ત્રિભિર્ગુણમયૈર્ભાવૈરેભિઃ સર્વમિદં જગત્।
મોહિતં નાભિજાનાતિ મામેભ્યઃ પરમવ્યયમ્।। (ગીતા, ૭.૧૩)

શ્રીરામકૃષ્ણ (કેશવ વગેરેને): બંધન અને મુક્તિ, એ બંને કરનાર તે. તેની માયાથી સંસારી જીવ કામ-કાંચનમાં બંધાય, વળી તેની કૃપા થાય ત્યારે જ મુક્ત થાય. એ ‘ભવબંધનની બંધન-હારિણી તારિણી.’ એમ કહીને ગંધર્વને શરમાવે એવા મીઠા સ્વરે રામપ્રસાદનું ગીત ઉપાડ્યુંઃ

ગીત
‘શ્યામા મા ઉડાવે પતંગ, (ભવસંસાર-બજારમાંહી)
આશા-વાયુને જોરે ઊડે, બાંધી તેને માયાદોરી …
અસ્થિના બન્યા ઢઢ્ઢાકમાન, ત્વચા કાગળ, ઘણી નાડી,
ત્રણ ગુણોથી નિર્માણ કરીને, કરી બહુ તેં કારીગરી …
વિષયરસનો પાઈ માંજો, કર્કશ તેં બનાવી દોરી;
લાખોમાંથી એક-બે કાપી, હસીને દો મા હાથતાલી …
‘પ્રસાદ’ કહે કૃપા-વાયે, પતંગ જાશે ઊડી;
ભવસાગરને પેલે પાર, તરત જાશે તરી …

‘તે લીલામયી; આ સંસાર તેમની લીલા. એ ઇચ્છામયી, આનંદમયી, લાખોમાંથી એકાદને મુક્તિ આપે.’

બ્રાહ્મભક્ત: મહાશય, તે જો ધારે તો સહુને મુક્તિ આપી શકે. તો પછી શા માટે આપણને સંસારમાં બદ્ધ કરી રાખ્યા છે?

શ્રીરામકૃષ્ણ: તેની ઇચ્છા. તેની એવી ઇચ્છા છે કે તે આ બધું લઈને રમત કરે. સંતાકૂકડીની રમતમાં ડોશીને પહેલેથી જ અડી જઈએ તો દોડાદોડ કરવી ન પડે એ ખરું, પણ જો બધાં જ પહેલેથી અડી જાય તો રમત ચાલે કેવી રીતે? જો બધાય અડી જાય તો ડોશીને તે ગમે નહિ. રમત ચાલે તો તેને મજા આવે. એટલા માટે ‘લાખોમાંથી એક-બે કાપી, હસીને દો મા હાથતાળી.’ (સૌનો આનંદ).

તેણે જીવને આંખનો ઇશારો કરીને કહી દીધું છે કે જા, હમણાં સંસાર કરવા જા. તેમાં જીવનો શો વાંક? મા જો વળી દયા લાવીને મનને વાળી લે તો એ વિષય-બુદ્ધિના સંકજામાંથી છૂટું થાય. એટલે વળી એ માનાં ચરણકમળમાં મન લાગે.

શ્રીરામકૃષ્ણ સંસારી જીવનો ભાવ પોતાનામાં આરોપ કરીને માની પાસે રીસ કરીને ગાય છેઃ

હું તો એ દુઃખે દુઃખ કરું, તું મા છતાં મારા જાગતા ઘરમાં ચોરી.
હું ધારું કે તારું હું નામ સ્મરું, પણ સમય આવ્યે તે વીસરું.
સમજું જાણું, થઈ ખાતરી મારી, એ બધી મા તારી ચાતુરી.
દીધું, લીધું, નવ પામ્યો કે ખેલ્યો, એ બધો શું દોષ મારો?
જો દેતી, લેતી, ખાતી, તો હું દેત, ખવડાવત, ભોગ-રાગ હું કરત તારો…
યશ, અપયશ, સુરસ, કુરસ, રસ બધા તારા, (હે મા..)
રસે રહી રસભંગ કરો, શા માટે રસેશ્વરી…
‘પ્રસાદ’ કહે મન આપ્યું છે મનને કરી ઇશારી; (હે મા..)
બળી તારી દૃષ્ટિ સૃષ્ટિ મીઠી માનીને ભૂલીએ…

તેની માયાથી ભૂલીને માણસ સંસારી થયેલ છે. પ્રસાદ કહે છે ‘મન આપ્યું મનને કરી ઇશારી.’

કર્મયોગ વિશે બોધ – સંસાર અને નિષ્કામ કર્મ

બ્રાહ્મભક્ત: મહાશય! બધાંનો ત્યાગ કર્યા વિના શું ઈશ્વરપ્રાપ્તિ ન થઈ શકે?

શ્રીરામકૃષ્ણ (સહાસ્ય): ના ભાઈ! તમારે બધાનો ત્યાગ શા માટે કરવો જોઈએ? તમે રસમાં ડૂબ્યા ઠીક છો. સા રે મ સુધી! (સૌનું હાસ્ય).

‘તમે લોકો મજામાં છો. ચોપાટની એક રમત છે, તે તમે જાણો છો? તેમાં સારથી વધુ પાસા કરીએ તો બળી જાય. મેં આગળ કર્યા છે, તેથી બળી ગયા છે. તમે લોકો ભારે શાણા. કોઈ દસે છો, કોઈ છએ છો, કોઈ પાંચે છો, વધુ કર્યા નથી. એટલે મારી પેઠે બળી નથી ગયા, રમત ચાલ્યા કરે છે! એ તો મજાનું. (સૌનું હાસ્ય).

‘ખરું કહું છું, તમે સંસારમાં રહો છો તેમાં દોષ નથી, પણ ઈશ્વરમાં મન રાખવું જોઈએ. તે વિના ન ચાલે. એક હાથે કામ કરો, બીજે હાથે ઈશ્વરને પકડી રાખો. કામકાજ પૂરાં થાય એટલે બેઉ હાથે ઈશ્વરને પકડો.

‘બધોય આધાર મન ઉપર. મનથી જ બદ્ધ અને મનથી મુક્ત. મનને જે રંગે રંગો, તે રંગે તે રંગાય. જેમ કે ધોબીનું ધોયેલ કપડું, લાલ રંગમાં બોળો તો લાલ, વાદળી રંગમાં બોળો તો વાદળી, લીલા રંગમાં બોળો તો લીલું. જે રંગમાં બોળો તે રંગ જ ચડે. જુઓ ને, જરાક અંગ્રેજી ભણે કે તરત અંગ્રેજી શબ્દો આવી જાય – ફૂટ, ફાટ, ઈટ, મિટ! (સૌનું હાસ્ય). એ ઉપરાંત પગમાં બૂટ, મોઢેથી સીટી વગાડવી, ગીત ગાવાં, એ બધું આવે. તે જ પ્રમાણે જો સંસ્કૃત ભણીને પંડિત થાય તો તરત જ સોલોક (શ્લોક) ઝાપટવા માંડે. તેમ મનને જો કુસંગમાં રાખો તો એ પ્રકારનાં વાતચીત, વિચાર થઈ જાય. જો ભક્તના સંગમાં રાખો તો ઈશ્વર-ચિંતન, હરિકથા એ બધું આવે.

મન ઉપર જ બધો આધાર, એક બાજુએ પત્ની, બીજી બાજુએ સંતાન હોય. પત્ની પ્રત્યે એક ભાવથી પ્રેમ બતાવે, સંતાન પ્રત્યે બીજા ભાવથી, પણ મન એક જ.

Total Views: 459
ખંડ 5: અધ્યાય 4: વેદ અને તંત્રોનો સમન્વય - આદ્યશક્તિનું ઐશ્વર્ય
ખંડ 5: અધ્યાય 6: બ્રાહ્મભક્તોને ઉપદેશ - ખ્રિસ્તીધર્મ, બ્રાહ્મસમાજ અને પાપવાદ