Identity of the Undifferentiated and Differentiated

જનાઈના મુખર્જી ભાઈઓ ચાલ્યા ગયા. મણિ વિચાર કરી રહ્યા છે કે વેદાંત-દર્શન પ્રમાણે ‘બધું સ્વપ્નવત્’. ત્યારે, જીવ, જગત, હું, એ બધું શું મિથ્યા?

મણિએ જરા જરા વેદાંત વાંચ્યું છે. તેમ વળી વેદાંતના અસ્પષ્ટ પડઘા જેવા કાન્ટ, હેગલ વગેરે જર્મન પંડિતોના વિચારોનો પણ જરા અભ્યાસ કર્યાે છે. પરંતુ ઠાકુર શ્રીરામકૃષ્ણ તો નબળા માણસની પેઠે તર્ક-વિતર્ક કરવા બેસતા નથી. એમને તો જગદંબાએ બધું દેખાડી (Revelation – Transcendental Perception – God-Vision) દીધું છે!

મણિ એ જ વિચાર કરી રહ્યા છે.

થોડી વાર પછી ઠાકુર શ્રીરામકૃષ્ણ પશ્ચિમની ગોળ ઓસરીમાં મણિની સાથે એકલા વાતચીત કરી રહ્યા છે. સન્મુખે ગંગા કલકલ સ્વરે દક્ષિણ તરફ વહી રહી છે. શિયાળો છે. સૂર્યનારાયણ હજી દેખાય છે દક્ષિણ-પશ્ચિમ ખૂણે. જેમનું જીવન વેદમય, જેમના શ્રીમુખથી નીકળેલાં વાક્યો વેદાંત-વાક્યો, જેમના શ્રીમુખ દ્વારા શ્રીભગવાન વાતો કરે, જેમનું કથામૃત લઈને વેદ, વેદાંત, શ્રીભાગવત ગ્રંથસ્વરૂપ ધારણ કરે, એ અહેતુક કૃપાસિંધુ પુરુષ ગુરુ-રૂપ ધારણ કરીને વાતો કરી રહ્યા છે.

મણિ – જગત શું મિથ્યા?

શ્રીરામકૃષ્ણ – મિથ્યા શેનું? એ બધી તત્ત્વ-વિચારની વાતો. 

પહેલાં પહેલાં, ‘નેતિ નેતિ’ એમ તત્ત્વ-વિચાર કરતી વખતે પરમાત્મા જીવ નથી, જગત નથી, ચોવીસ તત્ત્વો નથી એમ થઈ જાય; ‘આ બધું સ્વપ્નવત્’ થઈ જાય. ત્યાર પછી અનુલોમ-વિલોમ, ત્યારે પરમાત્મા જ જીવ-જગત થઈ રહ્યા છે એવો અનુભવ થાય.

‘તમે પગથિયાં ચડી ચડીને અગાસીએ પહોંચ્યા. પણ જ્યાં સુધી અગાસીનું જ્ઞાન છે ત્યાં સુધી પગથિયાં પણ છે. જેને ઊંચાનું જ્ઞાન છે તેને નીચાનું જ્ઞાન પણ છે.

પછી અગાસીએ ચડીને જોયું તો દેખાયું કે જે વસ્તુમાંથી અગાસી બની છે, ટ, ચૂનો, કાંકરી વગેરે; તેમાંથી જ પગથિયાં બન્યાં છે.

‘અને જેમ બીલાંની વાત કહી ગયો છું તેમ 

‘જેને અટલનું જ્ઞાન છે તેને ટલનું જ્ઞાન પણ છે.’

‘પણ અહં કેમેય જાય નહિ. ‘અહં’ રૂપી ઘટ જ્યાં સુધી રહેલ છે, ત્યાં સુધી જીવ-જગત પણ રહેલ છે. પરમાત્માની પ્રાપ્તિ થયે ‘દેખાય’ કે પરમાત્મા જ જીવ-જગત થઈ રહ્યા છે, એકલા વિચારથી થાય નહિ!

‘શિવની બે અવસ્થા. તે જ્યારે સમાધિમગ્ન, મહાયોગની અવસ્થામાં બેઠેલા હોય, ત્યારે આત્મારામ! વળી એ અવસ્થામાંથી જ્યારે નીચે ઊતરી આવે, જરાક અહં રહે, ત્યારે ‘રામ’ ‘રામ’ કહેતા કહેતા નૃત્ય કરે!

ઠાકુર શિવની અવસ્થાનું વર્ણન કરીને શું પોતાની જ અવસ્થાને સાનમાં સમજાવી રહ્યા છે?

સંધ્યા થઈ. ઠાકુર જગદંબાનું નામ લે છે અને તેમનું ચિંતન કરે છે. ભક્તો પણ અલગ અલગ એકાંત જગાએ જઈને સૌ પોતપોતાનું ધ્યાન વગેરે કરવા લાગ્યા. આ બાજુ દેવ-મંદિરોમાં, મા કાલીના મંદિરમાં, શ્રીરાધાકાંતના મંદિરમાં, અને બાર શિવ-મંદિરોમાં આરતી થવા લાગી.

આજે કૃષ્ણપક્ષની બીજ. સંધ્યાની જરાક વાર પછી ચંદ્રોદય થયો. એ ચંદ્ર-પ્રકાશે મંદિર-શિખરો પર, ચારે બાજુએ તરુ-લતા પર અને મંદિરની પશ્ચિમ બાજુએ વહેતાં ભાગીરથીનાં જળ પર પડીને અપૂર્વ શોભા ઉત્પન્ન કરી. એ વખતે પેલા પૂર્વ-પરિચિત ઓરડામાં શ્રીરામકૃષ્ણ બેઠેલા છે. મણિ જમીન પર બેઠેલા છે. મણિએ સાંજે વેદાંત વિશે જે વાતો કાઢેલી તે જ વિષય શ્રીરામકૃષ્ણે ઉપાડ્યો છે.

(બધું ચિન્મય દર્શન – મથુરને ખજાનચીએ પત્ર લખ્યો)

શ્રીરામકૃષ્ણ (મણિને) – જગત મિથ્યા શા માટે? એ બધી તર્ક-વિચારની વાતો. પરમાત્માનાં દર્શન થાય તો સમજાય કે તેઓ પોતે જ જીવ-જગત થઈ રહેલ છે.

‘મંદિરની અંદર મને માતાજીએ બતાવ્યું છે કે મા પોતે જ આ બધું થઈ રહેલ છે. બધું ચિન્મય! પ્રતિમા ચિન્મય! વેદી ચિન્મય! આચમની! પંચપાત્ર ચિન્મય! બારશાખ ચિન્મય! આરસની લાદીઓ, બધું જ ચિન્મય!

‘ઓરડાની અંદર જોઉં તો જાણે બધુંય રસમય થઈ રહેલું છે, સચ્ચિદાનંદ-રસથી!

‘કાલીમંદિરની સામે એક દુરાચારીને જોયો. પરંતુ તેની અંદરેય એ જ પરમાત્માની શક્તિ ઝળહળી રહી છે એમ જોયું!

‘એટલે તો ભોગની પૂરીઓ બિલાડીને ખવરાવી દીધેલી. જોયું તો મા જ બધું થઈ રહેલ છે, બિલાડી સુધ્ધાં! એ જોઈને મંદિરના ખજાનચીએ સેજોબાબુ (મથુરબાબુ)ને કાગળ લખેલો કે ‘ભટ્ટાચાર્યજી મહાશય દેવતાના નૈવેદ્યની પૂરીઓ બિલાડીને ખવરાવે છે!’ મથુરબાબુ મારી અવસ્થા સમજતા. કાગળના જવાબમાં તેમણે લખ્યું કે ‘એ ગમે તેમ કરે, તમારે એમને કાંઈ કહેવું નહિ.’

ઈશ્વર-પ્રાપ્તિ થયે આ બધું ખરેખર ‘દેખાય’ કે એ પોતે જ જીવ, જગત, ચોવીસ-તત્ત્વો થઈ રહેલ છે.

‘પરંતુ જો ઈશ્વર ‘અહં’ બિલકુલ જ ભૂંસી નાખે, તો પછી શી અવસ્થા થાય એ મોઢેથી કહી શકાય નહિ.

જેમ રામપ્રસાદ કહે છે ને કે ‘ત્યારે પછી મા, તું સારી કે હું સારો એ તું જ જાણે!’

‘મારી એ અવસ્થાય ક્યારેક ક્યારેક થાય.

‘વિચાર કરી કરીને એક પ્રકારનું સમજાય, અને ઈશ્વર જ્યારે બતાવી દે ત્યારે બીજી રીતે દેખાય.

Total Views: 269
ખંડ 17: અધ્યાય 9 : શ્રીરાખાલ, લાટુ, જનાઈના મુખર્જી વગેરે ભક્તો સાથે
ખંડ 17: અધ્યાય 11 : જીવનનો ઉદ્દેશ ઈશ્વર-દર્શન - ઉપાય પ્રેમ