કાર્તિક માસના કૃષ્ણ-પક્ષની એકાદશી; ૨૬મી નવેમ્બર, ઈ.સ. ૧૮૮૩. શ્રીયુત્ મણિ મલ્લિકને ઘેર સિંદુરિયાપટી બ્રાહ્મ-સમાજનું અધિવેશન ભરાય. મકાન ચિતપુર રોડની ઉપર. પૂર્વ બાજુએ હેરિસન રોડના ચાર રસ્તા, કે જ્યાં દાડમ, પિસ્તાં, સફરજન તથા બીજા સૂકા મેવાની દુકાનો છે. ત્યાંથી કેટલીક દુકાનો ઉત્તરે. સમાજનું અધિવેશન રાજમાર્ગની બાજુના બીજા મજલા પરના હૉલમાં ભરાય. આજે સમાજનો વાર્ષિક દિવસ છે, એટલે મણિલાલે મહોત્સવ કર્યાે છે.

ઉપાસના-ગૃહ આજે આનંદપૂર્ણ. બહાર અને અંદર હરિયાળાં વૃક્ષપલ્લવો, વિવિધ પુષ્પો અને માળાઓથી સુશોભિત. ઓરડામાં ભક્તો આસન પર બેઠા બેઠા રાહ જોઈ રહ્યા છે કે ક્યારે ઉપાસના શરૂ થાય. ઓરડામાં સૌનો સમાવેશ થતો નથી એટલે કેટલાય ભક્તો પશ્ચિમ બાજુની અગાસીમાં ફરી રહ્યા છે. અથવા યોગ્ય જગ્યાએ ગોઠવેલા સુંદર બાંકડાઓ ઉપર બેઠા છે. વચ્ચે વચ્ચે ઘરમાલિક અને તેનાં સગાં આવીને મીઠા શબ્દોથી આવેલા ભક્તોનું સ્વાગત કરી રહ્યા છે. સંધ્યાની પહેલાંથી જ બ્રાહ્મ-ભક્તો આવવા લાગ્યા છે. આજે તેઓમાં એક વિશેષ કારણે ઉત્સાહ દેખાય છે. આજે શ્રીરામકૃષ્ણ પરમહંસદેવનું શુભાગમન થવાનું છે. બ્રાહ્મ-સમાજના નેતાઓ કેશવ, વિજય, શિવનાથ વગેરે ભક્તો ઉપર પરમહંસદેવ ખૂબ સ્નેહ રાખે, એટલે તેઓશ્રી પણ બ્રાહ્મ-ભક્તોને એટલા બધા પ્રિય. તેઓશ્રી હરિપ્રેમમાં મસ્ત. તેમનો પ્રેમ, તેમની જ્વલંત શ્રદ્ધા, તેમની બાળકની પેઠે ઈશ્વરની સાથે વાતચીત, ભગવાનને માટે વ્યાકુળ થઈને તેમનું રુદન, તેમની માતૃભાવે સ્ત્રીજાતિની પૂજા, તેમનો વિષયની વાતોનો ત્યાગ, તૈલધારાવત્ નિરવિચ્છન્ન ઈશ્વરકથા પ્રસંગ, તેમનો સર્વ-ધર્મ-સમન્વય અને બીજા ધર્માે પ્રત્યે દ્વેષભાવના લેશમાત્રનો અભાવ; તેમનું ઈશ્વરભક્તોને માટે રુદન, – આ બધી વસ્તુઓએ બ્રાહ્મ-ભક્તોનાં ચિત્ત આકર્ષિત કર્યાં છે. એટલે આજે ઘણા લોકો બહુ દૂરથી તેમનાં દર્શન કરવા આવ્યા છે. 

(શિવનાથ અને સત્યકથા – ઠાકુર સમાધિમંદિરમાં)

ઉપાસનાની પહેલાં શ્રીરામકૃષ્ણ શ્રીયુત્ વિજયકૃષ્ણ ગોસ્વામી અને બીજા બ્રાહ્મ-ભક્તોની સાથે સહાસ્ય વદને વાતો કરી રહ્યા છે. સમાજગૃહમાં દીવા પેટાવવામાં આવ્યા. હવે થોડા વખતમાં ઉપાસનાનો આરંભ થવાનો.

પરમહંસદેવ બોલે છે, ‘હેં ભાઈ, શિવનાથ નહિ આવે?’ એક બ્રાહ્મ-ભક્તે કહ્યુંઃ ‘ના જી, આજે તેમને ઘણું કામ છે, એટલે આવી શકશે નહિ.’ શ્રીરામકૃષ્ણ બોલ્યા, ‘શિવનાથને જોઈને મને આનંદ થાય. એ જાણે કે ભક્તિરસમાં ડૂબેલા છે. અને જેને ઘણા લોકો ગણે, માને તેનામાં જરૂર ઈશ્વરની કંઈક શક્તિ છે. પણ શિવનાથમાં એક મોટો દોષ છે. તેની વાતનું ઠેકાણું નહિ. મને કહ્યું હતું કે એક વાર ત્યાં (દક્ષિણેશ્વર કાલી-મંદિરે) આવીશ. પણ આવ્યા નહિ, અને કાંઈ સમાચાર પણ મોકલ્યા નહિ. એ સારું નહિ. એવું છે કે સત્ય એ જ કલિયુગની તપસ્યા. સત્યને આગ્રહપૂર્વક પકડી રાખીએ તો ભગવત્પ્રાપ્તિ થાય. સત્યનો આગ્રહ ન હોય તો ધીમે ધીમે બધું નાશ પામી જાય. એ વિચારીને હું જો ક્યારેય બોલી નાખું કે શૌચ જવું છે, તો હાજત ન લાગી હોય તોય એક વાર તો ઝારી લઈને ઝાઉતલા તરફ જઈ આવું; એવી બીકથી કે વખતે સત્યનો નિયમ ભાંગે તો? મારી આ અવસ્થા પછી હાથમાં ફૂલ લઈને માને કહ્યું હતું કે ‘મા! આ લો તમારું જ્ઞાન, આ લો તમારું અજ્ઞાન, મને શુદ્ધ ભક્તિ આપો. મા! આ લો તમારી પવિત્રતા, આ લો તમારી અપવિત્રતા, મને શુદ્ધ ભક્તિ આપો. મા! આ લો તમારું સારું, આ લો તમારું નરસું, મને શુદ્ધ ભક્તિ આપો. મા! આ લો તમારું પુણ્ય, આ લો તમારું પાપ, મને શુદ્ધ ભક્તિ આપો. પણ જ્યારે આ બધું બોલતો હતો ત્યારે એમ બોલી શક્યો નહિ કે મા! આ લો તમારું સત્ય, ને આ લો તમારું અસત્ય. બધું ત્યજીને માને દઈ શક્યો, પણ સત્ય ત્યજી દઈ શક્યો નહિ!’

હવે બ્રાહ્મ-સમાજની પદ્ધતિ અનુસારે ઉપાસનાનો આરંભ થયો. વેદી ઉપર આચાર્ય; સામે દીવો. ઉદ્બોધન પછી આચાર્ય પરબ્રહ્મને ઉદ્દેશીને વેદોક્ત મહામંત્રોનો ઉચ્ચાર કરવા લાગ્યા. બ્રાહ્મ-ભક્તો એ પુરાતન આર્ય ઋષિઓના મુખમાંથી નીકળેલ નામ-ગાન તેમની એ પવિત્ર રસના દ્વારા સમસ્વરે ઉચ્ચારિત કરવા લાગ્યા. બોલવા લાગ્યા :

સત્યં જ્ઞાનમનન્તં બ્રહ્મ। આનંદરૂપમમૃતં યદ્વિભાતિ।

શાન્તં શિવમદ્વૈતં શુદ્ધમપાપવિદ્ધમ્।

પ્રણવ-સંયુક્ત એ ધ્વનિ ભક્તોના હૃદયાકાશમાં પ્રતિધ્વનિત થયો. અનેકનાં અંતરમાંથી વાસનાઓ લગભગ નીકળી ગયા જેવી થઈ ગઈ. ચિત્ત ઘણું ખરું સ્થિર અને ધ્યાનપરાયણ થવા લાગ્યું. સૌનાં ચક્ષુ મીચેલાં. સૌ ક્ષણભરને માટે વેદોક્ત સગુણ બ્રહ્મનું ચિંતવન કરવા લાગ્યા.

પરમહંસદેવ ભાવમાં નિમગ્ન, કંપહીન, સ્થિર-દૃષ્ટિ, અવાક, ચિત્રમાં આલેખેલ પૂતળાની માફક બેઠા છે. આત્મા-પક્ષી આનંદે ક્યાંય વિચરણ કરી રહ્યું છે! માત્ર દેહ શૂન્ય મંદિરમાં પડી રહ્યો છે.

સમાધિની પછી થોડી વારે આંખો ઉઘાડીને ઠાકુર ચારે બાજુએ જુએ છે. જોયું તો સભા માંહેના સૌની આંખો બંધ. એ વખતે તે ‘બ્રહ્મ, બ્રહ્મ’ કહીને અચાનક ઊભા થઈ ગયા. પછી ઉપાસનાને અંતે બ્રાહ્મ-ભક્તો ખોલ, કરતાલ લઈને સંકીર્તન કરે છે. શ્રીરામકૃષ્ણ પ્રેમાનંદમાં મસ્ત થઈને તેમની સાથે જોડાયા અને નૃત્ય કરવા લાગ્યા. સહુ કોઈ મુગ્ધ થઈને એ નૃત્ય જોઈ રહ્યા છે. વિજય અને બીજા ભક્તો પણ તેમને ઘેરી વળીને નાચી રહ્યા છે. કેટલાય એ અદ્ભુત દૃશ્ય જોઈ કીર્તનાનંદનો ઉપભોગ કરીને સંસાર સંપૂર્ણપણે ભૂલી ગયા; હરિ-રસ-મધુ-પાન કરીને ક્ષણભરને માટે વિષયાનંદ ભૂલી ગયા. વિષયભોગનો રસ જાણે કડવો લાગવા મંડ્યો.

કીર્તનને અંતે સર્વે બેઠા. ઠાકુર શું બોલશે તે સાંભળવા માટે સૌ તેમને વીંટળાઈને બેઠા.

Total Views: 318
ખંડ 15: અધ્યાય 34
ખંડ 16: અધ્યાય 2 : ગૃહસ્થોને ઉપદેશ