સાંજ થઈ છે. નરેન્દ્ર ગીત ગાય છે. રાખાલ, લાટુ, માસ્ટર, નરેન્દ્રના બ્રાહ્મસમાજી મિત્ર પ્રિયનાથ, હાજરા વગેરે છે. નરેન્દ્રે ગીત ગાવા માંડ્યું. ખોલ વાગવા લાગ્યું.

ગીત
‘ચિન્તય મમ માનસ હરિ ચિદ્ઘન નિરંજન,
કેવી અનુપમ જ્યોતિ, મોહન મૂરતિ, ભક્ત હૃદય રંજન.
નવ રાગે રંજિત, કોટિ શશી – વિનિંદિત;
(વળી) વીજળી ચમકે, એ રૂપ નીરખ્યે, રોમાંચે કંપે જીવન.
હૃદયકમલ-આસને, સ્મરો પ્રભુજીનાં ચરણ,
દેખો શાંત મને, પ્રેમ-નયને, અપરૂપ પ્રિયદર્શન;
ચિદાનંદરસે, ભક્તિયોગ-આવેશે, થાઓ રે ચિર-મગન.’

નરેન્દ્રે વળી પાછું ગાયુંઃ

‘સત્યં શિવ સુંદર રૂપ પ્રકાશે હૃદયમંદિરે,
નીરખી નીરખી દિન દિન અમે ડૂબીએ રૂપસાગરે…
(એ દિન ક્યારે આવશે) (દીન જનના ભાગ્યમાં)
જ્ઞાન અનંતરૂપ પ્રવેશશે નાથ, મમ હૃદયમાં,
અવાક થઈ અધીરું મન, શરણ લેશે શ્રીપદમાં…
આનંદે અમૃતરૂપે ઊગશે, હૃદય-આકાશ મહીં.
ચંદ્ર ઊગ્યે ચકોર જેમ ખેલે મન હરખી,
અમેય નાથ તેવી જ રીતે મસ્ત થશું તવ પ્રકાશમાં…
શાન્ત શિવ અદ્વિતીય રાજ-રાજ-ચરણે
વેચાઈશું અમે પ્રાણસખા, સફળ કરશું જીવન…
એવો અધિકાર ક્યાં પામશું ફરી વાર, સ્વર્ગભોગ જીવનમાં (સશરીરે)
શુદ્ધમપાપવિદ્ધં રૂપ, દેખીને નાથ તમારું,
પ્રકાશ દેખીને અંધારું જેમ જાય નાસી સત્વર,
તેમ જ નાથ તમારો પ્રકાશ નસાડે પાપ-અંધાર…
અરે ધ્રુવતારા! મારા હૃદયમાં દૃઢ વિશ્વાસ,
પ્રકટાવી દીનબંધુ પુરાવો મનની આશ,
હું તો નિશદિન પ્રેમાનંદમાં મગ્ન થાઉં રે,
ભૂલું મને પોતાને પામી તમોને રે…
(એ દિન ક્યારે થશે રે)

ગીત
‘આનંદ વદને બોલો મધુર બ્રહ્મનામ,
નામે ઊછળશે સુધા-સિંધુ, પીઓ અવિરામ,
(પાન કરો અને દાન કરો રે)
જો થાય ક્યારેક શુષ્ક હૃદય, કરો નામગાન,
(વિષય મરીચિકામાં પડીને)
(પ્રેમે હૃદય સરસ થશે રે)
(જુઓ જાણે ભૂલો નહિ એ મહામંત્ર)
(વિપત્તિકાળે પોકારો દયાળુ પિતા કહીને)
સૌ હુંકાર દઈને કાપો પાપબંધન…’
(જય બ્રહ્મ જય બોલીને)
આવો બ્રહ્માનંદમાં મગ્ન થઈએ સૌ થઈ પૂર્ણકામ…
(પ્રેમયોગે યોગી થઈને રે)

ખોલ, કરતાલ સાથે કીર્તન ચાલી રહ્યું છે. નરેન્દ્ર વગેરે ભક્તો ઠાકુરને ચારે બાજુ ઘેરીને ફરતાં ફરતાં કીર્તન કરી રહ્યા છે. ક્યારેક ગાય છેઃ-
પ્રેમાનંદ રસે થાઓ રે ચિર મગન!

વળી ક્યારેક ગાય છે-
સત્યં શિવ સુંદર રૂપ પ્રકાશે હૃદય-મંદિરે.

આખરે નરેન્દ્રે પોતે ખોલ હાથમાં લીધું અને મસ્ત થઈને ઠાકુરની સાથે ગાય છેઃ- ‘આનંદ વદને બોલો રે મધુર હરિ-નામ!’

કીર્તન પૂરું થયા પછી ઠાકુરે નરેન્દ્રને વારંવાર લાંબા વખત સુધી આલિંગન કર્યું. પછી કહે કે ‘તેં મને આજે કેટલો આનંદ આપ્યો!’ આજ ઠાકુરના હૃદયની અંદર પ્રેમસાગર ખૂબ ઊભરાયો છે. રાતના લગભગ આઠ વાગ્યા. છતાંય તે પ્રેમોન્મત્ત થઈને એકલા ઓસરીમાં ફરી રહ્યા છે. ઉત્તરની લાંબી ઓસરીમાં આવીને ઝડપથી ઓસરીના એક છેડેથી બીજા છેડા સુધી આંટા મારે છે, વચ્ચે વચ્ચે માની સાથે કંઈક વાતો કરે છે. અચાનક ઉન્મત્તની પેઠે બોલી ઊઠ્યા, ‘તું મારું શું કરી લેવાની?’ મા જેની સહાયક તેને માયા શું કરી શકે?’ ઠાકુર શું એમ કહી રહ્યા છે?

નરેન્દ્ર, માસ્ટર, પ્રિય, રાતે રોકાવાના છે. નરેન્દ્ર રોકાવાના છે, એટલે ઠાકુરના આનંદનો પાર નથી. રાત્રિનું ભોજન તૈયાર. શ્રી મા (સારદામણિદેવી) નોબતાખાનાની ઓરડીમાં છે. તેમણે રોટલી, ચણાની દાળ વગેરે બનાવીને ભક્તોને જમવા સારુ મોકલી આપ્યાં. અવારનવાર ભક્તો ત્યાં રહે, એટલે સુરેન્દ્ર મહિને મહિને કાંઈક ખર્ચ આપે છે.

જમવાનું તૈયાર થયું. ઓરડાની દક્ષિણપૂર્વ ઓસરીમાં જમવા બેસવાની વ્યવસ્થા થઈ.

નરેન્દ્રાદિને શાળા અને અન્ય વિષયચર્ચા કરવાનો નિષેધ

ઓરડાની પૂર્વ બાજુના બારણા પાસે નરેન્દ્ર, માસ્ટર વગેરે વાતો કરી રહ્યા છે.

નરેન્દ્ર: આજકાલ વિદ્યાર્થીઓ કેમ લાગે છે?

માસ્ટર: ખરાબ નહિ. પણ તેમને ધર્માેપદેશ જરાય કરવામાં આવતો નથી.

નરેન્દ્ર: હું પોતે જે જોઉં છું, તેથી તો એમ લાગે છે કે બધા અધઃપાત તરફ જઈ રહ્યા છે. બીડી પીવી, મશ્કરી, મોજશોખ, સ્કૂલમાંથી ભાગી જવું, એ બધું હંમેશાં દેખાય છે. એટલે સુધી કે છોકરાઓ ખરાબ જગાએ પણ જાય છે.

માસ્ટર: અમે ભણતા ત્યારે તો એ પ્રમાણે જોયું નહોતું, તેમ સાંભળ્યું પણ ન હતું.

નરેન્દ્ર: મને લાગે છે કે તમે વિદ્યાર્થીઓ સાથે એટલા ભળ્યા નહિ હો. એટલે સુધી જોયું છે કે ખરાબ (બાઈ) માણસ તેનું નામ લઈને બોલાવે છે. ક્યારે વાતચીત કરી લીધી છે તે કોણ જાણે?

માસ્ટર: એ તો નવાઈ!

નરેન્દ્ર: મને ખબર છે કે કેટલાયનાં ચારિત્ર્ય હલકાં થતાં જાય છે. શાળા-કોલેજના સંચાલકો અને છોકરાઓના વાલીઓ આ બધી બાબતો પર નજર રાખે તો સારું.

ઈશ્વરચર્ચા જ સાચી ચર્ચા – ‘આત્માનં વા વિજાનીથ અન્યાં વાચં વિમુઞ્ચથ’

એ પ્રમાણે વાતચીત ચાલી રહી છે, એટલામાં ઠાકુર ઓરડામાંથી તેમની પાસે આવ્યા, અને હસતાં હસતાં બોલ્યા, ‘કેમ અલ્યા, તમારી શી વાતો ચાલી રહી છે?’

નરેન્દ્રે કહ્યું કે આમની સાથે સ્કૂલની વાતચીત થતી હતી; છોકરાઓનાં ચરિત્ર સારાં રહેતાં નથી, વગેરે. ઠાકુર એ બધી વાતો જરાક સાંભળીને માસ્ટરને ગંભીર ભાવે કહે છે, ‘આ બધી વાતો સારી નહિ. ઈશ્વર સિવાય બીજી વાતો સારી નહિ. તમે તો આમના કરતાં ઉંમરે મોટા, સમજુ છો; તમારે એ બધી વાત ઉપાડવા દેવી જોઈતી ન હતી.’

(નરેન્દ્રની ઉંમર એ વખતે ઓગણીશ-વીસ, માસ્ટરની સત્તાવીશ-અઠ્ઠાવીશ.)

માસ્ટર શરમિંદા થઈ ગયા. નરેન્દ્ર વગેરે ભક્તો ચૂપ થઈ ગયા.

શ્રીરામકૃષ્ણ ઊભા રહીને હસતાં હસતાં નરેન્દ્ર વગેરે ભક્તોને જમાડી રહ્યા છે. ઠાકુરને આજ ખૂબ આનંદ. સૌ જમીને ઠાકુરના ઓરડામાં જમીન પર બેસીને આરામથી વાતો કરી રહ્યા છે. જાણે આનંદનું બજાર ભરાયું છે. વાત કરતાં કરતાં ઠાકુર નરેન્દ્રને કહે છે ‘ચિદાકાશે થયો પૂર્ણ પ્રેમ-ચંદ્રોદય રે’ એ ગીત એકવાર ગા ને!’

નરેન્દ્રે ગાવાનો આરંભ કર્યો. તે સાથે જ બીજા ભક્તો ખોલ, કરતાલ વગાડવા લાગ્યા.

ગીત
ચિદાકાશે થયો પૂર્ણ પ્રેમ-ચંદ્રોદય રે,
ઊછળિયો પ્રેમ-સિંધુ શો આનંદમય રે…
(જય દયામય, જય દયામય, જય દયામય.)
ચારે બાજુ ઝળહળ, કરે ભક્ત-ગ્રહ-દળ,
ભક્ત સાથે ભક્ત-સખા, લીલા-રસમય હે… (જય દયામય..)
સ્વર્ગદ્વાર ખોલી, આનંદ-લહરી ઉછાળી;
નવ-નિધાન – વસંત-સમીરણ વાય રે… (જય દયામય..)
છૂટે તેમાં મંદમંદ, લીલા-રસ પ્રેમગંધ,
સૂંઘી યોગી-વૃંદ યોગાનંદે મસ્ત થાય રે… (જય દયામય..)
ભવસિંધુ-જળમાં, વિધાન-કમળમાં, આનંદમયી બિરાજે
આવેશે આકુળ, ભક્ત-અલિ (ભ્રમર) કુળ પીએ સુધા તેની મધ્યે…
દેખો દેખો માનું પ્રસન્ન વદન, ચિત્ત વિનોદન, ભુવન મોહન;
પદ તળે દળે-દળે સાધુ-ગણ, નાચે ગાય થઈ મગન…
શું એ અપરૂપ! અહા વારી જાઉં! શીતળ થયા પ્રાણ દર્શન કરી,
પ્રેમદાસ કહે સૌનાં ચરણ ધરી, ગાઓ ભાઈ માનો જય…

કીર્તન કરતાં કરતાં ઠાકુર શ્રીરામકૃષ્ણ નૃત્ય કરી રહ્યા છે. ભક્તોય તેમને ઘેરીને નૃત્ય કરી રહ્યા છે.

કીર્તન થઈ રહ્યા પછી ઠાકુર ઉત્તર પૂર્વની ઓસરીમાં ફરી રહ્યા છે. હાજરા મહાશય ઉત્તર બાજુને છેડે બેઠા છે. ઠાકુર ત્યાં જઈને બેઠા. માસ્ટર ત્યાં બેઠા છે અને હાજરાની સાથે વાતો કરી રહ્યા છે. ઠાકુરે એક ભક્તને પૂછ્યુંઃ ‘તમે સ્વપ્નબપ્ન દેખો છો?

ભક્ત: ‘મેં એક બહુ અદ્ભુત સ્વપ્ન જોયું. આ આખું જગત જાણે જળે જળાકાર, અનંત જળરાશિ. તેમાં કેટલીક હોડીઓ તરતી હતી. અચાનક પાણીમાં મોજાં ઊઠવાથી તે ડૂબી ગઈ. હું અને બીજો એક માણસ એક વહાણમાં ચડ્યા છીએ. એટલામાં એ અફાટ સમુદ્રની ઉપર એક બ્રાહ્મણ ચાલ્યો જાય છે. મેં પૂછ્યું કે આપ કેમ કરીને ચાલ્યા જાઓ છો? બ્રાહ્મણે જરાક હસીને કહ્યું, અહીં કશી મુશ્કેલી નથી. પાણીની નીચે છેક સુધી પુલ છે. મેં પૂછ્યું કે આપ ક્યાં જાઓ છો? તેણે જવાબ આપ્યો, ‘ભવાનીપુર જાઉં છું.’ મેં કહ્યું, ‘જરા ઊભા રહો. હુંય આપની સાથે આવું છું.’

શ્રીરામકૃષ્ણ: આ વાત સાંભળતાં મારાં રુંવાડાં ઊભાં થાય છે.

ભક્ત: એ બ્રાહ્મણે કહ્યું, મારે હમણાં ઉતાવળ છે, તમને ઊતરતાં વાર લાગશે, હું તો હમણાં જાઉં છું. તમે આ રસ્તો ધ્યાનમાં રાખજો ને પછી તમે આવજો.

શ્રીરામકૃષ્ણ: મને રોમાંચ થાય છે. તમે જલદી મંત્ર લો.

રાતના અગિયાર વાગ્યા છે. નરેન્દ્ર વગેરે ભક્તો ઠાકુરના ઓરડામાં જમીન પર પથારી પાથરીને સૂતા.

ઊંઘમાંથી જાગીને કોઈ ભક્તો જુએ છે તો પ્રભાત થયું છે. (૧૭ આૅક્ટોબર, ૧૮૮૨, મંગળવાર, પહેલો કાર્તિક, શુક્લ પંચમી) શ્રીરામકૃષ્ણ બાળકની પેઠે દિગંબર; દેવતાઓનાં નામ લેતાં લેતાં ઓરડામાં ફરી રહ્યા છે. ક્યારેક ગંગાદર્શન, ક્યારેક દેવતાઓની છબીઓ પાસે જઈને પ્રણામ, તો ક્યારેક વળી મધુર સ્વરે નામ-સ્મરણ કરે છે. ક્યારેક બોલે છે, ‘વેદ, પુરાણ, તંત્ર, ગીતા, ગાયત્રી, ભાગવત-ભક્ત-ભગવાન;’ ગીતાને ઉદ્દેશીને કેટલીય વાર બોલે છેઃ ‘ત્યાગી, ત્યાગી, ત્યાગી, ત્યાગી!’ ક્યારેક વળી, ‘તમે જ બ્રહ્મ, તમે જ શક્તિ, તમે જ પુરુષ, તમે જ પ્રકૃતિ, તમે જ વિરાટ, તમે જ સ્વરાટ, તમે જ નિત્ય, તમે જ લીલામયી, તમે જ ચોવીસ તત્ત્વ.’

આ બાજુ શ્રીકાલીમંદિરમાં અને શ્રી રાધાકાન્તના મંદિરમાં મંગળા-આરતી થઈ રહી છે, અને શંખ, ઘંટા વાગી રહ્યા છે. ભક્તો જાગીને જુએ છે તો કાલીમંદિરની ફૂલવાડીમાં દેવતાઓની પૂજા માટે ફૂલ ચૂંટવાનો આરંભ થઈ ગયો છે, અને પ્રભાતી રાગ રાગણીઓની લહરીઓ નોબતખાનામાંથી ઊઠી રહી છે.

નરેન્દ્ર વગેરે ભક્તો પ્રાતઃકર્મ પૂરાં કરીને ઠાકુરની પાસે આવી ગયા. ઠાકુર હસતે વદને ઉત્તર-પૂર્વની ઓસરીની પશ્ચિમ બાજુએ ઊભા છે.

નરેન્દ્ર: પંચવટીમાં કેટલાક નાનકપંથી સાધુઓ બેઠા છે. જોયું?

શ્રીરામકૃષ્ણ: હા, તેઓ કાલે અહીં આવ્યા હતા. (નરેન્દ્રને) તમે બધા એક સાથે સાદડી પર બેસો તો, હું જોઉં. ભક્તો બધા સાદડી ઉપર બેઠા એટલે ઠાકુર આનંદથી જોવા લાગ્યા, અને તેમની સાથે વાતો કરવા લાગ્યા. નરેન્દ્રે સાધનાનો પ્રસંગ ઉપાડ્યો.

નરેન્દ્રાદિને સ્ત્રીઓ સાથે (વીરભાવની) સાધના કરવાનો નિષેધ – સંતાનભાવ અતિ શુદ્ધભાવ

શ્રીરામકૃષ્ણ (નરેન્દ્ર વગેરેને): ભક્તિ જ સાર. ભગવાનને ચાહો તો વિવેક વૈરાગ્ય એની મેળે આવે.

નરેન્દ્ર: વારુ, સ્ત્રીઓને સાથે લઈને સાધના કરવાનું શાસ્ત્રોમાં છે?

શ્રીરામકૃષ્ણ: એ બધા માર્ગ સારા નથી. બહુ જ કઠિન, અને તેમાં મોટે ભાગે પતન થાય. વીરભાવે, દાસીભાવે અને માતૃભાવે સાધના. મારો માતૃભાવ, દાસીભાવ પણ સારો. વીરભાવે સાધના બહુ જ કઠણ. સંતાનભાવ બહુ શુદ્ધ ભાવ.

નાનકપંથી સાધુઓ ઠાકુરને નમસ્કાર કરીને બોલ્યા – ‘નમો નારાયણાય’. ઠાકુરે તેમને બેસવાનું કહ્યું.

ઈશ્વર માટે બધું સંભવ – Miracles

ઠાકુર કહે છે – ઈશ્વરને માટે કશુંય અસંભવ નથી. તેમનું સ્વરૂપ કોઈ મોઢેથી વર્ણવી શકે નહિ. તેમનામાં બધું સંભવે. બે યોગી હતા. બેઠા બેઠા ઈશ્વરની સાધના કરતા હતા. ત્યાં થઈને નારદ ઋષિ નીકળ્યા. એક યોગીએ તેમનો પરિચય કરી લઈને કહ્યું, ‘તમે ભગવાન નારાયણ પાસેથી આવો છો, તે નારાયણ શું કરે છે?’ નારદે જવાબ આપ્યો, ‘હું જોઈ આવ્યો કે એ સોયના નાકામાં ઊંટ હાથી વગેરે પરોવી રહ્યા છે, ને પાછા કાઢી રહ્યા છે!’ એ સાંભળતાં જ એક યોગીએ કહ્યું ‘તેમાં શી નવાઈ? ભગવાનને માટે બધુંય સંભવે! પરંતુ બીજાએ કહ્યું, ‘એવું કદી સંભવે! તમે કદી ત્યાં ગયા જ નથી.’

લગભગ નવ વાગ્યાનો સમય છે. ઠાકુર પોતાના ઓરડામાં બેઠા છે. કોન્નગરથી મનોમોહન પરિવારજનો સાથે આવ્યા છે. એમણે પ્રણામ કરીને કહ્યુંઃ ‘આમને કોલકાતા લઈ જાઉં છું!’ કુશળ પ્રશ્ન પૂછ્યા પછી શ્રીરામકૃષ્ણે કહ્યુંઃ ‘આજે અગત્સ્યનો પ્રથમ દિવસ છે અને તમે તો કોલકાતા જાઓ છો; ભગવાન જાણે ક્યાંક કંઈ અજુકતું ન બને!’ (અગત્સ્ય મુનિએ ભાદ્ર માસના પ્રથમ દિવસે વિંધ્યપર્વત ઓળંગવા માટે દક્ષિણ તરફ યાત્રા કરી હતી અને ફરી પાછા આવ્યા ન હતા. તેથી એ દિવસે યાત્રાની શરૂઆત થાય નહિ. લૌકિક દૃષ્ટિએ કોઈ પણ માસની પ્રથમ તિથિએ યાત્રાને અશુભ ગણવામાં આવે છે.) આમ કહીને જરા હસ્યા અને બીજી વાત કહેવા લાગ્યા.

લીન બનીને ધ્યાન કરવાનો નરેન્દ્રને ઉપદેશ

નરેન્દ્ર અને તેના મિત્રો સ્નાન કરીને આવ્યા. ઠાકુરે જરા આતુર થઈને નરેન્દ્રને કહ્યું, ‘જાઓ, વટતળા નીચે ધ્યાન કરો. આસન આપું?’

નરેન્દ્ર અને તેના કેટલાક બ્રાહ્મ મિત્રો પંચવટી નીચે ધ્યાન કરે છે. સમય અંદાજે સાડા દસ વાગ્યાનો. શ્રીરામકૃષ્ણ થોડી વાર પછી ત્યાં આવ્યા. માસ્ટર પણ આવ્યા છે. ઠાકુર વાતો કરે છેઃ

શ્રીરામકૃષ્ણ (બ્રાહ્મ ભક્તોને): ધ્યાન કરતી વખતે પ્રભુમાં મગ્ન થવું જોઈએ. ઉપર ઉપર તર્યા કર્યે શું પાણીની અંદરનું રત્ન મેળવી શકાય?

ગીત
‘ડૂબી જા મન કાલી બોલી, હૃદય-રત્નાકરના અગાધ જળે;
રત્નાકર નથી શૂન્ય ક્યારેય, બેચાર ડૂબકીથી જો ધન ન મળે…
તો શ્વાસ રોકીને એકદમ પહોંચો, કુલકુંડલિની-મૂળે,
જ્ઞાન-સમુદ્રની અંદર રે મન, શાંતિરૂપી મુક્તાફળ,
ભક્તિ કરીને વીણી શકો; શિવના ઉપદેશે ચાલો…
કામાદિ છ મગર તેમાં, આહાર લેવા ફરે એમાં,
વિવેક-હળદર અંગે લગાવ્યે, અડશે નહિ તેની ગંધ આવ્યે;
રતન માણેક મોતી કેવાં, પડેલ છે તે જળમાંહિ,
રામપ્રસાદ કહે કૂદકો માર્યે, મળશે રતન ખોબે ખોબે…

બ્રાહ્મોસમાજ, ભાષણ અને સમાજસંસ્કરણ (Social Reforms) – પહેલાં ઈશ્વરપ્રાપ્તિ અને પછી લોકશિક્ષણ આપવું

નરેન્દ્ર અને તેના મિત્રો પંચવટીના ઓટલા પરથી નીચે આવ્યા અને ઠાકુરની પાસે આવીને ઊભા રહ્યા. ઠાકુર દક્ષિણ તરફ મોઢું રાખીને તે સૌની સાથે વાતો કરતા કરતા પોતાના ઓરડા તરફ આવી રહ્યા છે.

ઠાકુર કહે છે – ડૂબકી મારવાથી મગર પકડી શકે, પણ હળદર ચોપડવાથી મગર અડે નહિ. હૃદય-રત્નાકરના અગાધ જળમાં કામાદિ છ મગર છે, પણ વિવેક, વૈરાગ્યરૂપી હળદર ચોપડી હોય તો તેઓ તમને અડે નહિ.’

‘એકલી પંડિતાઈ કે લેકચરથી શું વળે, જો વિવેક, વૈરાગ્ય ન આવે તો? ઈશ્વર સત્ય, બીજું બધું મિથ્યા. ઈશ્વર વસ્તુ, બીજુ બધું અવસ્તુ; એનું નામ વિવેક.

‘પ્રથમ હૃદય-મંદિરમાં પ્રભુની પ્રતિષ્ઠા કરો. વ્યાખ્યાન, ભાષણો એ બધું ત્યાર પછી ઇચ્છા હોય તો કરો. એકલું બ્રહ્મ, બ્રહ્મ, બોલ્યે શું વળે, જો વિવેક વૈરાગ્ય ન હોય તો? એ તો ખાલી શંખ ફૂંકવા જેવું!

‘એક ગામમાં પદ્મલોચન નામનો એક છોકરો રહેતો. માણસો તેને પોદિયો પોદિયો કરીને બોલાવતા. ગામ બહાર એક ખંડિયેર થઈ ગયેલું મંદિર હતું, અંદર મૂર્તિ-બૂર્તિ કાંઈ નહિ. મંદિરની દીવાલે પીપળો તથા બીજાં ઝાડપાન વગેરે ઊગી ગયેલાં. મંદિરની અંદર ચામાચીડિયાંના માળા, જમીન પર ધૂળ અને ચામાચીડિયાંની હગાર. મંદિરમાં માણસોની અવરજવર નહિ.

‘એક દિવસ સંધ્યા થયા પછી થોડી વારે ગામના લોકોને શંખનો અવાજ સાંભળવામાં આવ્યો. મંદિરની બાજુએથી શંખનો અવાજ આવી રહ્યો છે ભોં ભોં કરતો ને! ગામના માણસોએ ધાર્યું કે કદાચ કોઈએ દેવતાની મૂર્તિ પધરાવી હશે, તે સંધ્યા આરતી થાય છે. એટલે નાનાં મોટાં સ્ત્રીઓ, પુરુષો સૌ દોડતાં જઈને મંદિરે પહોંચ્યાં, ઠાકોરજીનાં તથા આરતીનાં દર્શન કરવા. તેમનામાંથી એક જણે મંદિરનાં બારણાં હળવે હળવે ઉઘાડીને જોયું તો પેલો પદ્મલોચન એક બાજુએ ઊભો રહીને ભોં ભોં કરીને શંખ વગાડે છે. દેવતાની પ્રતિષ્ઠા થઈ નથી, મંદિર વાળીચોળીને સાફ કર્યું નથી. ચામાચીડિયાંની હગાર એમની એમ પડેલી છે. એ બધું જોઈને પેલો માણસ બૂમ પાડી ઊઠ્યોઃ

‘મંદિરમાં તવ નહિ માધવ, પોદિયા શંખ ફૂંકી તેં કીધી ગરબડ,
તેમાં ચામાચીડિયાં અગિયાર જણાં, અહોરાત્ર મારે ફેરા.’

‘જો હૃદયમંદિરમાં માધવ-પ્રતિષ્ઠા કરવાની ઇચ્છા હોય, જો ભગવત્પ્રાપ્તિ કરવા ઇચ્છો, તો માત્ર ‘ભોં ભોં’ કરીને એકલો શંખ ફૂંક્યે શું વળે? પહેલાં ચિત્તશુદ્ધિ થાય, મન શુદ્ધ થયે ભગવાન પવિત્ર આસને આવીને બિરાજે. ચામાચીડિયાંની હગાર પડી હોય તો માધવને લાવી શકાય નહિ. ચામાચીડિયાં એ અગિયાર ઇન્દ્રિયોઃ પાંચ જ્ઞાનેન્દ્રિયો, પાંચ કર્મેન્દ્રિયો, અને મન. પ્રથમ માધવ-પ્રતિષ્ઠા થાય, ત્યાર પછી મરજી હોય તો વ્યાખ્યાન, લેકચર આપો ને. ‘પ્રથમ ડૂબકી મારો, ડૂબકી મારીને રત્ન કાઢો, ત્યાર પછી બીજું કામ.

કોઈ ડૂબકી મારવા તૈયાર નહિ! સાધના નહિ, ભજન નહિ, વિવેક-વૈરાગ્ય નહિ; કેવળ બેચાર વાતો શીખ્યા કે તરત જ લગાવ લેકચર, કર ભાષણ!

ઉપદેશ આપવો એ કઠણ કામ છે… ભગવાનનાં દર્શન થયા પછી જો કોઈ તેમનો આદેશ મેળવે તો લોકોને ઉપદેશ આપી શકે.

અવિદ્યા સ્ત્રી – આંતરિક ભક્તિભાવ હોય તો બધું વશમાં આવી જાય

વાતો કરતાં કરતાં ઠાકુર ઉત્તરની ઓશરીના પશ્ચિમ ભાગમાં આવીને ઊભા. મણિ પાસે જ હતા. ઠાકુર વારંવાર કહે છે કે ‘વિવેક-વૈરાગ્ય ન હોય તો ભગવાન મળે નહિ.’ મણિએ તો લગ્ન કર્યું છે; એટલે વ્યાકુળ થઈને વિચાર કરે છે, કે હવે શું થશે? તેમની ઉંમર અઠ્ઠાવીસ, કોલેજમાં અભ્યાસ કરીને કાંઈક અંગ્રેજી ભણતર ભણ્યા છે. તે વિચાર કરે છે, વિવેક વૈરાગ્યનો અર્થ શું કામ-કાંચન ત્યાગ?

મણિ (શ્રીરામકૃષ્ણને): સ્ત્રી જો કહે કે તમે મારી સંભાળ નથી લેતા, માટે આપઘાત કરીશ, તો શું કરવું?

શ્રીરામકૃષ્ણ (ગંભીર સ્વરે): એવી સ્ત્રીનો ત્યાગ કરવો, કે જે ઈશ્વરના માર્ગમાં વિઘ્ન નાખે! પછી એ આપઘાત કરે કે ગમે તે કરે!

જે ઈશ્વરના માર્ગમાં વિઘ્ન નાખે તે અવિદ્યા-સ્ત્રી.

(ગંભીર ચિંતામાં પડી જઈને મણિ દીવાલને અઢેલીને એક બાજુ ઊભા રહ્યા. નરેન્દ્ર વગેરે ભક્તો પણ ક્ષણભર તો ચૂપ થઈ ગયા.) ઠાકુર તેમની સાથે જરા વાતચીત કરે છે; ત્યાં અચાનક મણિની પાસે આવીને એકાન્તમાં આસ્તે આસ્તે કહે છે, ‘પણ જેનામાં ઈશ્વર પર અંતરની ભક્તિ હોય, તેને સહુ વશ થાયઃ રાજા, દુષ્ટ માણસ, સ્ત્રી. પોતામાં આંતરિક ભક્તિ હોય તો સ્ત્રી પણ ધીરે ધીરે ઈશ્વરને માર્ગે આવી શકે. પોતે સારો હોય તો ઈશ્વરની ઇચ્છાથી એ પણ સારી થઈ શકે.’

મણિના ચિંતારૂપી અગ્નિમાં પાણી પડ્યું. તે અત્યાર સુધી વિચાર કરતા હતા કે સ્ત્રી આત્મહત્યા કરે, તો ભલે કરે. હું શું કરું?

મણિ (શ્રીરામકૃષ્ણને): સંસારમાં બહુ બીક લાગે છે.

શ્રીરામકૃષ્ણ (મણિ અને નરેન્દ્ર વગેરેને): એટલા સારુ તો ચૈતન્યદેવે કહ્યું કેઃ

‘સુણો સુણો નિત્યાનંદભાઈ
સંસારી જીવની કદી ગતિ નાહીં.’

(મણિને એકાન્તમાં એક દિવસ શ્રીઠાકુરે કહ્યું હતું): ઈશ્વરમાં શુદ્ધ ભક્તિ જો ન હોય તો પછી કોઈ ગતિ નહિ. જો કોઈ ઈશ્વર-પ્રાપ્તિ કરીને સંસારમાં રહે, તો એને કશો ભય નહિ. વચ્ચે વચ્ચે એકાન્ત સ્થળમાં જઈને સાધના કરીને જો કોઈ શુદ્ધ ભક્તિ પ્રાપ્ત કરી શકે, તો પછી સંસારમાં રહે તો કશો ભય નહિ. ચૈતન્યદેવના સંસારી ભક્તો પણ હતા. તેઓ સંસારમાં નામમાત્ર રહેતા, અનાસક્ત થઈને રહેતા.

દેવતાઓની ભોગ-આરતી થઈ ગઈ. તરત જ નોબત વાગવા લાગી. હવે દેવતાઓ આરામ લેવાના. શ્રીરામકૃષ્ણ જમવા બેઠા. નરેન્દ્ર વગેરે ભક્તો આજે પણ ઠાકુરની સાથે પ્રસાદ લેવાના છે.

Total Views: 466
ખંડ 4: અધ્યાય 4: પૂર્વકથા - શ્રીરામકૃષ્ણના પ્રથમ પ્રેમોન્માદ અવસ્થાની વાત - ૧૮૫૮
ખંડ 4: અધ્યાય 6: વિજયાદશમીના દિવસે દક્ષિણેશ્વર મંદિરમાં ભક્તો સંગે શ્રીરામકૃષ્ણ