આપૂર્યમાણમચલપ્રતિષ્ઠં સમુદ્રમાપઃ પ્રવિશન્તિ યદ્વત્ ।
તદ્વત્કામા યં પ્રવિશન્તિ સર્વે સ શાન્તિમાપ્નોતિ ન કામકામી ।। (ગીતા, ૨.૭૦)

શ્રીરામકૃષ્ણ: અગાઉ તો ખૂબ આવતા, હવે આવતા કેમ નથી?

વિજય: અહીં આવવાની ઇચ્છા તો ખૂબ થાય, પણ હું સ્વતંત્ર નથી; બ્રાહ્મસમાજની નોકરી લીધી છે.

શ્રીરામકૃષ્ણ: કામિની-કાંચન જ જીવને બદ્ધ કરે. એનાથી જ જીવની સ્વતંત્રતા જાય. કામિનીને અંગે જ કાંચનની જરૂર. એને માટે જ બીજાની ગુલામી. સ્વતંત્રતા ચાલી જાય. તમે તમારા મન મુજબ કામ કરી શકો નહિ.

‘જયપુરમાં ગોવિંદજીના પૂજારીઓ પહેલાં પહેલાં તો વિવાહ ન કરતા. ત્યારે ખૂબ તેજસ્વી હતા. એક વાર રાજાએ તેડું મોકલ્યું તોય એ લોકો ન ગયા. ઊલટું કહેવરાવ્યું કે ‘રાજાને અહીં આવવાનું કહો.’ એ પછી રાજા અને બીજા લોકોએ મળીને તેમનાં લગ્ન કરી નાખ્યાં. લગ્ન થઈ ગયાં પછી રાજાની સાથે મુલાકાત કરવા સારુ કોઈને બોલાવવા જ જવું ન પડતું. એ લોકો પોતે જ હાજર થઈ જતાઃ ‘મહારાજ આશીર્વાદ આપવા આવ્યા છીએ. આ ભગવાનનું નિર્માલ્ય લાવ્યા છીએ, તે સ્વીકારો!’ ન છૂટકે આવવું જ પડે, કારણ કે કોઈ દિવસ છોકરાંનું અબોટણ હોય, તો કોઈ દિવસ છોકરાની જનોઈ હોય, તો વળી કોઈ દિવસ ઘર બાંધવાનું કામ હોય, એ બધું.’

‘બારસો મુંડા અને તેરસો મુંડી, તેનો સાક્ષી ઉદમ સાંડી’ એ વાત તો જાણો છો ને? નિત્યાનંદ ગોસ્વામીના પુત્ર વીરભદ્રના તેરસો મુંડિયા ચેલાઓ હતા. એ બધા જ્યારે સિદ્ધ થઈ ચૂક્યા ત્યારે વીરભદ્રને ડર લાગ્યો. તેને થવા લાગ્યું કે આ બધા તો સિદ્ધ થયા, લોકોને જે કહેશે તે ફળશે. જે બાજુ જાય તે બાજુ બીક. કારણ કે માણસો બિચારા અજાણતાથી આ લોકોનો અપરાધ કરે તો તેમનું અનિષ્ટ થાય. એ બધું વિચારીને વીરભદ્રે તેમને બોલાવીને કહ્યું, ‘તમે બધા ગંગામાં જઈને સંધ્યા-વંદન કરી આવો.’ એ મુંડિયાઓનું એટલું તેજ કે ધ્યાન કરતાં કરતાં સમાધિ લાગી ગઈ. ગંગાની ભરતીનું પાણી ક્યારે તેમના માથા પર ચડી ગયું તેનું તેમને ભાન નહિ; તેમજ પાછી ભરતી ઊતરી ગઈ તો પણ ધ્યાન છૂટે નહિ. એ તેરસોમાંથી એકસો કળી ગયા હતા કે વીરભદ્ર શું કહેવાના છે. ગુરુનું વચન ઉથાપાય નહિ, એટલે એ લોકો ત્યાંથી જ નાસી ગયા, વીરભદ્રને મળ્યા જ નહિ. બાકીના બારસો હાજર થયા. એટલે વીરભદ્રે કહ્યું, ‘આ તેરસો મુંડકીઓ તમારી સેવા કરશે, તમે લોકો એમને પરણી લો.’ એ લોકોએ કહ્યું, ‘જેવી આજ્ઞા, પણ અમારામાંથી સો જણ ક્યાંક ચાલ્યા ગયા છે.’ આ બારસોમાંથી દરેકને હવે સેવા-દાસી સાથે રહેવું પડતું. એટલે પછી અગાઉના જેવું તેજ રહ્યું નહિ, તપસ્યાનું એ બળ રહ્યું નહિ! સ્ત્રીઓ સાથે રહેવાથી પહેલાંનું બળ રહ્યું નહિ, કારણ કે એથી સ્વતંત્રતાનો લોપ થઈ જાય. (વિજયને) તમે બધા તો પોતે જુઓ છો ને કે બીજાની નોકરી લઈને શું થઈ ગયા છો? વળી જુઓ કેટલાય આવી ડિગ્રીવાળા, અંગ્રેજી ભણેલા ગણેલાઓ શેઠિયાઓની નોકરીમાં રહીને તેમનાં બૂટ-જોડાના ગોદા સવાર-સાંજ ખાય! એનું કારણ કેવળ ‘કામિની’. વિવાહ કરીને વહેવારની દુકાન એક વાર નાખી, એટલે પછી દુકાન ઉપાડી લેવાની ત્રેવડ રહે નહિ. એટલે પછી આવાં અપમાન ખમવાં પડે, આટલો ગુલામીનો ત્રાસ ભોગવવો પડે!’

ઈશ્વરપ્રાપ્તિ પછી કામિનીની માતૃભાવે પૂજા

‘જો એકવાર તીવ્ર વૈરાગ્ય આવીને ઈશ્વર-પ્રાપ્તિ થાય, તો પછી સ્ત્રી-જાત તરફ આસક્તિ રહે નહિ. ઘરમાં હોય તોય સ્ત્રી પ્રત્યે આસક્તિ રહે નહિ! તેમની બીક ન લાગે. જો એક લોહચુંબક ખૂબ મોટો હોય અને બીજો એક નાનો હોય તો લોઢાના કટકાને કયો લોહચુંબક તાણી લે? મોટો જ તાણી લે. ઈશ્વર મોટો લોહચુંબક, તેની પાસે કામિની નાનો લોહચુંબક, એટલે કામિની શું કરે?

એક ભક્ત: મહાશય, સ્ત્રીઓ પ્રત્યે શું તિરસ્કાર દર્શાવવો?

શ્રીરામકૃષ્ણ: જેણે ઈશ્વર-પ્રાપ્તિ કરી હોય, તે કામિનીને વિકારી નજરે જુએ નહિ કે જેથી બીક લાગે. તે ખરેખર દેખે કે સ્ત્રીઓ મા બ્રહ્મમયીના અંશ, અને એટલા માટે ‘મા’ કહીને બધી સ્ત્રીઓનું સન્માન કરે.

શ્રીરામકૃષ્ણ (વિજયને): તમે અવારનવાર આવતા રહેજો. તમને મળવાની બહુ ઇચ્છા રહે છે.

Total Views: 422
ખંડ 8: અધ્યાય 3: તીવ્ર વૈરાગ્ય અને બદ્ધજીવ
ખંડ 8: અધ્યાય 5: ઈશ્વરના આદેશની પ્રાપ્તિ પછી જ સાચા આચાર્ય થવાય