પ્રભાતે ભક્તો સંગે

કાલીમંદિરમાં આજ શ્રીરામકૃષ્ણનો જન્મોત્સવ. ફાગણ સુદ બીજ, રવિવાર, ૧૧મી માર્ચ ઈ.સ. ૧૮૮૩. આજ ઠાકુરના અંતરંગ ભક્તો ખુદ તેમને જ લઈને જન્મોત્સવ કરવાના છે.

સવારથી જ ભક્તો એક પછી એક આવીને એકઠા થવા લાગ્યા છે. સામે મા ભવતારિણીનું મંદિર. મંગળા-આરતી થઈ ગયા પછી જ નોબતખાનામાં શરણાઈમાં પ્રભાતી રાગ-રાગિણી વાગી રહ્યાં છે. 

એક તો વસંત ઋતુ, વૃક્ષો વગેરેએ નવો વેશ ધારણ કર્યો છે, તેથી ભક્તોનાં હૃદય ઠાકુરના જન્મદિવસનું સ્મરણ કરીને નૃત્ય કરી રહ્યાં છે. ચારે બાજુ આનંદનો વાયુ વાઈ રહ્યો છે. 

માસ્ટર જઈને જુએ છે તો ભવનાથ, રાખાલ, ભવનાથના મિત્ર કાલીકૃષ્ણ હાજર છે. હજી તો વહેલી સવાર છે. ઠાકુર પૂર્વ બાજુની ઓસરીમાં બેસીને તેમની સાથે હસતે ચહેરે વાતો કરી રહ્યા છે. માસ્ટરે આવીને જમીન પર માથું નમાવીને ઠાકુરને પ્રણામ કર્યા.

શ્રીરામકૃષ્ણ (માસ્ટરને): તમે આવી પહોંચ્યા? (ભક્તોને) લજજા, ઘૃણા, ભય એ ત્રણ હોય તો ઈશ્વર ન મળે. આજ કેટલો આનંદ થશે. પરંતુ જે સાળાઓ હરિનામમાં મસ્ત થઈને નૃત્ય ગીત કરી શકશે નહિ, તેમને કોઈ કાળે ઈશ્વરલાભ થવાનો નથી. ઈશ્વરની વાતમાં લાજ શેની, બીક શેની? ચાલો, હવે તમે ગાઓ.

ભવનાથ અને કાલીકૃષ્ણ ગીત ગાય છેઃ

ધન્ય, ધન્ય, ધન્ય આજ દિન આનંદકારી,

સહુ મળી તવ સત્ય ધર્મ, ભારતે પ્રચારી…
હૃદયે હૃદયે તમારું ધામ, દિશે દિશે તવ પુણ્ય નામ,
ભક્તજન-સમાજ આજ સ્તુતિ કરે તમારી…
નવ ચાહું પ્રભુ ધન, જન, માન, નહિ પ્રભુજી અન્ય કામ,
પ્રાર્થના કરે તમારી, આતુર નરનારી…
તવ પદે પ્રભુ જઈએ શરણે, શો ભય વિપદે કે પછી મરણે,
અમૃત-સિંધુ પામીએ જ્યારે, જય જય તમારી…

ઠાકુર હાથ જોડીને બેઠા બેઠા એકચિત્તે ગીત સાંભળે છે. ગીત સાંભળતાં સાંભળતાં તેમનું મન એકદમ ભાવ-રામાં ચડી ગયું છે. ઠાકુરનું મન સૂકી દીવાસળી જેવું. એક વાર ઘસતાં જ સળગી ઊઠે. સાધારણ માણસનું મન ભીની દીવાસળી જેવું. ગમે તેટલું ઘસો તોય સળગે જ નહિ, કારણ કે એ મન હોય વિષયાસક્ત.

ઠાકુર ક્યાંય સુધી ધ્યાનમાં મગ્ન રહ્યા. થોડી વાર પછી કાલીકૃષ્ણ ભવનાથના કાનમાં કંઈક કહે છે. 

પહેલાં હરિનામ લેવું કે શ્રમજીવીઓને શિક્ષણ આપવું?

કાલીકૃષ્ણ ઠાકુરને પ્રણામ કરીને ઊઠ્યા. ઠાકુરે નવાઈ પામી પૂછ્યું, ‘ક્યાં ચાલ્યા?’ 

ભવનાથ: જી, જરા કામ છે, એટલે તેને જવાની જરૂર છે.

શ્રીરામકૃષ્ણ: શી જરૂર? 

ભવનાથ: જી, શ્રમજીવી – શિક્ષણાલય (Baranagore Workingmen’s Institute) માં જવાનું છે. (કાલીકૃષ્ણનું ગમન)

શ્રીરામકૃષ્ણ: એના કપાળમાં નથી. આજે હરિનામનો કેટલો આનંદ થશે, એ જોવા મળત, પણ એના ભાગ્યમાં નથી!

Total Views: 549
ખંડ 11: અધ્યાય 2: ઠાકુર દક્ષિણેશ્વરમાં અમાવાસ્યાના દિવસે ભક્તો સાથે - રાખાલ પ્રત્યે ગોપાલભાવ
ખંડ 11: અધ્યાય 4: જન્મોત્સવ પ્રસંગે ભક્તો સંગે - સંન્યાસીના કઠિન નિયમો