વિદ્યાસાગર મહાપંડિત. જ્યારે સંસ્કૃત કોલેજમાં ભણતા, ત્યારે પોતાના વર્ગના શ્રેષ્ઠ વિદ્યાર્થી હતા. દરેક પરીક્ષામાં પ્રથમ આવતા અને સુવર્ણચંદ્રક અથવા શિષ્યવૃત્તિ મેળવતા. પાછળથી એ જ સંસ્કૃત કોલેજના પ્રિન્સિપાલ થયેલા. તેમણે સંસ્કૃત વ્યાકરણ અને સંસ્કૃત કાવ્યમાં ખાસ પ્રવીણતા મેળવેલી. ખંતથી પોતે જાતે જ પ્રયાસ કરીને અંગ્રેજી શીખી ગયેલા.

ધર્મ-વિષયમાં વિદ્યાસાગર કોઈને ઉપદેશ આપતા નહિ. તેમણે દર્શનશાસ્ત્રો વગેરે ગ્રંથોનો અભ્યાસ કર્યો હતો. માસ્ટરે એક દિવસ પૂછેલું કે ‘આપને હિંદુ દર્શનશાસ્ત્રો કેમ લાગે છે?’ તેમણે જવાબ આપેલો કે ‘મને તો લાગે છે કે દર્શનકારો જે સમજાવવા ગયા છે તે સમજાવી શક્યા નથી.’ વિદ્યાસાગર હિંદુઓની પેઠે શ્રાદ્ધાદિ ધર્મકાર્યો બધાં કરતા; ગળામાં જનોઈ ધારણ કરતા. જે બધા પત્રો બંગાળીમાં લખતા, તેમાં ‘શ્રીશ્રીહરિઃ શરણમ્’ એવી ભગવાનની વંદના પ્રથમ લખતા.

માસ્ટરે બીજે એક દિવસે તેમની ઈશ્વર સંબંધે શી ધારણા છે તે સાંભળ્યું હતું. વિદ્યાસાગર બોલ્યા હતા કે ‘ઈશ્વરને તો જાણી શકાય નહિ, ત્યારે હવે આપણું કર્તવ્ય શું? મારા અભિપ્રાય પ્રમાણે તો કર્તવ્ય એ, કે આપણે પોતે એવા થવું કે જો બધા તેવા થાય તો પૃથ્વી સ્વર્ગ થઈ જાય. પ્રત્યેકે એવો પ્રયાસ કરવો જોઈએ કે જેથી જગતનું કલ્યાણ થાય.’

વિદ્યા અને અવિદ્યાની વાત કહેતાં કહેતાં ઠાકુર બ્રહ્મજ્ઞાનની વાત કહે છે. વિદ્યાસાગર મહાપંડિત, તેમણે ષડ્દર્શન વાંચીને જોયું છે કે ઈશ્વરને વિષે કશુંય જાણી શકાય નહિ.

શ્રીરામકૃષ્ણ: બ્રહ્મ એ વિદ્યા અને અવિદ્યાથી પર, માયાતીત.

Problem of Evil – બ્રહ્મ નિર્લિપ્ત – જીવના સંબંધમાં જ દુઃખાદિ

‘આ જગતમાં વિદ્યામાયા અને અવિદ્યામાયા બન્ને છે; જ્ઞાનભક્તિ છે તેમજ કામ-કાંચન પણ છે; સત્ પણ છે, અસત્ પણ છે; સારુંય છે, તેમ નરસુંય છે; પરંતુ બ્રહ્મ છે અલિપ્તઃ સારું નરસું જીવને માટે, સત્ અસત્ જીવને માટે. બ્રહ્મ તેથી લેપાતું નથી.

‘જેમ કે દીવાની સામે કોઈ ભાગવત વાંચે, અને કોઈ ખોટી સહી કરે, પણ દીવો નિર્લેપ!’

‘સૂર્ય સજ્જનને પણ પ્રકાશ આપે, તેમજ દુર્જનને પણ.

‘જો એમ કહો કે દુઃખ, પાપ, અશાંતિ એ બધાં ત્યારે કોને માટે? તો તેનો જવાબ એ કે એ બધાં જીવને લાગુ પડે છે. બ્રહ્મ અલિપ્ત. સાપની અંદર વિષ છે, તે બીજાને કરડે તો મરી જાય, પરંતુ તેથી સાપને કશું થાય નહિ.’

બ્રહ્મ અનિર્વચનીય – અવ્યપદેશ્યમ્ – The Unknown and the Unknowable – અજ્ઞાત અને અજ્ઞેય

બ્રહ્મ શું એ મુખેથી બોલી શકાય નહિ. બધી વસ્તુ એઠી થઈ ગઈ છે; વેદ, પુરાણ, તંત્ર, ષડ્દર્શન, એ બધાં એઠાં થઈ ગયાં છે! મોઢેથી બોલવામાં આવ્યાં છે, મોઢેથી ઉચ્ચારણ થયું છે, એટલે જાણે કે એઠાં થઈ ગયાં છે. પરંતુ માત્ર એક વસ્તુ એઠી થઈ નથી. એ વસ્તુ બ્રહ્મ. બ્રહ્મ શું તે આજ સુધી કોઈ મુખેથી બોલી શક્યું નથી.

વિદ્યાસાગર (મિત્રોને): વાહ! આ તો બહુ સરસ વાત! આજે એક નવી વાત શીખ્યો!

શ્રીરામકૃષ્ણ: એક બાપને બે દીકરા. બ્રહ્મવિદ્યા શીખવા સારુ બન્ને છોકરાને બાપે આચાર્યના હાથમાં સોંપ્યા. કેટલાંક વરસ આચાર્યને ઘેર રહ્યા પછી તેઓ પોતાને ઘેર પાછા આવ્યા અને બાપને પ્રણામ કર્યા. બાપને ઇચ્છા થઈ કે જોઈએ, આ બન્નેને બ્રહ્મજ્ઞાન કેવુંક થયું છે. એટલે તેણે મોટા દીકરાને પૂછ્યું કે ‘બેટા! તું તો બધું ભણી આવ્યો; તો બ્રહ્મ કેવું છે તે બોલ જોઉં.’ એટલે મોટા દીકરાએ તો વેદમાંથી કેટલાય મંત્રો બોલી બોલીને બ્રહ્મનું સ્વરૂપ સમજાવવા માંડ્યું! બાપ ચૂપ રહ્યા. પછી જ્યારે નાના દીકરાને પૂછ્યું ત્યારે તે મુખ નીચું કરીને ચૂપ થઈ ગયો. મુખે એક શબ્દ સરખોય નહિ! પિતા તેના પર પ્રસન્ન થઈને બોલ્યા, ‘બેટા! તું જ સમજ્યો છે! બ્રહ્મ શું એ મોઢેથી બોલી શકાય નહિ.’

‘માણસ મનમાં માને કે આપણે ઈશ્વરને જાણી લીધો છે. એક કીડી સાકરના પહાડ પાસે ગઈ હતી. એક દાણો ખાધો ત્યાં એનું પેટ ભરાઈ ગયું. એટલે બીજો એક દાણો મોઢામાં લઈને દરમાં જવા લાગી. જતી વખતે વિચાર કરે છે કે આ વખતે આવીને આખો પહાડ જ ઉઠાવી જાઉં. ક્ષુદ્ર જીવો આવું બધું ધારે. તેમને ખબર નથી કે બ્રહ્મ મન અને વાણીથી અતીત છે.’

‘કોઈ ગમે તેટલો મોટો હોય, તો પણ તે શું ઈશ્વરને જાણી શકે? શુકદેવ વગેરે બહુ તો મોટા મંકોડા, ખાંડના વધારેમાં વધારે આઠ દસ દાણા મોઢામાં લઈ જઈ શકે!’

બ્રહ્મ સચ્ચિદાનંદ સ્વરૂપ – નિર્વિકલ્પ સમાધિ અને બ્રહ્મજ્ઞાન

‘તો પછી વેદ, પુરાણમાં જે કહ્યું છે તે કેવું છે તે જાણો છો? એ એના જેવું કે એક જણ દરિયો જોઈ આવે ને તેને જો કોઈ પૂછે કે દરિયો કેવો જોયો? તો એ માણસ મોઢું પહોળું કરીને કહેશે કે ઓહોહોહો! શું અદ્ભુત જોયું! શું પાણીના હિલ્લોળા અને કલ્લોલ!’ બ્રહ્મની વાત પણ એ પ્રમાણે. ‘વેદમાં છે – ઈશ્વર આનંદસ્વરૂપ – સચ્ચિદાનંદ. શુકદેવ વગેરેએ આ બ્રહ્મ-સાગરના તટ પર ઊભા રહીને દર્શન-સ્પર્શન કર્યું હતું. એક મત એવોય છે કે તેઓ આ સચ્ચિદાનંદ- સાગરમાં ઊતર્યા નથી. આ સાગરમાં ઊતરે તો પાછા ફરી શકાય નહિ!’

‘સમાધિસ્થ થયે બ્રહ્મજ્ઞાન થાય, બ્રહ્મદર્શન થાય. એ અવસ્થામાં વિચાર એકદમ બંધ થઈ જાય. માણસ ચૂપ થઈ જાય. બ્રહ્મ શી વસ્તુ, એ મોઢે બોલવાનું સામર્થ્ય રહે નહિ.

‘એક મીઠાની પૂતળી સમુદ્ર માપવા ગઈ! (સૌનું હાસ્ય.): સમુદ્રનું પાણી કેટલું ઊંડું છે એની તપાસ કરવા માટે. પણ ખબર આવ્યા જ નહિ. એ જેવી ઊતરી તેવી જ ઓગળી ગઈ! પછી આવીને ખબર કોણ આપે?

એક જણે પ્રશ્ન કર્યો કે સમાધિસ્થ વ્યક્તિ કે જેને બ્રહ્મજ્ઞાન થયું છે તે શું વાતચીત કરે નહિ?

શ્રીરામકૃષ્ણ (વિદ્યાસાગર વગેરેને): શંકરાચાર્યે ઉપદેશ કરવા સારુ વિદ્યાનો ‘અહં’ રાખ્યો હતો. બ્રહ્મદર્શન થાય એટલે માણસ ચૂપ થઈ જાય. જ્યાં સુધી દર્શન ન થાય ત્યાં સુધી જ તર્ક, વાદ, વિચાર એ બધું. ઘી કાચું હોય ત્યાં સુધી જ છમછમ કરે. પાકી ગયું એટલે ઘીનો કશો અવાજ થાય નહિ. પરંતુ જ્યારે પાકા ઘીમાં કાચી પૂરી પડે, ત્યારે ફરી એકવાર છક છક છમ કરે. જ્યારે કાચી પૂરી પાકી થાય ત્યારે પાછું શાંત. તે જ પ્રમાણે સમાધિવાન પુરુષ લોકોને ઉપદેશ આપવા સારુ સમાધિમાંથી નીચે ઊતરી આવે, વાતો કરે.’

‘જ્યાં સુધી મધમાખી ફૂલ પર બેસે નહિ ત્યાં સુધી ગણગણ કરે, ફૂલ પર બેસીને મધ ચૂસવા લાગે એટલે ચૂપ થઈ જાય. મધ પીને મસ્ત થયા પછી વળી ક્યારેક ગણગણ કરે.

‘તળાવનું પાણી ઘડામાં ભરાતી વખતે ભક્ ભક્ શબ્દ થાય. ઘડો ભરાઈને પૂર્ણ થઈ ગયા પછી શબ્દ થાય નહિ. (સૌનું હાસ્ય.) પણ બીજા એક ઘડામાં જો નાખવામાં આવે તો વળી પાછો શબ્દ થાય. (હાસ્ય.)

 

Total Views: 631
ખંડ 3: અધ્યાય 2: ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર
ખંડ 3: અધ્યાય 4: જ્ઞાન અને વિજ્ઞાન, અદ્વૈતવાદ, વિશિષ્ટાદ્વૈતવાદ અને દ્વૈતવાદ - એ ત્રણેયનો સમન્વય - Reconciliation of Non-Dualism, Qualified Non-Dualism and Dualism