ઈ.સ. ૧૮૮૩ના નવેમ્બરની ૨૮મી તારીખ, બુધવાર. આજ ચાર પાંચ વાગ્યાને સુમારે શ્રીરામકૃષ્ણ શ્રીયુત્ કેશવચંદ્ર સેનના કમલ-કુટિર નામને નિવાસસ્થાને ગયા હતા. કેશવ બીમાર. થોડા સમયમાં જ મર્ત્યલોક છોડી જાય એવી સ્થિતિ, કેશવને જોઈને રાત્રે સાત વાગ્યા પછી માથાઘસા ગલીમાં શ્રીયુત્ જયગોપાલ સેનને ઘેર ઠાકુર કેટલાક ભક્તો સાથે પધાર્યા છે.

જયગોપાલ સેન

ભક્તો અનેક પ્રકારના વિચાર કરી રહ્યા છે. જોઈએ છીએ તો ઠાકુર દિનરાત હરિપ્રેમમાં વિહ્વળ. તેમણે વિવાહ કર્યાે છે, પરંતુ ધર્મપત્ની સાથે સામાન્ય માણસના  જેવો સંસાર કરે નહિ. ધર્મપત્ની પર ભક્તિભાવ રાખે, તેમની પૂજા કરે, તેમની સાથે કેવળ ઈશ્વરીય વાતો કરે. વળી ભગવાનનાં ગીતો ગાય, ઈશ્વરની પૂજા કરે, ધ્યાન કરે, કોઈ જાતનો માયિક સંબંધ જ નહિ. ઠાકુર દેખે છે કે ઈશ્વર જ વસ્તુ અને બીજું બધું અવસ્તુ! પૈસા, ટકા, ધાતુનો પદાર્થ, લોટા-વાટકા વગેરેને અડકી શકતા નથી, સ્ત્રીઓને સ્પર્શ કરી શકતા નથી. અડે તો સિંગિ માછલીના ડંખ જેવો દુઃખાવો થાય. પૈસાટકા કે સોનાચાંદીનો સ્પર્શ કરે તો હાથ ઠરડાઈ જાય, વાંકો થઈ જાય, શ્વાસ બંધ થઈ જાય! છેવટે જ્યારે છોડી દે ત્યારે પાછો પહેલાંની પેઠે શ્વાસ ચાલવા લાગે!

જયગોપાલ સેનનું મકાન (હાલનું દૃશ્ય)

ભક્તો વિચાર કરી રહ્યા છે : શું સંસારનો ત્યાગ કરવો જોઈએ? ભણવા-ગણવાની વધુ જરૂર શી? જો વિવાહ ન કરીએ તો નોકરી તો કરવી ન પડે. શું માબાપનો પણ ત્યાગ કરવો જોઈએ? અને મેં તો વિવાહ કર્યાે છે. સંતાન થયેલ છે. કુટુંબનું ભરણપોષણ કરવું જોઈએ. મારું શું થશે? મને પણ ઇચ્છા થાય છે કે દિનરાત હરિપ્રેમમાં જ મગ્ન થઈ રહું. શ્રીરામકૃષ્ણને જોઉં છું ને વિચાર આવે છે કે હું શું કરી રહ્યો છું? આ ઠાકુર રાતદિવસ તેલની ધારની પેઠે અખંડ ઈશ્વરચિંતન કરી રહ્યા છે અને હું રાતદિવસ વિષયચિંતનની પાછળ દોડ્યા કરું છું! એક માત્ર એમનું જ દર્શન, મેઘથી ઘેરાયેલ આકાશમાં એક જગાએ જરાક પ્રકાશરૂપ છે. હવે જીવન-સમસ્યાનો કઈ રીતે ઉકેલ લાવવો?

એમણે તો પોતે કરી દેખાડ્યું. તો પછી હજુ પણ સંદેહ?

ભાંગી રેતીનો બંધ, પૂરીએ મનની આશ! શું ખરેખર આ રેતીનો બંધ? જો ઈશ્વર ઉપર એવો પ્રેમ આવે તો પછી આ બધી ગણતરી આવે નહિ. જો ગંગામાં પૂર આવે તો તેને કોણ રોકી શકે? જે પ્રેમનો ઉદય થવાથી શ્રીગૌરાંગે કૌપીન ધારણ કર્યું હતું, જે પ્રેમથી ઈશુ અનન્યચિત્ત થઈને વનવાસી થયા હતા, અને પ્રેમમય પ્રભુને માટે દેહત્યાગ કર્યાે હતો, જે પ્રેમથી બુદ્ધ રાજભોગનો ત્યાગ કરીને વૈરાગી થયા હતા, એ પ્રેમનું એક બિંદુ જો આવે તો આ અનિત્ય સંસાર ક્યાંય પડ્યો રહે! 

વારુ, જેઓ દુર્બળ, જેમનામાં એ પ્રેમનો ઉદય થયો નથી, જેઓ સંસારી જીવ, જેમના પગમાં માયાની બેડી, તેમને માટે શો ઉપાય? જોઈએ, આ પ્રેમી વૈરાગી શું કહે છે? 

ભક્તો એ પ્રમાણે વિચાર કરી રહ્યા છે. ઠાકુર જયગોપાલના દીવાનખાનામાં ભક્તો સાથે બેઠેલા છે. સામે જયગોપાલ, તેનાં સગાંસંબંધીઓ અને પાડોશીઓ બેઠા છે. એક પાડોશી ભાઈ વાદ કરવા સારુ તૈયાર. આગળ પડતા થઈને તેણે જ વાતચીત શરૂ કરી. જયગોપાલના ભાઈ વૈકુંઠ પણ છે.

(ગૃહસ્થાશ્રમ અને શ્રીરામકૃષ્ણ)

વૈકુંઠ – અમે સંસારી માણસો, અમને કાંઈક કહો.

શ્રીરામકૃષ્ણ – ઈશ્વરને ઓળખીને, એક હાથ ઈશ્વરનાં ચરણકમળમાં રાખીને, બીજે હાથે સંસારનું કામકાજ કરો.

વૈકુંઠ – મહાશય, સંસાર શું મિથ્યા?

શ્રીરામકૃષ્ણ – જ્યાં સુધી ઈશ્વરને ઓળખી ન શકાય ત્યાં સુધી મિથ્યા. ત્યારે તેને ભૂલી જઈને માણસ ‘મારું, મારું’ કરે, માયામાં બંધાઈને કામ-કાંચનમાં મુગ્ધ થઈને વધારે અને વધારે ડૂબતો જાય. માણસ માયામાં એવી રીતે અજ્ઞાની થઈને રહે કે છૂટવાનો રસ્તો હોય છતાં છૂટી શકે નહિ.

એક ગીત છે : ‘એવી મહામાયાની માયા, રાખ્યો છે શો ભેદ કરી;

બ્રહ્મા-વિષ્ણુ ભાન ભૂલ્યા, જીવો તે શું જાણી શકે?

ખાડો કરી પાંજરું મૂકો, મત્સ્ય તેમાં પ્રવેશ કરે,

નીકળવાનો માર્ગ છતાં મીન નવ નાસી શકે.

રેશમનો કીડો કોશ કરે, ધારે તો તે શકે છૂટી,

મહામાયાથી બદ્ધ કીડો પોતાની જાળમાં પોતે મરે.’

તમે તો જાતે જ જુઓ છો કે સંસાર અનિત્ય, જુઓને કેટલાં માણસો આવ્યાં અને ગયાં! કેટલાંય જન્મ્યાં, કેટલાંય મર્યાં! સંસાર આ ઘડીએ છે અને બીજી ઘડીએ નથી, અનિત્ય! જેમને આટલાં ‘મારાં મારાં’ કરો છો તે બધાંય આંખ મીંચાવાની સાથે જ તમારાં કોઈ નથી. બીજું કોઈ ન હોય છતાં દીકરાના દીકરા સારુ અટકી જઈને કાશીએ ન જવાય. કહેશે મારા હરિયાનું શું થાય? નીકળવાનો માર્ગ છતાં, મીન ન નાસી શકે. કીડો પોતાની જાળમાં પોતે મરે. એ પ્રમાણે સંસાર મિથ્યા; અનિત્ય.

પાડોશી – મહાશય! એક હાથ ઈશ્વરમાં અને બીજો હાથ સંસારમાં શા માટે? જો સંસાર અનિત્ય, તો પછી એક હાથ પણ સંસારમાં શું કામ રાખવો?

શ્રીરામકૃષ્ણ – ઈશ્વરને ઓળખીને સંસારમાં રહીએ તો એ અનિત્ય નથી! એક ગીત સાંભળો –

‘મન તું ખેતી-કામ ન જાણે,

આવી માનવ-જમીન રહી છે પડી, ખેતી કર્યે પાકત સોનું…

કાલી-નામની દે રે તું વાડ, પાક-ખરાબી જરી થાય ના;

એ તો મુક્ત-કેશીની સખ્ત વાડ, તેને અડીને જમ જાયે ના…

આજ નહીં તો કાલે રે મન! બધું હરાશે જાણે ના,

હવે સમજી પોતે રે મન! એકધારે, જોર લગાવી પાક લણ્યે જા.

ગુરુદા બીજ વાવણી કરી, ભક્તિ-વારી પાઈ દે ને;

એકલો કરી ન શકે તો મન, રામપ્રસાદને સંગે લે ને…

Total Views: 342
ખંડ 16: અધ્યાય 10 : બ્રાહ્મ-સમાજ અને વેદના દેવતા - ગુરુગીરી નીચબુદ્ધિ
ખંડ 16: અધ્યાય 12 : ગૃહસ્થાશ્રમમાં ઈશ્વરપ્રાપ્તિ - ઉપાય