શ્રી ગૌરાંગનો મહાભાવ, પ્રેમ અને ત્રણ અવસ્થા

બપોર પછીનો સમય. રાખાલ, રામ વગેરે ભક્તોની સાથે ઠાકુર મણિ સેનના દીવાનખાનામાં બેઠેલા છે. નવદ્વીપ ગોસ્વામી પ્રસાદ લઈ કિંચિત્ વિશ્રામ કરીને દીવાનખાનામાં આવીને ઠાકુરની પાસે બેઠા છે. શ્રીયુત્ મણિ સેને ઠાકુરને ગાડીભાડું આપવા માંડ્યું. ઠાકુર ત્યારે દીવાનખાનાના એક કોચ ઉપર બેઠા છે અને બોલે છે, ‘ગાડીભાડું એ લોકો (રામ વગેરે) લેશે કેમ? એ લોકો તો રોજગાર કરે છે.’

હવે ઠાકુર નવદ્વીપ ગોસ્વામીની સાથે ઈશ્વરીય વાતો કરવા લાગ્યા.

શ્રીરામકૃષ્ણ (નવદ્વીપને): ભક્તિ પાક્યે ભાવ, પછી મહાભાવ, ત્યાર પછી પ્રેમ અને છેવટે વસ્તુપ્રાપ્તિ (ઈશ્વર-દર્શન). ‘ગૌરાંગનો મહાભાવ, પ્રેમ.’

શ્રી ગૌરાંગ મહાપ્રભુ

‘આ પ્રેમ આવે તો જગત તો ભુલાઈ જવાય, પણ પોતાનું શરીર કે જે આટલું બધું પ્રિય, તેય ભુલાઈ જવાય. શ્રીગૌરાંગને એ પ્રેમ થયેલો. સમુદ્રને જોઈને (કૃષ્ણ-પ્રેમમાં) જમુના સમજીને ભૂસકો મારી દીધો! જીવ-કોટિને મહાભાવ કે પ્રેમ થાય નહિ, તેમને ભાવ (અવસ્થા) સુધી જ થાય. શ્રીગૌરાંગને ત્રણ અવસ્થા થતી, કેમ ખરું ને?

નવદ્વીપ: જી હા, અંતર્દશા, અર્ધ-બાહ્ય દશા, અને બાહ્ય દશા.

શ્રીરામકૃષ્ણ: અંતર્દશાની અવસ્થામાં તેઓ સમાધિમગ્ન થઈ રહેતા, અર્ધ બાહ્ય દશામાં માત્ર નૃત્ય કરી શકતા, બાહ્ય દશામાં તેઓ નામ-સંકીર્તન કરતા.

નવદ્વીપે તેમના છોકરાને બોલાવીને ઠાકુરની સાથે મુલાકાત કરાવી આપી. છોકરો જુવાન, શાસ્ત્રોનો અભ્યાસ કરે. તેણે ઠાકુરને પ્રણામ કર્યા.

નવદ્વીપ: એ ઘેર શાસ્ત્રોનો અભ્યાસ કરે છે. આ દેશમાં વેદ તો મળવા જ મુશ્કેલ થઈ પડ્યા હતા. મોક્ષમુલરે (મેકસમુલરે) છપાવ્યા, એટલે હવે લોકોને વાંચવા મળે છે.

પાંડિત્ય અને શાસ્ત્રો – શાસ્ત્રનો મર્મ જાણવો જોઈએ

શ્રીરામકૃષ્ણ: વધુ પડતું શાસ્ત્રો વાંચવાથી ઊલટું નુકસાન થાય.

શાસ્ત્રોનો સાર જાણી લેવો જોઈએ. ત્યાર પછી ગ્રંથોની શી જરૂર? સારભાગ જાણીને ડૂબકી દેવી જોઈએ, ઈશ્વરપ્રાપ્તિને માટે. મને માએ સમજાવી દીધો છે વેદાન્તનો સાર, કે બ્રહ્મ સત્ય, જગત મિથ્યા. ગીતાનો સાર, દશ વાર ગીતા બોલ્યે જે થાય તે. અર્થાત્ ‘ત્યાગી’, ‘ત્યાગી.’

નવદ્વીપ: બરાબર ‘ત્યાગી’ થાય નહિ, ‘તાગી’ થાય. તોય એનો અર્થ એ જ. તગ્ ધાતુ ધઞ્ (પ્રત્યય) = તાગ; એના ઉપર ઇન્ પ્રત્યય = તાગી. ‘ત્યાગી’નો જે અર્થ, તાગીનો અર્થ પણ એ જ.

શ્રીરામકૃષ્ણ: ગીતાનો સાર આઃ હે જીવ, બધું ત્યાગ કરીને ભગવાનને પામવાને માટે સાધના કર.

નવદ્વીપ: ત્યાગ કરવાનું મન ક્યાં થાય છે?

શ્રીરામકૃષ્ણ: તમે લોકો ગોસ્વામી, તમારે ઠાકોરજીની સેવા રહી છે, તમારે સંસારત્યાગ કર્યે ચાલે નહિ. તો પછી ઠાકોરજીની સેવા કોણ કરે? તમે મનથી ત્યાગ કરો. ભગવાને જ લોકોપદેશને માટે તમને સંસારમાં રાખ્યા છે. તમે ઘણુંય મનમાં ધારો ને, તોય તમે ત્યાગ કરી શકવાના નહિ. તેણે એવી પ્રકૃતિ જ તમને આપી છે કે તમારે સંસારનાં કામકાજ કરવાં જ પડે. કૃષ્ણ અર્જુનને કહે છે, ‘તું હું યુદ્ધ કરીશ નહિ’ એમ શું કહે છે? તું માત્ર ઇચ્છા કર્યે જ યુદ્ધથી અટકી શકવાનો નથી. તારી પ્રકૃતિ જ તને યુદ્ધમાં પ્રેરશે.’

સમાધિસ્થ શ્રીરામકૃષ્ણ – ગોસ્વામીનો યોગ અને ભોગ

શ્રીકૃષ્ણ અર્જુનની સાથે વાત કરી રહ્યા છે, એ વાત કહેતાં કહેતાં ઠાકુર વળી સમાધિમગ્ન થતા જાય છે. જોતજોતામાં બધું સ્થિર, ચક્ષુ પલકરહિત, શ્વાસ ચાલે છે કે નથી ચાલતો એ સમજી શકાતું નથી.

નવદ્વીપ ગોસ્વામી, તેનો પુત્ર અને ભક્તજનો નવાઈ પામી જઈને ઠાકુરની એ અવસ્થા જોઈ રહ્યા છે.

કંઈક સ્વસ્થ થઈને ઠાકુર નવદ્વીપને કહે છેઃ

‘યોગ અને ભોગ. તમે ગોસ્વામી-વંશ, તમારે બેઉ છે. હવે કેવળ ઈશ્વરને પ્રાર્થના કરો, અંતઃકરણની પ્રાર્થના, કે ‘હે ઈશ્વર, તમારી આ ભુવનમોહિની માયાનું ઐશ્વર્ય મારે જોઈએ નહિ, હું તમને માગું છું.’ ઈશ્વર તો સર્વ ભૂતોમાં છે જ, ત્યારે ભક્ત કોને કહે? જે તેમાં (ઈશ્વરમાં) રહે, જેનું મન, પ્રાણ, અંતરાત્મા બધુંય તેમાં (ઈશ્વરમાં) મગ્ન થયું હોય તેને.’

ઠાકુર હવે સહજ અવસ્થામાં આવ્યા છે. નવદ્વીપને કહે છે, ‘મારી જે આ અવસ્થા થાય (સમાધિ-અવસ્થા) તેને કોઈ કોઈ કહે છે કે રોગ. હું કહું કે જેની ચૈતન્ય-શક્તિથી જગત ચેતનવંતુ થઈ રહ્યું છે, તેનું ચિંતન કરીને શું કોઈ અચેતન થાય?’

શ્રીયુત્ મણિ સેન અભ્યાગત બ્રાહ્મણો તથા અન્ય વૈષ્ણવોને વિદાય-દક્ષિણા આપે છેઃ કોઈને રૂપિયો, કોઈને બે એ પ્રમાણે, જે જેવું માણસ.

ઠાકુરને પાંચ રૂપિયા દેવા આવ્યા. શ્રીરામકૃષ્ણ બોલી ઊઠ્યા, ‘મારાથી રૂપિયા લેવાય નહિ.’ મણિ સેન તોય પીછો છોડે નહિ.

એટલે ઠાકુર બોલ્યા, ‘જો આપો તો તમને તમારા ગુરુના સોગંદ.’ મણિ સેન વળી પાછા દેવા આવ્યા. એટલે ઠાકુર જાણે અધીરા થઈને માસ્ટરને કહે છે, ‘કેમ ભાઈ, લેવાય?’

માસ્ટરે જોરથી વાંધો ઉઠાવીને કહ્યું કે ‘જી ના, કોઈ રીતે લેવાય નહિ!’

એટલે પછી શ્રીયુત્ મણિ સેનના માણસોએ ફળ, મીઠાઈ લેવાનું નામ દઈને રાખાલના હાથમાં રૂપિયા આપ્યા.

શ્રીરામકૃષ્ણ (માસ્ટરને): મેં તો ગુરુના સોગંદ દીધા છે. આપણે હવે છુટ્ટા. રાખાલે લીધા છે એટલે હવે તે જાણે!

ઠાકુર શ્રીરામકૃષ્ણ ભક્તો સાથે ઘોડાગાડીમાં બેઠા, દક્ષિણેશ્વર-મંદિરે પાછા જવા માટે.

નિરાકાર ધ્યાન અને ઠાકુર શ્રીરામકૃષ્ણ

રસ્તામાં મોતિલાલ શીલનું દેવ-મંદિર આવ્યું. ઠાકુર માસ્ટરને ઘણા દિવસથી કહી રહ્યા હતા, આ દેવ-મંદિરનું તળાવ દેખાડવાનું, નિરાકાર-ધ્યાન શી રીતે કરવું તે શીખવવા માટે. ઠાકુરને ખૂબ શરદી થઈ ગઈ છે. તો પણ ભક્તોની સાથે દેવ-મંદિર જોવા માટે ગાડીમાંથી ઊતર્યા. દેવ-મંદિરમાં શ્રીગૌરાંગની પૂજા છે. સંધ્યાને હજી થોડી વાર છે. ઠાકુરે ભક્તો સાથે શ્રીગૌરાંગની પ્રતિમાની સન્મુખે જમીન પર માથું નમાવીને પ્રણામ કર્યા.

મોતિલાલ શીલના બેલઘરિયાના મકાનનું તળાવ

હવે દેવ-મંદિરના પૂર્વભાગમાં જે તળાવ છે તેને ઘાટે આવીને તળાવ અને તેમાંની માછલીઓને જુએ છે. ત્યાં કોઈ માછલાં મારતું નહિ. ખાવાની ચીજો નાખતાં વેંત જ મોટાં મોટાં માછલાં ટોળાંબંધ પાણીમાં ઉપર આવીને ખાય. ત્યાર પછી નિર્ભય રીતે આનંદથી ખેલ કરતાં કરતાં પાણીની અંદર ફર્યા કરે.

ઠાકુર માસ્ટરને કહી રહ્યા છે, ‘એય જુઓ, કેવી સરસ માછલીઓ! આ પ્રમાણે ચિદાનંદ-સાગરમાં આ માછલીઓની પેઠે આનંદથી ફરાય!’

Total Views: 334
ખંડ 14: અધ્યાય 1: શ્રીઠાકુર સંકીર્તનાનંદે - શ્રીઠાકુર શું શ્રી ગૌરાંગ કે?
ખંડ 15: અધ્યાય 1 : શ્રીરામકૃષ્ણ રાખાલ, માસ્ટર વગેરે સાથે બલરામના ઘરે