સમય થઈ ગયો છે. ઘરધણી રસોઈ તૈયાર કરાવીને પરમહંસદેવને જમાડવાના છે, એટલે બધા જ કામમાં પડી ગયા છે. એ ઘરના અંદરના ભાગમાં ગયા છે અને જમવાની તૈયારી અને વ્યવસ્થા જુએ છે.

જમવાનો વખત થયો છે તેથી ઠાકુર પણ ઉતાવળા થયા છે. ઓરડાની અંદર જરા પગ છૂટો કરી રહ્યા છે. મુખ પર હાસ્ય. વચ્ચે વચ્ચે કેશવ કીર્તનકારની સાથે વાત કરે છે.

(ઈશ્વર કર્તા પણ કર્મ માટે જીવનું દાયિત્વ છે – Responsibility)

કેશવ (કીર્તનકાર) – ‘કરણ અને કારણ’ બન્ને તો ઈશ્વર જ છે. દુર્યાેધને જેમ કહ્યું હતું કે – ત્વયા હૃષીકેશ હૃદિ સ્થિતેન યથા નિયુક્તોડસ્મિ તથા કરોમિ।

(હે કૃષ્ણ! હૃદયમાં અંતર્યામીરૂપે રહીને તમે જેમ કરાવો છો તેમ કરું છું.)

શ્રીરામકૃષ્ણ (હસીને) – હા. તે જ બધું કરાવે છે ખરું. એ જ કર્તા, માણસો માત્ર યંત્ર જેવા. 

તેમ વળી એ પણ ખરું કે કર્મફળ છે ને છે. મરચાં ખાઓ તો જરૂર પેટમાં બળતરા થાય. ઈશ્વરે જ નિયમ કહી દીધો છે કે મરચાં ખાધે તીખું લાગશે. પાપ કરો તેનું ફળ ભોગવવું પડે.

પરંતુ જે વ્યક્તિએ સિદ્ધિ-લાભ કર્યાે હોય, જેણે ઈશ્વર-દર્શન કર્યું હોય તે પાપ કરી શકે નહિ. તાલીમ પામેલ નૃત્યકારનો પગ તાલ બહાર પડે જ નહિ! જેનું ગળું કેળવાયેલું હોય, તેના અવાજમાં ‘સા,રે,ગ,મ’ પ્રમાણેના જ સૂર આવી જાય.

ભોજન તૈયાર. ઠાકુર ભક્તોની સાથે ઘરના અંદરના ભાગમાં ગયા અને જમવા બેઠા. ભક્તિમાન બ્રાહ્મણ ગૃહસ્થનું ઘર, એટલે શાકભાજી ઘણી જાતનાં કર્યાં હતાં અને મિષ્ટાન્ન પણ તરેહ તરેહનાં બનાવ્યાં હતાં. 

બપોરના ત્રણ વાગ્યા છે. જમી પરવારી રહ્યા પછી શ્રીરામકૃષ્ણ ઈશાનના દીવાનખાનામાં આવીને બેઠા છે. પાસે શ્રીશ અને માસ્ટર બેઠા છે. ઠાકુર શ્રીશની સાથે વળી વાતો કરે છે.

શ્રીરામકૃષ્ણ – ઈશ્વર પ્રત્યે તમારો કેવો ભાવ? ‘સોઽહમ્’ કે સેવ્ય-સેવકનો?

(ગૃહસ્થ માટે જ્ઞાનયોગ કે ભક્તિયોગ?)

સંસારી માણસને માટે સેવ્ય-સેવક ભાવ સારો. બધું કર્યે જવાય છે, એવી અવસ્થામાં ‘સોઽહમ્’ ‘હું જ ઈશ્વર,’ એવો ભાવ કેમ કરીને આવે? જે કહે કે ‘હું જ ઈશ્વર, સોઽહમ્,’ તેને માટે જગત સ્વપ્નવત્, તેનું પોતાનું શરીર, મન પણ સ્વપ્નવત્, તેનું પોતાનું ‘હું અમુક’ એવું વ્યક્તિ-ભાન પણ સ્વપ્નવત્. એટલે પછી સાહજિક રીતે જ સંસારનું કામકાજ એ કરી શકે નહિ. માટે સેવક-ભાવ, દાસ-ભાવ, બહુ જ સારો.

‘હનુમાનનો દાસ-ભાવ હતો. હનુમાને રામને કહ્યું કે ‘રામ’, ક્યારેક હું એમ માનું કે તમે પૂર્ણ, હું અંશ; તમે પ્રભુ, હું તમારો દાસ; અને જ્યારે તત્ત્વજ્ઞાન થાય, ત્યારે જોઉં કે તમે જ હું અને હું જ તમે.

‘તત્ત્વજ્ઞાન વખતે સોઽહમ્ થઈ શકે. પરંતુ એ તો બહુ દૂરની વાત.’

શ્રીશ – જી હા. દાસ-ભાવમાં માણસ નિશ્ચિંત, પ્રભુની ઉપર બધો ભરોસો. કૂતરું બહુ જ સ્વામી-ભક્ત; એટલે માલિકની ઉપર ભરોસો મૂકીને નિશ્ચિંત.

(જે સાકાર તે જ નિરાકાર – નામમાહાત્મ્ય)

શ્રીરામકૃષ્ણ – વારુ, તને સાકાર ગમે કે નિરાકાર? વાત એમ છે કે જે નિરાકાર તે જ સાકાર. ભક્તને ઈશ્વર સાકારરૂપે દર્શન દે. જેમ કે અનંત જળરાશિ, મહાસમુદ્ર, ક્યાંય કિનારો નહિ. એ જળમાં કોઈ કોઈ સ્થળે બરફ જામી જાય, બહુ ઠંડીથી બરફ થઈ જાય. બરાબર તેવી જ રીતે ભક્તિરૂપી હિમથી ઈશ્વરનું સાકારરૂપ દેખાય. વળી, જેમ સૂર્ય ઊગે એટલે બરફ ઓગળી જાય, પાણી જેવું હતું તેવું જ રહે, બરાબર એવી જ રીતે જ્ઞાનમાર્ગે, વિચારમાર્ગે જવાથી સાકાર રૂપ દેખાય નહિ; વળી પાછું બધું નિરાકાર. જ્ઞાન-સૂર્યનો ઉદય થવાથી જાણે કે સાકાર બરફ ઓગળી ગયો. 

પરંતુ જુઓ કે જે નિરાકાર તે જ સાકાર.

સંધ્યા થવા આવી. ઠાકુર ઊઠ્યા. હવે દક્ષિણેશ્વર જવાના. દીવાનખાનાની દક્ષિણે ઓસરીમાં ઊભા રહીને ઠાકુર ઈશાનની સાથે વાત કરી રહ્યા છે. એટલામાં એક જણ કહે છે કે ભગવાનનું નામ લેવાથી દરેક વખતે ફળ મળે એવું તો જોવામાં આવતું નથી.

ઈશાન કહે છે કે શું? પીપળાનું બીજ એકદમ બારીક ભલે ને હોય, પરંતુ તેની જ અંદર મહાન વૃક્ષ રહ્યું છે! સમય થતાં એ ઝાડ દેખાય.

શ્રીરામકૃષ્ણ – હા, હા. મોડેથી ફળ મળે.

(ઈશાન નિર્લિપ્ત સંસારી – પરમહંસ અવસ્થા)

ઈશાનનું મકાન તેના સસરા ક્ષેત્રનાથ ચેટરજીના મકાનની પૂર્વ તરફ. બંને મકાનોની વચ્ચે આવજા માટે રસ્તો છે. ચેટરજી મહાશયના મકાનના ફાટક પાસે ઠાકુર આવીને ઊભા છે. ઈશાન પોતાના ઇષ્ટ મિત્રોની સાથે ઠાકુરને ગાડીમાં બેસાડવા આવ્યા છે.

ઠાકુર ઈશાનને કહે છે કે ‘તમે જે સંસારમાં રહો છો તે બરાબર કાદવી માછલીની જેમ. એ માછલી તળાવના કાદવમાં રહે, પરંતુ અંગે કાદવ જરાય લાગે નહિ.’

‘આ માયાના સંસારમાં વિદ્યા અને અવિદ્યા બંને છે. પરમહંસ કોને કહું? જે હંસની પેઠે દૂધપાણી એકસાથે હોય તો પણ પાણી છોડીને દૂધ લઈ શકે. કીડીની પેઠે રેતી અને ખાંડ એકસાથે ભળી ગયાં હોય તો પણ રેતી છોડીને ખાંડ લઈ શકે.’

Total Views: 296
ખંડ 18: અધ્યાય 6 : ઠાકુર શ્રીરામકૃષ્ણને કોલકાતામાં નિમંત્રણ - શ્રીયુત્ ઈશાન મુખોપાધ્યાયના ઘરે શુભાગમન
ખંડ 18: અધ્યાય 8 : શ્રીરામકૃષ્ણનો ધર્મસમન્વય - ઈશ્વરકોટિનો અપરાધ ન હોય