સંધ્યા થઈ. નોકર શ્રીકાલીમંદિરમાં અને શ્રી રાધાકાન્તના મંદિરમાં અને બીજા ઓરડામાં દીવા કરી ગયો. ઠાકુર નાની પાટ પર બેસીને જગદંબાનું ચિંતન કરે છે અને પછી ઈશ્વરનું નામ લે છે. ઓરડામાં ધૂપ કરવામાં આવ્યો છે. એક બાજુએ એક દીવી પર દીવો બળી રહ્યો છે. થોડી વાર પછી શંખ, ઘંટા વાગી ઊઠ્યાં. શ્રીકાલીમંદિરમાં આરતી થાય છે. સુદ દશમ એટલે ચારે બાજુ ચંદ્રનું અજવાળું!

આરતીની થોડી વાર પછી શ્રીરામકૃષ્ણ નાની પાટ પર બેસીને મણિની સાથે એકલા વિવિધ વિષયો પર વાતો કરી રહ્યા છે. મણિ જમીન પર બેઠા છે.

કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન

શ્રીરામકૃષ્ણ (મણિને): નિષ્કામ કર્મ કરવાં. વિદ્યાસાગર જે કર્માે કરે છે એ સારું કામ, નિષ્કામ કર્મ કરવાનો પ્રયાસ કરે છે.

મણિ: જી હા. વારુ, જ્યાં કર્મ હોય ત્યાં શું ઈશ્વરને પામી શકાય? રામ અને કામ શું એકી સાથે રહે? હિંદીમાં એક વાત તે દિવસે વાંચીઃ

‘જહાં રામ વહાં કામ નહિ, જહાં કામ વહાં નહિ રામ.’

શ્રીરામકૃષ્ણ: કર્મ તો સૌ કોઈ કરે. ઈશ્વરનું નામ લેવું, તેનાં ગુણગાન કરવાં એ પણ કર્મ; સોડહમ્ વાદીઓનું ‘હું ઈશ્વર’ એવું ચિંતન એ પણ કર્મ; શ્વાસ લેવો એ પણ કર્મ; કર્મત્યાગ કરી શકાય નહિ. એટલે કર્મ કરવાં, પણ ફળ ઈશ્વરને સમર્પણ કરવાં.

મણિ: જી, જેનાથી આવક વધે એવો પ્રયાસ શું કરી શકાય?

શ્રીરામકૃષ્ણ: વિદ્યાના સંસાર સારુ કરી શકાય. વધુ કમાવાનો પ્રયાસ કરવો, પણ સદુપાયે. દ્રવ્ય ઉપાર્જન કરવું એ ધ્યેય નથી; ઈશ્વરની સેવા કરવી એ જ ધ્યેય, પૈસાથી જો ઈશ્વરની સેવા થાય તો એ પૈસામાં દોષ નહિ.

મણિ: જી, કુટુંબીજન પ્રત્યેનું કર્તવ્ય કેટલા દિવસ?

શ્રીરામકૃષ્ણ: એમને અન્નવસ્ત્રનો અભાવ ન રહે. પરંતુ સંતાન પોતે સમર્થ થાય તે પછી એમની જવાબદારી લેવાની જરૂર ન રહે. પક્ષીનું બચ્ચું પોતે દાણા ચણતાં શીખે એ પછી ફરીથી માની પાસે આવે તો મા ચાંચ મારે.

મણિ: કર્માે ક્યાં સુધી કરવાં જોઈએ?

શ્રીરામકૃષ્ણ: ફળ આવે એટલે ફૂલ રહે નહિ. ઈશ્વરપ્રાપ્તિ થાય તો પછી કર્માે કરવાનાં રહે નહિ. તેમાં મન લાગે નહિ.

‘પીધેલ માણસ વધુ પીએ તો હોશ ઠેકાણે રાખી શકે નહિ. એક-બે આનાનો લીધો હોય ત્યાં સુધી કામકાજ ચાલી શકે. ઈશ્વર તરફ જેટલા આગળ વધશો તેટલાં તમારાં કર્માે ઈશ્વર ઓછાં કરી નાંખશે, બીઓ મા. ગૃહસ્થની વહુ બેજીવવાળી થાય એટલે સાસુ ક્રમે ક્રમે તેનાં કામ ઓછાં કરી નાંખે. દસ માસ થાય, એટલે પછી બિલકુલ કામ કરવા દે નહિ. છોકરું થાય એટલે વહુ માત્ર એને લઈને જ ફેરવ્યા કરે.

‘જે કાંઈ કર્માે છે એ બધાં પૂરાં થઈ જાય એટલે નિશ્ચિંત. ઘરવાળી ઘરનું રાંધણું વગેરે બધાં કામથી પરવારીને નદીએ જાય પછી પાછી વળે નહિ. ત્યારે બોલાવો તોય પાછી વળે નહિ.

ઈશ્વરલાભ અને ઈશ્વર-દર્શન એટલે શું? ઉપાય શો?

મણિ: જી, ઈશ્વરપ્રાપ્તિનો અર્થ શું? અને ઈશ્વર-દર્શન કોને કહેવાય? અને તે કેવી રીતે થાય?

શ્રીરામકૃષ્ણ- વૈષ્ણવો કહે છે કે જેઓ ઈશ્વરને માર્ગે જાય છે અને જેમણે ઈશ્વરપ્રાપ્તિ કરી છે તેમની જુદી જુદી કક્ષાઓ છે. પ્રવર્તક, સાધક, સિદ્ધ અને સિદ્ધનો સિદ્ધ. જે હજી તરતનો જ ઈશ્વરને માર્ગે લાગ્યો હોય તેને પ્રવર્તક કહે. જે સાધન ભજન કરે, પૂજા, જપ, ધ્યાન, નામ- ગુણ કીર્તન કરે, એ વ્યક્તિ સાધક. જે વ્યક્તિએ ઈશ્વર છે એવો અંતરમાં અનુભવ કર્યો હોય, તેને સિદ્ધ કહે. જેમ કે વેદાંતની ઉપમામાં કહ્યું છે કે એક અંધારા ઓરડામાં શેઠ સૂતા છે. શેઠને એક માણસ અંધારામાં હાથ ફેરવી ફેરવીને ગોતે છે. એક કોચને હાથ લગાડીને કહે છે, ‘આ શેઠ નહિ.’ બારીએ હાથ દઈને કહે છે કે ‘આ નહિ.’ બારણાને હાથ દઈને કહે છે, ‘આ નહિ,’ નેતિ નેતિ નેતિ. છેવટે શેઠના શરીર પર હાથ પડ્યો ત્યારે કહે છે, ‘ઈહ’ આ રહ્યા શેઠ! એટલે કે ‘અસ્તિ’ એવું ભાન થયું છે. શેઠની પ્રાપ્તિ થઈ છે, પરંતુ વિશેષરૂપે જાણવાનું થયું નથી.

‘આ બધાય ઉપરાંત એક કક્ષા છે. તેને કહે છે સિદ્ધનો સિદ્ધ. શેઠની સાથે જો ખાસ વધારે પરિચય, વાતચીત વગેરે થાય તે વળી એક જુદી જ અવસ્થા. તેમ જો ઈશ્વરની સાથે પ્રેમ-ભક્તિ દ્વારા વિશેષ પરિચય, વાતચીત વગેરે થાય તે જુદી જ વાત. જે સિદ્ધ છે તેણે ઈશ્વરને પ્રાપ્ત કર્યો છે ખરો, પણ જે સિદ્ધોનો સિદ્ધ, તેણે તો ઈશ્વરની સાથે વિશેષ પરિચય, વાતચીત વગેરે કર્યું છે.

પરંતુ ઈશ્વરની પ્રાપ્તિ કરવી હોય તો ગમે તે એકાદ ભાવનો આધાર લેવો જોઈએ; શાંત, દાસ્ય, સખ્ય, વાત્સલ્ય યા મધુર.

શાંતભાવ ઋષિઓનો હતો. તેમને બીજા કશાનો ભોગ કરવાની વાસના હતી નહિ. જેમ કે સ્ત્રીની સ્વામીમાં નિષ્ઠા; તે જાણે કે મારો સ્વામી કંદર્પ!

દાસ્યભાવ – જેમ કે હનુમાનનો ભાવ. રામનું કામ કરતી વખતે સિંહ સમાન. પત્નીમાંય દાસ્યભાવ હોય, તન તોડીને સ્વામીની સેવા કરે. માની અંદર પણ થોડો થોડો હોય; યશોદામાંય હતો.

સખ્ય – મિત્રનો ભાવ. આવો, આવો, પાસે બેસો. શ્રીદામ વગેરે ગોવાળિયા શ્રીકૃષ્ણને ક્યારેક એઠાં ફળ ખવરાવે છે, ક્યારેક તેની કાંધે ચડે છે.

વાત્સલ્ય – જેમ કે યશોદાનો ભાવ. પત્નીમાંય કેટલોક હોય. સ્વામીને હૃદયપૂર્વક પીરસીને ખવરાવે. છોકરો પેટ ભરીને ખાય ત્યારે જ માને સંતોષ વળે. યશોદા કૃષ્ણને ખવરાવવા સારુ માખણ હાથમાં લઈને તેની પાછળ પાછળ ફરતાં.

મધુર – જેમ કે શ્રીમતીનો ભાવ. પત્નીનોય મધુરભાવ. એ ભાવની અંદર બધા ભાવ છે – શાંત, દાસ્ય, સખ્ય, વાત્સલ્ય.

મણિ: ઈશ્વરનું દર્શન શું આ આંખે થાય?

શ્રીરામકૃષ્ણ: તેને ચર્મચક્ષુથી દેખી શકાય નહિ. સાધના કરતાં કરતાં એક પ્રેમનું શરીર થાય. તેમાં પ્રેમનાં ચક્ષુ, પ્રેમના કાન હોય, એ ચક્ષુથી ઈશ્વરને જુએ. એ કાનેથી તેની વાણી સાંભળે, તેમ જ પ્રેમનાં લિંગ, યોનિ થાય.

એ સાંભળીને મણિ ખડખડાટ હસી પડ્યા.

ઠાકુર નારાજ ન થતાં ફરીથી બોલે છે.

શ્રીરામકૃષ્ણ: એ પ્રેમના શરીરમાં આત્માની સાથે રમણ થાય. (મણિ વળી ગંભીર થયા.)

શ્રીરામકૃષ્ણ: ઈશ્વર પર ખૂબ પ્રેમ ન આવે ત્યાં સુધી તેનું દર્શન થાય નહિ. ખૂબ પ્રેમ આવે ત્યારે જ ચારે બાજુ ઈશ્વરમય દેખાય; ખૂબ કમળો થાય ત્યારે જ ચારે બાજુ પીળું પીળું દેખાય.

એ વખતે વળી ‘એ જ હું’ એમ જ્ઞાન થાય. પીધેલ માણસને નશો વધારે ચડ્યો હોય તો કહેશે, ‘હું જ કાલી’ ગોપીઓ પ્રેમોન્મત્ત થઈને કહેવા લાગી કે ‘હું જ કૃષ્ણ’. ઈશ્વરનું રાતદિવસ ચિંતન કરવાથી ઈશ્વર ચારે બાજુ દેખાય. જેમ કે દીવાની જોત તરફ જો એક નજરે જોઈ રહો તો થોડીવાર પછી ચારે બાજુ જ્યોતમય દેખાય.

શું ઈશ્વર-દર્શન એ મસ્તિષ્કનો ભ્રમ છે? ‘સંશયાત્મા વિનશ્યતિ’

મણિ વિચાર કરે છે કે એ જ્યોતિ તો ખરી જ્યોતિ નહિ.

ઠાકુર અંતર્યામી; તરત બોલી ઊઠ્યા – ‘ચૈતન્યનું ચિંતવન કરવાથી અચૈતન્ય (ભ્રમિત) થાય નહિ. શિવનાથે કહ્યું કે ઈશ્વરનું નિરંતર ચિંતવન કરવાથી મગજ ભ્રમિત થઈ જાય. મેં તેને કહ્યું, ચૈતન્યનું ચિંતન કરીને શું અચેતન થાય?

મણિ: જી, સમજ્યો. આ તો કોઈ અનિત્ય વિષયનું ચિંતવન નથી ને? જે નિત્ય – ચૈતન્યસ્વરૂપ, તેમાં મન લગાડવાથી માણસ અચેતન શા માટે થઈ જાય?

શ્રીરામકૃષ્ણ: (પ્રસન્ન થઈને) ઈ-યા-આ! આ ઈશ્વરની કૃપા. તેમની કૃપા ન હોય તો સંદેહ ટળે નહિ.

આત્માનો સાક્ષાત્કાર થયા વિના સંદેહ મટે નહિ.

‘ઈશ્વરની કૃપા થાય તો પછી ડર નહિ. છોકરું પોતે બાપનો હાથ પકડીને ચાલતાં ચાલતાંય કદાચ પડી જાય! પરંતુ બાપ જો છોકરાનો હાથ પકડે તો પછી પડવાની બીક રહે નહિ. તેમ ઈશ્વર જો કૃપા કરીને સંદેહ મટાડી દે અને દર્શન આપે, તો કશી તકલીફ નહિ. પણ ઈશ્વરને પામવા સારુ ખૂબ વ્યાકુળ થઈને પોકારતાં પોકારતાં, સાધના કરતાં કરતાં, પછી તેની કૃપા થાય. છોકરું બહુ જ વ્યાકુળ થઈને ગોતાગોત કરતું આમતેમ દોડ્યા કરે છે, એ જોઈને માને દયા આવે. મા સંતાઈ ગઈ હોય તે આવીને દર્શન દે.’

મણિ વિચાર કરે છે કે મા દોડાદોડી કરાવે શું કરવા? તરત જ ઠાકુર બોલી ઊઠ્યા કે માની ઇચ્છા કે જરાક દોડાદોડી થાય, તો જ જરા ગમ્મત આવે. માએ જ લીલાથી આ સંસારની રચના કરી છે. એનું જ નામ મહામાયા. એટલે એ શક્તિરૂપી માના શરણાગત થવું જોઈએ. મહામાયાએ માયાપાશમાં બાંધી રાખ્યા છે, એ પાશ છેદન કરી શકાય તો જ ઈશ્વર-દર્શન થઈ શકે.

આદ્યશક્તિ – મહામાયા અને શક્તિસાધના

શ્રીરામકૃષ્ણ: ઈશ્વરની કૃપા પ્રાપ્ત કરવી હો તો એ આદ્યશક્તિને પ્રસન્ન કરવી જોઈએ. એ જ મહામાયા. જગતને મોહિત કરીને સૃષ્ટિ, સ્થિતિ, પ્રલય કરે છે. તેણે જ બધાને અજ્ઞાની કરી રાખેલ છે. એ મહામાયા જો બારણું છોડી દે, તો અંદર જઈ શકાય. બહાર પડ્યા રહેવાથી બહારની વસ્તુ જ માત્ર દેખાય; એ નિત્ય-સચ્ચિદાનંદ- પુરુષને જાણી શકાય નહિ. એટલે પુરાણમાં, ચંડીમાં કહ્યું છે કે મધુકૈટભ-વધ વખતે બ્રહ્મા વગેરે દેવતાઓ મહામાયાની સ્તુતિ કરે છે –

ત્વં સ્વાહા ત્વં સ્વધા ત્વં હિ વષટ્કારઃ સ્વરાત્મિકા ા
સુધા ત્વમક્ષરે નિત્યે ત્રિધામાત્રાત્મિકા સ્થિતા ાા

શક્તિ જ જગતનો મૂળાધાર. એ આદ્યશક્તિની અંદર વિદ્યા અને અવિદ્યા બેય છે. તેમાં અવિદ્યા મોહિત કરે. અવિદ્યા એટલે કે જેનાથી કામ-કાંચન મોહિત કરે. વિદ્યા એટલે કે જેનાથી ભક્તિ, દયા, જ્ઞાન, પ્રેમ વગેરે આવે, જે ઈશ્વરને માર્ગે લઈ જાય તે.

એ અવિદ્યાને પ્રસન્ન કરવી જોઈએ. એટલા માટે શક્તિપૂજાનું વિધાન.

તેને પ્રસન્ન કરવા સારુ વિવિધ ભાવે પૂજા છે; દાસીભાવે, વીરભાવે, સંતાનભાવે. વીરભાવે- એટલે કે રમણ દ્વારા તેને પ્રસન્ન કરવી.

‘શક્તિ સાધના બધી ભારે ઉત્કટ સાધના હતી, રમત નહોતી. હું માતાજીના દાસીભાવમાં, સખીભાવમાં બે વરસ સુધી રહ્યો હતો. પરંતુ મારો પોતાનો ભાવ સંતાનનો. સ્ત્રીમાત્રનાં સ્તનને હું માતૃસ્તન માનું.

સ્ત્રીઓ શક્તિનું એક એક સ્વરૂપ છે. પશ્ચિમ (ભારત) તરફ વિવાહ વખતે વરના હાથમાં છરી કે તલવાર વગેરે હોય, બંગાળમાં સૂડી હોય. એનો ભાવાર્થ એ કે શક્તિરૂપી કન્યાની સહાયથી વર માયાપાશ છેદન કરશે; આ વીરભાવ. મેં વીરભાવે પૂજા કરી નથી, મારો સંતાનભાવ.

કન્યા શક્તિસ્વરૂપા. એટલે વિવાહ વખતે જોતા નથી, કે વર બોઘા જેવો બેઠો હોય, પણ કન્યા નિઃશંક!

ભગવદ્દર્શન પછી ઐશ્વર્ય નિરર્થક – વિવિધ જ્ઞાન, અપરાવિદ્યા – Religion and Science – સાત્ત્વિક અને રાજસિક જ્ઞાન

શ્રીરામકૃષ્ણ: ઈશ્વર-પ્રાપ્તિ થયે, તેનું બહારનું ઐશ્વર્ય, તેનું જગતનું ઐશ્વર્ય ભુલાઈ જાય. ઈશ્વરને જોયા પછી તેનું ઐશ્વર્ય યાદ આવે નહિ. ઈશ્વરના આનંદમાં મગ્ન થયા પછી ભક્તને કોઈ ગણતરી રહે નહિ. નરેન્દ્રને જોયા પછી, – તારું નામ શું, તારું ઘર ક્યાં એ બધું પૂછવાની મને જરૂર રહે નહિ. પૂછવાનો અવસર જ ક્યાં હોય? હનુમાનને એક જણે પૂછ્યું હતું કે આજ કઈ તિથિ? હનુમાને જવાબ આપ્યો કે ‘ભાઈ, હું વાર, તિથિ, નક્ષત્ર, એ બધું જરાય જાણતો નથી, હું તો એક માત્ર રામનું જ ચિંતન કરું છું.’

Total Views: 398
ખંડ 4: અધ્યાય 2: કામિની-કાંચન જ યોગમાં બાધક - સાધના અને યોગતત્ત્વ
ખંડ 4: અધ્યાય 4: પૂર્વકથા - શ્રીરામકૃષ્ણના પ્રથમ પ્રેમોન્માદ અવસ્થાની વાત - ૧૮૫૮