એ દરમ્યાનમાં સ્ટીમર પાછી ફરીને કોયલા-ઘાટે ઊભી રહી. સૌ ઊતરવાની તૈયારી કરવા લાગ્યા. કેબિનની બહાર આવીને જુએ છે તો પૂર્ણિમાનો પૂર્ણચંદ્ર હસી રહ્યો છે. ભાગીરથીના પટ પર ચંદ્રકિરણો રમી રહ્યાં છે. ઠાકુર શ્રીરામકૃષ્ણને માટે ગાડી મંગાવવામાં આવી. થોડી વાર પછી માસ્ટર તથા એક બે ભક્તોની સાથે ઠાકુર ગાડીમાં બેઠા. કેશવનો ભત્રીજો નંદલાલ પણ ગાડીમાં બેઠો, ઠાકુરની સાથે થોડેક દૂર જવા માટે. બધા ગાડીમાં બેસી ગયા પછી ઠાકુરે પૂછ્યું, ‘ક્યાં? એ ક્યાં? – અર્થાત્ કેશવ ક્યાં?’ જોતજોતામાં કેશવ એકલા આવી પહોંચ્યા, સહાસ્ય વદન. આવીને પૂછ્યું, ‘એમની સાથે કોણ કોણ જાય છે?’ સહુ ગાડીમાં બેઠા પછી કેશવે જમીન ઉપર માથું નમાવીને શ્રીરામકૃષ્ણની ચરણરજ લીધી. શ્રીરામકૃષ્ણે પણ સ્નેહપૂર્વક વાતચીત કરીને રજા આપી.

ગાડી ચાલવા લાગી. અંગ્રેજ લત્તો, સરસ રાજમાર્ગ. રસ્તાની બંને બાજુએ સુંદર સુંદર અટારીઓ છે, પૂર્ણચંદ્ર ખીલી રહ્યો છે. અટારીઓ બધી જાણે વિમલ, શીતળ ચંદ્રકિરણોમાં પોઢીને આરામ લઈ રહી છે. દરવાજામાં ગેસબત્તી, ઓરડામાં દીવાઓની રોશની, સ્થળે સ્થળે હારમોનિયમ, પિયાના સાથે અંગ્રેજ મહિલાઓ ગીત ગાઈ રહી છે. ઠાકુર આનંદથી હસતા હસતા જઈ રહ્યા છે. અચાનક તેઓ બોલી ઊઠ્યા, ‘મને તરસ લાગી છે!’ હવે શું થાય? નંદલાલ ‘ઇન્ડિયા કલબ’ પાસે ગાડી ઊભી રખાવીને ઉપર પાણી લેવા ગયા અને કાચના ગ્લાસમાં પાણી લાવ્યા. ઠાકુરે હસીને પૂછ્યું, ‘ગ્લાસ ધોયેલો છે ને?’ નંદલાલે જવાબ આપ્યો, ‘જી હા.’ તેમણે એ જ ગ્લાસમાં પાણી પીધું. પરમહંસ દેવનો સ્વભાવ બાળક જેવો. ગાડી ચાલવા લાગી એટલે ગાડીમાંથી મોઢું બહાર કાઢી રસ્તે જતાં માણસો, ગાડીઘોડા, ચંદ્રમાનું અજવાળું વગેરે જોયા કરે છે. જે કાંઈ જુએ છે તેથી રાજી થાય છે. નંદલાલ કોલુટોલામાં ઊતરી ગયા. ઠાકુરની ગાડી સિમુલિયા સ્ટ્રીટમાં શ્રીયુત્ સુરેશ મિત્રને ઘેર આવીને ઊભી. ઠાકુર તેમને સુરેન્દ્ર કહેતા. સુરેન્દ્ર ઠાકુરના પરમ ભક્ત હતા.

પણ સુરેન્દ્ર ઘેર નથી. એ એમને નવે બગીચે ગયા છે. ઘરના માણસોએ બેસવા માટે નીચેનો ઓરડો ઉઘાડી આપ્યો. ગાડીભાડું આપવું જોઈએ? એ કોણ આપે? સુરેન્દ્ર હોત તો તે આપત. ઠાકુરે એક ભક્તને કહ્યું, ‘ભાડું ઘરનાં બૈરાં પાસેથી માગી લે ને. એ બધાં શું જાણતાં નથી કે તેમના ઘરના ભાયડાઓ ત્યાં (દક્ષિણેશ્વર) આવે જાય છે?’ (સૌનું હાસ્ય).

નરેન્દ્ર એ લત્તામાં રહે છે. ઠાકુરે નરેન્દ્રને બોલાવવા તેડું મોકલ્યું. આ બાજુ સુરેન્દ્રના ઘરનાં માણસોએ ઉપલે માળે ઓરડામાં ઠાકુરને બેસાડ્યા. ઓરડામાં નીચે શેતરંજી. તેની ઉપર બેચાર તકિયા. દીવાલ ઉપર સુરેન્દ્રે ખાસ આગ્રહથી તૈયાર કરાવેલું તૈલ-ચિત્ર, કે જેમાં ઠાકુર શ્રીરામકૃષ્ણ કેશવને હિંદુ, મુસલમાન, ખ્રિસ્તી, બૌદ્ધ વગરે સર્વ ધર્માેનો સમન્વય બતાવી રહ્યા છે, તેમજ વૈષ્ણવ, શાક્ત, શૈવ, ઇત્યાદિ સર્વ સંપ્રદાયોનો સમન્વય પણ.

સુરેન્દ્ર મિત્રે તૈયાર કરાવેલું શ્રીરામકૃષ્ણ અને સર્વધર્મસમન્વયનું તૈલચિત્ર

ઠાકુર બેઠા બેઠા હસતે ચહેરે વાતો કરી રહ્યા છે. એટલામાં નરેન્દ્ર આવી પહોંચ્યો. એટલે ઠાકુરનો આનંદ જાણે કે બમણો થયો. તેઓ બોલી ઊઠ્યા, ‘આજે કેશવ સેનની સાથે સ્ટીમરમાં બેસીને કેવા ફરવા ગયા હતા!’ વિજય હતો, આ બધા હતા. માસ્ટરને દેખાડીને કહ્યું, ‘આને પૂછી જો, કેવું વિજય અને કેશવને કહ્યું કે ‘મા-દીકરીનો જુદો મંગળવાર અને જટિલા-કુટિલા ન હોય તો રંગત જામે નહિ એ બધી વાતો. (માસ્ટરને) કેમ ખરુંને?’ માસ્ટર બોલ્યા, ‘જી હા.’ રાત બહુ થઈ ગઈ તોય સુરેન્દ્ર આવ્યા નહિ. ઠાકુરને હજી દક્ષિણેશ્વર પહોંચવું છે, એટલે વધારે મોડું કર્યે ચાલે તેમ નથી. રાતના સાડાદસ થઈ ગયા હતા. રસ્તામાં ચંદ્રનું અજવાળું પથરાયું હતું. ગાડી બોલવવામાં આવી. ઠાકુર તેમાં બેઠા. નરેન્દ્ર અને માસ્ટર પ્રણામ કરીને પોતપોતાને ઘેર ગયા.

Total Views: 468
ખંડ 5: અધ્યાય 9: કેશવ આદિ બ્રાહ્મભક્તોને કર્મયોગ વિશે ઉપદેશ
ખંડ 6: અધ્યાય 1: ઉત્સવ મંદિરે શ્રીરામકૃષ્ણ