અનિત્યમસુખં લોકમિમં પ્રાપ્ય ભજસ્વ મામ્ ।। (ગીતા, ૯.૩૩)

શ્રીરામકૃષ્ણ: જીવો ચાર પ્રકારના કહ્યા છેઃ બદ્ધ, મુમુક્ષુ, મુક્ત અને નિત્ય.

‘સંસારને જાળના જેવો સમજો. જીવો જાણે કે માછલાં અને ઈશ્વર, કે જેની માયા આ સંસાર છે એ જાણે કે માછીમાર. માછીમારની જાળમાં જ્યારે માછલાં સપડાય ત્યારે કેટલાંક માછલાં જાળ તોડીને નાસી છૂટવાનો, એટલે કે મુક્ત થવાનો પ્રયાસ કરે. એમને મુમુક્ષુ જીવો જેવા કહી શકાય. જેઓ નાસવાનો પ્રયાસ કરે તે બધાય નાસી શકે નહિ. બેચાર માછલાં ધબાંગ ધબાંગ કરતાં નાસી છૂટે. ત્યારે લોકો બૂમ પાડી ઊઠે કે એ એક મોટું માછલું નાસી ગયું! એવા બેચાર માણસો મુક્ત જીવ. કેટલાંક માછલાં પહેલેથી જ એવાં સાવચેત, કે જાળમાં ક્યારેય સપડાય નહિ. નારદ વગેરે નિત્ય-જીવો ક્યારેય સંસાર-જાળમાં સપડાય નહિ. પરંતુ મોટાભાગનાં માછલાં જાળમાં સપડાય. છતાં તેમને એટલું ભાન નથી કે જાળમાં પડ્યાં છીએ ને મરવાનાં! જાળમાં પડ્યાં પડ્યાં જાળ લઈને સીધાં દોટ મૂકે ને છેક તળિયે કાદવમાં જઈને શરીર છુપાવવાનો પ્રયાસ કરે.

જાળમાંથી બહાર નાસી છૂટવાનો કંઈ પણ પ્રયાસ નહિ, ઊલટાં ઊંડા કાદવમાં જઈને પડે. બદ્ધ જીવો એમના જેવા. કાળની જાળમાં પડ્યા છે, પણ મનમાં માને છે કે ત્યાં જ મજામાં છીએ, બદ્ધજીવ સંસારમાં કામ-કાંચનમાં આસક્ત થઈને રહે. કલુષના સાગરમાં ડૂબેલા છે, પણ મનમાં માને કે અહીં જ મજામાં છીએ. જેઓ મુમુક્ષુ અથવા મુક્ત, તેમને સંસાર કૂવા જેવો લાગે, ગમે નહિ. એટલે કોઈ કોઈ જ્ઞાનપ્રાપ્તિ બાદ, ભગવાનનાં દર્શન કર્યા પછી, શરીરનો ત્યાગ કરે. પણ એ જાતનો શરીરત્યાગ તો બહુ દૂરની વાત.

‘બદ્ધ જીવને, સંસારી જીવને કોઈ રીતે હોશ આવે નહિ. આટલાં દુઃખ, આટલી બળતરા ભોગવે, એટલી વિપદમાં પડે, તો પણ જાગ્રત થાય નહીં.

‘ઊંટને કાંટાનાં ઝાંખરાં બહુ ભાવે. પણ જેમ જેમ તે ખાતું જાય તેમ તેમ મોઢેથી દડદડ લોહી નીકળતું જાય. તોય એ કાંટાનું ઝાંખરું જ ખાધા કરે, છોડે નહિ. સંસારી માણસ પણ આટલો શોક-તાપ પામે, તોય થોડાક દિવસ પછી પાછા પહેલાંના જેવા. પત્ની મરી ગઈ કે વંઠી ગઈ, પણ ફરી પાછા પરણે! છોકરો મરી ગયો, કેટલોય શોક થયો, પણ થોડા દિવસમાં જ બધું ભૂલી ગયા. એ જ છોકરાની મા, કે જે શોકથી આકુળવ્યાકુળ થઈ ગઈ હતી, તે જ પાછી થોડા દિવસ પછી અંબોડામાં વેણી ગૂંથે ને શણગાર સજે! એવા લોકો દીકરીના વિવાહમાં સાવ સાફ થઈ જાય, તોય પાછાં વરસે વરસે છોકરાં જન્મે! કોર્ટના મુકદ્દમામાં સર્વસ્વ ખરચાઈ જાય, પણ તોય પાછા કેસ લડે! જે છોકરાં થયાં છે તેનેય સારું ખવરાવી, પહેરાવી શકે નહિ, સારા ઘરમાં રાખી શકે નહિ, તોય વરસે વરસે છોકરાં થયા કરે!’

‘વળી ક્યારેક ક્યારેક તો સાપે છછુંદર ગળ્યા જેવું થાય; ગળી પણ શકે નહિ ને છોડી પણ શકે નહિ. બદ્ધ જીવ કદાચ સમજે કે સંસારમાં કશો સાર નથી, જેમ આમલીમાં તો કેવળ જાડી છાલ અને ખાટું બીજ જ હોય, તોય છોડી શકે નહિ, તોયે ઈશ્વરમાં મન જાય નહિ.

કેશવ સેનનો એક સગો, તેની પચાસ વરસની ઉંમર; જોઉં છું તો ગંજીપો કૂટે છે. જાણે કે ઈશ્વરનું નામ લેવાનો સમય હજી નથી થયો! બદ્ધ જીવનું બીજું એક લક્ષણઃ તેને સંસારમાંથી ખસેડીને સારા ઈશ્વરપરાયણ વાતાવરણવાળી જગામાં રાખો તો તે સંસાર માટે તલસી તલસીને મરી જાય. વિષ્ટાના કીડાને વિષ્ટામાં જ મજા. એમાં જ એ મજાનો હૃષ્ટપુષ્ટ થાય. જો એ કીડાને ભાતના વાસણમાં રાખો તો તે મરી જાય! (સૌ સ્તબ્ધ!)

Total Views: 368
ખંડ 8: અધ્યાય 1: મુક્ત પુરુષનો દેહત્યાગ શું આત્મહત્યા છે?
ખંડ 8: અધ્યાય 3: તીવ્ર વૈરાગ્ય અને બદ્ધજીવ