વિજય: બ્રાહ્મસમાજની નોકરી કરવી પડે છે એટલે હમેશાં અવાતું નથી. સગવડ મળતાં જ આવીશ.

શ્રીરામકૃષ્ણ (વિજયને): જુઓ, આચાર્યનું કામ બહુ કઠણ. ઈશ્વરના સાક્ષાત્ આદેશ વિના લોકોને ઉપદેશ આપી શકાય નહિ. જો આદેશ મળ્યા વગર ઉપદેશ આપો તો માણસો સાંભળે નહિ, એ ઉપદેશમાં જરાય શક્તિ ન હોય. પ્રથમ સાધના કરીને યા ગમે તે રીતે, પણ ઈશ્વરપ્રાપ્તિ કરવી જોઈએ. ઈશ્વરનો આદેશ મળે પછી લેકચર અપાય. અમારા ગામમાં એક તળાવ છે. તેનું નામ હાલદારપુકુર. તેની પાળે રોજ લોકો શૌચ જતા. સવારમાં જેઓ ઘાટ પર નાહવા આવતા તેઓ તેમને ગાળો ભાંડીને ખૂબ શોરબકોર કરતા. પણ ગાળો ભાંડવાથી કાંઈ વળતું નહિ. વળી બીજે દિવસે એમ ને એમ જ! છેવટે સરકારી ચપરાશીએ આવીને નોટિસ ચોડી દીધી કે ‘અહીં કોઈએ ગંદકી કરવી નહિ. જે કરશે તેને શિક્ષા થશે.’ એ નોટિસ ચોડ્યા પછી ત્યાં શૌચ જવાનું એકદમ બંધ! ‘ઈશ્વરનો આદેશ મળ્યા પછી આચાર્ય થઈને ગમે ત્યાં લેકચર આપી શકાય. જેને ઈશ્વરનો આદેશ મળે તેને તેની પાસેથી શક્તિ મળે; ત્યારે આચાર્યનું કઠિન કામ કરી શકાય.

‘એક મોટા જમીનદારની સાથે એક સાધારણ માણસ મોટી અદાલતમાં મુકદ્દમો લડતો હતો. એટલે લોકો સમજી ગયા કે આની પાછળ કોઈ જોરદાર માણસ છે. કદાચ બીજો એક મોટો જમીનદાર જ તેની પાછળ રહીને મુકદ્દમો લડી રહ્યો છે. માણસ સામાન્ય જીવ, સાક્ષાત્ ઈશ્વર પાસેથી શક્તિ મેળવ્યા વિના આચાર્યનું કઠણ કામ કરી શકે નહિ.’

વિજય: મહાશય, બ્રાહ્મસમાજમાં જે ઉપદેશ વગેરે અપાય છે, તેનાથી શું લોકોનો ઉદ્ધાર થતો નથી?

સચ્ચિદાનંદ જ ગુરુ – તેઓ જ મુક્તિ પ્રદાન કરે છે

શ્રીરામકૃષ્ણ: માણસની શી શક્તિ કે બીજાને સંસાર-બંધનથી મુક્ત કરી શકે? જેની ભુવનમોહિનીની માયા છે તે જ માયામાંથી મુક્ત કરી શકે. સચ્ચિદાનંદ ગુરુ વિના બીજી ગતિ નથી. જેણે ઈશ્વરપ્રાપ્તિ કરી નથી, ઈશ્વરનો આદેશ મેળવ્યો નથી, જેઓ ઈશ્વરની શક્તિથી શક્તિમાન થયા નથી, તેમની શી તાકાત કે તેઓ જીવનાં ભવ-બંધન તોડી શકે?

‘હું એક દિવસ પંચવટી પાસે થઈને ઝાઉતળા તરફ શૌચે જતો હતો. ત્યાં સાંભળ્યું તો એક મોટો દેડકો ખૂબ જોરથી અવાજ કરી રહ્યો છે. એવું લાગ્યું કે સાપે પકડ્યો છે. ઘણા સમય પછી જ્યારે ઝાઉતળાથી પાછો ફરતો હતો ત્યારે પણ સાંભળ્યું; દેડકો ખૂબ અવાજ કરે છે. શું છે એ જોવા માટે મેં જરા ડોકિયું કર્યું. તો જોયું તો એક ડેંડાએ (ઝેર વિનાનો સાપ) દેડકાને પકડ્યો છે. તે તેને છોડી પણ શકતો નથી ને ગળી પણ શકતો નથી. દેડકાનું પણ દુઃખ મટતું નથી. ત્યારે મને થયું કે અરે, જો મોટા ભોરિંગ સાપે પકડ્યો હોત તો ત્રણ ડ્રેંકારમાં દેડકો ચૂપ થઈ જાત. આ તો એક ડેંડા સાપે પકડ્યો છે ને, એટલે સાપનેય ત્રાસ ને દેડકાનેય ત્રાસ!’

‘જો સદ્‌ગુરુ હોય તો જીવનો અહંકાર ત્રણ ડકારમાં નીકળી જાય. ગુરુ કાચો હોય તો ગુરુને પણ ત્રાસ અને શિષ્યને પણ ત્રાસ. શિષ્યનો અહંકાર નીકળે નહિ, તેનાં સંસાર-બંધન કપાય નહિ. કાચા ગુરુને પનારે પડ્યે શિષ્ય મુક્ત થાય નહિ.’

Total Views: 316
ખંડ 8: અધ્યાય 4: કામિની-કાંચન માટે જ ગુલામી
ખંડ 8: અધ્યાય 6: માયા અથવા અહંનું આવરણ જતાં મુક્તિ કે ઈશ્વરલાભ થાય