માગસર પૂર્ણિમા અને સંક્રાંતિ; શુક્રવાર, ૧૪મી ડિસેમ્બર, ઈ.સ. ૧૮૮૩. સમય અંદાજ નવ વાગ્યાનો. ઠાકુર શ્રીરામકૃષ્ણ તેમના ઓરડાના દરવાજા પાસે દક્ષિણ-પૂર્વની ઓસરીમાં ઊભેલા છે. પાસે રામલાલ ઊભેલ છે. રાખાલ, લાટુ નજીકમાં જ આમતેમ હતા. મણિએ આવીને જમીન પર માથું નમાવીને પ્રણામ કર્યા.

ઠાકુર બોલી ઊઠ્યા, ‘આવ્યા છો કે? આજે બહુ સારો દિવસ છે!’ મણિ ઠાકુરની પાસે થોડાક દિવસ રહેવાના છે, સાધના કરવા સારુ. ઠાકુર અગાઉ બોલ્યા છે કે થોડુંક કંઈક કરશો એટલે કોઈક કહી આપશે કે આ, આ.

ઠાકુરે મણિને કહી દીધું છે કે અહીં અતિથિશાળાનું સદાવ્રતનું અન્ન તમારે રોજ ખાવું ઉચિત નહિ. એ સાધુ-ભિખારીઓને માટે થયું છે. તમે તમારી રસોઈ કરવા સારુ એક માણસ લેતા આવજો. એટલે મણિ સાથે એક માણસને લાવેલ છે.

મણિની રસોઈ ક્યાં થવાની? તેમને દૂધ બાંધવાનું છે. ઠાકુરે રામલાલને, દૂધવાળાને કહીને દૂધનો બંદોબસ્ત કરી દેવાનું કહ્યું. 

શ્રીયુત્ રામલાલ અધ્યાત્મ-રામાયણ વાંચે છે અને ઠાકુર સાંભળે છે. મણિ પણ બેસીને સાંભળે છે.

રામચંદ્ર સીતાને પરણીને અયોધ્યા તરફ આવે છે. માર્ગમાં પરશુરામની સાથે મુલાકાત થઈ. રામે શિવનું ધનુષ ભાંગ્યું છે એ સાંભળીને પરશુરામે રસ્તામાં બહુ જ ગડબડ મચાવવા માંડી. દશરથ તો ભયથી આકુળવ્યાકુળ. પરશુરામે બીજું એક ધનુષ રામની તરફ છૂટું ફેંક્યું અને એ ધનુષની દોરી ચડાવવાનું કહ્યું. રામે સહેજ હસીને ડાબે હાથે ધનુષ પકડ્યું અને પ્રત્યંચા ચડાવીને ટંકાર કર્યાે! ધનુષમાં બાણ ચઢાવીને પરશુરામને કહ્યું ‘હવે આ બાણ ક્યાં છોડું, કહો?’ પરશુરામનો ગર્વ ઊતરી ગયો. તે શ્રીરામને પરબ્રહ્મ કહીને સ્તુતિ કરવા લાગ્યા. પરશુરામની સ્તુતિ સાંભળતાં સાંભળતાં ઠાકુર ભાવ-મગ્ન! વચ્ચે વચ્ચે ‘રામ, રામ’ એ નામ મધુર કંઠે ઉચ્ચારણ કરી રહ્યા છે.

શ્રીરામકૃષ્ણ (રામલાલને) – થોડીક નિષાદરાજ ગુહકની વાત વાંચ જો.

રામચંદ્ર જ્યારે પિતાના વચનની ખાતર વનમાં ગયા ત્યારે ગુહરાજને મોટી નવાઈ લાગી હતી. રામલાલ ભક્તમાળ વાંચે છે :

નયને ગળે ધારા, મન અતિ વ્યાકુળ, અતોલ,

ચમકીને જોઈ રહે, મુખે ના’વે બોલ…

નિમેષ નવ પડે, એક દૃષ્ટે જોઈ રહ્યો,

કાષ્ઠની પૂતળી સમો, જડ સ્થિર ઊભો રહ્યો.

ત્યાર પછી ધીરે ધીરે રામની પાસે જઈને બોલ્યા : ‘મારા ઘરમાં પધારો’. રામચંદ્રે તેને ‘મિત’ (મિત્ર) કહીને આલિંગન આપ્યું. ગુહરાજ તેમને એ વખતે આત્મ-સમર્પણ કરતાં બોલે છે :

‘ગુહ કહે સારું સારું, તમે મારા મિત્ર; તમને સોંપ્યો દેહ, પ્રાણ સહિત. 

તમે મારું સર્વસ્વ, પ્રાણ, ધન, રાજ્ય; તમે મારી ભક્તિ, મુક્તિ, તમે શુભ કાર્ય. 

વારી જાઉં હું મિત્ર, તવ કારણે; દેહ સમર્પ્યાે મિત્ર, તવ ચરણે.’

રામચંદ્ર ચૌદ વરસ વનમાં રહેવાના છે અને જટા-વલ્કલ ધારણ કરવાના છે એ સાંભળીને ગુહે પણ જટા-વલ્કલ ધારણ કર્યાં, ફળમૂળ સિવાય બીજા આહારનો ત્યાગ કર્યાે. ચૌદ વરસ પૂરાં થઈ ગયાં છતાં રામ આવતા નથી એ જોઈને ગુહ અગ્નિ-પ્રવેશ કરવા તૈયાર થાય છે. એટલામાં હનુમાને આવીને રામના આવવાના ખબર આપ્યા. એ સમાચાર મળતાં ગુહરાજ મહાઆનંદમાં તરવા લાગ્યા. રામચંદ્ર અને સીતા પુષ્પક વિમાનમાં આવી પહોંચ્યાં. એ પછીનું વર્ણન :

દયાળ પરમાનંદ, પ્રેમાધીન રામચંદ્ર ભક્તવત્સલ ગુણધામ;

પ્રિય ભક્તરાજ ગુહ, નિહાળી પુલકે દેહ, હૃદયે લીધા પ્રિયતમ.

ગાઢ આલિંગન ગ્રહે, પ્રભુ ભૃત્ય લાગી રહે, અશ્રુજળે બંને અંગ ભીંજે.

ધન્ય ગુહ મહાશય, ચારે બાજુ જયજય કોલાહલથી પૃથ્વી ગાજે.

(કેશવ સેનનો યદૃચ્છાલાભ – ઉપાય – તીવ્ર વૈરાગ્ય અને સંસારત્યાગ)

જમ્યા પછી ઠાકુર શ્રીરામકૃષ્ણ જરા આરામ કરી રહ્યા છે. પાસે માસ્ટર બેઠા છે. એ વખતે શ્યામ ડૉક્ટર અને બીજા કેટલાક માણસો આવીને હાજર થયા. 

ઠાકુર શ્રીરામકૃષ્ણ ઊઠીને બેઠા અને વાતો કરવા લાગ્યા.

શ્રીરામકૃષ્ણ – કર્મ ઠેઠ છેવટ સુધી કરવાં જોઈએ એવું નથી. ઈશ્વર-પ્રાપ્તિ થાય તો પછી કર્માે કરવાનાં રહે નહિ. ફળ બેસે એટલે ફૂલ એની મેળે જ ખરી પડે.

‘જેને ઈશ્વર-પ્રાપ્તિ થાય તેને સંધ્યા વગેરે કર્માે રહેતાં નથી. સંધ્યાનો ગાયત્રીમાં લય થાય. એ પછી ગાયત્રીનો જપ કરે એટલે બસ. અને ગાયત્રીનો ૐકારમાં લય થાય. એ વખતે પછી આખી ગાયત્રી બોલવાની જરૂર ન રહે. માત્ર ૐ બોલે એટલે બસ. સંધ્યા વગેરે કર્માે કેટલા દિવસ? જ્યાં સુધી હરિ-નામ કે રામ-નામ સાંભળતાં રોમાંચ ન થાય અને અશ્રુધારા ન પડે ત્યાં સુધી. પૈસા ટકા સારુ, કે કોર્ટમાં મુકદ્દમો જીતવા સારુ પૂજા વગેરે કર્માે કરાવવાં એ સારું નહિ.

એક ભક્ત – પૈસા-ટકાને માટેનો પ્રયાસ તો સહુ કોઈ કરે છે એમ દેખાય છે. કેશવ સેને કેવી પોતાની દીકરી એક રાજાની સાથે વરાવી?

શ્રીરામકૃષ્ણ – કેશવની વાત જુદી. જે ખરેખરો ભક્ત હોય, તે પ્રયાસ ન કરે તોય ઈશ્વર તેને બધું મેળવી આપે. જે ખરેખરો રાજાનો કુંવર હોય તેને ખરચી મળી જ રહે. વકીલ-બકીલની વાત નથી કરતો, કે જેઓ મહેનત કરીને, માણસોની નોકરી કરીને પૈસા લાવે. મારું કહેવાનું છે કે ખરેખરો રાજાનો કુંવર, કે જેને કશી કામના ન હોય, તે પૈસા-ટકાની ઇચ્છા રાખે નહિ. પૈસા એની મેળે આવે. ગીતામાં કહ્યું છે કે ‘યદૃચ્છા-લાભ!’

‘સદ્બ્રાહ્મણ કે જેને કોઈ કામના ન હોય, તે ગમે તેનું સીધું લઈ શકે, ‘યદૃચ્છા-લાભ.’ તે યાચના કરતો નથી, પણ એની મેળે મળી રહે.’

એક ભક્ત – જી, સંસારમાં કેવી રીતે રહેવું જોઈએ?

શ્રીરામકૃષ્ણ – કાદવી માછલીની પેઠે રહેવું. ઘરસંસારથી અલગ થઈ, એકાંત નિર્જન સ્થાનમાં જઈ, વચ્ચે વચ્ચે ઈશ્વર-ચિંતન કરવાથી ઈશ્વરમાં ભક્તિ આવે. પછી અલિપ્ત રહીને સંસારમાં રહી શકાય. કાદવ હોય, કાદવની અંદર રહેવું પડે, છતાં શરીરે કાદવ લાગે નહિ. પછી એ માણસ અનાસક્ત થઈને સંસારમાં રહે.

ઠાકુર જુએ છે કે મણિ બેઠા બેઠા એક-ધ્યાનથી બધું સાંભળી રહ્યા છે.

શ્રીરામકૃષ્ણ (મણિને જોઈને) – તીવ્ર વૈરાગ્ય આવે ત્યારે ઈશ્વરને પામી શકાય. જેને તીવ્ર વૈરાગ્ય આવે તેને લાગે કે સંસાર દાવાનળ જેવો, સળગી રહ્યો છે; બૈરી-છોકરાં મોટા અંધારિયા કૂવા જેવાં જણાય. એવો વૈરાગ્ય જો બરાબર આવે તો ઘરનો ત્યાગ થઈ જાય, માત્ર અનાસક્ત થઈને રહે એટલું જ નહિ. કામિની-કાંચન જ માયા. માયાને જો ઓળખી જઈએ તો એ એની મેળે શરમાઈને નાસી જાય. એક જણ વાઘનું ચામડું ઓઢીને બીજાને બિવડાવતો ફરતો હતો. એક જણને બિવડાવવા ગયો ત્યાં તે બોલી ઊઠ્યો, ‘અરે તને હું ઓળખી ગયો છું, તું તો આપણો હરિયો!’ એ સાંભળતાં પેલો બિવડાવનારો હસતો હસતો ચાલ્યો ગયો, ને બીજા માણસને બિવડાવવા ગયો.

‘જેટલી સ્ત્રીઓ છે, તે સર્વે શક્તિરૂપે છે. એ આદ્યશક્તિ જ સ્ત્રી થઈને સ્ત્રી-રૂપ ધારણ કરીને રહી છે. અધ્યાત્મ-રામાયણમાં છે : નારદ વગેરે રામની સ્તુતિ કરે છે કે હે રામ! જેટલા પુરુષો છે એ બધા તમે, અને પ્રકૃતિનાં જેટલાં રૂપો છે તે બધાં સીતાએ ધારણ કર્યાં છે. તમે ઇન્દ્ર, સીતા ઇન્દ્રાણી; તમે શિવ, સીતા શિવાની; તમે નર, સીતા નારી. વધુ શું કહીએ? જ્યાં જ્યાં પુરુષ ત્યાં ત્યાં તમે; જ્યાં જ્યાં સ્ત્રી ત્યાં સીતા.

(ત્યાગ અને પ્રારબ્ધ – વામાચાર સાધના માટે ઠાકુરનો નિષેધ)

‘(ભક્તોને) ઇચ્છા કરતાંની સાથે જ ત્યાગ કરી શકાય નહિ. પ્રારબ્ધ, સંસ્કાર, એ બધાં પાછાં રહ્યાં છે ને? એક રાજાને એક સાધુએ કહ્યું કે રાજા, તું મારી પાસે જંગલમાં રહીને ઈશ્વરનું ચિંતન કર. રાજાએ કહ્યું : ઘણેભાગે એ નહિ બને, કારણ કે હું જંગલમાં રહી શકું, પરંતુ મારે હજીયે પ્રારબ્ધ-ભોગ બાકી છે. એટલે જો હું જંગલમાં રહું, તો કદાચ ત્યાં પણ એક રાજ્ય ખડું થઈ જાય! મારે હજી પ્રારબ્ધનો ભોગ બાકી છે.

‘નટવર પાંજા જ્યારે નાનો હતો ત્યારે આ બગીચામાં ગાયો ચારતો. પણ તેનો ઘણો પ્રારબ્ધનો ભોગ બાકી હતો. એટલે અત્યારે તેલની મિલ (એરંડિયું) કાઢીને ખૂબ પૈસા કમાયો છે. આલમ-બજારમાં તેલની મિલનો ધંધો ખૂબ ચલાવે છે!

‘એક સંપ્રદાય એવો છે કે તેમાં સ્ત્રીઓને સાથે લઈને સાધના કરે. કર્તાભજા સંપ્રદાયની વામાચારી સ્ત્રીઓની મંડળીમાં મને એક વાર લઈ ગયા હતા. એ બધી મારી પાસે આવીને બેઠી. હું તેમને ‘મા, મા’ કહેવા લાગ્યો. એટલે તેઓ અંદરોઅંદર બોલવા લાગી કે ‘આ તો હજી પ્રવર્તક છે. હજીયે ઘાટ ઓળખતા નથી!’ એ લોકોના મતમાં કાચી અવસ્થાને કહે પ્રવર્તક. ત્યાર પછી સાધક, ત્યાર પછી સિદ્ધોનો સિદ્ધ.

‘એક સ્ત્રી વૈષ્વણચરણની પાસે જઈને બેઠી. વૈષ્ણવચરણને પૂછતાં તેણે કહ્યું કે એનો બાલિકા-ભાવ!’

‘સ્ત્રી-ભાવે (માશુક-ભાવે) સાધના કરવાથી જલદી પતન થાય. માતૃભાવ શુદ્ધભાવ.’

કાંસારિ-પાડાના ભક્તો ઊઠ્યા અને બોલ્યા, ‘ત્યારે હવે અમે રજા લઈશું; મા કાલીનાં અને બીજા બધા દેવતાઓનાં દર્શન કરીશું.’

Total Views: 339
ખંડ 17: અધ્યાય 4 : સેવક-હૃદયમાં
ખંડ 17: અધ્યાય 6 : ઠાકુર શ્રીરામકૃષ્ણ અને મૂર્તિપૂજા - વ્યાકુળતા અને ઈશ્વર-પ્રાપ્તિ