ઠાકુર શ્રીરામકૃષ્ણ મણિની સાથે પશ્ચિમ તરફની ગોળ ઓસરીમાં બેઠેલા છે. સામે દક્ષિણવાહી ભાગીરથી. નજીકમાં જ કરેણ, બીલી, જૂઈ, ગુલાબ, ગુલમહોર વગેરે તરેહ તરેહનાં ફૂલોથી શોભીતાં પુષ્પવૃક્ષો. સમય દસ વાગ્યાનો.

આજ રવિવાર, માગસર વદ બીજ; તારીખ ૧૬મી ડિસેમ્બર, ૧૮૮૩. ઠાકુર મણિને જુએ છે અને ગીત ગાય છે :

‘તારવો જો’શે મા, હું થયો છું શરણાગત; 

થઈ રહ્યો છું જાણે પાંજરાના પંખીવત્…

અસંખ્ય અપરાધી હું તો, જ્ઞાનહીન ભમું છું તો; 

માયાથી મોહિત થઈ, વત્સ ખોઈ ગાયવત્.’

(રામચિંતન – સીતાની જેમ વ્યાકુળતા)

‘કેમ? પાંજરાના પંખીવત્ થવું શા માટે? હેક્! થૂ!’ 

એમ બોલતાં બોલતાં જ ભાવ-મગ્ન! શરીર, મન બધું સ્થિર; અને નેત્રોમાંથી ધારા.

થોડીવાર પછી બોલે છે, ‘મા, સીતાની જેમ કરી દો. એકદમ બધું ભુલાઈ જાય. દેહ ભુલાઈ જાય, યોનિ, હાથ, પગ, સ્તન, કોઈ બાજુએ હોશ નહિ. કેવળ એક જ વિચાર, ક્યાં રામ!’

અંતરમાં કેવી વ્યાકુળતા આવ્યે ઈશ્વર-પ્રાપ્તિ થાય, એ મણિને શીખવવા સારુ જ શું ઠાકુરને સીતાનું ઉદ્દીપન થયું? સીતાનું રામમય જીવન, રામ-ચિંતન કરી કરીને પાગલ જેવી! દેહ કે જે આટલો બધો પ્રિય, એય ભૂલી ગઈ છે!

બપોર પછી ચાર વાગી ગયા છે. ઠાકુર શ્રીરામકૃષ્ણ ભક્તો સાથે તેમના ઓરડામાં બેઠા છે. જનાઈના મુખર્જી બાબુ નામે એક જણ આવ્યા છે. એ શ્રીયુત્ પ્રાણકૃષ્ણની જ્ઞાતિના. તેમની સાથે એક શાસ્ત્રજ્ઞ બ્રાહ્મણ મિત્ર. મણિ, રાખાલ, લાટુ, હરીશ, યોગીન વગેરે ભક્તોય છે.

યોગીન દક્ષિણેશ્વર ગામના સાવર્ણ-ચૌધરીના ચિરંજીવી. તેઓ આજકાલ લગભગ રોજ સાંજે ઠાકુરનાં દર્શને આવે અને રાત્રે ચાલ્યા જાય. યોગીને હજી સુધી વિવાહ કર્યાે નથી.

મુખર્જી (પ્રણામ કરીને) – આપનાં દર્શન થવાથી મને બહુ જ આનંદ થયો.

શ્રીરામકૃષ્ણ – ઈશ્વર સૌની અંદર છે. સૌ કોઈની અંદર એ જ સોનું છે, માત્ર ક્યાંક વધુ પ્રગટ! સંસારમાં ખૂબ ધૂળમાં દટાયેલું!

મુખર્જી (હસીને) – મહારાજ, ઇહલોક, પરલોકમાં શું ફરક?

શ્રીરામકૃષ્ણ – સાધનાને સમયે ‘નેતિ નેતિ’ કરીને ત્યાગ કરવો જોઈએ. પરંતુ ઈશ્વર-પ્રાપ્તિ થયા પછી સમજાય કે ઈશ્વર જ બધું થયેલ છે.

‘જ્યારે રામચંદ્રને વૈરાગ્ય આવ્યો ત્યારે દશરથ રાજા બહુ જ ચિંતાતુર થઈને વસિષ્ઠ-મુનિને શરણે ગયા, કે જેથી રામ સંસાર-ત્યાગ ન કરે. વસિષ્ઠ રામચંદ્રની પાસે ગયા અને જોયું તો એ ઉદાસ થઈને બેઠા છે, અંતરમાં તીવ્ર વૈરાગ્ય. વસિષ્ઠે કહ્યું, ‘રામ, તમે સંસાર-ત્યાગ કરવાના છો શા માટે? સંસાર શું ઈશ્વરથી બહાર? તમે મારી સાથે ચર્ચા કરો.’ ત્યારે રામે જોયું કે સંસાર એ પરબ્રહ્મમાંથી જ થયેલ છે. એટલે પછી ચૂપ થઈ ગયા.

‘જેમ કે જે વસ્તુમાંથી છાશ, એ જ વસ્તુમાંથી માખણ. ત્યારે પછી એ જ થયું કે છાશનું જ માખણ, ને માખણની જ છાશ! ખૂબ મહેનતે માખણ કાઢ્યું, (એટલે કે બ્રહ્મજ્ઞાન થયે); ત્યારે પછી દેખાય કે માખણ છે તો છાશ પણ છે; જ્યાં માખણ થયું છે ત્યાં છાશ પણ થઈ છે. બ્રહ્મ છે એવો બોધ છે, તો જીવ, જગત, ચોવીસ મૂળ તત્ત્વોય છે.

(બ્રહ્મજ્ઞાનનો એકમાત્ર ઉપાય)

‘બ્રહ્મ એ શું વસ્તુ, એ મોઢેથી બોલી બતાવી શકાય નહિ. બધી વસ્તુઓ એઠી થઈ ગઈ છે (એટલે કે મોઢેથી બોલી બતાવાઈ છે), પરંતુ બ્રહ્મ શું, એ કોઈ પણ મોઢેથી બોલી શક્યું નથી. એટલે એઠું થયું નથી. આ વાત વિદ્યાસાગરને કહી હતી; એ સાંભળીને એ બહુ રાજી થયેલા!

‘વિષય-વાસના લેશમાત્ર હોય તો બ્રહ્મજ્ઞાન થાય નહિ. કામિની-કાંચન, મનમાં જરાય રહેવાં ન જોઈએ, તો બ્રહ્મજ્ઞાન થાય. ગિરિરાજ હિમાલયને પાર્વતીએ કહ્યું, ‘પિતાજી, બ્રહ્મજ્ઞાનની જો ઇચ્છા હોય તો તો સાધુસંગ કરો.’

ઠાકુર શું કહી રહ્યા છે કે સંસારી વ્યક્તિ કે સંન્યાસી, જો કામિની-કાંચનને  સાથે લઈને રહે તો બ્રહ્મજ્ઞાન થાય નહિ?

(યોગભ્રષ્ટ – બ્રહ્મજ્ઞાન પછી સંસાર)

શ્રીરામકૃષ્ણ વળી મુખર્જીને ઉદ્દેશીને કહે છે :

‘તમારે ધન સંપત્તિ છે અને છતાં ઈશ્વરને યાદ કરો છો એ બહુ સારું. ગીતામાં કહ્યું છે કે જેઓ યોગભ્રષ્ટ હોય તેઓ જ ભક્ત થઈને ધનવાનને ઘેર જન્મે.’

મુખર્જી (મિત્ર પ્રત્યે હસીને) – શુચીનાં શ્રીમતાં ગેહે યોગભ્રષ્ટોઽભિજાયતે।

શ્રીરામકૃષ્ણ – ઈશ્વરની ઇચ્છા હોય તો જ્ઞાનીને સંસારમાંય રાખી શકે. એમની ઇચ્છાથી જીવ-જગત થયું છે. એ તો ઇચ્છામય.

મુખર્જી (હસીને) – ઈશ્વરને વળી ઇચ્છા શી? એને શું કશાનો અભાવ છે?

શ્રીરામકૃષ્ણ (હસીને) – એમાં ખોટું પણ શું? પાણી સ્થિર રહે તોય પાણી, અને મોજાં ઊઠે તોય પાણી.

(જીવજગત શું મિથ્યા છે?)

સાપ ગૂંચળું વળીને છાનોમાનો પડ્યો હોય તોય સાપ, તેમ વળી વાંકોચૂંકો થઈને ચાલતો હોય તોય એ જ સાપ.

‘શેઠ જ્યારે આરામમાં, કંઈ પણ કામ વગર બેઠેલા હોય ત્યારે જે વ્યક્તિ છે, કામકાજ કરવા લાગ્યા હોય ત્યારે પણ એ જ વ્યક્તિ છે.

‘જીવ-જગતને બાદ કરો કેવી રીતે? તો તો પછી વજન ઓછું થઈ જાય! બીલાનું કોચલું તથા બિયાં બાદ કરી નાખ્યે, બીલા આખાનું વજન મળે નહિ.

‘બ્રહ્મ અલિપ્ત. વાયુમાં સુગંધ-દુર્ગન્ધ બેઉ આવે, પરંતુ વાયુ અલિપ્ત. બ્રહ્મ અને શક્તિ અભિન્ન. એ આદ્યશક્તિમાંથી જ જીવ જગત થયેલાં છે.’

(સમાધિયોગના ઉપાય – ક્રંદન – ભક્તિયોગ અને ધ્યાનયોગ)

મુખર્જી – યોગભ્રષ્ટ શા માટે થતો હશે?

શ્રીરામકૃષ્ણ – ‘પેટમાં હતો, યોગમાં હતો, બહાર આવીને ખાધી ધૂળ;

કાપી સુયાણીએ પેટની નાળ, (પણ) કાપવી શાથી માયાની જાળ?’

‘કામિની-કાંચન જ માયા. મનમાંથી આ બે ગયાં એટલે યોગ. આત્મા – પરમાત્મા લોહચુંબક, જીવાત્મા જાણે કે એક સોય. પરમાત્મારૂપી લોહચુંબકે તાણી લીધી એટલે યોગ. પણ સોય પર જો ગારો, કીચડ ચોટેલો હોય તો લોહચુંબક તાણે નહિ. ધૂળ, ગારો કાઢીને સાફ કરી નાખ્યે, વળી પાછો તાણે. ‘કામિની-કાંચનરૂપી ધૂળ સાફ કરવી જોઈએ.’

મુખર્જી – એ કેવી રીતે સાફ થાય?

શ્રીરામકૃષ્ણ – ઈશ્વરને માટે આતુર થઈને રુદન કરો. એ પાણી ધૂળને ધોઈ ધોઈને કાઢી નાખશે. જ્યારે ખૂબ સાફ થશે ત્યારે લોહચુંબક તાણી લેશે; યોગ તે વખતે જ થશે.

મુખર્જી – વાહ, શી સરસ વાત!

શ્રીરામકૃષ્ણ – ઈશ્વર માટે રડી શકાય તો દર્શન થાય, સમાધિ થાય. યોગમાં સિદ્ધ થવાની સાથે જ સમાધિ. (ઈશ્વરને માટે) રુદન કર્યે કુંભક એની મેળે થાય; ત્યાર પછી સમાધિ.

‘બીજું એક છે ધ્યાન :સહસ્રારમાં (મસ્તકની અંદર ટોચે) શિવ વિશેષરૂપે રહેલ છે, તેમનું ધ્યાન. શરીર જાણે કે શકોરું, મન બુદ્ધિ જાણે કે જળ. એ જળમાં સચ્ચિદાનંદ-સૂર્યનું પ્રતિબિંબ પડે છે. એ પ્રતિબિંબ-સૂર્યનું ધ્યાન કરતાં કરતાં એમની કૃપાથી, સત્ય-સૂર્યનું દર્શન થાય.

(સાધુસંગ કરો અને મુખત્યારનામું આપો)

‘પરંતુ સંસારી માણસોને સાધુ-સંગની હંમેશાં જરૂર. જરૂર સૌને છે. સંન્યાસીનેય જરૂર; તોય સંસારીઓને ખાસ કરીને. રોગ તો લાગુ પડેલો જ છે, કામિની-કાંચનની વચમાં હંમેશાં રહેવું પડે.

મુખર્જી – જી હાં, રોગ લાગેલો જ છે.

શ્રીરામકૃષ્ણ – ઈશ્વરને મુખત્યારનામું આપી દો. એની ઇચ્છા હોય તેમ કરે. તમે તો બિલાડીનાં બચ્ચાંની પેઠે માત્ર ઈશ્વરને બોલાવ્યે જ જાઓ, આતુર થઈને. બચ્ચાંની મા તેને ગમે ત્યાં રાખે, બચ્ચું એ કાંઈ જાણે નહિ; ક્યારેક પથારી ઉપર મૂકી આવે તો ક્યારેક રસોડામાં.

(પ્રવર્તક શાસ્ત્ર વાંચે – સાધના પછી દર્શન)

મુખર્જી – ગીતા વગેરે શાસ્ત્રો વાંચવાં સારાં.

શ્રીરામકૃષ્ણ – એકલું વાંચ્યે કે સાંભળ્યે શું વળે? કોઈએ દૂધ વિશે સાંભળ્યું છે, કોઈએ દૂધ જોયું છે, ને કોઈએ દૂધ પીધું છે; તેમ જ ઈશ્વર વિશે. તેનાં દર્શન કરી શકાય, ને વળી તેની સાથે વાતચીતેય કરી શકાય.

પ્રથમ કહેવાય પ્રવર્તક. તે (ઈશ્વર વિશે) વાંચે, સાંભળે. ત્યાર પછી સાધક. એ ભગવાનને બોલાવે, ધ્યાન, ચિંતન કરે, નામ-ગુણ-કીર્તન કરે. ત્યાર પછી સિદ્ધ. એણે પરમાત્માનાં દર્શન કર્યાં છે, બોધસ્વરૂપ આત્મામાં બોધસ્વરૂપ આત્માનો અનુભવ કર્યાે છે. ત્યાર પછી સિદ્ધોનો સિદ્ધ; જેમ કે ચૈતન્યદેવની અવસ્થા. તેમનો ક્યારેક વાત્સલ્ય, તો ક્યારેક મધુર-ભાવ.

મણિ, રાખાલ, યોગિન, લાટુ વગેરે ભક્તો આશ્ચર્યચકિત થઈને આ બધી દેવદુર્લભ તત્ત્વ-કથા સાંભળી રહ્યા છે.

હવે મુખર્જી જવાને તૈયાર થયા. તેઓ પ્રણામ કરીને ઊભા થયા. ઠાકુર પણ જાણે કે તેમના સન્માન માટે ઊઠીને ઊભા થયા.

મુખર્જી (હસીને) – આપને વળી ઊભું થવું ને બેસવું!

શ્રીરામકૃષ્ણ (હસીને) – પણ વળી ઊભા થવામાં ને બેસવામાં વાંધોય શું? પાણી સ્થિર રહે તોય એ જ પાણી, અને હાલેચાલે તોય એ જ પાણી. પવનમાં ઊડતા એઠા પાતળની જેમ પવન જ્યાં વાય ત્યાં જાય. હું યંત્ર, તમે યંત્ર ચલાવનાર ઈશ્વર.

Total Views: 289
ખંડ 17: અધ્યાય 8 : દક્ષિણેશ્વરમાં ગુરુરૂપી શ્રીરામકૃષ્ણ અંતરંગ ભક્તો સાથે
ખંડ 17: અધ્યાય 10 : શ્રીરામકૃષ્ણનું દર્શન અને વેદાંતની ગૂઢ વ્યાખ્યાઓ - અદ્વૈતવાદ, વિશિષ્ટાદ્વૈતવાદ - જગત શું મિથ્યા છે?