલે પછી નીકળવું કઠણ. સંસારમાં માણસ જાણે કે બળી જળી જાય.’

એક ભક્ત: ત્યારે હવે ઉપાય?

ઉપાય – સાધુસંગ અને પ્રાર્થના

શ્રીરામકૃષ્ણ: ઉપાય સાધુસંગ અને પ્રાર્થના.

વૈદ્યની પાસે ગયા વિના રોગ મટે નહિ. સાધુસંગ એક દિવસ કર્યે વળે નહિ. હંમેશાં, તેની જરૂર; કારણ કે રોગ તો લાગેલો જ છે. તેમજ વૈદ્યની પાસે રહ્યા વિના નાડીજ્ઞાન થાય નહિ, તેથી સાથે સાથે ફરવું જોઈએ. ત્યારે કઈ કફની નાડી, કઈ પિાની નાડી એ બધું સમજાય.

ભક્ત: સાધુસંગનો શો ફાયદો થાય?

શ્રીરામકૃષ્ણ: ઈશ્વરમાં અનુરાગ થાય, તેની ઉપર પ્રેમ આવે. ઈશ્વર માટે આતુરતા આવ્યા વિના કાંઈ ન વળે. સાધુસંગ કરતાં કરતાં ઈશ્વરને માટે પ્રાણ આકુળવ્યાકુળ થાય. જેમ કે ઘરમાં કોઈ બીમાર હોય તો મન હંમેશાં વ્યગ્ર રહ્યા કરે, કે કેમ કર્યે એ સાજું થાય. તેમ જો કોઈની નોકરી છૂટી ગઈ હોય, તો એ વ્યક્તિ જેમ આૅફિસે આૅફિસે ધક્કા ખાધા કરે, તેવી આતુરતા ઈશ્વરને માટે આવવી જોઈએ. જો કોઈ આૅફિસેથી જવાબ મળે કે જગા ખાલી નથી, તોય પાછો બીજે દિવસે આવીને પૂછે કે ‘આજે એકેય જગા ખાલી પડી છે?’

‘બીજો એક ઉપાય છેઃ આતુર થઈને ઈશ્વરની પ્રાર્થના. ઈશ્વર તો આપણો પોતાનો, તેને પ્રાર્થના કરવી જોઈએ કે તમે કેવા છો? દર્શન આપો, દર્શન દેવાં જ પડશે, તમે મને ઉત્પન્ન શા માટે કર્યો?

શીખ સિપાઈઓએ કહેલું કે ઈશ્વર દયાળુ છે. મેં તેમને કહ્યું કે ‘એને દયાળુ કહેવો શા માટે? તેણે આપણને પેદા કર્યા છે, તેથી જેનાથી આપણું ભલું થાય એવું જો એ કરે, તો એમાં શી નવાઈ? માબાપ છોકરાંનું પાલન કરે, તેમાં વળી દયા શેની? એ તો એણે કરવું જ પડે. એટલે ઈશ્વરની પાસે હઠપૂર્વક પ્રાર્થના કરવી જાઈએ. ઈશ્વર તો આપણી મા, આપણો બાપ. છોકરો જો અન્ન ખાવાનો ત્યાગ કરે તો બાપ મા ત્રણ વરસ અગાઉથી જ તેનો ભાગ કાઢી આપે. વળી જ્યારે છોકરું પૈસો માગે, અને વારેવારે કહ્યા કરે, ‘બા પૈસો આપ ને,’ તો પછી મા તેની હઠ જોઈને કંટાળીને પૈસા ફેંકી દે.

‘સાધુસંગથી બીજો એક લાભ થાય. સત્-અસત્નો વિચાર આવે. સત્ – એટલે નિત્ય પદાર્થ, એટલે કે ઈશ્વર; અસત્ એટલે કે અનિત્ય. અસત્ માર્ગે મન જાય તેની સાથે જ વિચાર કરવાનો. હાથી બીજાની કેળનું થડિયું ખાવા સારુ સૂંઢ લાંબી કરે કે તરત મહાવત અંકુશ મારે.

પાડોશી: મહાશય, પાપની ઇચ્છા શા માટે થતી હશે?

શ્રીરામકૃષ્ણ: ઈશ્વરના આ જગતમાં બધા પ્રકાર છે. સત્પુરુષોને પણ તેમણે કર્યા છે, દુષ્ટ લોકોનેય તેમણે કર્યા છે. સદ્બુદ્ધિ ભગવાન જ આપે છે, અસદ્બુદ્ધિ પણ એ જ આપે છે.

પાપની જવાબદારી અને કર્મફળ

પાડોશી: તો તો પછી પાપ કરીએ તો આપણી કશી જવાબદારી નહિ!

શ્રીરામકૃષ્ણ: ઈશ્વરનો નિયમ જ એવો છે કે પાપ કર્યે તેનું ફળ ભોગવવું પડે. મરચું ખાધે, તીખું લાગે! મથુરબાબુએ જુવાનીમાં કેટલા ધંધા કરેલા, એટલે મૃત્યુ વખતે અનેક પ્રકારનાં દરદો થયેલાં. નાની અવસ્થામાં એટલું બધું જણાય નહિ. કાલીમંદિરે દેવતાઓને ધરાવવાનો ભોગ રાંધવા માટે કેટલાંક સુંદરી વૃક્ષનાં (એક પ્રકારનું બળતણનું લાકડું) લાકડાં આવે. તેમાંનાં ભીનાં લાકડાં પહેલાં તો સારી રીતે બળ્યે જાય, એ વખતે એમની અંદર પાણી છે એ ખબર ન પડે. પણ લાકડું બળતાં બળતાં છેડો આવે ત્યારે અંદરનું બધું પાણી નીકળવા માંડે ને ફચ ફચ કરીને ચૂલો ઓલવી નાંખે. એટલે કે ક્રોધ, લોભ એ બધાંથી સાવચેત રહેવું જોઈએ. જુઓને, હનુમાને ક્રોધ કરીને લંકા બાળી દીધી, પણ પછી ખ્યાલ આવ્યો કે અશોકવનમાં સીતાજી રહ્યાં છે. ત્યારે પછી આકુળવ્યાકુળ થવા લાગ્યા કે પાછું સીતાને કાંઈ થાય તો?

પાડોશી: તો પછી ઈશ્વરે દુષ્ટ લોકો કર્યા શા માટે?

શ્રીરામકૃષ્ણ: એની મરજી, એની એવી લીલા. એની માયામાં વિદ્યા પણ છે, અને અવિદ્યા પણ છે. અંધકારની પણ જરૂર છે. અંધકાર હોય તો પ્રકાશનો મહિમા વધુ જણાય. કામ, ક્રોધ, લોભ વગેરે ખરાબ ખરાં, તો પછી ભગવાને એ આપ્યાં શું કામ? મહાન પુરુષો તૈયાર કરવા માટે. ઇન્દ્રિયજય કરવાથી મહાન થાય. જિતેન્દ્રિય શું ન કરી શકે? ઈશ્વરપ્રાપ્તિ સુધ્ધાં એની કૃપાથી કરી શકે. તેમ વળી બીજી બાજુએ જુઓ તો કામવાસનાથી ભગવાનની સૃષ્ટિલીલા ચાલી રહી છે.

દુષ્ટ માણસોની પણ જરૂર છે. એક તાલુકાના લોકો બહુ જ ઉદ્ધત થઈ ગયેલા. એટલે ગોલોક ચૌધરી નામના એક માણસને ત્યાં વ્યવસ્થા જાળવવા માટે મોકલી આપવામાં આવ્યો. તેણે એવો કડક બંદોબસ્ત સ્થાપી દીધો કે તેના નામથી લોકો ઘ્રૂજવા લાગ્યા, એવો કડક તેનો કારભાર. બધાની જરૂર છે. સીતા કહે કે રામ, અયોધ્યામાં બધીયે મોટી મોટી આલેશાન ઈમારતો હોય તો બહુ સારું થાય; હું તો જોઉં છું તો ઘણાંય મકાનો જૂનાં, પુરાણાં, પડી ગયેલાં છે. રામે જવાબ આપ્યો કે, સીતા, જો બધાંય મકાન સુંદર ને આલેશાન થઈ જાય તો પછી કડિયા શું કરે? (સૌનું હાસ્ય.)

‘ઈશ્વરે સર્વ પ્રકારનું કર્યું છેઃ સારાં ઝાડ છે તેમ ઝેરી વૃક્ષો પણ છે. જાનવરોની અંદર સારાં નરસાં એમ બધાંય છેઃ વાઘ, સિંહ, સાપ વગેરે.’

સંસારમાં પણ ઈશ્વરપ્રાપ્તિ થઈ શકે અને બધાંની મુક્તિ થશે

પાડોશી: મહાશય, સંસારમાં રહીનેય શું ભગવાનને પામી શકાય?

શ્રીરામકૃષ્ણ: જરૂર પામી શકાય. પણ જે કહ્યું તે સાધુસંગ, અને નિરંતર પ્રાર્થના કરવાં જોઈએ. ઈશ્વરની પાસે રડવું જોઈએ. મનનો મેલ બધો ધોવાઈ જાય તો ઈશ્વરનાં દર્શન થાય. મન જાણે કે ધૂળ ચડેલી લોઢાની સોય, ઈશ્વર જાણે કે લોહચુંબક પથ્થર. ઉપરની ધૂળ ધોવાઈ ગયા વિના લોહચુંબકની સાથે સોય જોડાય નહિ. રુદન કરતાં કરતાં સોય પરની માટી ધોવાઈ જાય. સોય પરની માટી એટલે કે કામ, ક્રોધ, લોભ, પાપી વિચારો, વિષયવાસના. એ માટી ધોવાઈ જતાંવેંત સોયને લોહચુંબક ખેંચી લે, અર્થાત્ ઈશ્વર-દર્શન થાય. ચિત્તશુદ્ધિ થાય ત્યારે ઈશ્વરની પ્રાપ્તિ થાય. તાવ આવ્યો છે, દેહમાં કેટલાય ઝેરી રસો ભેગા થયા છે, ત્યારે માત્ર કવીનાઈનથી શું વળે? સંસારમાં ઈશ્વર-દર્શન ન થાય શા માટે? સત્સંગ, રડી રડીને પ્રાર્થના, વચ્ચે વચ્ચે એકાંત નિર્જન સ્થળમાં વાસ, આ બધાંથી થાય. જેમ વાડ ન કરીએ તો રસ્તા પરના નાના છોડને ગાયબકરાં ખાઈ જાય, તેમ મનને આ બધાંની વાડ કરવી જોઈએ.

પાડોશી: તો તો પછી, જેઓ સંસારમાં રહ્ય છે તેમનીયે મુક્તિ થવાની?

શ્રીરામકૃષ્ણ: મુક્તિ સર્વ કોઈની થવાની, પણ ગુરુના ઉપદેશ પ્રમાણે વર્તવું જોઈએ. આડે રસ્તેથી ગયે પાછા ફરી આવતાં મુશ્કેલી પડે, મુક્તિ ઘણી જ મોડી થાય. કાં તો આ જન્મમાં થાય જ નહિ અથવા કેટલાય જન્મો પછી થાય. જનક વગેરેએ સંસારમાં રહીનેય સાધના કરી હતી. ઈશ્વરને માથા પર રાખીને કામ કરતા; નાચવાવાળી જેમ માથા પર વાસણ રાખીને નાચે તેમ. અને પશ્ચિમ (ભારતની)ની સ્ત્રીઓને તમે જોઈ નથી? માથા પર પાણીનું આખું બેડું હોય અને હસતી હસતી વાતો કરતી જતી હોય.

પાડોશી: આપે કહ્યું, ગુરુનો ઉપદેશ. તે ગુરુ કેમ કરીને મળે?

શ્રીરામકૃષ્ણ: ગમે તે માણસ ગુરુ થઈ શકે નહિ. જંગી લાકડું પોતેય તરતું ચાલ્યું જાય, અને કેટલાંય જીવજંતુઓ પણ તેના પર બેસીને જઈ શકે. પણ પોલું ફોફાં જેવું લાકડું, જો તેના ઉપર કોઈ બેસે તો તે પોતેય ડૂબી જાય અને જે બેસે તેય ડૂબી જાય. એટલા માટે ઈશ્વર પોતે યુગે યુગે લોકોને ઉપદેશ આપીને માર્ગ બતાવવા માટે ગુરુરૂપે અવતાર લે; સચ્ચિદાનંદ ગુરુ.

‘જ્ઞાન કોને કહે; અને હું કોણ? ‘ઈશ્વર જ કર્તા, બીજા બધા અકર્તા’ એ અનુભવવાનું નામ જ્ઞાન. હું અકર્તા, ઈશ્વરના હાથનું યંત્ર. એટલે હું કહું, કે ‘મા, તમે યંત્રી, હું યંત્ર; તમે ઘરમાલિક, હું ઘર; હું ગાડી, તમે ગાડી ચલાવનાર; જેમ ચલાવો તેમ ચાલું, જેમ કરાવો તેમ કરું; જેમ બોલાવો તેમ બોલું; નાહં, નાહં તુંહિ તુંહિ.’

Total Views: 592
ખંડ 2: અધ્યાય 1: બલરામના ઘેર ભક્તો સાથે શ્રીરામકૃષ્ણનું પ્રેમાનંદમય નૃત્ય
ખંડ 2: અધ્યાય 3: કમલકુટિરમાં શ્રીરામકૃષ્ણ અને શ્રી કેશવચંદ્ર સેન