ન જાયતે મ્રિયતે વા કદાચિન્નાયં ભૂત્વા ભવિતા વા ન ભૂયઃ ।
અજો નિત્યઃ શાશ્વતોઽયં પુરાણો ન હન્યતે હન્યમાને શરીરે ।। (ગીતા, ૨.૨૦)

દક્ષિણેશ્વર કાલી-મંદિરે શ્રીયુત્ વિજયકૃષ્ણ ગોસ્વામી ભગવાન શ્રીરામકૃષ્ણનાં દર્શન કરવા આવ્યા છે. સાથે ત્રણચાર બ્રાહ્મભક્તો છે. ૨૯ માગસર સુદ ચોથ, ગુરુવાર; ઈ.સ. ૧૮૮૨ના ડિસેમ્બરની ૧૪મી તારીખ. પરમહંસના પરમ ભક્ત શ્રીયુત્ બલરામની સાથે એ લોકો કોલકાતાથી હોડીમાં આવ્યા છે. શ્રીરામકૃષ્ણ હજી હમણાં જ જરા બપોરનો આરામ કરીને ઊઠ્યા છે. રવિવારે જ વધુ લોકોનો સમાગમ થાય. જે ભક્તો તેમની સાથે એકલા વાતચીત કરવા ઇચ્છે તેઓ ઘણે ભાગે બીજે દિવસે આવે.

પરમહંસદેવ પાટ ઉપર બેઠા છે. વિજય, બલરામ, માસ્ટર અને બીજા ભક્તો પશ્ચિમાભિમુખ થઈને તેમની તરફ મોઢું કરીને કોઈ ચટાઈ ઉપર, તો કોઈ ખાલી જમીન ઉપર બેઠા છે. ઓરડાની પશ્ચિમ બાજુના બારણામાંથી ભાગીરથી નજરે ચડે છે. શિયાળાની શાંત, સ્વચ્છ જળપૂર્ણ ભાગીરથી. બારણાની પાછળ પશ્ચિમની અર્ધ-ગોળાકાર ઓસરી, તેની પાછળ જ પુષ્પોદ્યાન, ત્યાર પછી ગંગાના કાંઠાની દીવાલ, તેની પશ્ચિમ બાજુએ પુણ્ય-સલિલા, કલુષ-હારિણી ગંગા, જાણે કે પ્રભુમંદિરનાં ચરણ ધોતી ધોતી આનંદથી વહી રહી છે.

વિજયકૃષ્ણ ગોસ્વામી

શિયાળો છે, એટલે સહુને શરીરે ગરમ કપડાં છે. વિજય પેટના શૂળની વેદનાથી પીડાય છે એટલે સાથે શીશીમાં દવા લાવેલ છે. ઔષધ ખાવાનો સમય થશે ત્યારે ખાશે. વિજય અત્યારે સાધારણ બ્રાહ્મ-સમાજના એક પગારદાર ઉપદેશક છે. સમાજની વેદી પર બેસીને તેમને ઉપદેશ આપવાનો હોય છે. પણ સમાજની સાથે હવે અનેક બાબતોમાં મતભેદ જાગ્યો છે. છતાં નોકરી લીધી છે એટલે શું કરે? સ્વતંત્રતાથી પ્રવચન, ઉપદેશ અથવા કાર્ય કરી શકતા નથી. વિજય પવિત્ર અદ્વૈત ગોસ્વામીના વંશમાં જન્મ્યા છે. અદ્વૈત ગોસ્વામી જ્ઞાની હતા, નિરાકાર પરબ્રહ્મનું ચિંતન કરતા, અને તે સાથે ભક્તિનીયે પરાકાષ્ઠા બતાવી ગયા છે.

એ ભગવાન ચૈતન્યદેવના એક મુખ્ય પાર્ષદ હતા. હરિપ્રેમમાં મસ્ત થઈને નૃત્ય કરતા. તેમાં એટલા બધા તલ્લીન થઈ જતા કે નૃત્ય કરતાં પહેરેલું વસ્ત્ર ખસી પડતું! વિજય પણ બ્રાહ્મ-સમાજમાં જોડાયા છે ને નિરાકાર પરબ્રહ્મનું ચિંતન કરે છે. પણ મહાભક્ત પૂર્વપુરુષ શ્રીઅદ્વૈત ગોસ્વામીનું લોહી નાડીઓમાં ફરી રહ્યું છે. શરીરમાંનું હરિ-પ્રેમનું બીજ હવે બહાર નીકળવાની તૈયારી કરી રહ્યું છે, માત્ર સમયની વાટ જોઈ રહ્યું છે. એટલે વિજય ભગવાન શ્રીરામકૃષ્ણની દેવદુર્લભ, હરિપ્રેમમાં ‘ગદ્‌ગદ મતવાલી’ અવસ્થા જોઈને મોહિત થયા છે. મંત્રેલો સાપ જેમ ફેણ ચડાવીને મોરલીવાળા વાદીની પાસે બેસી રહે, તેમ વિજય પણ પરમહંસદેવના શ્રીમુખથી નીકળેલ ભાગવત સાંભળતાં સાંભળતાં મુગ્ધ થઈને તેમની પાસે બેસી રહે. વળી જ્યારે તે હરિ-પ્રેમે બાળકની પેઠે નૃત્ય કરે, ત્યારે વિજય પણ તેમની સાથે નાચે.

વિષ્ણુ નામના એક ભક્તનું આરિયાદહમાં ઘર. તેણે ગળામાં અસ્ત્રો મારીને દેહત્યાગ કર્યો છે. આજ શરૂઆતમાં તેની જ વાત નીકળી છે.

શ્રીરામકૃષ્ણ (વિજય, માસ્ટર અને ભક્તો પ્રત્યે): જુઓ, એ છોકરાએ આપઘાત કર્યો છે એમ સાંભળ્યું તેથી મન દુઃખી થઈ રહ્યું છે. તે અહીં આવતો, નિશાળમાં ભણતો, પણ કહેતો કે સંસાર ગમતો નથી. પશ્ચિમ તરફ કોઈ સગાની પાસે જઈને થોડા દિવસ રહ્યો હતો. ત્યાં એકાંતમાં જંગલ, મેદાન અને પહાડોમાં જઈને હંમેશાં ધ્યાન કરતો. એ કહેતો કે કેટલાંય ઈશ્વરનાં સ્વરૂપોનાં દર્શન કરું છું.

‘એમ લાગે છે કે તેનો આ છેલ્લો જન્મ હશે. પૂર્વ-જન્મમાં ઘણી સાધના કરી હશે. થોડીક બાકી હશે તે કદાચ આ વખતે પૂરી થઈ ગઈ.’

‘પૂર્વજન્મના સંસ્કાર માનવા જોઈએ. સાંભળ્યું છે કે એક જણ શબ-સાધના કરતો હતો, ગાઢ જંગલમાં જઈને ભગવતીની આરાધના કરતો હતો. ત્યાં તે કેટલાંય બિહામણાં સ્વરૂપો જોવા લાગ્યો. અને છેવટે તેને વાઘ ઉપાડી ગયો. એ જ સમયે બીજો એક માણસ પણ વાઘની બીકથી નજીકના એક ઝાડ ઉપર ચડી જઈને બેઠો હતો. શબનું આસન અને બીજી બધી પૂજાની સામગ્રી તૈયાર જોઈને તે ઝાડ પરથી નીચે ઊતર્યો અને આચમન કરીને શબના આસન પર બેસી ગયો.

થોડોક જપ કરતાં કરતાં માતાજીએ દર્શન દીધાં અને બોલ્યાં, ‘હું તારા પર પ્રસન્ન થઈ છું. વરદાન માગ.’ પેલો ભક્ત માતાજીને ચરણે પડીને કહેલા લાગ્યો, ‘મા, પહેલાં એક વાત પૂછું. હું તો તમારું આ અદ્ભુત વર્તન જોઈને નવાઈ પામ્યો છું! પેલો બિચારો કેટલી મહેનત કરીને, ઘણા દિવસથી તમારી સાધના કરતો હતો તેના પર તમારી કૃપા ન થઈ, અને હું કાંઈ જાણું નહિ, સમજું નહિ, ભજનહીન, સાધનાહીન, જ્ઞાનહીન, ભક્તિહીન, તેના ઉપર આટલી બધી કૃપા!’ ભગવતી હસતાં હસતાં બોલ્યાં, ‘બેટા, તને પૂર્વજન્મની વાત યાદ નથી. તું જન્મોજન્મ મારી ઉપાસના કરતો આવે છે. એ સાધનાના બળે તને આ બધો યોગ પ્રાપ્ત થયો,અને તને મારાં દર્શન થયાં. બોલ હવે, શું વરદાન જોઈએ?’

એક ભક્ત: આત્મહત્યાની વાત સાંભળીને બીક લાગે.

શ્રીરામકૃષ્ણ: આત્મહત્યા કરવી એ મહાપાપ; ફરી ફરીને સંસારમાં આવવું પડે, અને આ સંસારનું દુઃખ ભોગવવું પડે.

પણ જો ઈશ્વર-દર્શન થયા પછી કોઈ શરીરનો ત્યાગ કરે તો તેને આત્મહત્યા કહેવાય નહિ. એ શરીરત્યાગમાં દોષ નહિ. જ્ઞાનપ્રાપ્તિ પછી કોઈ કોઈ શરીર છોડી દે. સોનાની મૂર્તિ એક વાર જ્યારે માટીના બીબામાં ઢળાઈને તૈયાર થઈ ગઈ, ત્યાર પછી માટીનું બીબું રાખી પણ શકાય ને ભાંગી પણ શકાય.

ઘણાં વરસ પહેલાં વરાહનગરથી એક યુવાન આવતો. ઉંમર વીસેક વરસની, નામ ગોપાલ સેન. એ જ્યારે અહીં આવતો ત્યારે એટલો બધો ઈશ્વરીય આવેશમાં આવી જતો કે હૃદયે તેને પકડી રાખવો પડતો, વખતે પડી કરી જઈને હાથપગ ભાંગી જાય! એ જુવાન એક દિવસ એકાએક મારે પગે હાથ દઈને બોલ્યો, ‘હવેથી હું આવી શકીશ નહિ. હવે હું જાઉં છું.’ થોડા દિવસ પછી મેં સાંભળ્યું કે તેણે શરીર છોડી દીધું છે.

Total Views: 440
ખંડ 7: અધ્યાય 4: મણિ મલ્લિકના બ્રાહ્મોત્સવમાં ઠાકુર શ્રીરામકૃષ્ણ
ખંડ 8: અધ્યાય 2: જીવના ચાર પ્રકાર - બદ્ધજીવનાં લક્ષણ; કામિની-કાંચન