(અમૃત – કેશવનો મોટો પુત્ર – દયાનંદ સરસ્વતી)

ઠાકુર શ્રીરામકૃષ્ણનું જરા મીઠું મોઢું કરાવવાનું છે. કેશવનો મોટો દીકરો પાસે આવીને બેઠો છે. 

અમૃત કહે છે : ‘આ મોટો દીકરો. આપ આશીર્વાદ આપો. એ શું? માથે હાથ મૂકીને આશીર્વાદ આપો.’

ઠાકુર શ્રીરામકૃષ્ણ બોલ્યા : ‘મારાથી આશીર્વાદ અપાય નહિ.’ 

એમ કહીને હસતાં હસતાં છોકરાને શરીરે હાથ ફેરવવા લાગ્યા.

અમૃત (સહાસ્ય) – વારુ, ત્યારે શરીરે હાથ ફેરવો. (સૌનું હાસ્ય). 

ઠાકુર અમૃત વગેરે બ્રાહ્મ-ભક્તોની સાથે કેશવની વાતો કરે છે.

શ્રીરામકૃષ્ણ (અમૃત વગેરેને) – ‘રોગ મટી જાઓ’, અને એવી વાતો મારાથી બોલી શકાતી નથી. એવી શક્તિ મેં માની પાસે માગીયે નથી. હું માને માત્ર એટલું જ કહું કે મા, મને શુદ્ધ ભક્તિ આપો!

‘(કેશવ) શું જેવા તેવા માણસ? જેઓ પૈસાવાળા તેઓ પણ તેમને માને, તેમ વળી સાધુ પણ માને. દયાનંદ (સરસ્વતી) ને જોયા હતા. એ વખતે તે એક બગીચામાં ઊતર્યા હતા. કેશવ સેન, કેશવ સેન કરીને આતુર થઈ ગયા હતા, કે ક્યારે કેશવ આવે! તે દિવસે, મને લાગે છે કે, કેશવને મળવા જવાની વાત થઈ હશે.

દયાનંદ સરસ્વતી

દયાનંદ બંગાળી ભાષાને કહેતા ગૌડાન્ડ ભાષા.

એમ લાગે છે કે કેશવ હોમ અને દેવતાને માનતા નહિ. એટલે દયાનંદ બોલેલા કે ‘ઈશ્વરે આટલી બધી વસ્તુઓ બનાવી છે અને દેવતા બનાવી શકે નહિ?’

ઠાકુર કેશવના શિષ્યો પાસે કેશવની પ્રશંસા કરે છે.

શ્રીરામકૃષ્ણ – કેશવ છીછરી બુદ્ધિના નથી. તેમણે ઘણાયને કહ્યું છે, ‘જાઓ, તમારી જે કાંઈ શંકા હોય તે ત્યાં (દક્ષિણેશ્વર) જઈને પૂછો.’ મારોય સ્વભાવ એવો. હું કહું કે કેશવ હજીયે કરોડગણા મહાન થાઓ! હું માન લઈને શું કરું? 

‘કેશવ મોટા માણસ! જેઓ પૈસાવાળા, તેઓ પણ તેને માને; વળી સાધુઓ પણ માને.

ઠાકુર જરા મીઠું મોઢું કરીને હવે ગાડીમાં બેસવાના છે. બ્રાહ્મ-ભક્તો તેમને ગાડીમાં ચડાવવા સાથે આવે છે. 

દાદર પરથી ઊતરતી વખતે ઠાકુરે જોયું તો નીચે દીવો ન હતો. એટલે અમૃત વગેરે ભક્તોને કહે છે, ‘આ બધી જગાએ દીવો કરીને સારી રીતે અજવાળું રાખવું જોઈએ. અજવાળું ન હોય તો દારિદ્ર્ય આવે. હવે પછી એમ ન થાય એ જોજો.’

ઠાકુર એક બે ભક્તોની સાથે કાલી-મંદિરે જવા રવાના થયા.

Total Views: 348
ખંડ 16: અધ્યાય 9 : કેશવ સાથે વાર્તાલાપ - ઈશ્વરની ઇસ્પિતાલમાં આત્માની ચિકિત્સા
ખંડ 16: અધ્યાય 11 : શ્રીયુત્ જયગોપાલ સેનને ઘેર શુભાગમન