બલરામના પિતા, મણિ મલ્લિક, વેણી પાલ વગેરે જવાની રજા લે છે.

સંધ્યા પછી કાંસારી-ટોલાની હરિસભાના ભક્તો આવ્યા છે. તેમની સાથે શ્રીરામકૃષ્ણ મા માતંગની પેઠે નૃત્ય કરી રહ્યા છે. નૃત્યની પછી ભાવ-મગ્ન, બોલે છે, ‘હું થોડુંક મારી મેળે જઈશ!’

ઠાકુરની ભાવ-મગ્ન અવસ્થામાં કિશોરી પદસેવા કરવા જાય છે. શ્રીરામકૃષ્ણે કોઈને સ્પર્શ કરવા દીધો નહિ.

સંધ્યાકાળ પછી ઈશાન આવેલ છે. શ્રીરામકૃષ્ણ બેઠેલા છે, ભાવમય અવસ્થામાં. થોડીકવાર પછી તેઓ ઈશાનની સાથે વાતો કરે છે. ઈશાનની ઇચ્છા છે ગાયત્રી-પુરશ્ચરણ કરવાની.

શ્રીરામકૃષ્ણ (ઈશાનને): તમારા મનમાં જે પ્રમાણે હોય એમ જ કરો. હવે તો મનમાં સંશય નથી ને?

કલિયુગમાં નિગમનો પથ નહિ પણ આગમનો પથ

ઈશાન: મેં એક પ્રકારે પ્રાયશ્ચિત્તના જેવો સંકલ્પ કરેલો.

શ્રીરામકૃષ્ણ: આ માર્ગે (આગમોની રીતે) શું એ થાય નહિ? જે બ્રહ્મ તે જ શક્તિ, કાલી.’ મેં તો કાલી-બ્રહ્મ જાણી મર્મ, છોડ્યાં છે સર્વ ધર્માધર્મ.’

ઈશાન: ચંડીની સ્તુતિમાં છે, બ્રહ્મ જ આદ્યશક્તિ. બ્રહ્મ અને શક્તિ અભિન્ન.

શ્રીરામકૃષ્ણ: એ માત્ર મોઢેથી બોલ્યે કાંઈ વળે નહિ, એની જ્યારે ધારણા થાય ત્યારે બરાબર થાય.

સાધનાની પછી ચિત્તશુદ્ધિ થાય ત્યારે બરાબર જ્ઞાન થાય કે એ શક્તિ જ બધું કરે છે; એ જ મન, પ્રાણ, બુદ્ધિરૂપે છે, આપણે તો માત્ર યંત્ર સ્વરૂપ! ‘પંકે બદ્ધ કરો કરી, પંગુને લંઘાઓ ગિરિ.’

ચિત્તશુદ્ધિ થયે જ્ઞાન થાય કે પુરશ્ચરણ  વગેરે કર્મ એ જ કરાવે છે. ‘જેનું કર્મ, તે જ કરે, લોકો કહેશે હું એ કરું!’

ઈશ્વરનાં દર્શન થયે બધા સંશય મટી જાય. ત્યારે પછી અનુકૂળ હવા વાવા લાગે. અનુકૂળ પવન વાયે ખલાસી જેમ સઢ ચડાવી સુકાન પકડીને બેસી રહે અને ચલમ પીએ, તેમ ભક્ત નિશ્ચિંત થાય.

ઈશાન ચાલ્યા ગયા પછી શ્રીરામકૃષ્ણ માસ્ટરની સાથે એકાંતમાં વાતો કરે છે. પૂછે છે કે નરેન્દ્ર, રાખાલ, અધર, હાજરા વગેરે તમને કેમ લાગે છે, સરળ કે નહિ? અને હું તમને કેવો લાગું છું? માસ્ટર કહે છે, ‘આપ સરળ અને ગંભીર, આપને સમજવા બહુ જ કઠણ!’ શ્રીરામકૃષ્ણ હસી રહ્યા છે.

Total Views: 332
ખંડ 15: અધ્યાય 33
ખંડ 16: અધ્યાય 1 : શ્રીરામકૃષ્ણનું સિંદુરિયાપટી બ્રાહ્મ-સમાજમાં આગમન અને શ્રીયુત્ વિજયકૃષ્ણ ગોસ્વામી વગેરે સાથે વાર્તાલાપ