ઠાકુર શ્રીરામકૃષ્ણ દક્ષિણેશ્વર-મંદિરે પોતાના ઓરડામાં રાખાલ, માસ્ટર વગેરે એક-બે ભક્તો સાથે બેઠેલા છે. આજ શુક્રવાર, ૨૬, ફાલ્ગુન, ૯મી માર્ચ, ઈ.સ. ૧૮૮૩. માઘ વદ અમાસ. સવારના આઠ કે નવ વાગ્યા હશે.

અમાસને દિવસે ઠાકુરને હંમેશાં જગન્માતાનું ઉદ્દીપન થાય. એ કહે છે કે ‘ઈશ્વર જ ખરી વસ્તુ, બીજું બધું ખોટું. માએ એમની મહામાયાથી સૌને મોહિત કરી રાખ્યા છે. માણસોમાં જુઓ, તો બદ્ધ જીવો જ વધારે. આટલું દુઃખ, કષ્ટ પામે, તોય એ જ કામિની-કાંચનમાં આસક્તિ. કાંટાનાં ઝાંખરાં ખાતાં ઊંટને મોઢેથી દડદડ કરતું લોહી પડે, તોય પાછું એ ઝાંખરાં ખાય. પ્રસૂતિ વખતે સ્ત્રીઓ કહેશે, બસ, હવે ધણીની પાસે જવું જ નહિ, પણ પાછી ભૂલી જાય.

‘જુઓ ઈશ્વરને કોઈ શોધતું નથી!’ અનાનસનું ફળ છોડીને લોકો તેમનાં પાંદડાં ખાય!

ભક્ત: વારુ, ભગવાન આપણને સંસારમાં શા માટે રાખી મૂકે છે?

સંસાર શા માટે? નિષ્કામ કર્મ દ્વારા ચિત્તશુદ્ધિ માટે

શ્રીરામકૃષ્ણ: સંસાર કર્મક્ષેત્ર છે. કર્માે કરતાં કરતાં જ્ઞાન થાય. ગુરુએ કહ્યું છે કે આ કર્મ કરો અને આ કર્મ ન કરો. તેમ વળી તેઓ નિષ્કામ કર્માેનો ઉપદેશ આપે.  (કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન । ગીતા.૨.૪૭)  કર્માે કરતાં કરતાં મનની મલિનતા કપાઈ જાય. જેમ સારા ડૉકટરના હાથમાં પડીએ તો દવા લેતાં રોગ મટી જાય તેમ.’

‘શા માટે તેઓ (ભગવાન) સંસારમાંથી છોડતા નથી? રોગ મટે ત્યારે છોડે ને? કામિની-કાંચનનો ભોગ કરવાની ઇચ્છા જ્યારે ચાલી જાય ત્યારે છોડે. ઇસ્પિતાલમાં એક વાર નામ દાખલ કરાવ્યું પછી ભાગીને ન અવાય. રોગની કસર હોય ત્યાં સુધી ડૉક્ટર સાહેબ છોડે નહિ.’

આજકાલ ઠાકુર સર્વ સમય યશોદાની પેઠે વાત્સલ્ય-રસમાં તરબોળ રહે છે. તેથી રાખાલને પોતાની પાસે સોબતમાં રાખ્યો છે. ઠાકુરનો રાખાલ પ્રત્યે બાલગોપાળનો ભાવ. જેમ માની ગોદમાં નાનું બાળક જઈને બેસે, તેમ રાખાલ પણ ઠાકુરના ખોળામાં ભાર દઈને બેસે છે, જાણે કે ધાવતો ન હોય.

શ્રીરામકૃષ્ણનું ભક્તો સાથે ગંગામાં બાનદર્શન

(બંગાળના ઉપસાગરમાં ભરતી વખતે ઘણું પાણી ગંગાના પ્રવાહમાં ઘૂસી જાય છે તે વિશાળ જળરાશિ ખૂબ ઊંચાં મોજાં રૂપે ગર્જન સાથે ગંગાના પૃષ્ઠ ભાગથી ઊલટી દિશામાં પ્રબળવેગ સાથે વધવા લાગે છે. એને ‘બાન’ કહે છે.)

ઠાકુર એ ભાવમાં બેઠા છે, એટલામાં એક જણે આવીને ખબર આપ્યા કે ગંગામાં બાન (મોટી ભરતી) આવી રહ્યું છે. ઠાકુર, રાખાલ, માસ્ટર વગેરે સર્વે બાન જોવાને માટે પંચવટી તરફ દોડવા લાગ્યા. પંચવટી તળે આવીને સૌ બાન જોઈ રહ્યા છે. સમય સાડા દસ વાગ્યાનો હશે. એક હોડીને જોઈને ઠાકુર કહે છે કે ‘જુઓ, જુઓ, પેલી હોડીની શી દશા થાય છે!’

હવે ઠાકુર પંચવટીના રસ્તાની ઉપર માસ્ટર, રાખાલ વગેરે સાથે બેઠા.

શ્રીરામકૃષ્ણ (માસ્ટરને): વારુ, બાન (મોટી ભરતી) કેવી રીતે થતું હશે?

માસ્ટર ધૂળમાં ચિત્ર દોરીને પૃથ્વી, ચંદ્ર, સૂર્ય, ગુરુત્વાકર્ષણ, ભરતી, ઓટ, પૂર્ણિમા, અમાસ, ગ્રહણ વગેરે સમજાવવાનો પ્રયાસ કરવા લાગ્યા.

શ્રીરામકૃષ્ણ બાળપણમાં શાળામાં – The Yogi is beyond all Finite Relations of Number, Quantity, Cause, Effect

શ્રીરામકૃષ્ણ (માસ્ટરને): આ જુઓ, હું સમજી શકતો નથી; મારું માથું ભમવા માંડે છે, ઝન ઝન કરે છે. વારુ, આટલે દૂરની બાબત કેમ કરીને જાણી?

‘જુઓ, હું નાનપણમાં ચિત્ર દોરવાનું સરસ જાણતો; પરંતુ આંકના પાડામાં ભારે ગૂંચવાતો. ગણતરીનાં પલાખાં, હિસાબ વગેરે મને આવડ્યાં નહિ.’

અત્યારે ઠાકુર પોતાના ખંડમાં પાછા આવ્યા છે, દિવાલ પર ટીંગાયેલ યશોદાના ચિત્રને નિહાળીને કહે છેઃ ‘ચિત્ર બરાબર નથી. જાણે કે એ એક માલણ જેવી લાગે છે!’

શ્રીઅધર સેનનું પ્રથમ દર્શન અને બલિ વિશે ચર્ચા

બપોરના ભોજન પછી ઠાકુરે જરા આરામ લીધો. અધર અને બીજા ભક્તો એક પછી એક આવીને ભેગા થયા. અધર સેને આ પહેલી જ વાર ઠાકુરનાં દર્શન કર્યાં. અધરનું મકાન કોલકાતામાં બેનેટોલામાં. એ ડેપ્યુટી મેજિસ્ટ્રેટ, ઉંમર ત્રીસેક હશે.

અવસ્થા અને અહિંસા

અધર (શ્રીરામકૃષ્ણને): મહાશય, મારે એક પૂછવાનું છેઃ શું બલિદાન આપવું એ સારું? એથી તો જીવહિંસા થાય.

શ્રીરામકૃષ્ણની બાળપણની શાળા

શ્રીરામકૃષ્ણ: અમુક ખાસખાસ અવસ્થાઓમાં, શાસ્ત્રોમાં છે કે બલિદાન દઈ શકાય. ‘શાસ્ત્રવિધિ પ્રમાણેના બલિદાનમાં’ દોષ નહિ. જેમ અષ્ટમીમાં શ્રીમાને બકરાનો બલિ ચડાવે છે. પરંતુ સર્વ અવસ્થામાં એ બને નહિ. મારી અત્યારે એવી અવસ્થા છે કે સામે ઊભો રહીને બલિદાન જોઈ શકું નહિ. માની પ્રસાદીનું માંસ હું આ અવસ્થામાં ખાઈ શકતો નથી. એટલે પ્રસાદીનું એક ટીપું આંગળીએ ચડાવીને માથામાં તિલક કરું જેથી મા ગુસ્સે ન થાય.’

‘તેમ વળી એવી અવસ્થા થાય કે ત્યારે મને દેખાય કે સર્વભૂતમાં ઈશ્વર રહ્યો છે, કીડી સુધ્ધાંમાં. એ અવસ્થામાં અચાનક કોઈ પ્રાણી મરી જાય તો એમ જાણીને શાતા મળે કે એનો તો દેહ માત્ર નાશ પામ્યો, આત્માને જન્મ મૃત્યુ નહિ.’ (ન હન્યતે હન્યમાને શરીરે । ગીતા. ૨.૨૦)

અધરને ઉપદેશ – ‘વધારે વિચાર ન કરો’

‘બહુ તર્ક-વિચાર કરવો સારો નહિ. માનાં ચરણમાં ભક્તિ હોય એટલે થયું. વધુ તર્ક કરવા જઈએ તો બધું ગૂંચવાઈ જાય. ત્યાં દેશમાં તળાવનું પાણી ઉપર ઉપરથી પીઓ તો મજાનું સાફ પાણી મળે. વધુ નીચે હાથ ઘાલીને હલાવો તો પાણી ડહોળાઈ જાય. એટલે ભગવાનની પાસે ભક્તિ સારુ પ્રાર્થના કરો. ધ્રુવની ભક્તિ સકામ હતી. તેણે રાજ્યપ્રાપ્તિને માટે તપસ્યા કરી હતી. પરંતુ પ્રહ્‌લાદની ભક્તિ હતી નિષ્કામ, અહેતુકી ભક્તિ.’

ભક્ત: ઈશ્વરની પ્રાપ્તિ કેવી રીતે થાય?

શ્રીરામકૃષ્ણ: એ અહેતુકી ભક્તિ વડે. પણ ઈશ્વરની પાસે જોર કરવું જોઈએ કે દર્શન દેતા નથી? તો ગળા પર છરી ફેરવી દઈશ. એનું નામ ભક્તિનો તમોગુણ.

ભક્ત: ઈશ્વરને શું જોઈ શકાય?

શ્રીરામકૃષ્ણ: હા, જરૂર જોઈ શકાય. નિરાકાર, સાકાર બન્ને જોઈ શકાય. સાકાર ચિન્મય રૂપનાં દર્શન થાય. તેમ વળી સાકાર માણસમાંય એ પ્રત્યક્ષ. અવતારને જોવો એટલે જ ઈશ્વરને જોવો. ઈશ્વર જ યુગે યુગે માણસરૂપે અવતાર લે. (ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે । ગીતા.૪.૮)

Total Views: 566
વ્યક્તિ પરિચય: શ્રીરામકૃષ્ણ
ખંડ 11: અધ્યાય 3: દક્ષિણેશ્વરમાં ઠાકુર શ્રીરામકૃષ્ણનો જન્મોત્સવ