દક્ષિણેશ્વર કાલી-મંદિરમાં મંગળા-આરતીનો મધુર અવાજ સંભળાઈ રહ્યો છે. એ સાથે પ્રભાતી રાગે મધુર સ્વરે શરણાઈ વગેરે વાગી રહ્યાં છે. ઠાકુર શ્રીરામકૃષ્ણ ઊઠીને મધુર સ્વરે ઈશ્વરનાં નામોનું ઉચ્ચારણ કરી રહ્યા છે. ઓરડામાં જે બધાં દેવ-દેવીઓનાં ચિત્રો હતાં તે બધાંને તેમણે એક પછી એક પ્રણામ કર્યા. પશ્ચિમ બાજુની ગોળ ઓસરીમાં જઈને ભાગીરથીનાં દર્શન કર્યાં અને પ્રણામ કર્યા. ભક્તો કોઈ કોઈ ત્યાં છે. તેઓએ સવારનો કાર્યક્રમ પતાવીને એક પછી એક આવીને ઠાકુર શ્રીરામકૃષ્ણને પ્રણામ કર્યા. 

રાખાલ હમણાં ઠાકુરની સાથે રહે છે. બાબુરામ ગઈ રાત્રે આવેલ છે. મણિ ઠાકુરની પાસે આજ ચૌદ દિવસ થયા રહે છે. 

આજ ગુરુવાર, માગશર વદ તેરશ, તારીખ ૨૭મી ડિસેમ્બર, ઈ.સ. ૧૮૮૩. આજે ઠાકુર વહેલા વહેલા સ્નાન વગેરે કરી લઈને કોલકાતા જવાની તૈયારી કરી રહ્યા છે. શ્રીરામકૃષ્ણે મણિને બોલાવીને કહ્યું કે ઈશાનને ત્યાં આજે જવાનું કહી ગયા છે. બાબુરામ આવશે, તમે પણ મારી સાથે ચાલો.

મણિ જવા સારુ તૈયાર થવા લાગ્યા.

ઠંડીના દિવસો છે, સમય આઠ વાગ્યાનો. નોબતખાનાની પાસે ગાડી આવીને ઊભી રહી, ઠાકુરને લઈ જવા માટે. ચારે બાજુ ફૂલઝાડ, સામે ભાગીરથી, દિશાઓ બધી પ્રસન્ન. શ્રીરામકૃષ્ણે દેવતાઓનાં ચિત્રો પાસે ઊભા રહીને પ્રણામ કર્યા અને જગદંબાનું નામ લેતાં લેતાં ઓરડામાંથી નીકળીને ગાડીમાં બેઠા. સાથે બાબુરામ અને મણિ. તેમણે ઠાકુરની ઓઢવાની શાલ, ગરમ કાનટોપી અને મુખવાસનો બટવો એ બધાં સાથે લીધાં છે; કારણ કે ઠંડીના દિવસો છે એટલે સંધ્યા સમયે ઠાકુર ગરમ કપડાં ઓઢવાના.

ઠાકુર સહાસ્ય-વદન; આખે રસ્તે આનંદ કરતા આવે છે. સમય સવારના નવ. ગાડી કોલકાતામાં પ્રવેશ કરી શ્યામબજારમાં થઈને મછવા બજારના ચાર રસ્તા પર આવી પહોંચી. મણિએ ઈશાનનું ઘર જોયું હતું. તેમણે ચાર રસ્તા પરથી ગાડીને વળાંક લેવરાવીને ઈશાનના ઘરની સામે ઊભી રાખવાનું કહ્યું.

ઇશાન મુખોપાધ્યાયનું મકાન

ઈશાન પોતાનાં સગાંવહાલાંની સાથે આદરપૂર્વક હસતે ચહેરે ઠાકુરનું સ્વાગત કરીને તેમને નીચેના દીવાનખાનામાં તેડી ગયા. ઠાકુર ભક્તો સાથે બેઠા.

પરસ્પર કુશળ-પ્રશ્ન વગેરે પૂછીને ઠાકુર ઈશાનના પુત્ર શ્રીશની સાથે વાતો કરે છે. શ્રીશ અૅમ.એ..બી.એલ.માં પાસ થઈને અલીપુર કોર્ટમાં વકીલાત કરે છે. મૅટ્રિક અને ઈન્ટરની પરીક્ષામાં આખી યુનિવર્સિટીમાં એ પહેલે નંબરે આવ્યા હતા. અત્યારે તેમનું વય લગભગ ત્રીસ વરસનું હશે. તેમનામાં જેવી વિદ્વત્તા, તેવો જ વિનય. તેમને જોઈને માણસને એમ લાગે કે જાણે એ કાંઈ જ જાણતા નથી. શ્રીશે હાથ જોડીને ઠાકુરને પ્રણામ કર્યા. મણિએ શ્રીશનો ઠાકુરની સાથે પરિચય કરાવ્યો અને બોલ્યા, ‘આવી શાન્ત પ્રકૃતિનો માણસ મેં જોયો નથી.’

(કર્મબંધનની મહૌષધિ અને પાપકર્મ – કર્મયોગ)

શ્રીરામકૃષ્ણ (શ્રીશને) – તમે શું કરો છો, ભાઈ?

શ્રીશ – જી, હું અલિપુરની કોર્ટમાં વકીલાત કરું છું.

શ્રીરામકૃષ્ણ (મણિને) – આવા માણસે વકીલાત કરવી! જરા રહીને (શ્રીશને) – વારુ, તમારે કંઈ પૂછવાનું છે?

‘સંસારમાં અનાસક્ત થઈ રહેવું, શું કહો છો?’

શ્રીશ – પરંતુ કામધંધાને અંગે સંસારમાં કેટલાં ખોટાં કામ કરવાં પડે? કોઈ પાપ-કર્મ કરે, કોઈ પુણ્ય-કર્મ કરે. એ બધું શું પૂર્વનાં કર્માેનાં ફળ છે, એટલે કરવાં જ પડે?

શ્રીરામકૃષ્ણ – કર્માે ક્યાં સુધી? જ્યાં સુધી ઈશ્વર-પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી. ઈશ્વર-પ્રાપ્તિ થયે એ બધાં જાય. ત્યારે પછી પાપ-પુણ્યથી પર થઈ જાય. 

‘ઝાડમાં ફળ બેસે એટલે ફૂલ ખરી પડે, ફૂલ આવે તે ફળ થવા માટે.’ 

સંધ્યા વગેરે કર્માે ક્યાં સુધી? જ્યાં સુધી ઈશ્વરનું નામ લેતાં રોમાંચ ન થાય અને આંખોમાંથી પ્રેમનાં અશ્રુ ન ઝરે ત્યાં સુધી. એ બધી અવસ્થાઓ ઈશ્વર-પ્રાપ્તિનાં લક્ષણ; ઈશ્વરમાં શુદ્ધ ભક્તિનાં લક્ષણ.

ઈશ્વરને જાણ્યા પછી પાપ-પુણ્યથી પાર થાય. 

‘પ્રસાદ કહે મેં ભુક્તિ-મુક્તિ બેઉને માથે મૂક્યાં છે, મેં કાલી-બ્રહ્મ જાણી મર્મ, ધર્માધર્મ બેઉ છોડ્યાં છે.’ 

ઈશ્વર તરફ જેટલા આગળ વધશો, તેટલાં તે કર્માે ઓછાં કરી નાખશે. ગૃહસ્થના ઘરની વહુ બે જીવવાળી થાય એટલે સાસુ ધીમે ધીમે કામ ઓછાં કરી નાખે. જ્યારે દસ માસ થાય ત્યારે કામ સાવ ઓછું કરી નાખે. બાળક આવે એટલે પછી એ એને લઈને જ ફર્યા કરે. એ છોકરાની સાથે જ આનંદ.

શ્રીશ – સંસારમાં રહીને ઈશ્વર તરફ જવું બહુ જ કઠણ.

(ગૃહસ્થ સંસારીઓને ઉપદેશ – અભ્યાસયોગ અને નિર્જનમાં સાધના)

શ્રીરામકૃષ્ણ – કેમ? અભ્યાસ-યોગ! દેશમાં ભાડભૂંજાનાં બૈરાં પૌંવા ખાંડે. એ કેટલી બાજુએ સંભાળીને કામ કરે, સાંભળો. ઉપરથી સાંબેલું એક સરખી રીતે પડ્યા કરે છે. બાઈ નીચે એક હાથથી ડાંગર સંકોરતી જાય છે. 

બીજે હાથે છોકરાને ખોળામાં ધવરાવે છે. એ વખતે વળી ઘરાક આવેલ છે. આ બાજુ સાંબેલું પડ્યે જ જાય છે, ને એ સાથે ઘરાકની સાથે વાત પણ કરે છે. ઘરાકને કહે છે કે ‘તો પછી આગલા જે પૈસા બાકી રહ્યા છે તે ચૂકતે કરી જાઓ ને પછી નવો માલ લઈ જાઓ.’

‘જુઓ છોકરાને ધવરાવવું, સાંબેલું પડ્યા કરે તેની નીચેની ડાંગર સંકોરવી, અને ખંડાયેલી ડાંગર ભરીને ઉપાડી લેવી, અને એ સાથે ઘરાકની સાથે વાતો કરવી, એ બધું તે એકી સાથે કરી રહી છે. આનું નામ અભ્યાસ-યોગ. પરંતુ તેનું પંદર આના મન સાંબેલા તરફ હોય, કદાચ તે હાથ પર પડે તો? બાકીના એક આનામાં છોકરાને ધવરાવવાનું અને ઘરાક સાથે વાત કરવાનું! તેમ, જેઓ સંસારમાં છે તેમણે પંદર આના મન ભગવાનને આપવું ઉચિત, નહિતર સર્વનાશ! કાળના પંજામાં સપડાવું પડે. બાકીના એક આના મનથી બીજાં કામ કરો. 

જ્ઞાન થયા પછી સંસારમાં રહી શકાય. પરંતુ જ્ઞાન-પ્રાપ્તિ તો કરવી જોઈએ ને? સંસારરૂપી પાણીમાં મનરૂપી દૂધને એમને એમ રાખીએ તો દૂધ-પાણી ભેગાં ભળી જાય. એટલા માટે મનરૂપી દૂધનું દહીં બનાવી, એકાંતમાં વલોવીને માખણ કાઢીને પછી સંસારરૂપી જળમાં રાખવું જોઈએ.

આમ કરો એટલે થયું, માટે જ સાધનાની જરૂર. શરૂઆતની અવસ્થામાં એકાંત સ્થાનમાં રહેવાની બહુ જરૂર. પીપળાનું ઝાડ જ્યારે નાના રોપા જેવડું હોય ત્યારે તેની આસપાસ વાડ કરી લેવી જોઈએ; નહિતર ગાય-બકરાં તેને ખાઈ જાય. પણ થડ મોટું થઈ જાય એટલે પછી વાડ કાઢી નાખે. એટલે સુધી કે એ થડે હાથી બાંધી દો ને, તોય ઝાડને કાંઈ થાય નહિ.

‘એટલા માટે શરૂઆતમાં અવારનવાર એકાંતમાં જઈને રહેવું જોઈએ. સાધનાની બહુ જ જરૂર છે. ભાત રાંધીને ખાવા હોય તો માત્ર બેઠા બેઠા બોલ્યા કરે કે ‘લાકડામાં અગ્નિ છે, એ અગ્નિથી ભાત રંધાય;’ એમ કહેવાથી શું ભાત તૈયાર થાય? બીજું એક લાકડું લાવીને લાકડે લાકડું ઘસો ત્યારે અગ્નિ થાય. 

ભાંગ પીધે નશો ચડે, આનંદ થાય. પણ પીધા વગર, કંઈ કર્યા વગર બેઠા બેઠા બોલ્યા કરો કે ‘ભાંગ! ભાંગ!’ એથી શું નશાનો રંગ આવે કે? આનંદ આવે કે?’

(જીવનનો ઉદ્દેશ ઈશ્વરપ્રાપ્તિ – પરા અને અપરા વિદ્યા – ‘દૂધ પીવું’)

‘ગમે તેટલા ભણોગણો, પણ ઈશ્વરમાં ભક્તિ ન હોય, જો ઈશ્વરને પ્રાપ્ત કરવાની ઇચ્છા ન હોય તો એ બધુંય નકામું. એકલી વિદ્વત્તા હોય, અંદર વિવેક, વૈરાગ્ય ન હોય તો તેની નજર કામ-કાંચનમાં રહે. ગીધ આકાશમાં ખૂબ ઊંચે ઊડે, પરંતુ તેની નજર ઉકરડા તરફ.

‘જે વિદ્યાથી ઈશ્વરને જાણી શકાય, એ જ ખરી વિદ્યા, બીજું બધું મિથ્યા! 

વારુ, તમારી ઈશ્વર વિશે શી ધારણા છે?’

શ્રીશ – જી, હું એટલું સમજ્યો છું કે તે એક જ્ઞાનમય પુરુષ છે. તેની સૃષ્ટિ જોઈને તેના જ્ઞાનનો પરિચય મળી શકે છે. દાખલા તરીકે એક વાત કહું : શીતપ્રધાન દેશોમાં માછલાં અને બીજાં જળચર પ્રાણીઓને જીવતાં રાખવામાં ઈશ્વરનું કૌશલ્ય જુઓ. જેમ જેમ ઠંડી પડે તેમ તેમ પાણી સંકોચાય, પરંતુ નવાઈની વાત કે બરફ થવાની સહેજ પહેલાં એ જ પાણી હલકું થાય અને તેનું કદ વધે! તળાવના પાણીમાં અત્યંત ઠંડીમાંય માછલાં વગેરે જળચરો સહેલાઈથી રહી શકે. કારણ કે પાણીનો ઉપરનો ભાગ બધો બરફ થઈ જાય, પરંતુ નીચે જેવું પાણી હોય તેવું જ પાણી! જો ખૂબ ઠંડો પવન વાય તો એ પવન બરફની ઉપર જ લાગે, નીચેનું પાણી ગરમ રહે.

શ્રીરામકૃષ્ણ – ઈશ્વર છે એ તો જગત જોતાં સમજી શકાય. પરંતુ ઈશ્વર સંબંધે સાંભળવું ને જાણવું એ એક વસ્તુ, ને તેને પ્રત્યક્ષ જોવો એ જુદી વસ્તુ, પણ તેની સાથે વાતચીત કરીને પરિચય અને સંબંધ બાંધવો એ વળી સાવ અલગ જ વસ્તુ! કોઈએ દૂધ વિશે સાંભળ્યું છે, કોઈએ દૂધ જોયું છે, તો કોઈએ દૂધ પીધું છે. એ ત્રણે જુદી વસ્તુ. દૂધ જુઓ તો આનંદ આવે ને? પીઓ તો જ બળ આવે ને? ત્યારે જ હૃષ્ટપુષ્ટ થવાય ને? ભગવાનનાં દર્શન કરો તો જ શાંતિ મળે, તેમની સાથે વાતચીત કરો ત્યારે જ આનંદ મળે ને શક્તિ વધે!

(મુમુક્ષુત્વ કે ઈશ્વર માટે વ્યાકુળતા સમયસાપેક્ષ છે)

શ્રીશ – ઈશ્વરને યાદ કરવાનો સમય મળતો નથી.

શ્રીરામકૃષ્ણ (હસીને) – એ ખરું. સમય પાક્યા વિના કશું થાય નહિ. એક છોકરું રાત્રે સૂઈ જતી વખતે માને કહે છે કે ‘બા, રાતમાં મને જ્યારે હાજત લાગે ત્યારે ઉઠાડજો.’ માએ કહ્યું કે ‘બેટા, હાજત જ તને ઉઠાડશે. મારે ઉઠાડવો નહિ પડે!’

તેમ જેને જે આપવાનું છે એ બધું ઈશ્વરે નક્કી કરી રાખેલું છે. એક મોટા કુટુંબની સાસુ હતી. ઘરમાં સાત આઠ વહુઓ. રાંધવા માટેનો ભાત સાસુ પવાલાના માપથી ભરીને કાઢી આપતી. પણ એથી રોજ ભાત સહેજ ઓછો પડતો. એક દિવસે એ પવાલું ભાંગી ગયું. એટલે વહુઓ ગેલમાં આવી જઈને આનંદ કરવા લાગી. એટલે સાસુ બોલી ઊઠ્યાં કે ‘વહુ-દીકરા, તમે ભલે ને નાચો કૂદો, પણ મારા હાથની અટકળ તો છે ને?’

(મુખત્યારનામું કે બકલમા આપો)

શ્રીરામકૃષ્ણ (શ્રીશને) – ‘ત્યારે પછી શું કરવું? ઈશ્વરનાં ચરણમાં બધું સમર્પણ કરી દો; તેને મુખત્યારનામું આપો. એને જે સારું લાગે તે કરે. મોટા માણસ ઉપર જો ભાર મૂકો તો એ માણસ ક્યારેય તમારું ખરાબ કરે નહિ.

‘સાધનાની જરૂર ખરી; પણ સાધકો બે પ્રકારના હોય છે. એક પ્રકારના સાધકોનો વાંદરીનાં બચ્ચાં જેવો સ્વભાવ. બીજા એક પ્રકારના સાધકોનો બિલાડીનાં બચ્ચાં જેવો સ્વભાવ. વાંદરીનું બચ્ચું પોતે જેમ તેમ કરીને માને જકડીને વળગી રહે. એ પ્રમાણે કોઈ કોઈ સાધક મનમાં માને કે આટલા જપ કરવા જોઈએ, આટલાં ધ્યાન કરવાં જોઈએ, આટલી તપસ્યા કરવી જોઈએ, તો જ ભગવાનને પામી શકાય. એ સાધક પોતે પ્રયાસ કરીને ઈશ્વરને પકડવા ઇચ્છે!

‘પરંતુ બિલાડીનું બચ્ચું પોતે માને પકડી શકે નહિ; એ પડ્યું પડ્યું માત્ર ‘મ્યાઉં મ્યાઉં’ કરીને માને બોલાવ્યા જ કરે. માની ઇચ્છા હોય તેમ કરે. તેની મા તેને ક્યારેક પથારી પર, તો ક્યારેક અગાસીમાં લાકડાંના ઢગલાની પાછળ મૂકી રાખે. તેની મા તેને મોઢામાં પકડીને અહીંતહીં લઈ જાય, એ પોતે માને પકડવાનું જાણે નહિ. એ પ્રમાણે કોઈ સાધક પોતે હિસાબ કરીને કશી સાધના કરી શકે નહિ કે આટલા જપ કરવા, આટલું ધ્યાન કરવું વગેરે. એ માત્ર આતુર થઈને રડી રડીને ઈશ્વરને પોકાર્યા કરે. ઈશ્વર તેનું રુદન સાંભળીને રહી શકે નહિ; આવીને દર્શન દે.’

Total Views: 301
ખંડ 18: અધ્યાય 5 : શ્રીયુત્ રામચંદ્રના બગીચામાં શ્રીરામકૃષ્ણ ભક્તો સંગે
ખંડ 18: અધ્યાય 7 :