શ્રીરામકૃષ્ણ દક્ષિણેશ્વર-મંદિરમાં ભક્તો સાથે બિરાજે છે. ગુરુવાર, શ્રાવણ સુદ દશમ, (૯ ભાદરવો, ૧૨૮૯), ૨૪મી ઓગસ્ટ, ઈ.સ. ૧૮૮૨.

આજકાલ ઠાકુરની પાસે હાજરા મહાશય, રામલાલ, રાખાલ વગેરે રહે છે. શ્રીયુત્ રામલાલ શ્રીરામકૃષ્ણના ભત્રીજા થાય, કાલીમંદિરમાં પૂજા કરે. માસ્ટરે આવીને જોયું તો ઉત્તરપૂર્વની લાંબી ઓસરીમાં ઠાકુર હાજરાની પાસે ઊભા ઊભા વાત કરી રહ્યા છે. માસ્ટરે આવીને જમીન પર નમીને ઠાકુર શ્રીરામકૃષ્ણનાં ચરણકમલમાં પ્રણામ કર્યા.

ઠાકુરના ચહેરા પર હાસ્ય. માસ્ટરને કહે છે, હવે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરને એક બે વખત વધારે મળવાની જરૂર છે. ચિત્રને પહેલાં એકવાર ઉપર ઉપરથી રેખાઓ માત્ર દોરી લઈને પછી તેમાં બેઠાં બેઠાં રંગ પૂરાય. મૂર્તિ બનાવતી વખતે પ્રથમ માટીનો આકાર, પછી માટીનો બીજો હાથ, પછી ખડીનો હાથ, ત્યાર પછી રંગ – એમ એક પછી એક કરવાં જોઈએ. વિદ્યાસાગરનું બધું તૈયાર છે, માત્ર દબાઈ રહ્યું છે, કેટલાંક સત્કાર્યો કરે છે, પણ અંતરમાં શું છે તે જાણતા નથી. અંતરમાં સોનું દબાયેલું પડ્યું છે. અંતરમાં ઈશ્વર છે એ જાણી શકાય તો બધાં કામ મૂકીને વ્યાકુળ થઈને તેમનું સ્મરણ કરવાની ઇચ્છા થાય.

ઠાકુર માસ્ટરની સાથે ઊભા રહીને વાત કરે છે, તેમ વળી ક્યારેક ક્યારેક ઓસરીમાં આંટા મારે છે.

કામિની-કાંચનના ઝંઝાવાતને પાર કરવા માટે સાધના

શ્રીરામકૃષ્ણ: અંતરમાં શું છે જાણવા સારુ જરા સાધના જોઈએ.

માસ્ટર: શું સાધના આખર સુધી કરવી જોઈએ?

શ્રીરામકૃષ્ણ: ના, શરૂઆતમાં જરા ખંતપૂર્વક લાગવું જોઈએ, ત્યાર પછી બહુ પરિશ્રમ કરવો ન પડે. જ્યાં સુધી મોજાં, વાવાઝોડું, તોફાન અને વળાંકની પાસે થઈને જવાનું હોય, ત્યાં સુધી વહાણના સુકાનીને ઊભા રહીને સુકાન પકડી રાખવું પડે. એ પાર થઈ જાય એટલે પછી નહિ. જો વળાંક પાર થઈ ગયો અને અનુકૂળ પવન વાય, તો સુકાની આરામથી બેસે અને સુકાનને હાથ લગાડી રાખે; ત્યાર પછી સઢ ચડાવવાનો બંદોબસ્ત કરીને હોકો ભરવા બેસે. કામકાંચનનું વાવાઝોડું, તોફાન વટાવી ગયા પછી શાંતિ.

ઠાકુર શ્રીરામકૃષ્ણ અને યોગતત્ત્વ – યોગભ્રષ્ટ – યોગાવસ્થા – ‘નિવાત નિષ્કમ્પમિવ પ્રદીપમ્’ – યોગનાં વિઘ્ન

કોઈ કોઈમાં યોગીનાં લક્ષણ જોઈ શકાય; પરંતુ તેમણે પણ સાવધાન રહેવું ઉચિત. કામ-કાંચન જ યોગમાં વિઘ્નરૂપ છે. યોગભ્રષ્ટ થયેલા સંસારમાં આવી પડે; કાં તો ભોગની વાસના કંઈક રહી હોય. એ પૂરી થઈ ગયા પછી ઈશ્વર તરફ જાય, વળી પાછી એ યોગની અવસ્થા. ‘છટકી-કળ’ જાણો છો?

માસ્ટર: જી ના, જોઈ નથી.

શ્રીરામકૃષ્ણ- અમારા દેશમાં એ હોય છે. વાંસ નમાવી રાખે, તેને બરૂનો ટુકડો લગાડેલી દોરી બાંધેલી હોય, એ બરૂની સાથે માછલીને લલચાવવા સારુ કંઈક ખાવાનો ટુકડો ભરાવેલો ગલ હોય. માછલું જેવું એ ખાય કે તરત જ સટાક કરતોને છટકીને વાંસ ઊંચો થઈ જાય, વાંસનું મોઢું ઉપરની બાજુએ, અગાઉ હોય તેમ જ થઈ જાય.

‘જેમ કે સોનીનું ત્રાજવું. તેમાં એક બાજુ વજન પડે તો નીચેનો કાંટો ઉપરના કાંટાની સાથે એક થાય નહિ. નીચેનો કાંટો એ મન, ઉપરનો કાંટો ઈશ્વર. નીચેના કાંટાનું ઉપરના કાંટાની સાથે એક થવાનું નામ યોગ.

‘મન સ્થિર ન થાય તો યોગ થાય નહિ. સંસારરૂપી પવન મનરૂપી દીવાને હંમેશાં ચંચળ કરે છે. એ દીવો જો જરાય હલે નહીં તો બરાબર યોગની અવસ્થા થઈ જાય.

‘કામ-કાંચન જ યોગમાં વિઘ્ન. વસ્તુવિચાર કરવો જોઈએ કે સ્ત્રીના શરીરમાં છે શું? રક્ત, માંસ, ચરબી, આંતરડાં, કૃમિ, મૂત્ર, વિષ્ટા વગરે. એવા શરીર પર પ્રેમ શા માટે? હું રાજસિક ભાવનો આરોપ કરતો, ત્યાગ કરવા સારુ. મને ઇચ્છા થયેલી કે સાચી જરીનો પોશાક પહેરવો, આંગળિયે વીંટી પહેરવી, લાંબી નળીવાળો હોકો પીવો. મેં સાચી જરીનો પોશાક પહેર્યો, – મથુરબાબુએ મંગાવી આપ્યો. થોડીવાર પછી મનને કહ્યું, ‘મન, આનું નામ સાચી જરીનો પોશાક! ત્યાર પછી એ બધું કાઢીને ફેંકી દીધું, પછી એ ગમ્યું નહિ. મનને કહ્યું કે મન, આનું નામ શાલ, આનું નામ વીંટી! આનું નામ નળીવાળો હોકો પીવો. અને એ બધાં ફેંકી દીધાં. પછી ફરીથી મનમાં ઇચ્છા ઊઠી જ નહિ.

સંધ્યા થવાની તૈયારી. ઓરડાની દક્ષિણપૂર્વની ઓસરીમાં ઓરડાના બારણાની પાસે મણિની સાથે ઠાકુર એકાંતમાં વાતો કરે છે.

શ્રીરામકૃષ્ણ (મણિને): યોગીનું મન હંમેશાં ઈશ્વરમાં રહે, સર્વદા આત્મસ્થ, તેની દૃષ્ટિ શૂન્ય હોય, જોતાંવેંત સમજી શકાય. જેમ કે પંખી ઈંડું સેવવા બેઠું હોય ત્યારે તેનું બધું મન એ ઈંડામાં હોય, ઉપર તો નામનું જ જોતું હોય! વારુ, મને એવું ચિત્ર એક બતાવી શકશો?

મણિ: જી, હું પ્રયાસ કરીશ, જો ક્યાંયથી મળશે તો.

Total Views: 485
ખંડ 4: અધ્યાય 1: દક્ષિણેશ્વરમાં કેદાર દ્વારા આયોજિત ઉત્સવ
ખંડ 4: અધ્યાય 3: ગુરુશિષ્ય સંવાદ - ગૂઢકથા