દાદરો ચડીને સૌથી પ્રથમના ઓરડામાં (દાદરો ચડતાં જ બરોબર ઉત્તરમાં) ઠાકુર ભક્તો સાથે પ્રવેશ કરે છે. વિદ્યાસાગર ઓરડાની ઉત્તર બાજુએ દક્ષિણાભિમુખ થઈને બેઠા છે; સામે એક ચોખૂણિયું લાંબું પાૅલિશ કરેલું ટેબલ, ટેબલની પૂર્વ બાજુએ એક પાછળની ઢળતી પીઠવાળો બાંકડો, ટેબલની દક્ષિણ બાજુએ અને પશ્ચિમ બાજુએ કેટલીક ખુરશીઓ. વિદ્યાસાગર એક બે મિત્રો સાથે વાતચીત કરી રહ્યા છે.

ઠાકુરે પ્રવેશ કર્યો એટલે વિદ્યાસાગરે ઊભા થઈને તેમનું સ્વાગત કર્યું.

ઠાકુર પશ્ચિમાભિમુખ, ટેબલની પૂર્વ બાજુએ ઊભા છે. ડાબો હાથ ટેબલની ઉપર; પાછળ બાંકડો. જૂની ઓળખાણ હોય તેમ વિદ્યાસાગરની સામે એકીટશે જોઈ રહ્યા છે, અને ભાવમાં હસી રહ્યા છે.

વિદ્યાસાગરનું વય આશરે ૬૨-૬૩. શ્રીરામકૃષ્ણના કરતાં ૧૬-૧૭ વરસે મોટા હશે. પહેરવેશમાં વગર કિનારનું ધોતિયું, પગમાં સપાટ, શરીર ઉપર એક અર્ધી બાંયનું પશમનું બાંડિયું. માથે ઓરિસાવાસીઓની પેઠે ફરતી ગોળ હજામત કરાવેલી. વાત કરતી વખતે દાંતનું ચોકઠું ચકચકિત દેખાય. માથું ખૂબ મોટું, લલાટ ઉન્નત અને જરાક ખર્વ આકૃતિનું. જાતે બ્રાહ્મણ એટલે ગળામાં જનોઈ.

શ્રીઈશ્વરચંદ્ર વિદ્યાસાગર

વિદ્યાસાગરમાં ઘણા ગુણ હતા. પ્રથમ વિદ્યાનુરાગ. એક દિવસે માસ્ટરની પાસે એમ બોલતાં બોલતાં સાચેસાચ રડી પડેલા કે ‘મારી તો ખૂબ ઇચ્છા હતી કે હજીયે ભણું; પણ એ ક્યાં બન્યું? વહેવારમાં પડ્યો એટલે જરાય સમય મળ્યો નહિ!’ બીજો ગુણ દયા, સર્વ જીવો પર દયા. વિદ્યાસાગર દયાના પણ સાગર. વાછરડાંને તેમની માનું દૂધ મળતું નથી, એ જોઈને પોતે કેટલાંક વરસ સુધી દૂધ પીવાનું બંધ કરી દીધું હતું. છેવટે, શરીર માંદું રહ્યા કરવાથી ઘણા વખત પછી વળી દૂધ શરૂ કરેલું. ઘોડાગાડીમાં ચડતા નહિ. કારણ કે ઘોડા પોતાનું કષ્ટ બોલી બતાવી શકતા નથી. એક દિવસે જોયું કે એક મજૂર કોલેરાથી પીડાતો રસ્તામાં પડેલો છે, બાજુમાં તેનો ટોપલો છે. એ જોઈને પોતે તેને ઊંચકીને ઘેર લાવ્યા અને સેવા કરવા લાગ્યા. ત્રીજો ગુણ સ્વાતંત્ર્યપ્રિયતા. વ્યવસ્થાપકોની સાથે સહમત ન થવાથી સંસ્કૃત કોલેજના પ્રિન્સિપાલનું પદ છોડી દીધું. ચોથો ગુણ લોકમત પ્રત્યે બેપરવાઈ. એક શિક્ષક પર તેમનો સ્નેહ હતો. તેની દીકરીના વિવાહ પ્રસંગે કન્યાને માટે સાડી લઈને જાતે તેને ઘેર પહોંચ્યા. પાંચમો ગુણ માતૃભક્તિ અને સંકલ્પ બળ. તેમની માએ કહ્યું હતું કે બેટા ઈશ્વર! જો તું આ વિવાહ (ભાઈના વિવાહ)માં નહિ આવે તો મને મનમાં બહુ જ દુઃખ લાગશે. એટલે છેક કોલકાતાથી ચાલીને દેશમાં ઘેર ગયા. વચમાં દામોદર નદી. એ વખતે હોડી હાજર ન હતી, એટલે તરીને સામે કાંઠે પહોંચી ગયા. ભીંજેલે કપડે વિવાહની રાત્રે જ વીરસિંહ ગામે માની પાસે હાજર થયા અને કહ્યું, ‘મા! હું આવી પહોંચ્યો છું!’

વિદ્યાસાગર દ્વારા શ્રીઠાકુરની અભ્યર્થના અને વાર્તાલાપ

ઠાકુર ભાવમાં આવતા જાય છે. અને થોડી વાર ભાવમાં ઊભા છે. ભાવ દબાવવા સારુ વચ્ચે વચ્ચે બોલે છે, ‘પાણી પીવું છે,’ જોતજોતામાં ઘરનાં છોકરાં અને સગાંવહાલાં કુટુંબીઓ પણ આવીને ઊભાં.

ઠાકુર ભાવમગ્ન થઈને બાંકડા ઉપર બેસે છે. એક ૧૭-૧૮ વરસનો છોકરો એ બાંકડા ઉપર બેઠો છે. વિદ્યાસાગરની પાસે અભ્યાસ માટે મદદની માગણી કરવા આવ્યો છે. ઠાકુર ભાવ અવસ્થામાં છે. ઋઋષિની અંર્તષ્ટિ! છોકરાના અંતરના ભાવ બધા સમજ્યા છે. તેઓ જરાક ખસીને બેઠા. અને ભાવ અવસ્થામાં બોલે છે, ‘મા, આ છોકરામાં સંસાર પર બહુ આસક્તિ છે; તે આ તમારો અવિદ્યાનો સંસાર! આ અવિદ્યાનો છોકરો!’

શું ઠાકુર એમ કહે છે કે જે વ્યક્તિ બ્રહ્મવિદ્યા સારુ વ્યાકુળ નહિ તેને માટે પૈસા કમાવવાની વિદ્યા મેળવવી એ કેવળ વિડંબના જ છે?

વિદ્યાસાગરે ઉતાવળે એક જણને પાણી લાવવા કહ્યું અને માસ્ટરને પૂછ્યું, ‘કંઈક ખાવાનું લાવે તો ખાશે?’ માસ્ટરે જવાબ આપ્યો, ‘જી, મંગાવોને!’ વિદ્યાસાગર ઉતાવળથી અંદર જઈને કેટલીક મીઠાઈ લઈ આવ્યા અને બોલ્યા, ‘આ વર્ધમાનથી આવી છે.’ ઠાકુરને થોડીક આપવામાં આવી. હાજરા અને ભવનાથને પણ થોડીક મળી. માસ્ટરને આપવા આવ્યા એટલે વિદ્યાસાગર બોલ્યા ‘એ તો ઘરનો છોકરો, એના સારુ કંઈ અટકી રહેતું નથી.’ ઠાકુર એક ભક્ત છોકરાની વાત વિદ્યાસાગરને કહે છે. એ છોકરો અહીં ઠાકુરની સામે બેઠેલો હતો. ઠાકુર બોલ્યા, ‘આ છોકરો ખૂબ સારો અને અંતઃસાર, જાણે કે ફલ્ગુ નદી; ઉપર રેતી, પણ જરાક ખોદો એટલે અંદર પાણી વહે તે દેખી શકાય.’ મીઠું મોઢું કર્યા પછી ઠાકુર હસતાં હસતાં વિદ્યાસાગરની સાથે વાતો કરે છે. જોતજોતામાં આખો ઓરડો માણસોથી ભરાઈ ગયો; કોઈ બેઠેલા, કોઈ ઊભેલા છે.

શ્રીરામકૃષ્ણ: આજ તો સાગરમાં આવીને મળ્યો. આટલા દિવસો સુધી તો નહેર, તળાવ, વધુમાં વધુ નદી જોઈ છે; આ વખતે તો સાગર જોઉં છું. (સૌનું હાસ્ય.)

વિદ્યાસાગર (સહાસ્ય): ત્યારે ખારું પાણી થોડુંક લઈ જાઓ! (હાસ્ય.)

શ્રીરામકૃષ્ણ- ના રે! ખારું પાણી શાનું! તમે અવિદ્યાના સાગર નથી, તમે તો વિદ્યાના સાગર! (સૌનું હાસ્ય.) તમે ક્ષીરસમુદ્ર. (સૌનું હાસ્ય.)

વિદ્યાસાગર: એ તમે કહી શકો ખરા.

વિદ્યાસાગર મૂંગા રહ્યા. ઠાકુર વાત કરે છે.

વિદ્યાસાગરનાં સાત્ત્વિક કર્માે – ‘તમે પણ સિદ્ધપુરુષ’

‘તમારું કર્મ સાત્ત્વિક કર્મ, સત્ત્વનો રજ. સત્ત્વગુણથી દયા થાય. દયાને લઈને જે કર્મ કરાય તે કર્મ રાજસિક ખરું, પરંતુ એ રજોગુણ, સત્ત્વનો રજોગુણ, એમાં દોષ નહિ. શુકદેવ વગેરેએ લોકોપદેશ કરવા સારુ દયા રાખી હતી, ઈશ્વર સંબંધી ઉપદેશ આપવા સારુ. તમે વિદ્યાદાન, અન્નદાન કરો છો; એ પણ સારું. નિષ્કામભાવે કરી શકાય તો એનાથીયે ભગવત્પ્રાપ્તિ થાય. કોઈ કરે નામના સારુ, પુણ્ય સારુ. તેમનું કર્મ નિષ્કામ નહિ. અને સિદ્ધ તો તમે છો જ.

વિદ્યાસાગર: મહાશય, કેવી રીતે?

શ્રીરામકૃષ્ણ (સહાસ્ય): બટાટા, પરવળ વગેરે સિદ્ધ થાય એટલે કે બફાય ત્યારે નરમ થાય. તમે પણ ખૂબ નરમ છો, તમારામાં આટલી બધી દયા છે! (હાસ્ય.)

વિદ્યાસાગર (સહાસ્ય): વાટેલી અડદની દાળનાં મૂઠિયાં બાફો તો કઠણ થાય. (સૌનું હાસ્ય.)

શ્રીરામકૃષ્ણ: તમે એવા નથી ભાઈ! જેઓ એકલા જ પંડિતો છે તેઓ અર્ધા કાચા અને અર્ધા બળી ગયેલા. નહિ આણીકોર કે નહિ પેલીકોર. ગીધ ખૂબ ઊંચું ઊડે, પણ તેની નજર ઉકરડા પર. જેઓ એકલા પંડિત હોય, તે સાંભળવા પૂરતા જ પંડિત. પરંતુ તેમની આસક્તિ કામ-કાંચનમાં જ. ગીધડાંની પેઠે સડેલું મડદું શોધે. અવિદ્યાના સંસારમાં આસક્તિ હોય. દયા, ભક્તિ, વૈરાગ્ય એ વિદ્યાનું ઐશ્વર્ય.

વિદ્યાસાગર મૂંગા રહીને સાંભળે છે. સૌ એકાગ્રતાથી આ આનંદમય પુરુષનાં દર્શન અને તેમના કથામૃતનું પાન કરી રહ્યા છે.

Total Views: 512
ખંડ 3: અધ્યાય 1: શ્રી ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરનું મકાન
ખંડ 3: અધ્યાય 3: ઠાકુર શ્રીરામકૃષ્ણ - જ્ઞાનયોગ અથવા વેદાંતવિચાર