નિર્જનમાં સાધના – ફિલસૂફી – ઈશ્વર-દર્શન

ઠાકુર શ્રીરામકૃષ્ણ બપોરના જમીને પેલા પૂર્વ-પરિચિત ઓરડામાં ભક્તોની સાથે બેઠેલા છે. આજ ૨૫મી ફેબ્રુઆરી, ૧૮૮૩. રવિવાર, ૧૪ ફાલ્ગુન વદ તૃતીયા.

રાખાલ, હરીશ, લાટુ, હાજરા, આજકાલ ઠાકુરની પદછાયામાં બધો વખત વાસ કરે છે. કોલકાતાથી રામ, કેદાર, નિત્યગોપાલ, માસ્ટર વગેરે ભક્તો આવ્યા છે અને ચૌધરી આવ્યા છે.

ચૌધરીને તરતમાં પત્ની-વિયોગ થયો છે. મનની શાંતિને માટે તેઓ ઠાકુરનાં દર્શન કરવા કેટલોક વખત થયાં આવે છે. તેઓ ચાર પાસ થયા છે, સરકારી નોકરી કરે છે.

શ્રીરામકૃષ્ણ (રામ વગેરે ભક્તોને): રાખાલ, નરેન્દ્ર, ભવનાથ વગેરે નિત્યસિદ્ધ. જન્મથી જ એમને ચૈતન્ય-જાગૃતિ. એમનું દેહધારણ લોકોપદેશના સારુ જ.

‘બીજો એક વર્ગ છે- કૃપા-સિદ્ધ. અચાનક ઈશ્વરની કૃપા થઈ, અને તરત જ દર્શન અને જ્ઞાન-પ્રાપ્તિ. જેમ કે હજાર વરસનો અંધારો ઓરડો હોય તેમાં દીવો લઈ જતાં એક ક્ષણે જ પ્રકાશ થઈ જાય – ધીમે ધીમે ન થાય, તેમ.

‘જેઓ સંસારમાં રહ્યા છે તેમણે સાધના કરવી જોઈએ. એકાંતમાં જઈને આતુરતાથી ઈશ્વરને બોલાવવો જોઈએ.

(ચૌધરીને): ‘પંડિતાઈ વડે ઈશ્વરને મેળવી શકાય નહિ.

‘અને ઈશ્વરની બાબતમાં વિચાર કરીને કોણ સમજવાનું હતું? જેનાથી એના ચરણ-કમલમાં ભક્તિ આવે એ જ સૌએ કરવું ઉચિત.’

ભીષ્મદેવનો વિલાપ – હારજીત – દિવ્યચક્ષુ અને ગીતા

‘તેનું (ઈશ્વરનું) અનંત ઐશ્વર્ય શું સમજવાના હતા? તેનું કાર્ય પણ શું સમજી શકવાના?’

‘ભીષ્મદેવ, કે જે સાક્ષાત્ અષ્ટ વસુઓમાંના એક વસુ, એય શરશય્યા પર સૂતા સૂતા રડવા લાગ્યા. કહે કે ‘શી નવાઈ! પાંડવોની સાથે સ્વયં ભગવાન હમેશાં રહે છે છતાં તેમનાં દુઃખ, આપત્તિનો અંત નથી! ભગવાનનું કાર્ય કોણ સમજી શકે!’

‘કોઈ કોઈ મનમાં માની બેસે કે આપણે જરાક સાધન ભજન કર્યું છે, એટલે આપણે તો ખાટી ગયા. પણ હાર, જીત ભગવાનને હાથ. અહીં એક સ્ત્રી (વેશ્યા)એ મરતી વખતે પૂરેપૂરા ભાનમાં ગંગાજીનો સ્પર્શ કરીને દેહ છોડ્યો!

ચૌધરી: ઈશ્વરને શી રીતે દેખી શકાય?

શ્રીરામકૃષ્ણ: આ આંખે દેખી ન શકાય. ઈશ્વર દિવ્ય-ચક્ષુ આપે ત્યારે દેખી શકાય. અર્જુનને વિશ્વરૂપ-દર્શન વખતે ભગવાને દિવ્ય-ચક્ષુ આપ્યાં હતાં.

‘તમારી ‘ફિલજફી’ (Philosophy) માં કેવળ ગણતરી જ કરે, કેવળ તર્ક! એનાથી ભગવાનને પમાય નહિ.

અહૈતુ્કી ભક્તિ – મૂળકથા – રાગાનુગા ભક્તિ

‘જો રાગાત્મિકા ભક્તિ આવે, અનુરાગ સહિતની ભક્તિ આવે તો ભગવાન દૂર રહી શકે નહિ.

‘ભક્તિ ભગવાનને કેવી ભાવે, ખબર છે? ખોળ ભેળવેલું ખાણ જેવું ગાયને ભાવે તેવી. ગપ-ગપ કરીને ખાય.

‘રાગાત્મિકા ભક્તિ, શુદ્ધ ભક્તિ, અહેતુકી ભક્તિ એક જ, જેવી પ્રહ્લાદની હતી તેવી.

‘જેમ કે તમે કોઈ મોટા માણસ પાસે કશુંય માગો નહિ, પણ અમથા રોજ મળવા આવો, તેમને મળવાનું તમને ગમે એટલા માટે. તેઓ પૂછે તો તમે કહો કે ‘જી, જરૂર કશાયની નથી, માત્ર આપને મળવા આવ્યો છું.’ એનું નામ અહેતુકી ભક્તિ. તમે ઈશ્વરની પાસે કશું માગો નહિ, માત્ર તેને ચાહો.’

એમ કહીને ઠાકુર ગીત ગાવા લાગ્યાઃ

હું મુક્તિ દેવા નારાજ નહિ, શુદ્ધભક્તિ દેવા રાજી નાહિ,
મારી ભક્તિ પામે જો કોઈ, પહોંચી શકે નવ તેને કોઈ,
તે તો સેવા પામે થઈ ત્રિલોકમાં જયી.
સુણો ચંદ્રાવલી, ભક્તિ-કથા કહું, મુક્તિ મળે ક્યારેક, ભક્તિ મળે નહિ,
ભક્તિને કારણે પાતાળ-ભવને બલિને દ્વારે દ્વારપાળ થાઉં.
શુદ્ધ ભક્તિ છે એક વૃંદાવનમાં ગોપગોપી વિણ અન્ય નવ જાણે,
ભક્તિને કારણે નંદ-ભવને પિતા ગણી નંદના પાટલા ઉઠાવું.

‘મૂળ વાત એટલી કે ઈશ્વર ઉપર રાગાત્મિકા ભક્તિ આવવી જોઈએ, અને વિવેક, વૈરાગ્ય.’

ચૌધરી: મહારાજ, ગુરુ ન હોય તો શું ન ચાલે?

શ્રીરામકૃષ્ણ: સચ્ચિદાનંદ જ ગુરુ.

‘શબ-સાધના કર્યા પછી ઇષ્ટદર્શનને વખતે ગુરુ સામે આવી જાય અને કહેઃ ‘આ જો તારા ઇષ્ટ.’ ત્યાર પછી ગુરુ ઇષ્ટમાં લીન થઈ જાય. જે ગુરુ તે જ ઇષ્ટ. ગુરુ રસ્તે ચડાવી દે.

‘વ્રત કરે અનંત, પરંતુ પૂજા કરે વિષ્ણુની. એમની જ અંદર ઈશ્વરનાં અનંત રૂપો!’

શ્રીરામકૃષ્ણનો સર્વધર્મસમન્વય

(રામ વગેરે ભક્તોને): ‘જો એમ પૂછો કે ઈશ્વરના કયા રૂપનું ધ્યાન કરવું? તો તેનો ઉત્તર એ કે જે રૂપ ગમે તેનું ધ્યાન કરવું. પરંતુ જાણવું કે બધાં એક.

‘કોઈના પ્રત્યે દ્વેષ રાખવો નહિ. શિવ, કાલી, હરિ, બધાં એકનાં જ ભિન્ન ભિન્ન રૂપ. જે માણસ બધાંમાં સમાન દૃષ્ટિ રાખી શકે એ જ ધન્ય.

‘બહિઃશૈવ, હૃદે કાલી, મુખે હરિબોલ.’

‘કામ, ક્રોધ વગરેનો અંશ જરાતરા ન રહે તો શરીર ટકે નહિ. એટલે તમે એ બધાંને માત્ર ઓછાં કરવાનો પ્રયાસ કરજો.

ઠાકુર કેદારને જોઈને બોલી ઊઠે છેઃ

‘આ સારા માણસ. નિત્ય પણ માને, ને લીલા પણ માને. એક બાજુ બ્રહ્મ માને, છતાં વળી દેવ-લીલા, માનવલીલા સુધ્ધાં માને.’

કેદાર લોકોને કહે છે કે શ્રીરામકૃષ્ણ એ માનવદેહ લઈને અવતરેલ છે.

સંન્યાસી અને કામિની – સ્ત્રીભક્તો

નિત્યગોપાલને જોઈને ઠાકુર ભક્તોને કહેવા લાગ્યા, ‘આની મજાની અવસ્થા.’

(નિત્યગોપાલને): ‘તું ત્યાં વધુ જઈશ મા. કદીક એકાદ વાર જવું. ભક્ત હોય તોય શું? નારી-જાતિ કે નહિ? એટલે સાવચેત રહેવું.

‘સંન્યાસીને માટે બહુ જ કડક નિયમ.’ સ્ત્રીઓનાં ચિત્રો સુધ્ધાં જોવાં નહિ. પણ એ સંસારી લોકોને માટે નથી.

‘બાઈ-માણસ ભલે ખૂબ ભક્ત હોય, તો પણ તેની સાથે બહુ હળવું-મળવું યોગ્ય નથી, જિતેન્દ્રિય હોય તોય. લોકોને આદર્શ થવા માટે ત્યાગીએ આ બધું પાળવું જોઈએ.

‘સાધુનો સોળ આના ત્યાગ જુએ, ત્યારે તો બીજા લોકો ત્યાગ કરતાં શીખે. નહિતર તો તેઓ પણ પડે. સંન્યાસી જગદ્‌ગુરુ.’

હવે શ્રીરામકૃષ્ણ અને ભક્તગણ ઊઠીને ટહેલવા લાગ્યા.

માસ્ટર પ્રહ્લાદના ચિત્ર સામે ઊભા રહીને જુએ છે. પછી શ્રીરામકૃષ્ણ કહે છેઃ ‘પ્રહ્લાદની ભક્તિ અહેતુકી છે.’

Total Views: 424
ખંડ 10: અધ્યાય 1
વ્યક્તિ પરિચય: શ્રીરામકૃષ્ણ