ઠાકુર શ્રીરામકૃષ્ણ નોબતખાનાની બાજુએ રસ્તામાં ઊભા છે. જુએ છે તો નોબતખાનાની ઓસરીમાં એક બાજુએ બેસીને, વાડની પાછળ, મણિ ગંભીર વિચારમાં મગ્ન! શું એ ઈશ્વરચિંતન કરી રહ્યા છે? ઠાકુર શૌચ ગયા હતા. હાથ-મોઢું ધોઈને અહીં આવીને ઊભા.

શ્રીરામકૃષ્ણ – કેમ ભાઈ, અહીં બેઠા છો! તમને જલદી (ઈશ્વર-પ્રાપ્તિ) થશે. એક જરાક (સાધના) કરશો કે તરત  જ કોઈક કહી દેશે કે આ, આ! 

ચક્તિ થઈને મણિ ઠાકુરની સામે જોઈ રહ્યા છે. હજી આસન પરથી ઊઠ્યા નથી.

શ્રીરામકૃષ્ણ – તમારો સમય પાકી ગયો છે. પક્ષી ઈંડું ફોડવાનો સમય થયા વિના ઈંડું ફોડે નહિ. જે ‘ઘર’ તમને કહ્યું છે તે જ ‘ઘર’ તમારું છે. એમ કહીને ઠાકુરે મણિને વળી પાછું ‘ઘર’ કહી દીધું. (ઘર એટલે આધ્યાત્મિક સત્તા).

‘સૌ કોઈને ખૂબ તપશ્ચર્યા કરવી પડે જ એવુંય નથી. પણ મને બહુ જ જહેમત ઉઠાવવી પડેલી. (ભીની) માટીનો ઢગલો માથા ઉપર મૂકીને પડ્યો રહેતો, દિવસ ક્યાંનો ક્યાં નીકળી જતો તે ખબર પડતી નહિ. કેવળ ‘મા, મા,’ કહીને પુકારતો અને રુદન કરતો.

મણિ ઠાકુરની પાસે આશરે બે વરસથી આવ્યા કરે છે. અંગ્રેજી ભણેલા છે. ઠાકુર તેમને ક્યારેક ક્યારેક ‘ઇંગ્લિશ-મેન’ કહેતા. કૉલેજમાં ભણ્યા છે, વિવાહ કર્યાે છે. 

મણિને કેશવ સેન તથા બીજા વિદ્વાનોનાં લેક્ચર સાંભળવાનું, અંગ્રેજી દર્શન અને વિજ્ઞાનનો અભ્યાસ કરવાનું બહુ ગમે. પણ ઠાકુરની પાસે આવ્યા પછી યુરોપીય વિદ્વાનોના ગ્રંથો કે અંગ્રેજી અથવા બીજી ભાષાનાં લેક્ચરો તેને ફિક્કાં લાગે છે. હવે કેવળ ઠાકુરને રાતદિન જોવાની અને તેમના શ્રીમુખની વાતો સાંભળવાની લગની લાગી છે. 

આજકાલ મણિ ઠાકુરની એક વાત પર હંમેશાં વિચાર કરી રહ્યા છે. ઠાકુર કહે છે કે સાધના કરે તો જરૂર ઈશ્વરને જોઈ શકાય. ઉપરાંત કહે છે કે ‘ઈશ્વર-દર્શન જ મનુષ્ય-જીવનનું ધ્યેય.’

શ્રીરામકૃષ્ણ – જરાક (સાધન) કરશો કે તરત કોઈક બતાવી દેશે કે આ, આ. તમારે એકાદશી કરવી. તમે લોકો મારા પોતાના છો, કુટુંબી. નહિતર આટલા બધા આવો શા માટે? કીર્તન સાંભળતાં સાંભળતાં રાખાલને જોયો કે તે વ્રજ-મંડલની અંદર રહેલો છે. નરેન્દ્રનું ખૂબ ઊંચું ‘ઘર’. અને હીરાનંદ? તેનો કેવો બાળકના જેવો ભાવ. તેનો સ્વભાવ કેવો મધુર? તેને મળવાની ઇચ્છા થાય છે.

(પૂર્વકથા – ગૌરાંગના અંતરંગ – તુલસીકાનન – સેજોબાબુની સેવા)

‘ગૌરાંગના અંતરંગ ભક્તોને જોયા હતા. ભાવ-અવસ્થામાં નહિ, આ ખુલ્લી આંખે! અગાઉ એવી અવસ્થા હતી કે ખુલ્લી આંખે બધાં દર્શન થતાં! પણ હવે ભાવ-અવસ્થામાં થાય!

‘ખુલ્લી આંખે ગૌરાંગના અંતરંગ ભક્તોને જોયા હતા. તેમની અંદર જાણે કે તમનેય જોયા હતા; અને બલરામનેય જોયા હતા.’

‘કોઈકને જોઈને સડાક કરતોને ઊભો થઈ જાઉં શા માટે, ખબર છે? નિકટના સગાને લાંબે વખતે જોવાથી એ પ્રમાણે થાય.’

‘રોઈ રોઈને માને કહેતો, ‘મા, ભક્તો સારુ મારું મન વ્યાકુળ થાય છે. માટે તેમને જલદી મારી પાસે લાવી દો.’ મનમાં જે જે ધારતો, તે પ્રમાણે જ થતું. 

પંચવટીમાં તુલસી-વન બનાવ્યું હતું, જપધ્યાન કરવા માટે. તેને ફરતી વાંસની વાડ કરી લેવાની બહુ ઇચ્છા થઈ. ઘડીક પછી જોયું તો ગંગામાં ભરતીના પાણીમાં કેટલાક વાંસના કટકાની ભારી, એક છરી તથા સીંદરીનું ફીંડલું બરાબર પંચવટીની સામે જ તણાઈ આવીને કાંઠે પડ્યાં છે. મંદિરનો એક માળી ભર્તાભારી નામે હતો, તેણે નાચતાં નાચતાં આવીને ખબર દીધા.

‘મારી જ્યારે એ અવસ્થા થઈ, ત્યાર પછી પૂજા કરવાનું બનતું નહિ. માને કહ્યું, ‘મા! મને કોણ સંભાળશે? મારી તો એવી શક્તિ નથી કે જેથી હું પોતાની સંભાળ રાખી શકું.અને તમારી કથા સાંભળવાની ઇચ્છા થાય છે, ભક્તોને ખવરાવવાની ઇચ્છા થાય છે, કોઈ અતિથિ-અભ્યાગત સામે આવી પડે તો તેને કંઈક દેવાની ઇચ્છા થાય છે. એ બધું મા, કેમ કરીને થશે?’ માટે તમે એક મોટો માણસ મારી પાછળ આપો. એટલે તો મથુરબાબુએ આટલી સેવા કરી.

‘એ ઉપરાંત માને કહ્યું કે ‘મા, મારે તો છોકરાંછૈયાં થવાનાં નથી, પણ ઇચ્છા થાય છે કે એક શુદ્ધ ભક્ત-બાલક મારી સાથે હંમેશાં રહે. માટે એક છોકરો મને આપો. એટલે તો રાખાલ આવ્યો. જેઓ જેઓ મારા આત્મીય, તેઓમાંથી કોઈ અંશ તો કોઈ કલા.’

ઠાકુર વળી પાછા પંચવટી તરફ જાય છે. સાથે માસ્ટર છે. એ સિવાય બીજું કોઈ નથી. ઠાકુર સહાસ્ય વદને તેમની સાથે જુદી જુદી વાતો કરી રહ્યા છે.

(પૂર્વકથા – અદ્ભુત મૂર્તિદર્શન – વટવૃક્ષની ડાળ)

શ્રીરામકૃષ્ણ (માસ્ટરને) – જુઓ, એક દિવસ જોયું તો કાલી-મંદિરથી તે પંચવટી સુધી એક અદ્ભુત મૂર્તિ! એ તમને માનવામાં આવે?

માસ્ટર આશ્ચર્યચકિત થઈ ગયા!

તે પંચવટીના ઝાડની ડાળીમાંથી એકબે પાંદડાં લઈને ખીસામાં મૂકે છે.

શ્રીરામકૃષ્ણ – આ ડાળી પડી ગઈ છે તે જુઓ છો ને? એની નીચે હું બેસતો.

માસ્ટર – હું એની એક નાની ડાળખી તોડીને લઈ ગયો છું. ઘેર રાખી મૂકી છે.

શ્રીરામકૃષ્ણ (સહાસ્ય) – શા માટે?

માસ્ટર – જોઈને આનંદ થાય. બધું પતી ગયા પછી આ સ્થાન મહાન તીર્થ થવાનું!

શ્રીરામકૃષ્ણ (સહાસ્ય) – કેવી જાતનું તીર્થ? પેનેટીના જેવું?

પાણિહાટિ (પેનેટી)માં મોટા મોટા સમારંભપૂર્વક રાઘવ પંડિતનો મહોત્સવ થાય, ઠાકુર શ્રીરામકૃષ્ણ લગભગ દરેક વર્ષે એ મહોત્સવ જોવા જતા અને સંકીર્તન મંડળીની વચમાં પ્રેમાનંદમાં આવીને નૃત્ય કરતા. જાણે કે શ્રીગૌરાંગ ભક્તોનું આહ્વાન સાંભળીને સ્થિર ન રહી શકવાથી પોતે જ આવીને સંકીર્તનની મધ્યમાં પ્રેમમૂર્તિ દેખાડી રહ્યા ન હોય!

Total Views: 363
ખંડ 17: અધ્યાય 1 : ઠાકુર શ્રીરામકૃષ્ણ દક્ષિણેશ્વરના કાલીમંદિરમાં ભક્તો સંગે
ખંડ 17: અધ્યાય 3 : હરિકથા પ્રસંગે