તસ્માદસક્તઃ સતતં કાર્યં કર્મ સમાચર ।
અસક્તો હ્યાચરન્ કર્મ પરમાપ્નોતિ પુરુષઃ ।। (ગીતા, ૩.૧૯)

શ્રીરામકૃષ્ણ (કેશવ વગેરે ભક્તોને): તમે કહો છો કે જગતનો ઉપકાર કરવો; તે જગત શું કાંઈ આટલુંક છે? અને જગતનો ઉપકાર કરવાવાળા તમે કોણ? સાધના દ્વારા ઈશ્વરનો સાક્ષાત્કાર કરો, પહેલાં તેનાં દર્શન કરો. પછી એ શક્તિ આપે ત્યારે જ સૌનું હિત કરી શકો, નહિતર નહિ.

એક ભક્ત: ઈશ્વર-પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી શું બધાં કર્માેનો ત્યાગ કરવો?

શ્રીરામકૃષ્ણ: ના, કર્મત્યાગ શા માટે? ઈશ્વર-ચિંતન, તેનાં નામ, ગુણ-કીર્તન, નિત્ય-કર્માે વગેરે કરવાં જોઈએ.

બ્રાહ્મભક્ત: સંસાર-વ્યવહારનાં કામ?

શ્રીરામકૃષ્ણ: હા, એ પણ કરવાં, સંસાર-વ્યવહાર ચલાવવા માટે જેટલાં જરૂરનાં હોય તેટલાં. પરંતુ એકાંત સ્થાનમાં રડી રડીને ભગવાન પાસે પ્રાર્થના કરવી, કે જેથી એ કર્માે બધાં નિષ્કામભાવે કરી શકાય; અને કહેવું, ‘હે ઈશ્વર, મારો સંસાર-વ્યવહાર ઓછો કરી નાંખો. કારણ કે પ્રભુ, જોઉં છું કે વધુ કર્માે ભેગાં થાય ત્યારે તમને ભૂલી જાઉં છું.’ આપણે મનમાં માનતા હોઈએ કે નિષ્કામ-કર્મ કરીએ છીએ, પણ થઈ જાય સકામ. સદાવ્રત, દાન વગેરે વધારે કરવા જઈએ તો લોકોમાં નામ ફેલાવવાની ઇચ્છા થઈ આવે.

પૂર્વકથા – શંભુ મલ્લિક સાથે દાન વગેરે કર્મકાંડની ચર્ચા

‘શંભુ મલ્લિક ઇસ્પિતાલ, દવાખાનું, સ્કૂલ, તળાવ, રસ્તા વગેરે બંધાવવાની વાતો કરતો હતો. મેં કહ્યું, સામે જે કામ આવી પડ્યું અને જે કર્યા વિના ન ચાલે તેટલું નિષ્કામપણે કરવું જોઈએ. ચાહી કરીને ઝાઝું કામ માથે લેવું એ સારું નહિ, એથી ઈશ્વરને ભૂલી જવાય.

શંભુચરણ મલ્લિક

એક જણ કાલીઘાટે જઈને ભિખારીઓને દાન જ કરવા મંડી પડ્યો, પણ કાલીદર્શન કરવાનું રહી ગયું. (હાસ્ય). સૌથી પહેલાં ગમે તેમ કરી ધક્કા-મુક્કી ખાઈનેય કાલીદર્શન કરી લેવાં જોઈએ. ત્યાર પછી ગમે તેટલું દાન કરો કે ન કરો, ઇચ્છા હોય તો ખૂબ કરો.

ઈશ્વર-દર્શનને માટે જ તો દાન વગેરે કર્માે! એટલે શંભુને કહ્યું કે જો ઈશ્વર સાક્ષાત્ દર્શન દે તો તેને તમે શું એમ કહેવાના કે ‘હે ઈશ્વર, થોડીક ઇસ્પિતાલ-ડિસ્પેન્સરી કરી આપો.’ (હાસ્ય). ભક્ત કદીએ એમ બોલે નહિ. ઊલટું એમ કહે કે ‘પ્રભો, મને તમારાં ચરણકમળમાં સ્થાન આપો, સદા તમારા સંગમાં રાખો, મને તમારાં ચરણકમળમાં શુદ્ધ ભક્તિ આપો.’

‘કર્મયોગ બહુ કઠણ. શાસ્ત્રમાં જે બધાં કર્માે કરવાનું વિધાન છે તે આ કલિકાળમાં કરવાં બહુ કઠણ. અત્યારે તો અન્ન ઉપર પ્રાણનો આધાર, એટલે ઝાઝાં કર્માે આ જમાનામાં ચાલી ન શકે. તાવ આવે ત્યારે વૈદ્યરાજની ચિકિત્સા કરવા બેસીએ તો આ બાજુ દરદીનું થઈ જાય; બહુ મોડું થાય તે ન ચાલે. અત્યારે તો ડિ. ગુપ્તનું ફિવર-મિક્ષ્ચર!

કલિયુગમાં ભક્તિ, ભગવાનનાં નામ, ગુણગાન અને પ્રાર્થના; ભક્તિ-યોગ જ યુગધર્મ. (બ્રાહ્મભક્તોને) તમારો પણ ભક્તિયોગ, તમે લોકો હરિનામ લો છો, માનાં ગુણકીર્તન કરો છો, તમે ધન્ય! તમારો ભાવ મજાનો! વેદાંતીઓની માફક તમે જગતને સ્વપ્નવત્ કહેતા નથી, એવા બ્રહ્મજ્ઞાની તમે નથી. તમે બધા ભક્ત છો. તમે ઈશ્વરને Person કહો છો એ પણ બહુ મજાનું. તમે ભક્ત. વ્યાકુળ થઈને તેને બોલાવો તો જરૂર તેને પામશો.’

Total Views: 361
ખંડ 5: અધ્યાય 8: શ્રી કેશવ સેનને બોધ - ગુરુપણું અને બ્રાહ્મસમાજ - એક સચ્ચિદાનંદ જ ગુરુ
ખંડ 5: અધ્યાય 10: સુરેન્દ્રને ઘેર - નરેન્દ્રાદિ સાથે