ઠાકુર શ્રીરામકૃષ્ણ આજ કોલકાતા ભક્ત બલરામને ઘેર પધાર્યા છે. માસ્ટર પાસે બેઠેલા છે, રાખાલ પણ છે. ઠાકુરને ભાવનો આવેશ આવ્યો છે. આજ જેઠ વદ પાંચમ; સોમવાર, (૧૨ અષાઢ, બંગાબ્દ) ૨૫મી જૂન, ઈ.સ. ૧૮૮૩. સમય લગભગ પાંચેક વાગ્યાનો.

શ્રીરામકૃષ્ણ (ભાવ-આવેશમાં): જુઓ, અંતરથી પ્રભુને બોલાવીએ તો સ્વસ્વરૂપને દેખી શકાય. પરંતુ જેટલી વિષયભોગની વાસના હોય, તેટલું ઓછું થાય.

માસ્ટર: જી, આપ જેમ કહો છો કે ભૂસકો મારવો જોઈએ.

શ્રીરામકૃષ્ણ: (ખુશી થઈને) હા… ઈ… ઈ… ઈ!

સૌ ચૂપ બેઠા છે, ઠાકુર વળી પાછા વાતો કરે છે.

શ્રીરામકૃષ્ણ (માસ્ટરને): જુઓ, સૌ કોઈને આત્મ- દર્શન થઈ શકે.

માસ્ટર: જી, પરંતુ ઈશ્વર કર્તા, તેઓ જેમ કરાવે તેમ થાય. કોઈકને ચૈતન્ય આપે છે, તો કોઈને અજ્ઞાની કરી રાખ્યા છે.

સ્વસ્વરૂપ દર્શન, ઈશ્વર-દર્શન અથવા આત્મદર્શનનો ઉપાય – અંતરની પ્રાર્થના – નિત્યલીલાયોગ

શ્રીરામકૃષ્ણ: ના. ઈશ્વરને અંતરથી આતુર થઈને પ્રાર્થના કરવી જોઈએ. સાચા અંતરની હોય તો ઈશ્વર પ્રાર્થના જરૂર જરૂર સાંભળે.

એક ભક્ત: જી હા. ‘હું’ પણું રહ્યું છે, એટલે પ્રાર્થના કરવી જોઈએ.

શ્રીરામકૃષ્ણ (માસ્ટરને): લીલાનો આધાર લઈ લઈને નિત્યે જવાનું, જેમ કે પગથિયાં પકડી પકડીને અગાશીએ પહોંચવું. નિત્ય-દર્શન પછી નિત્ય થકી લીલામાં આવીને રહેવાનું, ભક્તિ, ભક્ત લઈને. આ પાકો મત.

ઈશ્વરનાં વિવિધ રૂપો, વિવિધ લીલાઓ છે – ઈશ્વર-લીલા, દેવ-લીલા, નર-લીલા, જગત-લીલા. ઈશ્વર માણસ થઈને, અવતાર થઈને, યુગે યુગે આવે પ્રેમ-ભક્તિ શીખવવાને માટે. જુઓને ચૈતન્યદેવ. અવતારની દ્વારા જ ઈશ્વરનો પ્રેમ, ભક્તિનું આસ્વાદન કરી શકાય. ઈશ્વરની લીલા અનંત, પરંતુ આપણે જરૂર પ્રેમની, ભક્તિની. આપણે જરૂર દૂધની. દૂધ આવે ગાયના આંચળમાંથી જ. અવતાર એ ગાયનાં આંચળ.

ઠાકુર શું કહી રહ્યા છે કે હું પોતે અવતાર થઈને આવ્યો છું? મારાં દર્શન કરવાં એ જ ઈશ્વર-દર્શન કરવા બરોબર? ચૈતન્યદેવની વાત કરીને ઠાકુર પોતાનું જ સૂચન કરી રહ્યા છે?

Total Views: 345
ખંડ 14: અધ્યાય 2 : શ્રીયુત્ નવદ્વીપ ગોસ્વામીને ઉપદેશ
ખંડ 15: અધ્યાય 2 : વિવિધભાવે શ્રીરામકૃષ્ણ દક્ષિણેશ્વરમાં અને ભક્તગૃહે