રવિવાર ૯મી ડિસેમ્બર, ઈ.સ. ૧૮૮૩. ૨૪, માગશર સુદ દશમ. બપોરના બે વાગ્યા હશે. ઠાકુર શ્રીરામકૃષ્ણ પોતાના ઓરડામાં નાની પાટ ઉપર બેસીને ભક્તોની સાથે હરિ-કથા કરી રહ્યા છે. અધર, મનોમોહન, ઠનઠનિયાનો શિવચંદ્ર, રાખાલ, માસ્ટર, હરીશ વગેરે ઘણાય ભક્તો બેઠેલા છે. હાજરા પણ એ વખતે ત્યાં (કાલી-મંદિરમાં) રહે છે. ઠાકુર મહાપ્રભુ શ્રી ગૌરાંગની અવસ્થાનું વર્ણન કરી રહ્યા છે.

(ભક્તિયોગ – સમાધિતત્ત્વ અને મહાપ્રભુની અવસ્થા – હઠયોગ અને રાજયોગ)

શ્રીરામકૃષ્ણ (ભક્તોને) – ચૈતન્યદેવની ત્રણ અવસ્થા થતી. 

એક બાહ્યદશા : એ અવસ્થામાં સ્થૂલ અને સૂક્ષ્મ શરીરમાં તેમનું મન રહેતું. 

બીજી અર્ધ-બાહ્યદશા : એ અવસ્થામાં તેમનું મન કારણ શરીરમાં, કારણાનંદમાં રહેતું. 

ત્રીજી અંતર્દશા : એ અવસ્થામાં મન મહાકારણમાં લીન થતું.

વેદાંતના પંચ-કોશની સાથે આનો બહુ મજાનો મેળ છે. સ્થૂલ શરીર એટલે અન્નમય અને પ્રાણમય કોશ. સૂક્ષ્મ શરીર એટલે મનોમય અને વિજ્ઞાનમય કોશ, કારણ શરીર એટલે આનંદમય કોશ, મહાકારણ પંચ-કોશથી અતીત. મહાકારણમાં જ્યારે મન લીન થતું ત્યારે એ સમાધિસ્થ થતા. એનું જ નામ નિર્વિકલ્પ યા જડ સમાધિ.

ઠનઠનિયાનું સિદ્ધેશ્વરી કાલી મંદિર

ચૈતન્યદેવની જ્યારે બાહ્યદશા થતી ત્યારે નામ-સંકીર્તન કરતા. અર્ધ-બાહ્યદશામાં ભક્તો સાથે નૃત્ય કરતા, અંતર્દશામાં સમાધિસ્થ રહેતા.

માસ્ટર (સ્વગત) – ઠાકુર આ રીતે પોતાની જ બધી અવસ્થાઓ સૂચિત કરે છે કે શું? ચૈતન્યદેવને પણ એમ જ થતું.

શ્રીરામકૃષ્ણ – ચૈતન્ય(દેવ) ભક્તિનો અવતાર. જીવોને ભક્તિ શીખવવા સારુ આવ્યા હતા. જો ઈશ્વર ઉપર ભક્તિ આવે તો તો બધું થઈ ગયું. પછી હઠયોગની કશી જરૂર નહિ.

એક ભક્ત – જી, હઠયોગ કેવો હોય?

શ્રીરામકૃષ્ણ – હઠયોગમાં શરીર ઉપર વધારે મન રાખવું પડે, શરીરની અંદરનો ભાગ ધોવા સારુ વાંસની નળી ગુહ્યદ્વારમાં મૂકે; લિંગ વડે, દૂધ, ઘી ઉપર ખેંચે, જિહ્વા-સિદ્ધિનો અભ્યાસ કરે, આસન લગાવીને ક્યારેક શૂન્યમાં અદ્ધર ઊઠે. એ બધું વાયુનું કાર્ય. એક જણે જાદુગરનો ખેલ દેખાડતાં દેખાડતાં તાળવાની અંદર જીભનો પ્રવેશ કરાવી દીધો. એથી તરત જ તેનું શરીર સ્થિર થઈ ગયું. માણસોએ માન્યું કે તે મરી ગયો, એટલે તેમના ઉપર સમાધિ ચણી દીધી. કેટલાંય વરસ સુધી તે એ અવસ્થામાં રહ્યો. પછી ઘણાં વરસે એ માણસને અચાનક ચેતના આવી. ચેતના આવતાંની સાથે જ એ જોરથી બૂમ પાડવા લાગ્યો કે ‘લાગ નજર! લાગ નજર! (સૌનું હાસ્ય). એ બધું વાયુનું કાર્ય.

વેદાંતવાદીઓ હઠયોગમાં માને નહિ! હઠયોગ અને રાજયોગ. રાજયોગમાં મન દ્વારા યોગ થાય. ભક્તિ દ્વારા, વિચાર દ્વારા પણ યોગ થાય. એ યોગ જ સારો, હઠયોગ સારો નહિ. કળિયુગમાં પ્રાણનો આધાર અન્ન ઉપર, તેથી.

Total Views: 358
ખંડ 16: અધ્યાય 12 : ગૃહસ્થાશ્રમમાં ઈશ્વરપ્રાપ્તિ - ઉપાય
ખંડ 17: અધ્યાય 2 : ઠાકુરની તપશ્ચર્યા - ઠાકુરનો આત્મીયગણ અને ભવિષ્યનું મહાતીર્થ