શ્રીરામકૃષ્ણ દક્ષિણેશ્વર-મંદિરે બિરાજે છે. સમય નવેક વાગ્યાનો હશે; તેઓશ્રી નાની પાટ પર આરામ કરે છે. જમીન પર મણિ બેઠેલા છે; તેમની સાથે વાતો કરે છે.

આજે વિજયાદશમી; આસો સુદ દશમ, (૬ કાર્તિક, ૧૨૮૯), રવિવાર, ૨૨મી ઓકટોબર ઈ.સ. ૧૮૮૨.

આજકાલ રાખાલ ઠાકુરની પાસે રહે છે. નરેન્દ્ર, ભવનાથ અવારનવાર આવજા કરે છે. ઠાકુરની સાથે તેમનો ભત્રીજો રામલાલ અને હાજરા રહે છે. રામ, મનોમોહન, સુરેશ, માસ્ટર, બલરામ એ બધા પણ લગભગ દર અઠવાડિયે ઠાકુરનાં દર્શને આવે છે. બાબુરામે માત્ર એક બે વાર દર્શન કર્યાં છે.

શ્રીરામકૃષ્ણ: તમને પૂજાની રજા પડી ગઈ?

મણિ: જી, હા. હું સપ્તમી, અષ્ટમી અને નવમીની પૂજાને દિવસે કેશવ સેનને ઘેર ગયો હતો.

શ્રીરામકૃષ્ણ: શું કહો છો?

મણિ: દુર્ગાપૂજાની બહુ સરસ વ્યાખ્યા સાંભળી છે.

શ્રીરામકૃષ્ણ: શું? કહો જોઈએ.

મણિ: કેશવ સેનને ઘેર રોજ સવારે ઉપાસના થતી, દસ અગિયાર વાગ્યા સુધી. એ ઉપાસના વખતે તેમણે દુર્ગા-પૂજાની વ્યાખ્યા કરી હતી. તેમાં તેમણે કહ્યું કે માની પ્રાપ્તિ કરી શકાય, જો મા દુર્ગાને કોઈ હૃદયમંદિરમાં લાવી શકે તો લક્ષ્મી, સરસ્વતી, કાર્તિક, ગણેશ, એની મેળે આવે. લક્ષ્મી એટલે ઐશ્વર્ય, સરસ્વતી એટલે જ્ઞાન, કાર્તિક એટલે શૌર્ય, ગણેશ એટલે સિદ્ધિ. એ બધાં એની મેળે આવી જાય, જો મા આવે તો.

ઠાકુર શ્રીરામકૃષ્ણના નરેન્દ્રાદિ અંતરંગ શિષ્યો

ઠાકુરે બધું વિવરણ સાંભળ્યું. વચ્ચે વચ્ચે કેશવની ઉપાસના સંબંધે પ્રશ્નો કર્યા. છેવટે બોલે છે – ‘તમે જ્યાં ત્યાં જાઓ મા. તમારે અહીં જ આવવું.’

જેઓ મારા અંતરંગ, તેઓ માત્ર અહીંયાં જ આવે. નરેન્દ્ર, ભવનાથ, રાખાલ એ બધા મારા અંતરંગ, તેઓ સામાન્ય નથી. તમે એક દિવસ એમને જમાડો. નરેન્દ્ર તમને કેવો લાગે છે?’

મણિ: જી, બહુ જ સારો.

શ્રીરામકૃષ્ણ: જુઓ, નરેન્દ્રમાં કેટલા ગુણ! ગાવામાં, બજાવવામાં, વિદ્યામાં એક્કો, વળી જિતેન્દ્રિય, કહે છે કે વિવાહ નહિ કરું. નાનપણથી જ ઈશ્વરમાં મન.

ઠાકુર મણિની સાથે વાતચીત કરે છેઃ

સાકાર અથવા નિરાકાર – ચિન્મયમૂર્તિનું ધ્યાન – માતૃધ્યાન

શ્રીરામકૃષ્ણ: આજકાલ તમારું ઈશ્વરચિંતન કેમ ચાલે છે? તમને સાકાર ગમે છે કે નિરાકાર?

મણિ: જી, હમણાં સાકારમાં મન જતું નથી. તેમ વળી નિરાકારમાંય મન સ્થિર કરી શકતો નથી.

શ્રીરામકૃષ્ણ: જોયું ને? નિરાકારમાં મન એકદમ સ્થિર થાય નહિ. શરૂશરૂમાં તો સાકાર જ સારું.

મણિ: શું આ બધી માટીની મૂર્તિનું ચિંતન કરવું?

શ્રીરામકૃષ્ણ: કેમ? ચિન્મય મૂર્તિ.

મણિ: જી, તોપણ હાથપગનો તો વિચાર કરવો પડે ને? પરંતુ એ પણ જોઉં છું કે પ્રથમ અવસ્થામાં રૂપનું ચિંતન કર્યા વિના મન સ્થિર થાય નહિ, એમ આપે કહ્યું છે. વારુ, ઈશ્વર તો જુદાં જુદાં રૂપ ધારણ કરી શકે. પોતાની માના સ્વરૂપનું ધ્યાન કરી શકાય કે નહિ?

શ્રીરામકૃષ્ણ: હા. તે (મા) ગુરુ – બ્રહ્મમયીસ્વરૂપા. (મણિ ચૂપ રહ્યા છે.)

થોડી વાર પછી વળી ઠાકુરને પૂછે છેઃ

મણિ: જી. નિરાકાર કેવું દેખાય? શું એનું વર્ણન કરી શકાય નહિ?

શ્રીરામકૃષ્ણ (જરા વિચાર કરીને): એ શેના જેવું ખબર છે?

એટલું કહીને ઠાકુર જરા શાંત રહ્યા. ત્યાર પછી સાકાર નિરાકાર દર્શનનો કેવો અનુભવ થાય એ વિષે એક વાત કહી. ફરી થોડીવાર મૌન.

‘વાત એમ છે કે આને બરાબર સમજવા માટે સાધના જોઈએ. જો તાળાબંધ ઓરડાની અંદરનું રત્ન જોવાની અને મેળવવાની ઇચ્છા હોય તો મહેનત કરી ચાવી લાવીને બારણાનું તાળું ઉઘાડવું જોઈએ. ત્યાર પછી રત્ન બહાર કાઢવું જોઈએ. નહિ તો ઓરડો તાળાબંધ, તેના બારણાની બહાર ઊભા ઊભા વિચાર કરીએ, કે આ મેં બારણું ઉઘાડ્યું, આ પેટીનું તાળું ખોલ્યું, આ રત્ન બહાર કાઢ્યું; એમ માત્ર ઊભા ઊભા વિચાર કરવાથી કાંઈ વળે નહિ. સાધના કરવી જોઈએ.’

Total Views: 408
ખંડ 4: અધ્યાય 5: નરેન્દ્રાદિ સાથે કીર્તનાનંદ - નરેન્દ્રને કરેલું પ્રેમાલિંગન
ખંડ 4: અધ્યાય 7: અનંત શ્રીરામકૃષ્ણ તથા અનંત ઈશ્વર - બધા પથ છે - શ્રીવૃંદાવન દર્શન