શુકલ પક્ષ, ચંદ્રમાનો ઉદય થયો છે. મણિ કાલી-મંદિરના ઉદ્યાનમાર્ગ પર પગ મોકળો કરી રહ્યા છે. માર્ગની એક બાજુએ શ્રીરામકૃષ્ણનો ઓરડો, નોબતખાનું, બકુલતળું અને પંચવટી. બીજી બાજુએ ભાગીરથી, જ્યોત્સનામય.

મણિ પોતાની મેળે કાંઈક બોલી રહ્યા છે : ‘ખરેખર શું ઈશ્વર-દર્શન કરી શકાય? ઠાકુર શ્રીરામકૃષ્ણ તો એમ કહે છે. તે બોલ્યા કે એક જરાક કાંઈક કર્યે, કોઈક આવીને કહી દેશે કે આ, આ! અર્થાત્ જરાક સાધનાની વાત કરી. વારુ, વિવાહ થયો છે, છોકરાંછૈયાં થયાં છે, તે છતાંય શું ભગવત્પ્રાપ્તિ કરી શકાય? (જરા વિચાર કર્યા પછી) જરૂર કરી શકાય. જો એમ ન હોય તો ઠાકુર કહે છે શું કરવા? તેમની કૃપા હોય તો શા માટે ન થાય?’

‘આ જગત રહ્યું સામે. સૂર્ય, ચંદ્ર, નક્ષત્રો, જીવો, ચોવીસ તત્ત્વો, એ બધાં કેવી રીતે થયાં, આનો કર્તા કોણ અને હુંય તેમાં કોણ, એ જાણ્યા વગરનું જીવન વૃથા!’

‘ઠાકુર શ્રીરામકૃષ્ણ પુરુષોમાં શ્રેષ્ઠ. આવો મહાપુરુષ આજ સુધી આ જગતમાં દેખાયો નથી. એમણે જરૂર ઈશ્વરને જોયો છે. એમ ન હોય તો ‘મા, મા,’ કરીને રાતદિવસ કોની સાથે વાતો કરે છે? અને એમ ન હોય તો ઈશ્વરની ઉપર એમને આટલો બધો પ્રેમ કેવી રીતે થયો? એટલો બધો પ્રેમ કે બાહ્ય જ્ઞાનરહિત થઈ જાય! સમાધિમગ્ન, જડની જેમ થઈ જાય! વળી ક્યારેક પ્રેમમાં ઉન્મત્ત થઈ જઈને હસે, રડે ને નાચે, ગાય!’

Total Views: 310
ખંડ 17: અધ્યાય 3 : હરિકથા પ્રસંગે
ખંડ 17: અધ્યાય 5 : મણિ, રામલાલ, શ્યામ ડાક્ટર, કાંસારિપાડાના ભક્તો