શ્રીરામકૃષ્ણે બેલઘરિયામાં શ્રીયુત્ ગોવિંદ મુખર્જીને ઘેર પધરામણી કરી છે. આજ રવિવાર, ૭ ફાલ્ગુન, ૧૮મી ફેબ્રુઆરી, ઈ.સ. ૧૮૮૩. માઘ સુદ બારસ, પુષ્ય નક્ષત્ર, નરેન્દ્ર, રામ વગેરે ભક્તો આવ્યા છે, પાડોશીઓ પણ આવ્યા છે. અગાઉ સાત આઠ વાગ્યે ઠાકુરે નરેન્દ્ર વગેરેની સાથે સંકીર્તનમાં નૃત્ય કર્યું હતું.

બેલઘરિયાવાસીઓને ઉપદેશ – પ્રણામ શા માટે – ભક્તિયોગ શા માટે

કીર્તન પૂરું થયું એટલે સૌ બેઠા. ઘણાખરા ઠાકુરને પ્રણામ કરે છે. ઠાકુર વચ્ચેવચ્ચે કહે છે કે ઈશ્વરને પ્રણામ કરો. પાછા કહે છે કે ઈશ્વર જ બધું થઈ રહેલ છે, પણ કોઈ કોઈ સ્થળે વધુ પ્રકાશ, જેમ કે સાધુમાં. જો એમ કહો કે દુષ્ટ લોકોય છે, વાઘ સિંહેય છે, એય ઈશ્વર ને? તો એનો ઉત્તર એ કે એ ખરું, પણ એથી કાંઈ વાઘ-નારાયણને ભેટી પડવાની જરૂર નહિ, દૂરથી જ પ્રણામ કરીને ચાલ્યા જવાનું. વળી જુઓ જળ. કહે છે કે આપો નારાયણઃ જળ એ નારાયણ-સ્વરૂપ છે. પણ કોઈક જળ પીવાય, કોઈક જળ પૂજામાં ચાલે, કોઈક જળ નાહવા માટે જ, તો વળી કોઈક જળ માત્ર હાથપગ ધોવામાં જ વપરાય.

પાડોશી: મહારાજ, વેદાન્ત-મત શું કહે છે?

શ્રીરામકૃષ્ણ: વેદાન્તવાદીઓ કહે ‘સોહમ્’, બ્રહ્મ સત્ય, જગત મિથ્યા, ‘હું’ યે મિથ્યા, કેવળ એ પરબ્રહ્મ જ છે.

‘પરંતુ ‘હું’ પણું તો જતું નથી, એટલે હું પ્રભુનો દાસ, હું પ્રભુનું સંતાન, હું પ્રભુનો ભક્ત, એવું અભિમાન સારું.

‘કલિયુગમાં ભક્તિ-યોગ જ સારો.’ ભક્તિ વડે ય પ્રભુને પામી શકાય. દેહ-ભાન હોય એટલે વિષય-ભાન હોય જ. રૂપ, રસ, ગંધ, શબ્દ, સ્પર્શ એ બધા વિષયો. વિષય-ભાન જવું બહુ જ કઠણ, વિષય-ભાન હોય ત્યાં સુધી ‘સોહમ્’ થાય નહિ. (અવ્યક્તા હિ ગતિર્દુઃખં દેહવદ્ભિરવાપ્યતે । ગીતા.૧૨.૫)

‘ત્યાગીઓમાં વિષય-બુદ્ધિ ઓછી હોય, પણ સંસારીઓને બધો વખત વ્યવહારના વિષયોનું ચિંતન કરવું પડે, એટલે સંસારીને માટે ‘દાસોઽહમ્’.

બેલઘરિયાવાસી અને પાપવાદ

પાડોશી: અમે તો પાપી રહ્યા, અમારું શું થશે?

શ્રીરામકૃષ્ણ: પ્રભુનાં નામ-ગુણોનું કીર્તન કરવાથી દેહનાં સર્વ પાપ નાસી જાય. દેહરૂપી વૃક્ષમાં પાપરૂપી પંખીઓ છે. ઈશ્વરનાં નામ, ગુણ-કીર્તન જાણે કે તાળી પાડવી. તાળી પાડવાથી જેમ ઝાડ ઉપરનાં પંખીઓ બધાં ઊડી જાય, તેમ બધાં પાપ પ્રભુનાં નામ, ગુણ-કીર્તનથી ચાલ્યાં જાય. (મામેકં શરણં વ્રજ, અહં ત્વાં સર્વપાપેભ્યો મોક્ષયિષ્યામિ ા ગીતા.૧૮.૬૬)

‘વળી જુઓ, ખેતરમાંની તળાવડીનું પાણી સૂર્યના તાપથી એની મેળે સુકાઈ જાય. તેમ પ્રભુનાં નામ, ગુણ-કીર્તનથી પાપ-તળાવડીનું પાણી એની મેળે સુકાઈ જાય.

‘રોજ પ્રયાસ કરવો જોઈએ. સર્કસમાં જોઈ આવ્યો કે ઘોડો દોડ્યે જાય છે, તેના ઉપર છોકરી એક પગે ઊભી છે! કેટલા પ્રયાસે એ થયું હશે!

‘અને તેનાં (પ્રભુનાં) દર્શન માટે ઓછામાં ઓછું રોજ એક વાર તો સાચા હૃદયથી રડો.’

‘આ બે ઉપાયઃ અભ્યાસ અને અનુરાગ, એટલે કે ઈશ્વર-દર્શનની આતુરતા.

બેલઘરિયાવાસીઓનું ષટ્ચક્રનું ગાન અને શ્રીરામકૃષ્ણની સમાધિ

દીવાનખાના પરની મેડીના ઓરડાની ઓસરીમાં ઠાકુર ભક્તો સાથે પ્રસાદ લઈ રહ્યા છે. સમય એક વાગ્યાનો છે. ભોજન પૂરું થયું ન થયું ત્યાં નીચેના ચોગાનમાં એક ભક્તે ગીત ઉપાડ્યુંઃ

‘જાગો! જાગો! જનની!
મૂલાધારે નિદ્રાધીન બહુ દિન વીતી ગયા કુલકુંડલીનિ!’

ગીત સાંભળતાં જ ઠાકુર સમાધિમગ્ન. શરીર આખું સ્થિર, હાથ ભોજનના પાત્રની ઉપર જેમ હતો તેમ ચિત્રની જેમ સ્થિર રહી ગયો. આગળ ભોજન થયું નહિ. કેટલીયવારે ભાવ કંઈક નરમ પડ્યો, એટલે કહે છેઃ ‘મારે નીચે જવું છે, મારે નીચે જવું છે.’

એક ભક્ત તેમને અતિશય સંભાળપૂર્વક નીચે લઈ જાય છે.

આંગણામાં જ સવારે નામસંકીર્તન અને પ્રેમાનંદમાં ઠાકુરનું નૃત્ય થયું હતું. હજી સુધી શેતરંજી અને આસન પાથરેલાં જ પડેલાં છે. ઠાકુર હજીયે ભાવમાં મગ્ન, ગાયકની પાસે આવીને બેઠા. ગાયકે એ દરમ્યાનમાં ગીત બંધ કર્યું હતું. ઠાકુર અતિ દીનભાવે બોલે છે, ‘બાબુ, હજી એક વાર માનું નામ સાંભળવું છે.’

ગાયક પાછા ગીત ગાય છેઃ

‘જાગો! જાગો! જનની!
મૂલાધારે નિદ્રાધીન બહુ દિન વીતી ગયા કુલકુંડલીનિ!
સ્વકાર્ય સાધવા ચાલો મા! શિરમધ્યે! પરમશિવ યથા સહસ્રદલપદ્મે,
કરી ષટ્ચક્રભેદ (ઓ મા) દૂર કરો મનસંતાપ, ચૈતન્યરૂપિણી!..

ગીત સાંભળતાં સાંભળતાં ઠાકુર પાછા ભાવ-મગ્ન.

Total Views: 447
ખંડ 9: અધ્યાય 5: અભ્યાસયોગ - બે પથ - વિચાર અને ભક્તિ
ખંડ 11: અધ્યાય 1: ઠાકુર શ્રીરામકૃષ્ણ દક્ષિણેશ્વર મંદિરમાં રાખાલ, રામ, નિત્યગોપાલ, ચૌધરી અને અન્ય ભક્તો સાથે