શ્રીરામકૃષ્ણ: જો હરિ-ભક્તિ આવે તો પછી જાતિ-વિચાર રહે નહિ. શ્રીયુત્ મણિ મલ્લિકને કહે છે કે તમે તુલસીદાસની પેલી વાત કરો તો.
મણિ મલ્લિક: ચાતક તરસથી છાતી ફાટી જાય, ગંગા, યમુના, સરયૂ વગેરે કેટલી નદીઓ અને તળાવો ભર્યાં પડ્યાં હોય, પરંતુ એ બીજું કોઈ પાણી પીએ નહિ. માત્ર સ્વાતિ નક્ષત્રના વરસાદનાં પાણીને માટે મોઢું ફાડીને રહે!
શ્રીરામકૃષ્ણ: એટલે કે ઈશ્વરનાં ચરણમાં ભક્તિ જ સારવસ્તુ, બીજું બધું ખોટું.
Problem of the untouchables – અસ્પૃશ્ય જાતિ પણ હરિનામે શુદ્ધ થાય
મણિ મલ્લિક: બીજી એક તુલસીદાસની વાત. પારસમણિ અડાડવાથી જેમ આઠે ધાતુ સોનું થઈ જાય, તેમ બધી જાત, ચમાર, ચંડાળ, સુધ્ધાં હરિ-નામ લેવાથી શુદ્ધ થાય. ‘વિના હરિ-નામ ચારોં જાત ચમાર.’
શ્રીરામકૃષ્ણ: ચામડાંને અડાય નહિ, અસ્પૃશ્ય ગણાય; પણ તેને કમાવીને ગંધ રહિત કર્યા પછી મંદિરમાં પણ લઈ જઈ શકાય.
‘ઈશ્વરનું નામ લેવાથી માણસ પવિત્ર થાય. એટલા માટે કીર્તનની ટેવ પાડવી જોઈએ. હું યદુ મલ્લિકની માને બોલેલો કે જ્યારે મોત આવશે ત્યારે આ બધા સંસાર-વહેવારના વિચારો જ આવવાના. બાયડી-છોકરાંની ચિંતા, વીલ કરવાની ચિંતા વગેરે બધા વિચારો આવવાના, ભગવાનના વિચાર આવવાના નહિ. ભગવાનના વિચાર આવવાનો ઉપાય ઈશ્વરનાં નામોનો જપ, નામ-કીર્તન વગેરેની ટેવ પાડવી, એ ટેવ જો હશે તો મરતી વખતે ભગવાનનું નામ મોઢે આવશે. પોપટને જ્યારે બિલાડી પકડે ત્યારે કેં, કેં, કેં, શબ્દો જ મોઢેથી નીકળે; ત્યારે પછી સીતા-રામ, સીતા-રામ, કે હરે-કૃષ્ણ, હરે કૃષ્ણ બોલે નહિ.
‘મૃત્યુની ઘડી માટે તૈયાર થઈ રહેવું સારું. છેવટની ઉંમરમાં નિર્જન સ્થળમાં જઈને માત્ર ઈશ્વર-ચિંતન કરવું. અને પ્રભુનું નામ લેવાનું રાખવું. હાથીને નવરાવીને જો તબેલામાં લઈ જઈને બાંધી દેવામાં આવે તો પછી એ ધૂળ, કચરો પોતાના શરીર પર ઉડાડી શકે નહિ.’
બલરામના પિતા, મણિ મલ્લિક, વેણી પાલ વગેરેની ઉંમર થઈ છે; એટલે શું ઠાકુર, ખાસ કરીને તેમના કલ્યાણને માટે, આ બધો ઉપદેશ આપે છે?
શ્રીરામકૃષ્ણ પાછા ભક્તોને સંબોધન કરીને વાતો કરે છે.
શ્રીરામકૃષ્ણ: નિર્જન સ્થળે જઈને ભગવાનનું નામ લેવાનું કહું છું શું કામ? સંસારમાં રાતદિન રહીએ એટલે અશાન્તિ હોય જ. જુઓ ને એક હાથ જમીન સારુ ભાઈભાઈમાં મારામારી ને ખૂનાખૂની! શીખો કહે કે ‘જર જમીન ને જોરુ (સ્ત્રી), એ ત્રણે કજિયાના ભેરુ!’ એ ત્રણને લીધે જ બધી અશાન્તિ ઊભી થાય.
રામચંદ્ર, સંસાર અને યોગવાશિષ્ટ – ‘મજાની કુટિ’
‘તમે સંસારમાં છો તે તેમાં બીક શી છે? રામે જ્યારે સંસાર-ત્યાગ કરવાની વાત કરી ત્યારે દશરથ ચિંતાતુર થઈને વસિષ્ઠને શરણે ગયા. વસિષ્ઠે રામને કહ્યું કે રામ, તમારે શા માટે સંસારનો ત્યાગ કરવો છે? મારી સાથે ચર્ચા કરો અને કહો કે શું ઈશ્વર સિવાયનો સંસાર છે? તમે શું છોડવાના, અથવા તમે શું લેવાના? ઈશ્વર વિના બીજું કાંઈ જ નથી. એ પરમાત્મા જ ઈશ્વર, માયા, જીવ, જગતરૂપે પ્રતીત થઈ રહેલ છે!
બલરામના પિતા: એ સમજવું બહુ જ કઠણ છે!
શ્રીરામકૃષ્ણ: સાધનાને વખતે આ સંસાર ‘ભ્રમની રચના’ ખરો, પણ જ્ઞાન-પ્રાપ્તિ થયા પછી, ઈશ્વર-દર્શન પછી, આ જ સંસાર ‘મોજની કુટિર’.
અવતારપુરુષમાં ઈશ્વર-દર્શન – અવતાર ચૈતન્ય દેવ
વૈષ્ણવ-ગ્રંથોમાં છે કે ‘શ્રદ્ધાથી મળે કૃષ્ણ, તર્ક-ચર્ચાથી બહુ દૂર.’
કેવળ શ્રદ્ધા જોઈએ!
‘કૃષ્ણકિશોરની કેવી શ્રદ્ધા! વૃંદાવનમાં કૂવામાંથી એક હલકી જાતના માણસે પાણી કાઢી આપ્યું. તેને કહે કે તું બોલ ‘શિવ’. તેણે શિવનું નામ લીધું એટલે તરત કૃષ્ણકિશોરે પાણી પીધું. એ કહેતો કે તેણે ઈશ્વરનું નામ લીધું છે, પછી વળી બીજું પ્રાયશ્ચિત્ત! એ શું!
‘એક જણ રોગ મટાડવા માટે હરિનું નામ લઈને તુલસી આપે છે એ જોઈને કૃષ્ણકિશોર તો નવાઈમાં ગરકાવ!
‘સાધુ-દર્શનની વાત નીકળતાં હલધારી (શ્રીરામકૃષ્ણની ફોઈનો દીકરો) બોલેલો કે ‘હવે એમાં તે શું જોવા જવું? પંચભૂતનું ખોડિયું!’ એ સાંભળતાં કૃષ્ણકિશોર ગુસ્સે થઈને બોલી ઊઠ્યો કે ‘હલધારી એવી વાત બોલ્યો છે! એને ખબર નથી કે સાધુનો દેહ ચિન્મય!’
કાલી-મંદિરને ઘાટે તેણે અમને કહેલું કે તમે લોકો કહો કે ‘રામ! રામ! બોલતાં બોલતાં મારા દિવસો જાય!’
‘હું કૃષ્ણકિશોરને ઘેર જેવો જતો કે મને દેખતાં જ તે નાચી ઊઠતો!
‘રામચંદ્રે લક્ષ્મણને કહેલું કે ‘ભાઈ જ્યાં જુઓ કે ઉન્માદભરી ભક્તિ છે, ત્યાં જાણજો કે હું છું.’
‘જેમ કે ચૈતન્યદેવ. ‘પ્રેમે હસે, રડે ને નાચે, ગાય.’ ચૈતન્યદેવ અવતાર; ઈશ્વર અવતરેલ!’
શ્રીરામકૃષ્ણ ગીત ગાય છેઃ
‘ભાવ થશે રે થશે, ભાવનિધિ શ્રીગૌરાંગને!
ભાવે હસે-રડે-નાચે-ગાય; ગૌર ડૂસકે ડૂસકે રડે…






